પાટીદાર અનામત આંદોલન વોટબેંકથી વિશેષ કશું નથી?

પ્રેસ-કોન્ફેરેન્સ સંબોધી રહેલા પાસના હોદ્દેદ્દારો Image copyright KIRAN PATEL
ફોટો લાઈન અનામત મુદ્દે કોંગ્રેસ સાથે ચર્ચા થયા બાદ પ્રેસ-કોન્ફેરેન્સ સંબોધી રહેલા પાસના હોદ્દેદ્દારો

પાટીદાર અનામત મુદ્દે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી ફોર્મ્યુલા પ્રમાણે પટેલોને અધર બેકવર્ડ કલાસ (ઓબીસી)માં સમાવવા કાયદાકીય અને બંધારણીય જોગવાઈઓ ચર્ચાઈ રહી છે.

ત્યારે બીજી બાજુ પાટીદાર સમાજ આ પરિસ્થિતિ પર કઈ રીતે નજર રાખીને બેઠો છે અને પાટીદાર સમાજ આ સંદર્ભે શું વિચારે છે?

બીબીસીએ પાટીદાર-પટેલ જ્ઞાતિના સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપરાંત રાજકીય વિશ્લેષકો, વરિષ્ઠ પત્રકારો અને નિષ્ણાતો સાથે આ સંદર્ભે ચર્ચા કરી.

આ સામાજિક અને રાજકીય રીતે પ્રવાહી પરિસ્થિતિ વિશે તેઓ શું માની રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો.

તમને આ પણ વાચવું ગમશે


સમાજ અને સંસ્થાનો

Image copyright Reuters
ફોટો લાઈન ગુજરાત રાજ્યમાં પટેલ સમુદાય 24% થી 27% વસ્તી વર્ચસ્વ ધરાવતો સમુદાય છે

સાડા છ કરોડની વસ્તી ધરાવતા ગુજરાત રાજ્યમાં પટેલ સમુદાય 24% થી 27% વસતી વર્ચસ્વ ધરાવતો સમુદાય છે.

ગુજરાતનો પાટીદાર સમાજ બે મુખ્ય ધારાઓમાં વહેંચાયેલો છે.

કડવા પાટીદાર પટેલ સમાજ અને લેઉવા પાટીદાર પટેલ સમાજ.

પાટીદાર-પટેલ સમાજના બે ધાર્મિક અને સામાજિક મુખ્ય સંસ્થાનો છે. ઉમિયા માતા સંસ્થાન ઊંઝા (ઉત્તર ગુજરાત) ખાતે જે કડવા પટેલોની આગેવાની ધરાવતી સંસ્થા છે.

કાગવડ ખોડલધામ ટ્રસ્ટ (સૌરાષ્ટ્ર) ખાતે જે લેઉવા પટેલોની આગેવાની ધરાવતી સંસ્થા છે.


સંસ્થાનોનો મત

Image copyright TWITTER/HARDIKPATEL
ફોટો લાઈન હાર્દિક પટેલે પણ તેના ટ્વિટર હેન્ડલ પર ટવીટ કરી ને કહ્યું હતું કે પાટીદાર સમાજ ની ગુજરાત માં બે જ પ્રમુખ સંસ્થા છે

5મી નવેમ્બર 2017ના દિવસે હાર્દિક પટેલે પણ તેના ટ્વિટર હેન્ડલ પર ટવીટ કર્યું હતું.

તેમાં તેણે કહ્યું હતું કે પાટીદાર સમાજની ગુજરાતમાં બે જ પ્રમુખ સંસ્થા છે. ખોડલ ધામ (કાગવડ) અને ઉમિયા ધામ (ઊંઝા). આ સંસ્થાઓ અમારી તાકાત છે.

ઉમિયા માતા સંસ્થાન ઊંઝાના પ્રમુખ વિક્રમ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમારે કોઈ રાજકીય પક્ષ સાથે લેવા-દેવા નથી."

વિક્રમભાઈએ કહ્યું કે જ્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ તેમની પાસે આવ્યા હતા ત્યારે તેમણે મધ્યસ્થી કરીને સમિતિના સભ્યોની મુલાકાત ગુજરાત સરકાર સાથે કરાવી હતી.

વિક્રમભાઈએ ઉમેર્યું કે હાલની ભાજપની ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિની ચાર શરતો સ્વીકારી લીધી છે. પછી હવે કોંગ્રેસ તરફથી જે વાત થઈ રહી છે તે વાયદા સમાન છે.

જ્યારે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે પણ આ પ્રવાહી પરિસ્થિતિ પર નજર રાખીને બેઠા છીએ."

"48 કલાક પછી જે નિર્ણય આવશે એ દિશામાં અમે અમારી પ્રતિક્રિયા આપીશું."

પટેલોને ઓબીસીમાં સમાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા ગજેરાએ કહ્યું કે સમાજમાં 20 ટકા પટેલો સમૃદ્ધ છે, 20 ટકા મધ્યમ વર્ગમાં છે અને બાકીનો 60 ટકા વર્ગ ગરીબ છે.

ગજેરાએ કહ્યું, "જો પટેલોને ઓબીસી અંતર્ગત આવરી લેવામાં આવે તો એનો ફાયદો આ 60 ટકા ગરીબી હેઠળ જીવતા વર્ગને ચોક્કસ મળશે એવું અમે એક સામાજિક સંસ્થા તરીકે ચોક્કસ માનીએ છીએ."


નિષ્ણાંતોનો અભિપ્રાય

Image copyright Press Trust of India
ફોટો લાઈન પાટીદારો જે ઓબીસી શ્રેણીમાં અનામતની માંગણી કરી રહયા છે તેમાં 147 જ્ઞાતિઓ સામે પાટીદારો સામાજિક અને શૈક્ષણિક રીતે ખુબજ આગળ છે

પાટીદારો જે ઓબીસી શ્રેણીમાં અનામતની માંગણી કરી રહયા છે તેમાં વર્ગીકૃત કરવામાં આવેલી 147 જ્ઞાતિઓ સામે પાટીદારો સામાજિક અને શૈક્ષણિક રીતે ખૂબજ આગળ છે તેવું સામાજિક વિશ્લેષકો માને છે.

સામાજિક વિશ્લેષક ગૌરાંગ જાનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "બંધારણીય રીતે પટેલોને ઓબીસીમાં સમાવવા એ શક્ય નથી."

"જો એ શક્ય હોત તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે એ ક્યારનું કરી નાખ્યું હોત."

ઓબીસીમાં સમાવવાની પ્રક્રિયા પર પ્રકાશ પાડતા જાની કહે છે, "જૈન અને બ્રાહ્મણો પછી જો સૌથી વધુ કોઈ સાક્ષર જ્ઞાતિ હોય તો તે પાટીદાર-પટેલો છે."

જાની કહે છે કે પાટીદાર પટેલોને ઓબીસીમાં સમાવવા માટેની દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા દર્શાવાયેલી માર્ગદર્શિકા પ્રમાણે ઓબીસી પંચ સર્વેક્ષણો હાથ ધરે.

તે સર્વેક્ષણના તારણો પર ચર્ચાઓ થાય - આ બધી પ્રક્રિયામાં ઘણો સમય નીકળી જાય એટલે આ મડાગાંઠનો ઉકેલ કોંગ્રેસ કેમ લઈ આવશે તે તો કોંગ્રેસ જ જાણે.

ગુજરાતમાં પાટીદાર આંદોલનના મૂળમાં બેરોજગારીની સમસ્યા રહેલી છે.

Image copyright Reuters
ફોટો લાઈન ગુજરાતમાં પાટીદાર આંદોલનના મૂળમાં બેરોજગારીની સમસ્યા રહેલી છે

ડૉ. જાની કહે છે કે આ પરિસ્થિતિ ગુજરાતમાં કાર્યરત ભારતીય જનતા પાર્ટીની સમસ્યા છે કે રાજ્ય સરકાર આ જ્ઞાતિ સમૂહ માટે યોગ્ય નોકરીની તકો ઊભી નથી કરી શકી.

ડૉ. જાની ભારપૂર્વક કહે છે, "...એટલે આ સંદર્ભે કોઈ પ્રકારની ચર્ચા જો પાટીદારો કરવા ઇચ્છતા હોય તો તે ગુજરાત અને કેન્દ્રમાં કાર્યરત ભાજપ સરકાર સાથે કરવી જોઈએ, ન કે કોંગ્રેસ સાથે."

તો બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા યુવા અગ્રણી કિરણ પટેલ પોતાના બ્લોગમાં લખે છે.

"જાણકારોના મતે ભાજપને પણ કોંગ્રેસે સુચવેલ માર્ગની જાણ હતી જ."

"પરંતું કોઈ અગમ્ય કારણોસર કે પક્ષની નક્કી થયેલી નીતિ મુજબ આ વિષયમાં બંધારણીય રીતે વધુ જટીલ એવા EBC (ઈકોનોમિકલી બેકવર્ડ કલાસ)ની વાત કરી."

Image copyright Getty Images
ફોટો લાઈન પાટીદાર અનામત આંદોલન એ ગુજરાતના રાજકારણમાં એક મહત્વની વોટબેન્કથી વિશેષ કશું નથી

રાજકીય વિશ્લેષક ડૉ. શિરીષ કાશિકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "જ્યારે આ આંદોલન શરૂ થયું ત્યારે તે સામાજિક આંદોલન હતું."

"પરંતુ 2016માં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના રાજકીય ધોવાણ બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના આંદોલનકારીઓને કોંગ્રેસે સાધી લીધા હતા."

"ત્યારબાદ આ આંદોલન રાજકીય થઈ ગયું છે. હાલમાં પાટીદાર અનામત આંદોલન એ ગુજરાતના રાજકારણમાં એક મહત્વની વોટબેંકથી વિશેષ કશું નથી.”

રાજકીય પક્ષો પાટીદારોની વોટબેંકને પોતાની તરફ આકર્ષવા પ્રલોભનો અને યોજનાઓની જાહેરાતો સિવાય કશું નક્કર કરી શકે તેમ નથી.

Image copyright Reuters
ફોટો લાઈન નિષ્ણાંતો અને વિશ્લેષકો ચોક્કસ માને છે કે પાટીદારોને ઓબીસીમાં સમાવવા માટેની કોઈ નક્કર કાર્યવાહી હાલની પરિસ્થિતિમાં દૂર દૂર ક્યાંયે શક્ય હોય તેવું દેખાઈ નથી રહ્યું

નિષ્ણાતો અને વિશ્લેષકો ચોક્કસ માને છે કે પાટીદારોને ઓબીસીમાં સમાવવા માટેની કોઈ નક્કર કાર્યવાહી હાલની પરિસ્થિતિમાં દૂર દૂર ક્યાંય શક્ય હોય તેવું દેખાઈ નથી રહ્યું.

અંતમાં કિરણ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં પાટીદાર સમાજમાં પ્રવર્તમાન સામાજિક અને રાજકીય રીતે પ્રવાહી પરિસ્થિતિ પર એક દિશાસૂચક વિધાન કર્યું.

તેમણે કહ્યું, "હવે સામાજિક સંસ્થાનો (ઊંઝા અને કાગવડ) શું નિર્ણય કરે છે તેને ધ્યાનમાં લઈને આ મુદ્દે ભાજપની હવેની રણનીતી ઘડાશે પછી ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી થશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો