વ્યૂપૉઈન્ટ: 'મોદીના નોટબંધીના નિર્ણયે ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું'

બૅન્ક બહારની કતાર Image copyright Getty Images
ફોટો લાઈન જૂની ચલણી નોટો જમા કરવવા માટે લોકોએ બૅન્ક બહાર કતારો લગાવી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ની સાંજે જાહેર કર્યું કે ઊંચા દરની ચલણી નોટોને નાણાંકીય વ્યવસ્થામાંથી પરત ખેંચવામાં આવી રહી છે.

આ નિર્ણય ભ્રષ્ટાચારને ડામવા અને કાળા નાણાંના સંગ્રહને ડામવા માટેનો આ એક પ્રયત્ન હોવાની તેમણે વાત કરી હતી. અર્થશાસ્ત્રી પ્રવીણ ચક્રવર્તી એક વર્ષ બાદ આ વિવાદાસ્પદ નિર્ણય વિશે તેમનો મત રજૂ કરી રહ્યા છે.

દેશની કુલ ચલણી નોટોના મૂલ્યનો આશરે 90 ટકા હિસ્સો ધરાવતી ચલણી નોટો રાતોરાત રદબાતલ થઈ જશે તેવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.

આ નિર્ણયને ભૂલભરેલી રીતે 'ડિમોનેટાઈઝેશન' એટલે કે વિમુદ્રીકરણ અને વ્યાપક રીતે નોટબંધીનું નામ અપાયું હતું, જેમાં રૂપિયા 500 અને રૂપિયા 1000ના દરની નોટો રદ્દ કરવામાં આવી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

રૂપિયા 500ની નવી રીતે ડિઝાઈન કરેલી નોટ અને રૂપિયા 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. તકનિકી રીતે આ પગલું 'ડિમોનેટાઈઝેશન' નહીં પરંતુ 'રિફર્બિશમેન્ટ' એટલે કે નવીનીકરણ છે.


રોકડા નાણાંની તરલતાનું સંકટ

Image copyright Getty Images
ફોટો લાઈન જૂની ચલણી નોટો જમા કરવવા માટે લોકોએ બૅન્ક બહાર કતારો લગાવી હતી

આ નિર્ણયની 100 કરોડથી પણ વધુ લોકોને અસર થઈ હતી. વર્ષ 2016ની 'ધ ગ્રેટ ઈન્ડિયન ડિમોનેટાઈઝેશન' વર્તમાન ઈતિહાસની સૌથી વધુ લોકોને અસર કરનારી આર્થિક નીતિ ગણી શકાય.

આઠમી નવેમ્બર, 2016ના રોજના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કાળા નાણાંને બહાર લાવવું, નકલી ચટણી નોટોને દૂર કરવી અને ઉગ્રવાદ માટે મળતા ભંડોળનો અંત આણવો એ આ નિર્ણયના મુખ્ય ત્રણ હેતુ છે.

બાદમાં તેઓ જાપાનના ત્રણ દિવસના પ્રવાસ પર જતા રહ્યા હતા, જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે સ્થિતિ વધુ વણસી ગઈ હતી. બેન્ક એટીએમમાંથી રોકડ ઉપાડવા માટેની લાંબી કતારો રોજ જોવા મળતી હતી.

ઘણાં પરિવારો રોકડના અભાવના કારણે અસહાય બન્યા હતા. લગ્નો રદ્દ કરવામાં આવ્યા, નાના વેપારીઓએ વેપાર બંધ કર્યો અને આર્થિક સક્રિયતામાં વિક્ષેપ પડ્યો હતો.

રોકડની તરલતા સમક્ષ સંકટ ઊભું થયું હતું. સ્ટેન્ડ-અપ કોમેડિયનો આ મુદ્દા પર નવી રમૂજી સ્ક્રીપ્ટ લખી રહ્યા હતા.


કાળા નાણું ન આવ્યું તો કૅશલેસ અર્થતંત્રનો દાવો

Image copyright Getty Images
ફોટો લાઈન સરકારના નિર્ણયનો ઘણાં પક્ષો અને લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો

તે સમયે ભારતમાં ગ્રાહકો દ્વારા કરવામાં આવતી ચૂકવણીઓમાં 95 હિસ્સો રોકડનો હતો. મોદી જાપાનથી પરત ફર્યા અને આ અવ્યવસ્થાની સ્થિતિ વિશે લોકોને સંબોધિત કરવા માગતા હોય તેવું લાગી રહ્યું હતું.

બાદમાં તેમણે કહ્યું કે ભારતને 'કૅશલેસ' અને 'ડિજિટલ અર્થતંત્ર' બનવા તરફ વેગ આપવા માટે આ નિર્ણય જરૂરી હતો.

જાપાનથી પરત આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ આપેલા ભાષણોમાં 'બ્લેક મની' શબ્દ કરતા 'કૅશલેસ' અને 'ડિજિટલ' શબ્દોનો ઉપયોગ ત્રણ ગણો થયો હતો.

જ્યારે આઠમી નવેમ્બરે તેમણે કરેલી જાહેરાતમાં 'કૅશલેસ' કે 'ડિજિટલ' શબ્દોનો ઉલ્લેખ નહોતો.

અમુક અઠવાડિયાઓમાં જ 'ડિમોનેટાઈઝેશન' એ બેનામી સંપત્તિને બહાર લાવવાના પ્રયત્નમાંથી એક એવી જાદુઈ છડીમાં પરિવર્તિત થયું હતું જેના દ્વારા ગરીબીથી ઘેરાયેલા દેશને 'કૅશલેસ અર્થતંત્ર'માં ફેરવવાનો હતો.

બહાદુરીનો આ દેખાવ પ્રસંશનીય અને હાસ્યાસ્પદ હતો.


જાપાનના જીડીપીમાં રોકડનો હિસ્સો સૌથી મોટો છે

Image copyright Getty Images
ફોટો લાઈન નોટબંધી બાદ રૂપિયા 500 અને 2000ની નવી નો બહાર પાડવામાં આવી હતી.

કરુણાંતિકા એ છે કે દેશને રોકડમાંથી મુક્ત કરવાનો દેખાડો કરતા નિર્ણય બાદ વડાપ્રધાન જાપાન ગયા હતા ત્યાંના જીડીપી દરમાં રોકડનો સૌથી મોટો હિસ્સો છે.

વિશ્વનાં મોટા અર્થતંત્રોના જીડીપી દરમાં રોકડની હિસ્સેદારની દૃષ્ટિએ આ જાપાનનું અર્થતંત્ર મોખરે છે.

એ વાત અસ્પષ્ટ છે કે 'કૅશલેસ અર્થતંત્ર'નો માર્ગ શા માટે એકાએક ભારતની સૌથી મહત્વની આર્થિક પ્રાથમિકતા બની રહ્યો છે?

'ડિમોનેટાઈઝેશન' માટે કહેવાયેલી આ વાર્તામાં ફેરફાર કરવો અનિવાર્ય હતો કારણ કે ત્રણ મુખ્ય હેતુઓ માટે થયેલો અમલ અસ્પષ્ટ અને શંકાસ્પદ હતો.

'ડિમોનેટાઈઝેશન' કાળાં નાણાંને બહાર લાવી શકે તેમ નહોતું. કારણ કે વિવિધ સંશોધન અભ્યાસોએ દૃઢ રીતે તારણ આપ્યું છે કે ભારતમાં રહેલી ગેરકાયદે સંપત્તિનો છ ટકાથી પણ ઓછો હિસ્સો રોકડ સ્વરૂપે છે.


માખી મારવા હથોડાનો ઉપયોગ

Image copyright Getty Images
ફોટો લાઈન 'નકલી ચલણ એ વૈશ્વિક અને નિરંતર સમસ્યા છે'

આમ, છ ટકા ગેરકાયદે સંપત્તિને બહાર લાવવા દેશનાં કુલ રોકડ મૂલ્યના 90 ટકાથી પણ વધુ હિસ્સાને રદ્દ કરવો એ માખી મારવા માટે હથોડાનો ઉપયોગ કરવા સમાન છે.

નકલી ચલણી નોટને નાબૂદ કરવાનો તર્ક પણ ગેરમાર્ગે દોરનારો હતો. કારણ કે 'રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયા'નો જ એક અંદાજ હતો કે દેશમાં ચલણમાં રહેલી કુલ ચલણી નોટોનો 0.02 ટકાથી પણ ઓછો હિસ્સો નકલી ચલણી નોટોએ રોકેલો છે.

નકલી ચલણ એ વૈશ્વિક અને નિરંતર સમસ્યા છે. જેનો ઉકેલ 'ડિમોનેટાઈઝેશન' દ્વારા નહીં પરંતુ સમયાંતરે ડિઝાઈનમાં પરિવર્તન કરી લાવવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું ત્રીજું કારણ એ હતું કે ભારતમાં ઊંચા દરની ચલણી નોટોનું પ્રમાણ અમર્યાદિત રીતે વધુ છે, જેના કારણે ઉગ્રવાદી પ્રવૃત્તિઓને ભંડોળ મળી રહે છે. આ કારણ પણ ભૂલભરેલું છે.

ઊંચા દરનાં ચલણનો હિસ્સો ભારતના જીડીપી સાથે સમાંતર વૃદ્ધિ કરી રહ્યો હતો. દેશના જીડીપીમાં આ પ્રકારના ચલણનો હિસ્સો લગભગ નવ ટકા હતો જે પાંચેક વર્ષ સુધી સતત રહ્યો હતો.

બીજી વાત એ કે એવો કોઈ પુરાવો નથી કે ઊંચા દરની ચલણી નોટોના પ્રમાણમાં વધારો થતા ઉગ્રવાદી ઘટનાઓમાં પણ વધારો થાય છે.


અસ્પષ્ટ તર્ક

Image copyright Getty Images
ફોટો લાઈન 'ઊંચા દરના ચલણનો હિસ્સો ભારતના જીડીપી સાથે સમાંતર વૃદ્ધિ કરી રહ્યો હતો'

આમ આ વાત સ્પષ્ટ છે કે 'ડિમોનેટાઈઝેશન' માટે રજૂ કરવામાં આવેલા આર્થિક તર્ક નક્કર નહોતા. મોટા સ્તરે પર લેવાયેલા આ નિર્ણય પાછળ અન્ય કોઈ તર્ક હતા જેના વિશે અટકળો લગાવવાની બાકી છે.

જેવી રીતે 'ડિમોનેટાઈઝેશન'ના તર્ક અસ્પષ્ટ છે તેવી જ રીતે તેની કિંમતના ચોક્કસ પરિમાણો પણ અસ્પષ્ટ છે.

દેશના અર્થતંત્રની ધીમી પડી રહેલી પ્રગતિ અને 'ડિમોનેટાઈઝેશન'ના કારણે સર્જાયેલી બેરોજગારી વિશેના વિવિધ સર્વે અને અભ્યાસ પર પણ વધારે ધ્યાન અપાઈ રહ્યું છે.

જીડીપીના આંકડાઓ પરથી અર્થતંત્ર વિશે અટકળો લગાવવી મુશ્કેલ છે. કદાચ 'ડિમોનેટાઈઝેશન'ની આર્થિક અસરનો તાગ મેળવવા માટે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે.

ખેતી, ઉત્પાદન અને બાંધકામ આ ત્રણ ક્ષેત્રો રોકડની અછતના કારણે વિકટ પરિસ્થિતિમાં છે. દેશની 'ગ્રોસ વેલ્યુ એડેડ(જીએવી)'નો 50 ટકાથી પણ વધુ હિસ્સો આ ક્ષેત્રો પાસે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન 'કેશલેસ અર્થતંત્ર'નો માર્ગ શા માટે એકાએક ભારતની સૌથી મહત્વની આર્થિક પ્રાથમિકતા બની રહ્યો છે?

વસ્તુઓના ઉત્પાદન અને સેવાઓ દ્વારા કેટલા પૈસા મેળવવામાં આવે છે, તેના આધારે 'ગ્રૉસ વેલ્યુ એડેડ'(જીવીએ) નક્કી કરવામાં આવે છે. દેશની રોજગારીના 75 ટકાથી પણ વધુનો હિસ્સો આ ક્ષેત્રો પાસે છે.

જીવીએની માહિતી પર નજર કરવામાં આવે તો મારા અભ્યાસ મુજબ આ ત્રણેય ક્ષેત્ર 8 ટકાના સતત અને નજીવા દરે પ્રગતિ કરી રહ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

'ડિમોનેટાઈઝેશન' બાદના છ મહિના દરમિયાન આ દર ઘટીને 4.6 ટકા પર પહોંચ્યો હતો. વૃદ્ધિમાં આવેલી આ પડતી પરથી આ ત્રણેય ક્ષેત્રમાં 'ડિમોનેટાઈઝેશન'ની અસરનો અંદાજ મેળવી શકાય છે.


અકારણ લાભ

Image copyright Getty Images
ફોટો લાઈન 'બૅંકોનું ભંડોળ ડિપોઝીટોથી ભરપૂર થયા હોવાથી વ્યાજ દર નીચા રહ્યા છે'

જો કે 'ડિમોનેટાઈઝેશન'ના કારણે અમુક અકારણ લાભ પણ મળ્યા હતા. બૅંકોનું ભંડોળ ડિપોઝીટોથી ભરપૂર થયું હતું. જેના કારણે વ્યાજ દર નીચા રહ્યા છે.

મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા સંચાલિત બૅન્કોને 'રિકેપિટલાઈઝેશન બૉન્ડસ'ની વ્યવસ્થા દ્વારા દેવામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરાયો છે.

ડિજીટલ ટ્રાન્ઝેક્શનમાં પણ ઉછાળો આવ્યો છે અને એવી દલીલ કરવામાં આવે છે કે ભારત હવે રોકડ પર ઓછું આધારિત રહેશે જો કે હજુ નિષ્ણાતોએ આ વિશે કોઈ અટકળ લગાવી નથી.

આ નિર્ણયના કારણે જે હાનિઓ થઈ છે જેમાંથી ઉગરતા ઘણો સમય લાગશે. દુઃખદ વાત એ છે કે આ મોટાં પગલાં પાછળનું ચોક્કસ કારણ હજી પણ આપણને ખબર નથી.

એવી આશા રાખી શકાય કે ભારતના આ અનુભવ પરથી અન્ય વિકાસશીલ દેશો શીખે આર્થિક નીતિ નિર્માણના માર્ગ પર વધુ ચીવટતાથી ચાલે.

(પ્રવીણ ચક્રવર્ચી આઈડીએફસી ઈન્સ્ટિટ્યુટના વરિષ્ઠ સંશોધક છે અને મુંબઈસ્થિત વિચારક છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો