ગુજરાત: સોશિઅલ મીડિયામાં કોંગ્રેસ બીજેપીને આવી રીતે આપી રહી છે ટક્કર

ભાજપ અને કોંગ્રેસના નિશાન Image copyright Getty Images

હજુ થોડા સમય પહેલા સુધી સોશિઅલ મીડિયા તથા ઇન્ટરનેટ દ્વારા રાજકીય વાતાવરણ ઊભું કરવામાં કોંગ્રેસની હથોટી ન હતી.

જનમતને પ્રભાવિત કરતા આ ક્ષેત્રમાં 2014ની લોકસભા ચૂંટણીઓ અને તે પહેલા પણ ભાજપનો પ્રભાવ હતો. લાંબા સમય સુધી એવું જ લાગતું હતું કે, કોંગ્રેસ આ કૌશલ્યને સાધી નથી શકતી.

પરંતુ આ વખતની ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓ વખતે અલગ દૃશ્ય જોવા મળી રહ્યું છે.

આ ચૂંટણીઓમાં કોંગ્રેસનું સૂત્ર - 'વિકાસ ગાંડો થયો છે' એ દિલ્હીમાં પણ ચર્ચાયું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

જેનો પ્રતિકાર ભાજપે 'હું છું વિકાસ, હું છું ગુજરાત' દ્વારા કર્યો છે. આ રીતે ભાજપે સોશિઅલ મીડિયા પર તેનું વધુ પતન અટકાવ્યું છે. સાથે જ સ્પર્ધામાં પાછો ફરતો જણાય છે.

ગુજરાતની ચૂંટણીઓમાં ઇન્ટરનેટ યુદ્ધે રસપ્રદ વળાંક લીધો છે. બંને પક્ષોનાં યુવા 'યૌદ્ધા' એકબીજાના પ્રચાર અભિયાનની હવા કાઢવામાં વ્યસ્ત છે.


20 હજાર વૉલન્ટિયર્સ હોવાનો કોંગ્રેસનો દાવો

Image copyright @INCINDIA

અમદાવાદના સત્યમ મોલમાં ત્રીજા માળે ગુજરાત કોંગ્રેસના આઈટી સેલનું કાર્યાલય છે. રોહન ગુપ્તા આ સેલના વડા છે, જ્યારે આઠ ઉપાધ્યક્ષ છે. હિરેન બેંકર તેમાંના એક છે.

કોંગ્રેસના આઈટી સેલના કાર્યાલયમાં 10-12 નવયુવાન કામ કરી રહ્યા હતા, પરંતુ તેમની સાથે વાત કરવાની અમને મંજૂરી ન મળી.

હિરેન એક વીડિયો જોઈ રહ્યાં છે, જેમાં બે લોકો ગુજરાતની અસ્મિતા અંગે તર્ક-વિતર્ક કરી રહ્યા હતા.

દરમિયાન ત્રીજો શખ્સ તેમને દલીલો દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો કે ગુજરાતીઓને કારણે ગુજરાતની અસ્મિતા છે. ભાજપને કારણે નહીં.

ગુજરાતીઓને કારણે રાજ્યનો વિકાસ થયો છે, કોઈ સરકારને કારણે નહીં.

હિરેન બેંકર ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ કમ્યુનિકેશ એન્જિનિયર છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ કૉમ્યુનિકેશન (સામૂહિક પ્રત્યાયન)નો અભ્યાસ કરી રહ્યા છે.

હિરેન ચાર વર્ષથી કોંગ્રેસના આઈટી સેલ સાથે સંકળાયેલા છે.

હિરેનના કહેવા પ્રમાણે, 20-25 પ્રોફેશનલ્સ કોંગ્રેસના આઈટી સેલ માટે કામ કરે છે. ઉપરાંત દરેક જિલ્લામાં 250થી વધુ પદાધિકારી નિમવામાં આવ્યા છે.

હિરેનનો દાવો છે કે ગુજરાતભરમાં 20 હજારથી વધુ વૉલન્ટિયર્સ તેમની સાથે જોડાયેલા છે.

હિરેનના કહેવા પ્રમાણે, "લગભગ એક હજાર લોકો ટ્વિટર પર સક્રિય છે. જેઓ કોઈ ટ્રેન્ડ શરૂ કરે છે. બાદમાં વૉલન્ટિયર્સ તેને ફોલો કરે છે."


વ્હૉટ્સઍપ માટે સજ્જતા

ફોટો લાઈન સંદીપ પંડ્યા (ડાબે) અને હીરેન બેંકર

હિરેનના કહેવા પ્રમાણે, 'વિકાસ ગાંડો થયો છે' પછી તેમની ટીમે વધુ બે કટાક્ષપૂર્ણ અભિયાન હાથ ધર્યાં હતાં. જેમાં 'મારા હાળા છેતરી ગયા' તથા 'જો જો છેતરાતાં નહીં'નો સમાવેશ થાય છે.

સ્માર્ટ ફોનના યુગમાં ચૂંટણી પ્રચારમાં નારાઓની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ છે. ગુજરાતમાં કોંગ્રેસે પહેલા તો 'કોંગ્રેસ આવે છે, વિકાસ લાવે છે' અભિયાન ચલાવ્યું હતું.

હાલમાં 'ખુશ રહે ગુજરાત' અભિયાન ચાલી રહ્યું છે.

હિરેન કહે છે કે તેમની પાર્ટીએ ગુજરાતભરમાં લગભગ 40 હજાર વ્હૉટ્સઍપ ગ્રૂપ્સ બનાવ્યાં છે. આ ગ્રૂપ્સને વ્યવસાયના આધારે વિભાજીત કરવામાં આવ્યાં છે.

વ્યાપારીઓના ગ્રૂપ્સમાં જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ ટેક્સ)ને લગતી વાતો મૂકે છે, જ્યારે વિદ્યાર્થીઓનાં ગ્રૂપ્સમાં બેરોજગારી અંગે વિગતો મૂકવામાં આવે છે.


આમ કરે છે ભાજપનો પ્રતિકાર

ફોટો લાઈન કોંગ્રેસ આઈટી સેલનું દ્રશ્ય

કોંગ્રેસ દ્વારા ભાજપના સોશિઅલ મીડિયા પ્રચાર અભિયાનનો કેવી રીતે પ્રતિકાર કરવામાં આવે છે, તેના કેટલાક ઉદાહરણ હિરેને જણાવ્યું, "ભાજપે 'ધન્યવાદ નરેન્દ્રભાઈ' કૅમ્પેન શરૂ કર્યું હતું.

જેના જવાબમાં કોંગ્રેસ દ્વારા 'ધન્યવાદ કૅમ્પેન' હાથ ધર્યું હતું."

'પેટ્રોલ 80 રૂપિયાનું થઈ ગયું, ધન્યવાદ મોટાભાઈ.' 'આટલા લોકો બેરોજગાર થઈ ગયા, ધન્યવાદ મોટાભાઈ.'

હિરેનનું કહેવું છે કે ભાજપે 'ગરજે ગુજરાત' નામથી કૅમ્પેન શરૂ કર્યું, જેના જવાબમાં કોંગ્રેસે 'જો ગરજતે હે, વો બરસતે નહીં'થી આપ્યો.

હિરેન કહે છે, ''ત્યારબાદ તેઓએ કૅમ્પેન બંધ કરવું પડ્યું અને તેમનું કૅમ્પેન હોવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.''

હિરેન જણાવે છે કે આવી જ રીતે ભાજપના કૅમ્પેન 'અડીખમ ગુજરાત'નું પણ અમે કાઉન્ટર કર્યું હતું.

તેઓ જણાવે છે, ''અમે લખ્યું કે જ્યારે તેઓ તમારી પાસે પૂછવા માટે આવે ત્યારે તમે પોતાના સવાલ પર અડીખમ રહેજો.

તે કોઈ બીજી વાત કરે તો તમે 30 લાખ બેરોજગારીની વાત પર અડીખમ રહેજો. તેઓ કોઈ યોજનાની વાત કરે તો તમે સરકારી હોસ્પિટલની વાત પર અડીખમ રહેજો.''


ભાજપના આઈટી સેલની તસવીર ન મળી

કેટલાક અન્ય પ્રયત્નો બાદ ભાજપના પ્રદેશ આઈટી અને સોશિઅલ મીડિયા સહનિર્દેશક પંકજ શુક્લા સાથે રસ્તા પર જ મુલાકાત થઈ હતી.

તેઓએ ઓફિસ બતાવવાની અને તસવીર મોકલવાનો ઇન્કાર કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે બે દિવસ બાદ તેમના રાષ્ટ્રીય આઈટી પ્રમુખ અમિત માલવીય આવી રહ્યાં છે, ત્યારે મીડિયા અમારા આઈટી સેલની તસવીરો લઈ શકશે.

પંકજ શુક્લાનો પરિવાર બે પેઢી પહેલા ઉત્તર પ્રદેશના ફૈઝાબાદથી આવીને વસ્યો હતો.

પંકજ શુક્લાએ વધુમાં કહ્યું કે ભાજપ કાર્યકર્તા આધારિત પાર્ટી છે અને આખા ગુજરાતમાં સોશિઅલ મીડિયા પર પણ તેમના કાર્યકરો સક્રિય છે.

તેમનું કહેવું છે કે 15-20 લોકોની ટીમ આ બધી સામગ્રી બનાવે છે, જેના દ્વારા આ સામગ્રી કાર્યકર્તાઓ જ જિલ્લા, ઝોન, મંડળ અને વિધાનસભાઓ અને પોલિંગ બૂથ સુધીના સ્તર સુધી વ્હૉટ્સઍપ પહોંચાડે છે.

શુક્લા કહે છે, ''બૂથ-બૂથ સુધી, દરેક વ્યક્તિના મોબાઇલ પર ભાજપનું સાહિત્ય અને અમારી સરકારની સિદ્ધિઓ યાદ અપાવવાનું કાર્ય થઈ રહ્યું છે.''


'હવે અમે છવાઈ ગયા છીએ'

Image copyright Getty Images

પંકજનું કહેવું છે કે 'વિકાસ ગાંડો થયો છે' એ વાત હવે જુની થઈ ગઈ છે.

તેમણે કહ્યું, ''આ સવાલ બે મહિના પહેલા તમે મને પૂછ્યો હોત તો થોડું યોગ્ય ગણાત. પરંતુ હવે સોશિઅલ મીડિયા પર અમે ખૂબ જ સારી સ્થિતિમાં છીએ અને હાવી થઈ ગયા છીએ. કોઈ ત્રીજા વ્યક્તિને પણ પૂછી લો.''

'ગરજે ગુજરાત'ના નારા પર પંકજ કહે છે કે આ કૅમ્પેન ભાજપનું હતું જ નહીં.

શુક્લા કહે છે, ''ખોટું બોલવું અને જોરથી બોલવું કોંગ્રેસની પરંપરા છે. અમારું આવું કોઈ કૅમ્પેન હતું જ નહીં.

ટાઉનહોલના કાર્યક્રમ અમે 'અડીખમ ગુજરાત'ના નારા સાથે કર્યા અને તે ખૂબ સારી રીતે ચાલ્યા હતા. હવે અમારું અભિયાન 'હું છું વિકાસ, હું છું ગુજરાત' છે અને દરેક વ્યક્તિ તેને પોતાની સાથે જોડીને જોવે છે.''


ગુજરાતની ચૂંટણી

ફોટો લાઈન ગુજરાતની ચૂંટણીઓમાં આ વખતે સોશિઅલ મીડિયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે

ગુજરાતની ચૂંટણીમાં સોશિઅલ મીડિયા ચૂંટણી પ્રચારમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.

પંકજ સ્વીકારે છે કે દોઢ બે મહિના પહેલા જ કોંગ્રેસે સોશિઅલ મીડિયા પર આગવું સ્થાન મેળવ્યું હતું.

તેઓ કહે છે કે, '' કોંગ્રેસે પ્રયત્ન કર્યો હતો. પ્રિન્ટ મીડિયા અને આમતેમ થોડું છપાવીને હવા ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આવી કોઈ હવા ઊભી નહોતી થઈ. તે દોઢ-બે મહિના પહેલાની વાત છે.''

ભાજપના પંકજ તથા કોંગ્રેસના હિરેન માને છે કે ગત ચૂંટણીઓમાં ફેસબુકની ભૂમિકા મહત્વપૂર્ણ રહેતી, પરંતુ હવે વ્હૉટ્સઍપ ઘરેઘરે પહોંચી ગયું છે. તેનું મહત્વ વધી ગયું છે.

બંને પક્ષોનાં આઈટી સેલના વડાઓએ સોશિઅલ મીડિયા કૅમ્પેનના બજેટ અંગે ગોળ-ગોળ જવાબ આપ્યા હતા.

સંદીપ પંડ્યા ગુજરાત કોંગ્રેસના આઈટી સેલના ઉપાધ્યક્ષોમાંથી એક છે. તેમના કહેવા પ્રમાણે, નેતાઓનું જોમ વધ્યું છે એટલે કાર્યકરોનો ઉત્સાહ પણ વધ્યો છે.

સંદીપ કહે છે, "સુરતમાં રાહુલ ગાંધીની સભા હતી. જેમાં 75 હજાર લોકો હતા. રાહુલ ગાંધીએ 'જય સરદાર, જય પાટીદાર' બોલવાનું હતું."

જોકે, રાહુલ એક પગલું આગળ વધ્યા અને 'જય ભવાની, ભાજપ જવાની' પણ બોલ્યા. રાહુલ ગાંધીની ટીમ આટલી મજબૂત છે એટલે અમારો પણ ઉત્સાહ વધે છે.

સંદીપ પંડ્યાના કહેવા પ્રમાણે, "જે કોઈ ચૂંટણી પરિણામ આવે. પરંતુ ગુજરાત કોંગ્રેસમાં અગાઉ આટલો આત્મવિશ્વાસ ક્યારેય ન હતો અને ગુજરાત ભાજપમાં આવી અસુરક્ષાની ભાવના ક્યારેય ન હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો