પ્રેસ રિવ્યૂ : GTUના 41 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે

ભારતીય ટીમની તસવીર Image copyright Reuters

ભારતે ન્યૂઝીલેન્ડ સામેની આખરી એવી ત્રીજી ટી-20 મેચ છ રનથી જીતીને ત્રણ મેચોની શૃંખલા 2-1થી અંકે કરી લીધી છે. વરસાદી વિધ્નવાળી આ મેચમાં 8-8 ઓવરની રમાઈ હતી.

જનસત્તાના અહેવાલ મુજબ જસપ્રિત બુમરાહે સાતમી ઓવર ફેંકી તેનું કારણ કપ્તાન કોહલીએ જણાવ્યું છે. બુમરાહની સાતમી ઓવર મેચના વિજયમાં નિર્ણાયક પુરવાર થઈ હતી.

મેચ વિજય બાદ કોહલીએ કહ્યું, "બુમરાહને સાતમી ઓવર સુધી બીજી ઓવર નહીં આપવા મામલે ઉપ-કપ્તાન રોહિત શર્મા અને પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંઘ ધોનીએ સલાહ આપી હતી."

કોહલીએ ઉમેર્યું, "અમે વિચાર્યું કે જો અમે રન રેટ ઊંચું રાખી શકીએ તો હરીફ ટીમ પર દબાણ સર્જી શકીશું. પણ તે સરળ ન હતું. એવામાં રોહિત અને ધોનીએ ભલામણ કરી કે બુમરાહ પાસે સાતમી ઓવર કરાવીએ અને પંડ્યાએ આખરી ઓવર કરી."


જીએસટી મુદ્દે સુરતમાં વેપારીઓ સાથે પીયૂષ ગોયલની બેઠક

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

સંદેશમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ સુરતમાં વેપારીઓ સાથે કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલ અને મનસુખ માંડવિયાએ બેઠક કરી હતી.

અત્રે નોંધવું કે જીએસટીના વિરોધમાં સુરતના વેપારીઓએ 28 દિવસ સુધી બંધ પાળ્યો હતો.

અહેવાલ મુજબ ઉદ્યોગકારો અને વેપારીઓની રજૂઆત સાંભળી હતી અને બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

બેઠકમાં સુરતના હીરા અને કાપડ ઉદ્યોગના વેપારીઓએ રજૂઆત કરી હતી.


GTUનાં 41 હજાર વિદ્યાર્થી પરીક્ષા નહીં આપી શકે

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

સંદેશના અહેવાલ અનુસાર ગુજરાત ટેક્નોલૉજી યુનિવર્સિટીના ઈજનેરી, ફાર્મસી, એમબીએ- એમસીએ સહિતની રાજ્યભરમાં આવેલી 486 કોલેજના પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી 41 હજાર વિદ્યાર્થીઓને ઓછી હાજરીના લીધે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે.

ગત એપ્રિલમાં યોજાયેલી પરીક્ષામાં પણ લગભલ આચલા જ વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.

જે વિદ્યાર્થીએની ટર્મ ગ્રાન્ટ નથી થઈ તેમણે ફરીથી ટર્મ ગ્રાન્ટ કરાવવા સેમિસ્ટરમાં હાજરી આપવી પડશે. અહેવાલમાં પ્રકાશિત આંકડા પ્રમાણે ડિગ્રી ઈજનેરીમાં પરીક્ષા નહીં આપી શકનારા 13 હજાર 677 વિદ્યાર્થીઓ છે.

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નવીન શેઠે સંદેશને જણાવ્યું, "ક્લાસમાં ઓછી હાજરીને લીધે વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેશે. આ બાબતની અમે ગંભીરતાથી નોંધ લીધી છે. આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે જીટીયુનું તંત્ર કટિબદ્ધ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો