હાર્દિક પટેલને કોણે બનાવ્યો પાટીદાર નેતા?

વિરમગામમાં આવેલા હાર્દિક પટેલના ઘરનો ફોટોગ્રાફ Image copyright KULDEEP MISHRA
ફોટો લાઈન વિરમગામમાં આવેલું હાર્દિક પટેલનું ઘર

અમદાવાદથી અંદાજે 60 કિલોમીટર દૂર આવેલું છે વીરમગામ. વીરમગામમાં હાર્દિક પટેલનું ઘર છે, જ્યાં તેના પિતા ભરતભાઈ પટેલ અને માતા ઉષાબહેન રહે છે.

એક સાંજે અમે ત્યાં પહોંચ્યાં ત્યારે ઘરની એક દિવાલ પર અગરબત્તી સળગતી હતી.

હાર્દિકના મમ્મી-પપ્પા ભોજન કરી રહ્યાં હોવાનું અમને જણાવવામાં આવ્યું હતું.

થોડીવારમાં ભરતભાઈ આવ્યા અને અમને ઘરની અંદર લઈ ગયા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

ઉષાબહેન બીજા ઓરડામાં જમીન પર બેસીને જમી રહ્યાં હતાં.

ભરતભાઈએ અમારા હાથમાં સ્ટીલના ગ્લાસ આપ્યા અને પછી તેમાં કળશામાંથી પાણી રેડ્યું હતું.

હાર્દિક પટેલનું ઘર એકદમ સામાન્ય છે.

નાનકડા ડ્રોઈંગ રૂમમાં સરદાર પટેલના બે ફોટોગ્રાફ્સ અને એક મૂર્તિ છે.

હાર્દિકને સન્માનમાં આપવામાં આવેલી કેટલીક ચીજો પણ ત્યાં રાખવામાં આવી છે. એ પૈકીના સન્માનપત્ર પર હાર્દિકનો ફોટો છે.


બીજેપીમાં જોડાયેલા હતા હાર્દિકના પપ્પા

Image copyright KULDEEP MISHRA
ફોટો લાઈન હાર્દિક પટેલને આપવામાં આવેલાં સન્માનપત્રો તેના ઘરમાં ગોઠવવામાં આવ્યાં છે

ભરતભાઈએ જણાવ્યું હતું કે ઘર તેમણે અઢી લાખ રૂપિયાના ખર્ચે બનાવ્યું હતું.

વીરમગામથી 6-7 કિલોમીટર દૂર ચંદ્રનગરમાં તેમનું પૈતૃક ગામ છે. ત્યાં તેઓ ખેતી કરતા હતા.

ભરતભાઈના પપ્પાની 80 વીઘા જમીન છે, જેમાં તેઓ કપાસ, જીરૂં અને ગુવારનો પાક લેતા હતા.

રાજ્યના કુલ મતદારો પૈકીનો 18 ટકા પાટીદાર સમુદાય ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના પરંપરાગત મતદારો ગણાય છે.

તેમના માટે અનામતની માગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેજા હેઠળ આંદોલન શરૂ કરીને હાર્દિક પટેલે સત્તાધારી બીજેપી માટે સમસ્યા સર્જી છે.

જોકે હાર્દિકના પપ્પા લાંબા સમય સુધી બીજેપી સાથે જોડાયેલા રહ્યા હતા.

ભરતભાઈએ કહ્યું હતું, ''હું પહેલેથી જ બીજેપી સાથે જોડાયેલો હતો. એ સમયે મારી પાસે એક જીપ હતી. મારી જીપમાં હું બીજેપીનો પ્રચાર કરતો હતો.

હું વાહન ચલાવતો હતો અને (ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન) આનંદીબહેન પટેલ મારી બાજુમાં બેસતાં હતાં.

આનંદીબહેને મને ઘણાં વર્ષો સુધી રાખડી મોકલી હતી. તેઓ મારી ઘરે જમવા પણ આવ્યાં હતાં.

તેથી હાર્દિકે પાસના આંદોલનમાં આનંદીબહેનનો ઉલ્લેખ કર્યો ત્યારે તેમને હંમેશા ફોઈ કહ્યાં હતાં.''

51 વર્ષના ભરતભાઈ આઠમા ધોરણ સુધી જ ભણ્યા છે, પણ રાજકીય સવાલોના જવાબ ચતુરાઈપૂર્વક આપે છે.

ઉષાબહેન હિંદી સમજે છે, પણ બોલે છે ગુજરાતીમાં જ.

હાર્દિક એટલો આક્રમક છે કે ઘણીવાર એ હિંસાની તરફેણ કરવા લાગે છે, એવું શા માટે?

આ સવાલના જવાબમાં ઉષાબહેને કહ્યું હતું, ''મારો દીકરો સાચું બોલે છે અને સાચું બોલતા લોકોની ભાષા લોકોને ઉગ્ર જ લાગતી હોય છે.''


રાજ્યસભાની ટિકિટની ઓફર

Image copyright KULDEEP MISHRA
ફોટો લાઈન હાર્દિકના પપ્પા ભરતભાઈ અને મમ્મી ઉષાબહેન

પોતાનો દીકરો રાજકારણ રમતો હોવાનું ભરતભાઈ સ્વીકારતા નથી.

તેમણે કહ્યું હતું, ''આ રાજકારણ નથી, આંદોલન છે. હાર્દિકની ઉંમર જ રાજકારણ રમવાની નથી.

એ તો સમાજ માટે કામ કરી રહ્યો છે અને અમને તેનો ગર્વ છે.''

ભરતભાઈએ જણાવ્યું હતું કે હાર્દિકને મોટા અનેક નેતાઓએ રાજ્યસભાની ટિકિટ ઓફર કરી હતી. હાર્દિકને રાજકારણ રમવું હોત તો તેણે એ ઓફર સ્વીકારી લીધી હોત.

ભરતભાઈએ કહ્યું હતું, ''અમે કોઈનાથી ડરતા નથી. મારો દીકરો પણ કોઈથી ડરતો નથી. અમે એકેય ખોટું કામ કર્યું નથી.''

હાર્દિક પટેલનો મુખ્ય મુદ્દો પાટીદારો માટે અનામતની વ્યવસ્થાનો છે.

સત્તા મળે તો પાટીદારોને કઈ ફોર્મ્યૂલા હેઠળ અનામત આપવી એ મુદ્દે કોંગ્રેસ સાથે તેની વાતચીત ચાલી રહી છે.

પાટીદારો માટે અનામતની હાર્દિકની માગણી સાથે ભરતભાઈ સહમત છે, પણ બીજેપી અંગે તેમની નારાજગીનું કારણ અલગ છે.

ભરતભાઈએ કહ્યું હતું, ''બીજેપી અમારી દુશ્મન નથી અને કોંગ્રેસ અમારો ભાઈ નથી, પણ અમારા 14 પાટીદાર યુવાનો કોઈકને કારણે તો મર્યા હતા.

નિયમ અનુસાર અનામત આપી ન શકાય એમ હોય તો ન આપો, પણ જેમણે અમારા બાળકોની હત્યા કરી હતી એ લોકો સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી શા માટે થઈ નથી?''

પાસના આંદોલનની ચૂંટણી પરની અસર સંબંધે ભરતભાઈએ કહ્યું હતું, ''બીજેપીને મત નહીં આપવાનું અમે લોકોને જણાવીશું, પણ કોંગ્રેસને મત આપો એવું નહીં કહીએ.''


હાર્દિક સરેરાશ સ્ટુડન્ટ

Image copyright KULDEEP MISHRA
ફોટો લાઈન હાર્દિક પટેલનાં મમ્મી અને પપ્પા

ઉષાબહેને કહ્યું હતું, ''હાર્દિક ભણવામાં સરેરાશ સ્ટુડન્ટ હતો.''

ભરતભાઈએ કહ્યું હતું, ''હાર્દિક ભણવામાં 100માંથી 50 ટકા હતો.''

જોકે, આજના સમયમાં જેને 'નેતાગીરી' કહેવામાં આવે છે તેની ઝલક હાર્દિક નાનો હતો ત્યારથી જ તેના વ્યક્તિત્વમાં જોવા મળતી હતી.

લાલજીભાઈ પટેલના વડપણ હેઠળના સરદાર પટેલ ગ્રુપ(એસપીજી) સાથે હાર્દિક જોડાયેલો હતો.

એ સમયથી હાર્દિક રક્તદાન અને એવા બીજા કાર્યક્રમોનું આયોજન કરતો હતો. પછી તેણે પોતાનું અલગ સંગઠન બનાવ્યું હતું.


રોષનું કારણ

Image copyright KULDEEP MISHRA
ફોટો લાઈન હાર્દિક પટેલના ઘરની આંતરિક સજાવટ

પાટીદાર સમાજ ખેતી અને વેપાર માટે વધારે ઓળખાય છે.

સુરતમાં ટેક્સટાઈલ અને ડાયમંડના બિઝનેસ સાથે ઘણા પાટીદારો સંકળાયેલા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના પાટીદારો ખેતી કરે છે.

ટેક્સટાઈલ અને ડાયમંડના બિઝનેસમાં વિવિધ કારણોસર આવેલી મંદી તથા વધતી બેરોજગારીને કારણે પાટીદાર સમાજમાં રોષે આકાર લીધો હતો.

ભરતભાઈએ જણાવ્યું હતું કે એ પછી હાર્દિકે એટલા ગામોનો પ્રવાસ કર્યો હતો કે એ ત્રણ મહિના સુધી ઘરે આવ્યો ન હતો.

હાર્દિકે અલગ-અલગ જગ્યાએથી યુવાનોને એકઠા કર્યા હતા.

પછી એક દિવસે એસપીજી સાથે મળીને પાટીદાર સમાજની એક રેલીનું આયોજન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં કર્યું હતું.

એ રેલીમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ હાર્દિકને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો.


હાર્દિકની લોકપ્રિયતા માટે બીજેપી જવાબદાર

Image copyright KULDEEP MISHRA
ફોટો લાઈન હાર્દિક પટેલના ઘરમાં ગોઠવવામાં આવેલી સરદાર પટેલની નાની પ્રતિમા

ગુજરાતના સિનિયર પત્રકાર આર. કે. મિશ્રા માને કે હાર્દિકની આજે જે લોકપ્રિયતા છે એ પરિસ્થિતિ માટે ગુજરાત બીજેપી જવાબદાર છે.

આર. કે. મિશ્રાએ કહ્યું હતું, ''પાટીદારોના યુવાવર્ગનો મોટો હિસ્સો હાર્દિકની સાથે છે."

"બીજેપી સરકાર સાથે જેટલીવાર તેમની ટક્કર થઈ છે એટલીવાર બીજેપીની તાકાત તેમની સામે હારી છે.''

ભરતભાઈએ જણાવ્યું હતું કે બીજેપી સાથે તેમની વૈચારિક લડાઈ નથી.

હાર્દિક પાસે પાટીદારો માટે અનામતનો અસ્થાયી લાગતો મુદ્દો છે.

હાર્દિક નક્કર વૈચારિક આધાર વિના માત્ર લોકપ્રિયતાને આધારે આગળ વધતો હોવાની ટીકા હાર્દિકના ટીકાકારો કરે છે.

જોકે, આર. કે. મિશ્રાએ અલગ દ્રષ્ટિકોણ વ્યક્ત કરતાં કરતાં કહ્યું હતું, ''દરેક વ્યક્તિ વૈચારિક પ્રતિબદ્ધતા ધરાવે છે અને દરેક વ્યક્તિ લાંબા પ્રવાસે નીકળી પડી છે એવું શા માટે માનવું જોઈએ? ''

''આ એક નારાજગી છે અને નારાજગી પોતાનો નેતા આપોઆપ બનાવતી હોય છે.''

''નારાજગી ઓબીસી તથા દલિતોમાં પણ છે અને ત્રણેય સમુદાયમાં યુવા નેતાઓએ માથું ઉંચક્યું છે.''

''આ વોટ બેન્ક અંદરોઅંદર લડતી નથી, પણ એકમેકની સાથે ચાલી રહી છે.''

''ત્રણેય નેતા જાણે છે કે બીજેપી સાથે હાથ મિલાવવાથી તેમના રાજકારણનો અંત આવી જશે.''

આર. કે. મિશ્રા માને છે કે પાટીદારોના બે પરંપરાગત હિસ્સા કડવા અને લેઉવાને એકમેકની સાથે ભેરવી દેવાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે.


પટેલોમાં હાર્દિક બાબતે ભિન્નમત

Image copyright Getty Images

વીરમગામથી થોડે દૂર આવેલા ગામમાં જ હાર્દિક વિશે પટેલોમાં ભિન્નમત પ્રવર્તે છે.

ગામમાં એક દુકાન સામે બેસેલા સુનીલ પટેલે કહ્યું હતું, ''પાટીદાર આંદોલનમાં મૃત્યું પામેલા 14 લોકોની વાત કરવામાં આવી રહી છે, પણ તેમની અંતિમયાત્રામાં કોઈ ગયું ન હતું.''

''હાર્દિક પટેલ અહીં આંટા મારતા હતા ત્યારે તેની દરકાર કોઈ કરતું ન હતું.''

''હવે હાર્દિક ફોર્ચ્યૂનર કારમાં ફરે છે. વિકાસ માત્ર તેનો થયો છે.''

કલ્લુભાઈ શાંતિલાલ પટેલે જણાવ્યું હતું કે હાર્દિક પટેલે પક્ષ બદલી નાખ્યો છે.

પહેલાં એ બીજેપી પાસે કામ કરાવવા ઈચ્છતો હતો, પણ કામ ન થયું એટલે એ કોંગ્રેસના દરવાજે ચાલ્યો ગયો છે.

એ અનામતની વાત કરે છે, પણ અનામત મળવાની નથી.

એક અન્ય વ્યક્તિએ કહ્યું હતું, ''હાર્દિક પટેલ મારી કોમના નથી, પણ પોતાનો હક્ક માગવાનો અધિકાર બંધારણે બધાને આપ્યો છે. તેમાં કંઈ ખોટું નથી.''

ભરતભાઈ આજે પણ માને છે કે ભૂતકાળમાં બીજેપી માટે કામ કરીને તેમણે કોઈ ભૂલ નથી કરી.

બીજેપીએ કેટલાંક ખરાબ કામ કર્યાં હોવાથી તેઓ નારાજ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો