પાટકર : નર્મદા વિસ્થાપનમાં વ્યાપમ જેટલો ભ્રષ્ટાચાર થયો

મેધા પાટકર Image copyright Getty Images

'નર્મદા બચાવો આંદોલન'ના નેતા મેધા પાટકરે બીબીસી ગુજરાતી સાથે ફેસબુક લાઇવમાં વાતચીત કરી હતી.

જેમાં તેમણે સરદાર સરોવર ડેમ તથા તેના અંગે રાજકારણની વાત કરી હતી.

પાટકરે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં નર્મદા વિસ્થાપનમાં વ્યાપમ કૌભાંડ જેવો ભ્રષ્ટાચાર થયો છે.

તમને આ પણ વાંચવું ગમશે

તેમણે કહ્યું, "ભ્રષ્ટાચાર અને અત્યાચાર ભાજપ સરકારના ચહેરા છે."


મેધા પાટકરની મુલાકાત જોવા માટે અહીં ક્લિક કરો

મધ્યપ્રદેશમાં 40 હજાર પરિવારો નિર્વાસિત થયા હોવાનો દાવો મેધા પાટકરે કર્યો હતો.

તેમણે કહ્યું, "150 ગામડાં ડેમનાં નિર્માણને કારણે ડૂબમાં જશે. જેમાં 38 ગામડાંઓમાં 99 હજાર પશુઓને અસર થશે. જ્યારે હજારો વૃક્ષોનું નિકંદન નીકળી જશે."

"13 વર્ષથી મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. જેણે પુનર્વાસમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર કર્યો છે, જે વ્યાપમ જેટલો મોટો ભ્રષ્ટાચાર છે. આ અંગે સાત વર્ષ સુધી તપાસ ચાલી હતી."

"ગુજરાત સરકારે પુનર્વાસ માટે રૂ. 2300 કરોડ આપ્યા હતા, પરંતુ 1600 જેટલી બનાવટી રજિસ્ટ્રી મારફત ચૂકવાયા હતા."

"કેચમેન્ટ એરિયા ઇમ્પ્રૂવમેન્ટ તથા વૈકલ્પિક વનીકરણ સહિતની તમામ કાર્યવાહી માત્ર કાગળ પર જ થઈ છે."

"સરદાર સરોવર ડેમના 40 જેટલા એન્જિનિયર્સને ગેરરીતિ આચરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે."

Image copyright http://www.statueofunity.in/

કૌભાંડની તપાસ માટે નિમાયેલા ઝા પંચે બે હજાર પેઇજનો રિપોર્ટ આપ્યો છે.

જેમાં કેવી રીતે કૌભાંડ થયા છે, તેનું વિવરણ છે.

મધ્યપ્રદેશના 192 ગામ તથા એક નગરના પુનર્વસન માટે જેટલી રકમ ફાળવવામાં આવી છે.

તેનાથી વધુ રકમ કેવડિયા કોલોનીમાં સરદાર પટેલની પ્રતિમા પાછળ ખર્ચવામાં આવી રહી છે.

લોકોએ આપેલા લોખંડના દાનથી નહીં પરંતુ લાર્સન એન્ડ ટુબ્રો કંપની અને ચીનની મદદથી આ પ્રતિમા બની રહી છે.

તે 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' નહીં પરંતુ 'સ્ટેચ્યુ ઑફ ડિસ્પેરિટી' છે.

મેધાના કહેવા પ્રમાણે તેમના પ્રયાસોને કારણે નર્મદા ડેમના વિસ્થાપિતોને સહાય મળી.

ઉપરાંત અનેક નવી નિર્માણ યોજનાઓ અને પ્રોજેક્ટ્સમાં વિસ્થાપિતોને લાભ મળ્યો છે.


શું છે વ્યાપમ કૌભાંડ?

Image copyright Getty Images

મધ્ય પ્રદેશ વ્યવસાયિક પરીક્ષા મંડળ ને વ્યાપમ તરીકે ઓળખવામાં આવે છે.

તબીબી તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મૂળ ઉમેદવારને બદલે ડમી ઉમેદવારોએ પરીક્ષાઓ આપી હતી.

2009માં આ મામલે પહેલી એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં આવી હતી.

વર્ષ 2013માં સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું હતું.

આ કૌભાંડમાં અનેક નેતાઓ, અધિકારીઓ, વ્યાપમ અધિકારીઓ, વચેટિયાઓ તથા ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે.

અનેક આરોપીઓના સંદિગ્ધ તથા રહસ્યમય રીતે મોત થતાં આ કૌભાંડ વધુ ચકચારી બન્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો