ભારતની સ્વતંત્રતા પર બનતી ફિલ્મો એ બોલિવૂડનો પ્રિય વિષય!

મધર ઈન્ડિયાનું પોસ્ટર Image copyright Alamy
ફોટો લાઈન 'મધર ઈન્ડિયા' ફિલ્મને વર્ષ 1958માં ઓસ્કાર એવોર્ડની ફોરેન લૅંન્ગ્વેજ કૅટેગરીમાં નામાંકન મળ્યું હતું

15મી ઓગસ્ટ 2017ના રોજ ભારતે સ્વતંત્રતાના 70 વર્ષ પૂર્ણ કર્યાં હતાં. બ્રિટિશરોના 200 વર્ષના શાસને આઝાદી બાદ બોલિવૂડ એટલે કે હિન્દી સિનેમા પર પણ ઘણો પ્રભાવ છોડ્યો છે.

ભારતની આઝાદીની ચળવળ, સ્વતંત્રતા માટે લડનારાં નેતાઓ, હિંસક અને અહિંસક આંદોલનો અને બ્રિટિશરાજ હેઠળના જુલમી શાસન દરમિયાન જીવન કેવું હતું તે દર્શાવતી વાતો બોલિવૂડ તેની ફિલ્મો થકી છેલ્લાં સાત દાયકાથી કહેતું આવ્યું છે.

ભારતની સ્વતંત્રતાને ફિલ્મોમાં મોટેભાગે એવી રીતે દર્શાવવામાં આવે છે, જેમાં બ્રિટન ભારતને સત્તા પરત આપી રહ્યું હોય અને ભારત તેનો સહર્ષ સ્વીકાર કરી રહ્યું હોય.

તમને આ પણ વાંચવું ગમશે

તો બીજી તરફ બ્રિટિશ કૉલોની વિરુદ્ધ જંગ છેડનારા હિંમતવાન શહીદોની વાત પણ કરવામાં આવે છે.

Image copyright Wikipedia
ફોટો લાઈન વર્ષ 1913માં રિલીઝ થયેલી 'રાજા હરિશ્ચંદ્ર' ફિલ્મ ભારતની સૌપ્રથમ મૂક ફિલ્મ હતી

દેશદાઝના લીધે દેશને મહાન અને મુક્ત બનાવવા બલિદાન આપતા હોય તેવા મજબૂત અને પ્રેરક પાત્રો આ ફિલ્મોએ આપ્યા છે.

વર્ષ 1965માં રિલીઝ થયેલી 'શહીદ' પણ આવી જ એક ફિલ્મ હતી. આ ફિલ્મને સારી આવક અને પ્રશંસા બન્ને મળ્યાં હતાં.

23 વર્ષની ઉંમરે શહીદી વહોરનારા ક્રાંતિકારી ભગતસિંઘની 'બાયોપિક'માં મનોજકુમારે મુખ્ય પાત્ર ભજવ્યું હતું. ભગતસિંઘ શાસકો સામે નમવા કરતા લડત આપવા માટે કટિબદ્ધ હતા.

તેમનું વ્યક્તિત્વ એટલું લોકપ્રિય હતું કે વર્ષ 2002માં તેમના પાત્રથી પ્રેરાઈને બનાવવામાં આવેલી ત્રણ હિન્દી ફિલ્મો રિલીઝ થઈ હતી. જોકે, એ ફિલ્મોની સફળતા મર્યાદિત રહી હતી.

દિગ્દર્શક દાદાસાહેબ ફાળકેએ બનાવેલી અને વર્ષ 1913માં રિલીઝ થયેલી ભારતની પ્રથમ મૂક ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' પણ કોલોનિયલ શાસનના વિરોધના એક રૂપક તરીકે બનાવાવમાં આવી હોવાનું કહેવાય છે.

Image copyright Alamy
ફોટો લાઈન 50 અને 60ના દાયકાની ઘણી ફિલ્મોમાં રૂપકો અને દૃષ્ટાંતો દ્વારા બ્રિટિશ રાજનો સંદર્ભ રજૂ કરવામાં આવ્યો હતો

'બર્મિંગહામ સિટી યુનિવર્સિટી'માં કલ્ચરલ એન્ડ ક્રિએટીવ સ્ટડીઝના અધ્યાપક તરીકે ફરજ બજાવનારા રાજીન્દર દુદરાહ કહે છે, "આ વાર્તા એક ઉમદા અને સત્યપ્રેમી રાજાની છે જે એક પવિત્ર દેખાતા વ્યક્તિના પ્રભાવ હેઠળ આવે છે."

"આ વ્યક્તિ ધર્મનિષ્ઠ હોવાનો દેખાવ કરતો હોય છે, પરંતુ તેનો ઇરાદો રાજાનું શાસન અને સંપત્તિ પચાવી પાડવાનો હોય છે."

"પવિત્ર હોવાનો દેખાવ કરતી આ વ્યક્તિને ઘણાં પ્રેક્ષકોએ કોલોનિયલ શાસન તરીકે જોઈ હતી."

'રાજા હરિશ્ચંદ્ર' એ સૌથી જૂનું ઉદાહરણ છે જ્યાં રૂપકો, દૃષ્ટાંતો અને સંકેતો દ્વારા બ્રિટિશરાજને પરોક્ષ રીતે ટાંકવામાં આવ્યું જેથી બ્રિટિશ ફિલ્મ સેન્સર આ ફિલ્મને પ્રમાણિત કરે.

આઝાદી બાદના 50 અને 60ના દાયકાઓમાં પણ બ્રિટિશ સરકાર તરફનો પરોક્ષ વિરોધ જોવા મળતો હતો.

રાજીન્દર દુદરાહ કહે છે, "મૂક ફિલ્મોમાં પણ વિરોધ જોવા મળતો હતો અને હિન્દી ભાષાની શરૂઆતની ફિલ્મોમાં પણ. ઉદાહરણ તરીકે આ ફિલ્મોમાં જમીનદાર કે શાહુકારનું પાત્ર ક્રૂર દર્શાવવામાં આવતું હતું."

આ પાત્રએ ચામડાંના બૂટ પહેર્યા હોય છે અથવા તે શિકારમાંથી પરત આવતો હોય છે. આ બાબત ભારતમાં બ્રિટિશ શાસનની હાજરીનો સંદર્ભ રજૂ કરે છે."


ડિજિટલ યુગ

Image copyright Alamy
ફોટો લાઈન 'મધર ઈન્ડિયા' ફિલ્મમાં અભિનેત્રી નરગિસને વિષમ પરિસ્થિતિનો સામનો કરતા માતાના પાત્રમાં દર્શાવાયા હતા

વર્ષ 1957માં રિલીઝ થયેલી 'મધર ઈન્ડિયા' ફિલ્મને હિન્દી સિનેમાની ક્લાસિક કૃતિ ગણવામાં આવે છે.

મહેબૂબ ખાને બનાવેલી આ હૃદયદ્રાવક અને કરુણ ફિલ્મમાં રાધા(નરગિસ) નામની એક માતાની વાત છે જે અત્યંત સંઘર્ષ, કરુણતા અને દુર્ભાગ્ય વચ્ચે એકલા હાથે બે પુત્રોનો ઉછેર કરે છે.

બીજી તરફ આ ફિલ્મ પડી ભાંગેલા ભારતને ફરી ઊભું કરવા માટે જે એકતા, પ્રતિષ્ઠા અને બલિદાનની જરુર છે તેની વાત કહેતી એક બોધવાર્તા છે.

રાજીન્દર દુદરાહ કહે છે, "આ ફિલ્મમાં દેશ અને દેશના નિર્માણના ભરપૂર સંદર્ભો છે. આ ફિલ્મ ભારતની તત્કાલીન પરિસ્થિતિ દર્શાવે છે. એક દૃશ્યમાં રાધા અન્ય ખેડૂતોને ખેતરો ફરીથી ખેડવાની વાત કરે છે."

'મધર ઈન્ડિયા' વર્ષ 1958માં 'ઓસ્કાર એવોર્ડ'ની ફોરેન લૅંન્ગ્વેજ કૅટેગરી માટે નામાંકન પામનારી પ્રથમ ભારતીય ફિલ્મ હતી.

આ જ કેટેગરીમાં નામાંકન પામનારી અન્ય એક હિન્દી ફિલ્મ વર્ષ 2001માં રિલીઝ થયેલી 'લગાન' હતી. આ ફિલ્મ દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લાચાર ગ્રામજનોની વાત હતી.

Image copyright Alamy
ફોટો લાઈન બ્રિટિશર્સે લાદેલા ભારે કરના વિરોધમાં એક થયેલા ગ્રામજનોની વાત 'લગાન' ફિલ્મમાં કરવામાં આવી છે

જે તેમના પર લાદવામાં આવેલા ગેરવાજબી કરને હટાવવા માટે બ્રિટિશ સત્તાધીશો વિરુદ્ધ એક થાય છે.

'લગાન'ને બૉક્સ ઑફિસ પર અણધારી સફળતા મળી હતી અને તે સમયના બોલિવૂડમાં ઘણાં પરિવર્તનો આણ્યાં હતાં. સ્ટોરી ટેલિંગની બાબતમાં નાવીન્ય અને સાહસ લાવવાના યુગનો પ્રારંભ આ ફિલ્મથી થયો હતો.

જો સામાજિક અભિગમ ધરાવતા બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન આ ફિલ્મના નિર્માણ માટે અને તેમાં અભિનય કરવા માટે તૈયાર ન થયા હોત તો આ ફિલ્મની સ્ક્રિપ્ટને કોઈએ હાથ પણ ન અડાડ્યો હોત.

'લગાન' આમિર ખાનને ચમકાવતી એવી ત્રણ ફિલ્મો પૈકીની એક છે જેમાં બોલિવૂડના મુખ્યપ્રવાહની ફિલ્મો દ્વારા ભારતની સ્વતંત્રતાની વાત કરી હતી. ભારતની સ્વતંત્રતાનો પહેલો બળવો વર્ષ 1857માં થયો હતો.

આ બળવામાં એક હુમલાની આગેવાની 'ઇસ્ટ ઈન્ડિયા કંપની'ના એક સૈનિક મંગલ પાંડેએ લીધી હતી. મંગલ પાંડેની વર્ષ 2005માં રિલીઝ થયેલી બાયોપિક 'મંગલ પાંડે: ધ રાઇઝિંગ'માં આમિર ખાને અભિનય કર્યો હતો.

વર્ષ 2006માં રિલીઝ થયેલી 'રંગ દે બસંતી'ને પણ બૉક્સ ઑફિસ પર મોટી સફળતા મળી હતી. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ પર ફિલ્મ બનાવી રહેલા પાંચ યુવા વિદ્યાર્થીઓની આ ફિલ્મમાં વાત છે.

Image copyright Yash Raj Films
ફોટો લાઈન ક્રાંતિકારી મંગલ પાંડની બાયોપિક 'મંગલ પાંડેઃ ધ રાઇઝિંગ'માં આમિર ખાને અભિનય કર્યો હતો

ફિલ્મના નિર્માણ દરમિયાન તેઓ તેમનામાં રહેલા દેશપ્રેમ પ્રત્યે જાગૃત થાય છે. એકવીસમી સદીમાં ભારત મહાસત્તા બનવા તરફ ડગ માંડી રહ્યું છે તેવા કથાનક સાથે આ ફિલ્મોમાં દેશપ્રેમથી ભરેલા એક યુગની વાત કહેવામાં આવી હતી.

એ પછી ભારતીય સિનેમામાં ઘણું પરિવર્તન આવ્યું છે.

ફિલ્મ વિવેચક અને લેખક નમન રામચંદ્રન કહે છે, "વર્ષ 2001થી 2006 દરમિયાન લોકોને ફિલ્મો દ્વારા સ્વતંત્રતા વિશે જાણવામાં વધુ રસ હતો."

"આ બાબત માટે 2001માં રિલીઝ થયેલી 'લગાન'નો આભાર માનવો રહ્યો."

તમને આ પણ વાંચવું ગમશે

નમન રામચંદ્રન કહે છે, "ગુરિન્દર ચઢ્ઢાની ફિલ્મ 'વાઇસરોયસ હાઉસ'ને 2017ના ઓગસ્ટ મહિનામાં જ રિલીઝ કરવામાં આવી હતી. બૉક્સ ઑફિસ પર આ ફિલ્મ નિષ્ફળ રહી હતી."

"2017માં જ રિલીઝ થયેલી અને ભારતની સ્વતંત્રતાનું કથાનક ધરાવતી 'રંગૂન' ફિલ્મે પણ બૉક્સ ઑફિસ પર કંગાળ દેખાવ કર્યો હતો."

"આઝાદીની વાર્તા એ મુખ્યધારાની હિન્દી ફિલ્મો માટે એક સમયે ઘરેણાં સમાન હતી, પરંતુ હવે એવું રહ્યું નથી."

"1947ની વાતો સાંભળવા દોડી જવા કરતા આજના પ્રેક્ષકો સામાજિક પરિવર્તનની વાત કરતી ફિલ્મો પ્રત્યે વધુ હકારાત્મક વલણ ધરાવી રહ્યા છે.

'ટોઇલેટઃ એક પ્રેમકથા' જેવી સ્વચ્છતાની વાત કરતી ફિલ્મ અને 'દંગલ' આ બાબતના વર્તમાન ઉદાહરણો છે."

Image copyright Tips Industries Limited
ફોટો લાઈન શહીદ ભગતસિંઘ વિશે વાત કરતી ત્રણ ફિલ્મો વર્ષ 2002માં રિલીઝ થઈ હતી

એપ્રિલ 2018માં સંભવિત રીતે રિલીઝ થનારી ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી'નો ઉલ્લેખ રામચંદ્રન કરે છે.

કંગના રણૌત આ ફિલ્મમાં ઝાંસીના રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવવાના છે. આ રાણીએ તેમનું રાજ્ય 'ઇસ્ટ ઈન્ડિયા કંપની'ને સોંપવાનો ઇન્કાર કર્યો હતો અને 1857ના બળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

બોલિવૂડે જ્યારે આઝાદીના વાર્તાઓ પર તેનો હાથ અજમાવી લીધો છે ત્યારે હવે ડિજિટલ ફલક પર આ કથાનકોને જગ્યા મળવાની ઘણી શક્યતાઓ દેખાઈ રહી છે.

રામચંદ્રન કહે છે, "ડિજિટલ પ્લેટફૉર્મ હવે ખરેખર રસપ્રદ બની રહ્યું છે. સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝ અને તેમની નેશનલ આર્મી પર બનેલી બે વેબ સિરીઝ ટૂંક સમયમાં રજૂ થઈ રહી છે."

"એએલટી બાલાજી પરથી 'બોઝઃ ડેડ ઓર અલાઇવ' નામની સિરીઝ પ્રસારીત થવાની છે. જાણીતા દિગ્દર્શક કબીર ખાને 'એમેઝોન ઈન્ડિયા' સાથે આ વિષય પર નિર્માણ કરેલા એક પ્રૉજેક્ટને હજુ કોઈ નામ નથી આપવામાં આવ્યું."

"આ સિરીઝની રિલીઝ બાદ ખબર પડશે કે અત્યારનું ભારત આઝાદી બાબતે કેટલો રસ ધરાવે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો