ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનો જંગ કઈ 61 બેઠકો માટે છે?

પાટીદાર-પટેલ જ્ઞાતિનું આંદોલન Image copyright Reuters
ફોટો લાઈન ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પાટીદાર-પટેલ જ્ઞાતિનું વર્ચસ્વ ધરાવતી 61 બેઠકો નિર્ણાયક રહેશે

એક રાજકીય આકલન મુજબ આગામી ડિસેમ્બર 2017માં 182 બેઠકો માટે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં 61 બેઠકો નવી સરકારની રચના માટે નિર્ણાયક રહેશે.

આ 61 બેઠકો મોટાભાગે પાટીદાર મતદારોની વસ્તી ધરાવતી બેઠકો છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહીતના મતક્ષેત્રોમાં આ 61 બેઠકો નિર્ણાયક સાબિત થશે.

તમને આ પણ વાંચવું ગમશે

અનેક રાજકીય વિશ્લેષકો અને ચૂંટણી લડી રહેલા પક્ષના નેતાઓ પણ માને છે કે આ બેઠકો પરની જીત નિર્ણાયક સાબિત થશે.


જનમત કઈ દિશામાં જશે?

Image copyright AFP
ફોટો લાઈન 'પાટીદાર-પટેલ જ્ઞાતિનું વર્ચસ્વ ધરાવતી 61 બેઠકોમાં મોટામાં મોટી જો કોઈ સમસ્યા હોય તો તે બેરોજગારીની છે'

નિર્ણાયક 61 બેઠકોનું રાજકીય અને જ્ઞાતિ આધારિત ગણિત સમજવાના હેતુથી બીબીસીએ રાજકીય વિશ્લેષકો, વરિષ્ઠ પત્રકારો અને યુવા અગ્રણીઓ સાથે વાતચીત કરી.

આ 61 બેઠકોનાં પરિણામની શું અસર થઈ શકે સમજવાનો પ્રયત્ન કર્યો હતો.

મોટાભાગના લોકોનું માનવું છે કે આ 61 બેઠકોમાં યુવા મતદાતાઓ નિર્ણાયક સાબિત થશે.

રાજકીય વિશ્લેષક અચ્યુત યાજ્ઞિકે બીબીસી સાથેની વાતચીત દરમ્યાન કહ્યું, "આ 61 બેઠકો પર કદાચ એવી પરિસ્થિતિ સર્જાઈ શકે કે એક જ ઘરમાં ત્રણ પેઢીના લોકો વસતા હશે."

"ત્રણેય પેઢીના લોકો આ વખતે પોતાના માટે જુદી જુદી રાજકીય પાર્ટી ને મત આપી શકે છે."

યાજ્ઞિક ઉમેરે છે કે પાટીદાર-પટેલ જ્ઞાતિનું વર્ચસ્વ ધરાવતી 61 બેઠકોમાં મોટામાં મોટી જો કોઈ સમસ્યા હોય તો તે બેરોજગારીની છે.


યુવા મતદારો

Image copyright Getty Images
ફોટો લાઈન 'ગુજરાતમાં 61 બેઠકો પર યુવા મતદારો આ વખતે કોંગ્રેસ તરફ મતદાન કરે તો નવાઈ નહિ'

યાજ્ઞિકની વાતમાં સૂર પુરાવતા વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રા પણ કહે છે, "ગુજરાતમાં આ 61 બેઠકો પર યુવા મતદારો આ વખતે કોંગ્રેસ તરફી મતદાન કરે તો નવાઈ નહીં."

મિશ્રા જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ યુવા મતદારોને તેમની તરફ રીઝવવા પ્રયાસો કર્યા છે પણ પરિણામ નથી મળી રહ્યું.

યાજ્ઞિક ઉમેરે છે કે પટેલ-પાટીદાર યુવા મતદારોમાં બીજા એક મુદ્દે એ નારાજગી પણ વ્યાપી રહી છે.

ખેતીની આવકનું જેમણે નાના ઉદ્યોગોમાં રોકાણ કર્યું હતું અને કારખાનાઓ સ્થાપ્યાં હતાં તેમાં હાલ મંદીનું વાતાવરણ છે.

યાજ્ઞિક કહે છે, "નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ઝડપી અમલીકરણને કારણે સૌથી વધુ માર આ નાના ઉદ્યોગોને પડ્યો છે."

25% ટકા જેવા નાના ઉદ્યોગો આ મંદીની મારમાં સપડાયેલા હોઈ બંધ થઈ ગયા છે અથવા તો તે બંધ થવાના આરે છે.


રણનીતિ

Image copyright Getty Images
ફોટો લાઈન પાટીદાર-પટેલ સમુદાયનું મહત્વ ધરાવતી 61 બેઠકો પર રાજકીય પાર્ટીઓનો મદાર

પાટીદાર-પટેલ સમુદાયે ગુજરાત સરકાર પાસે શિક્ષણ અને નોકરીઓ મુદ્દે અનામતની માંગ સાથે જે આંદોલન હાર્દિક પટેલની આગેવાનીમાં છેડ્યું હતું તેનો નિષ્કર્ષ પણ હાલ ગુજરાતમાં સત્તા પર સક્રિય એવી ભારતીય જનતા પાર્ટી લાવી શકી નથી.

તો આવી પરિસ્થિતિમાં આ પાટીદાર-પટેલ સમુદાયનું મહત્વ ધરાવતી 61 બેઠકો પર રાજકીય પાર્ટીઓ ક્યા પ્રકારના ખેલ ખેલી શકે છે?

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા યુવા અગ્રણી કિરણ પટેલ કહે છે, "ઉપરોક્ત 61 બેઠકોમાંથી 42 બેઠકો પર ગઈ વિધાનસભાની ચૂંટણીઓમાં 6,000 મતોની પાતળી સરસાઈથી હારજીત નક્કી થઈ હતી."

"એ પરિસ્થિતિમાં 2017ની ચૂંટણીઓમાં આ 61 બેઠકો નિર્ણાયક સાબિત થશે."

આવી પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા મિશ્રા કહે છે, "ભાજપની ગણતરી હાલના સંજોગોમાં 64 શહેરી બેઠકોમાં મતદારોને રીઝવવાની છે અને જો આમાં એ સફળ રહે તો એને સરકાર બનાવવા માટે બીજી 30-35 બેઠકો જોઈએ."

મિશ્રા ઉમેરે છે કે એકંદરે આ 61 બેઠકોમાંથી 30-35 બેઠકો જે પક્ષ તરફ ઝૂકશે તેની સરકાર રચાય તેવા સંજોગ નિર્માણ થવાની શક્યતા છે.


એ બેઠકો જેના પર છે મદાર

1.ઉધના

2.માંડવી

3.ભૂજ

4.અંજાર

5.રાપર

6.પાલનપુર

7.ચાણસ્મા

8.ઈડર

9.મોડાસા

10.બાયડ

11.પ્રાંતિજ

12.દહેગામ

13.ગાંધીનગર - ઉત્તર

14.ગાંધીનગર - દક્ષિણ

15.કલોલ

16.સાણંદ

17.વિજાપુર

18.વટવા

19.એલિસબ્રિજ

20.અમરાઈવાડી

21.દરિયાપુર

22.અસારવા

23.ધોળકા

24.ધંધુકા

25.દસાડા

26.લીમડી

27.વાંકાનેર

28.જામનગર - ઉત્તર

29.જામનગર - દક્ષિણ

30.તળાજા

31.પાલીતાણા

32.ભાવનગર - ગ્રામ્ય

33.ભાવનગર - પૂર્વ

34.ભાવનગર - પશ્ચિમ

35.ખંભાત

36.બોરસદ

37.આંકલાવ

38.ઉમરેઠ

39.સોજીત્રા

40.માતર

41.નડિયાદ

42.મહુધા

43.ઠાસરા

44.કપડવંજ

45.બાલાસીનોર

46.શેહરા

47.સાવલી

48.વાઘોડીયા

49.વડોદરા શહેર

50.અકોટા

51.રાવપુરા

52.માંજલપુર

53.પાદરા

54.કરજણ

55.નાંદોદ

56.જંબુસર

57.ભરૂચ

58.સુરત - પશ્ચિમ

59.નવસારી

60.વલસાડ

61.બાપુનગર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો