National Education Day : મૌલાના અબુલ કલામના ભાષણની સીડી પાકિસ્તાનમાં ચોરીછૂપીથી કેમ વેચાય છે?
- રાજેશ જોશી
- બીબીસી
ભારત છોડીને પાકિસ્તાન હિજરત કરી રહેલા મુસ્લિમોને મૌલાના અબુલ કલામ આઝાદે આપેલી સલાહને કરાચીના મુહાજિરો આજે પણ શા માટે યાદ કરે છે?
તેમનાં ભાષણની સીડીઓ આજે પણ શા માટે ચોરીછૂપીથી વહેંચવામાં આવે છે?
જવાહરલાલ નેહરુ સાથે દેશના સૌપ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ
ઇન્ટર્વ્યૂ આપતી વખતે તે સાહેબ અચાનક રોકાયા અને મને ટેપરૅકર્ડર બંધ કરવાનું કહ્યું.
હું કરાચીમાં 'મુત્તહિદા કોમી મૂવમૅન્ટ' (એમક્યુએમ)ના એક મોટા નેતાનો ઇન્ટર્વ્યૂ લઈ રહ્યો હતો.
આ જગ્યા કરાચીના એ વિસ્તારની વચ્ચે હતી જેને 'નાઇન-ઝીરો' તરીકે ઓળખવામાં આવે છે.
નાઇન-ઝીરો
ઇમેજ સ્રોત, Getty Images
'નાઇન-ઝીરો'નું હેડક્વાર્ટર કરાચીમાં આવેલું છે
'નાઇન-ઝીરો' પાકિસ્તાનના એક શક્તિશાળી રાજકીય પક્ષ 'એમક્યુએમ'નું હેડક્વાર્ટર છે.
સામાન્ય રીતે કોઈ જરૂરી કામ ન હોય તો કરાચીના લોકો આ વિસ્તાર તરફ ફરકતા પણ નથી.
આ વિસ્તાર વિશેની થોડી વાત સાંભળતાં જ કરાચીના ઘણા લોકોને પરસેવો છૂટી જાય છે અને હસીને તેઓ વાત બદલવાનો પ્રયત્ન કરવા માંડે છે.
ટેપરૅકર્ડર બંધ થયા બાદ આ નેતાએ કહ્યું, "તમે તો અમારી કોઈ મદદ નહીં કરો, એટલે કે ભારત અમારી કોઈ મદદ નહીં કરે?"
હું કંઈ સમજવાનો પ્રયત્ન કરું તે પહેલાં તેમણે એક કાર્યકર્તાને બોલાવીને માત્ર એટલું કહ્યું, "પેલી સી.ડી. લઈ આવ."
મૌલાના આઝાદની સી.ડી.
ઇમેજ સ્રોત, Getty Images
એમક્યુએમના નેતા ડૉ. ફારુખ સત્તાર
થોડા સમય બાદ મારા હાથમાં એક સી.ડી. હતી, જેનાં કવર પર મૌલાના અબુલ કલામ આઝાદની તસવીર હતી.
ભારતના સ્વાતંત્ર્યસેનાની અબુલ કલામ આઝાદની સી.ડી. કરાચીના 'નાઇન-ઝીરો'માં હતી.
'નાઇન-ઝીરો' એ કરાચીમાં આવેલો ભુલભુલામણી જેવો વિસ્તાર છે જેની દરેક ગલીના છેડે નાકાબંધી ગોઠવાયેલી છે.
'એમક્યુએમ'ના સૈનિકો આ વિસ્તારની દરેક ગલીના નાકા પર તહેનાત હોય છે.
સતર્ક આંખો, હાથમાં મોબાઇલ અને પાયજામામાં રિવૉલ્વર સાથે તેઓ ચોકી કરતા રહે છે.
કહેવાય છે કે પોલીસ અને પૅરામિલિટરીના સૈનિકો પણ પરવાનગી વિના અહીં આવી નથી શકતા.
ભારે હથિયારોથી સજ્જ થઈ તેઓ ક્યારેક અહીં રેડ કરવા માટે આવે છે.
મુત્તહિદા કોમી મૂવમૅન્ટ
ઇમેજ સ્રોત, RIZWAN TABASSUM/AFP/GETTY IMAGES
'મુત્તહિદા કોમી મૂવમૅન્ટ'ના નેતા અસ્તાફ હુસૈનના પોસ્ટર સાથે કરાચીમાં તેમના સમર્થકો
'મુહાજિર કોમી મૂવમૅન્ટ'ની સ્થાપના અલ્તાફ હુસૈને 1984માં કરી હતી.
ભારત છોડી પાકિસ્તાનમાં વસેલા ઉર્દૂભાષી મુસ્લિમો સાથે થઈ રહેલા ભેદભાવ અને અન્યાયની વિરુદ્ધ તેમણે ધર્મનિરપેક્ષ અને ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું.
'મુહાજિર કોમી મૂવમૅન્ટ'નો વિસ્તાર વધારવા માટે તેને બાદમાં 'મુત્તહિદા કોમી મૂવમૅન્ટ'નું નામ આપવામાં આવ્યું હતું.
એક જમાનામાં 'એમક્યુએમ' કરાચી પર લોઢાના પંજા જેવી પકડ ધરાવતું હતું.
આ 'એમક્યુએમ'ના હેડક્વાર્ટરમાં પ્રવેશ કરનારા મુલાકાતીઓને દરેક નાકે રોકી પૂછપરછ કરવામાં આવતી હતી.
સંતોષકારક જવાબ મળ્યા બાદ જ તેમને આગળ પ્રવેશ આપવામા આવતો હતો.
આગળની ગલીમાં તહેનાત પક્ષના કાર્યકર્તાઓને ખબર પડી જતી હતી કે 'નાઇન-ઝીરો'માં કોઈ નવું પંખી પ્રવેશ્યું છે.
વાસ્તવિકતાથી અજાણ
ઇમેજ સ્રોત, Getty Images
'મુત્તહિદા કોમી મૂવમૅન્ટ'ના સમર્થકો મુહાજિરોના હકો માટે લડત ચલાવે છે
બીજા નાકા પર પણ પૂછપરછ થયા બાદ આગળના નાકા સુધી જવાની પરવાનગી મળતી હતી.
આજથી નવ વર્ષ પહેલાં હું 'નાઇન-ઝીરો'ના હેડક્વાર્ટરના એક નાકાથી બીજા નાકા સુધી રૅકર્ડર અને માઇક લઈ નિર્ભયતાથી જઈ રહ્યો હતો.
હું નિર્ભય એટલા માટે હતો કારણ કે હું પાકિસ્તાન પહેલીવાર ગયો હતો અને 'નાઇન-ઝીરો' વિશેની હકીકતોની અજાણ હતો.
'મુહાજિર કોમી મૂવમૅન્ટ'ના શક્તિશાળી નેતા ડૉક્ટર ફારૂખ સત્તારની ઍપૉઇન્ટમૅન્ટ લઈને હું તેમનો ઇન્ટર્વ્યૂ લેવા જઈ રહ્યો હતો.
ડૉક્ટર સત્તાર બાદમાં 'મુત્તહિદા કોમી મૂવમૅન્ટ'ના પ્રમુખ બન્યા હતા.
કરાચી શહેરમાં 'નાઇન-ઝીરો'નો જેટલો ભય પ્રવર્તે છે તેટલા જ ભયમાં 'નાઇન-ઝીરો'ના કાર્યકરો પણ જીવે છે.
'તારો કોથળો પણ તૈયાર છે'
ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2016માં 'મુત્તહિદા કોમી મૂવમૅન્ટ'ના હેડક્વાર્ટરને તાળું મારી દેવામાં આવ્યું
એંશી અને નેવુંના દાયકામાં કરાચીમાં બંધ કોથળામાં મૃતદેહ મળી આવવો સામાન્ય વાત હતી.
સૌને જાણ હતી કે આ ઘટનાઓ પાછળ કોનો હાથ છે.
રાજકીય વિરોધીઓને ધમકી આપવા માટે ત્યારે એક જ વાક્ય કહેવામાં આવતું, 'તારો કોથળો પણ તૈયાર છે.'
અમુક દિવસો બાદ તે વ્યક્તિનો કોથળામાં પૂરાયેલો મૃતદેહ ગટર કે મેદાનમાંથી મળી આવતો હતો.
રસ્તા કે ચોક પર ગોળીબાર થવો ત્યારે સામાન્ય વાત ગણાતી હતી.
છેલ્લા નાકા પરથી પસાર થયા બાદ મેં જોયું કે કાળા કાચવાળી એક મોંઘી કાર રસ્તાની વચ્ચે ઊભી હતી.
હથિયાર હોવાની ગેરસમજણ
ઇમેજ સ્રોત, ASIF HASSAN/AFP/GETTY IMAGES
'એમક્યુએમ'ના હેડક્વાર્ટર આસપાસની દરેક ગલીમાં નાકાબંધી રાખવામાં આવતી
હું તે કાર તરફ આગળ વધી રહ્યો હતો કે કારની બન્ને તરફના દરવાજા એક ઝાટકે ખૂલ્યા અને સ્ફૂર્તિથી કૂદીને તેમાંથી બે વ્યક્તિ બહાર આવી.
હોલિવૂડના અભિનેતાઓની જેમ તેઓ લાંબા ડગ ભરતા અને કોટ લહેરાવતા મારી તરફ આગળ વધવા લાગ્યા.
હું મારી જગ્યાએ જ અટકી ગયો. મારી નિર્ભયતા ક્યાંક ખોટી તો સાબિત નથી થઈ ને?
મારા હાથમાં રૅકર્ડર અને માઇક જોઈને હું હથિયારથી સજ્જ છું તેવી ગેરસમજણ તો તેમને નથી થઈ ને?
હું મારા બચાવનો કોઈ રસ્તો શોધી રહ્યો હતો, ત્યારે બન્ને વ્યક્તિ મારી સામે આવીને ઊભી રહી ગઈ.
તેમાંથી ટૂંકા કદના, પાતળા અને દાઢીવાળા વ્યક્તિએ મારી તરફ હાથ લંબાવીને કહ્યું, "હું ફારુખ સત્તાર, તમારું સ્વાગત છે."
સમાચારોનું મૉનિટરિંગ
ઇમેજ સ્રોત, Getty Images
અલ્તાફ હુસૈનનનું યુકેસ્થિત ઘર
આ ઘટનાક્રમને કારણે મારો શ્વાસ અટકી ગયો હતો.
થ્રી-પીસ સૂટ પહેરીને ઊભેલા ફારુખ સત્તાર સાથે હાથ મિલાવતી વખતે મેં પહેલીવાર ઊંડો શ્વાસ લીધો.
હવે હું 'નાઇન-ઝીરો'ની સુરક્ષા હેઠળ હતો.
'મુત્તહિદા કોમી મૂવમૅન્ટ'નું રાજકારણ અને તેના લક્ષ્ય વિશે જાણકારી આપવા માટે મને પક્ષના મીડિયા સેલમાં લઈ જવામાં આવ્યો.
અહીં ચારેય તરફ લાગેલા લગભગ 24 ટી.વી. સ્ક્રીન પર આખો દિવસ સમાચારોનું મૉનિટરિંગ કરવામાં આવતું હતું.
યુકેમાં રહેતા પક્ષના સંસ્થાપક નેતા અલ્તાફ હુસૈનને આ મૉનિટરિંગની જાણકારી અપવામાં આવતી હતી.
'પાકિસ્તાન જઈને કંઈ નહીં મળે'
ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીની જામા મસ્જિદે મોલાના આઝાદે પાકિસ્તાન જઈ રહેલા મુસ્લિમોને સંબોધ્યા હતા
મૌલાના અબુલ કલામ આઝાદના ભાષણની સી.ડી. હાથમાં આવતાં જ મને સમજાઈ ગયું હતું કે તેમાં કયું ભાષણ હશે.
દેશના ભાગલા બાદ દિલ્હીથી પાકિસ્તાન જઈ રહેલા મુસ્લિમોને વર્ષ 1948માં મૌલાના અબુલ કલામ આઝાદે જામા મસ્જિદનાં પગથિયાં પરથી એક ભાષણ આપ્યું હતું.
તેમાં કહ્યું હતું કે પાકિસ્તાન જઈને તેમને કંઈ નહીં મળે.
તેમણે કહ્યું હતું, "મુસ્લિમો, મારા ભાઈઓ, તમે ભારત છોડીને જશો તો તમારા ગયા બાદ ભારતમાં રહેનારા મુસ્લિમો અશક્ત બની જશે."
"જો તમે બંગાળમાં જઈને રહેશો તો તમને 'હિંદુસ્તાની' કહેવામાં આવશે."
"સૂબા-એ-પંજાબમાં રહેશો તો તમને 'હિંદુસ્તાની' કહેવામાં આવશે. સૂબા-એ-સરહદ અને બલૂચિસ્તાનમાં જઈને રહેશો તો 'હિંદુસ્તાની' કહેવામાં આવશે."
"સૂબા-એ-સિંધમાં રહેશો તો પણ તમને 'હિંદુસ્તાની' તરીકે જ ઓળખવામાં આવશે."
મુહાજિરોની ફરિયાદ
ઇમેજ સ્રોત, Getty Images
ભારત છોડી પાકિસ્તાન ગયેલા મુસ્લિમોને ત્યાં 'મુહાજિર' તરીકે ઓળખવામાં આવે છે
'એમક્યુએમ'ના જે નેતાનો હું ઇન્ટરવ્યૂ કરી રહ્યો હતો. તેમણે ગુસ્સા અને અસંતોષભર્યા અવાજે મને પૂછ્યું, "મૌલાના આઝાદની સી.ડી.નું અમે અહીં ચોરીછૂપીથી વિતરણ કરીએ છીએ."
"પાકિસ્તાનમાં અમારી(ભારતથી પાકિસ્તાન ગયેલા મુસ્લિમોની) આવી પરિસ્થિતિ છે."
મુહાજિરોની ફરિયાદ રહી કે જે પાકિસ્તાન માટે તેમણે દિલ્હી, લખનૌ, આગ્રા, પટના અને દખ્ખણમાં પોતાના પૂર્વજોનું વતન છોડ્યું તેમને પાકિસ્તાનના પંજાબી, પઠાન, સિંધી કે બલૂચ લોકો સ્વીકારી નથી રહ્યા.
આ જ વાત મૌલાના આઝાદે વર્ષો પહેલાં કરી હતી પરંતુ ત્યારે 'મુસ્લિમ લીગ' આઝાદને કૉગ્રેસના ગુલામ કહેતી હતી.
સિત્તેર વર્ષ પહેલાં
ઇમેજ સ્રોત, Getty Images
મૌલાના આઝાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધ્યક્ષપદ પણ સંભાળી ચૂક્યા છે
તેમના મુસ્લિમ હોવા પર પણ 'મુસ્લિમ લીગ' પ્રશ્નાર્થ કરતી હતી.
પાકિસ્તાન જઈ રહેલા ભારતીય મુસ્લિમોના ભવિષ્યને મૌલાના આઝાદ સિત્તેર વર્ષ પહેલાં પણ સ્પષ્ટપણે જોઈ શકતા હતા. એ ભવિષ્યને ઝીણા અને તેમની 'મુસ્લિમ લીગ' નહોતાં જોઈ શક્યાં.
આટલાં વર્ષોમાં ભારત બીજા મૌલાના આઝાદને જન્મ નથી આપ્યું શક્યું. જે કશ્મીરના મુસ્લિમોના ઘાવને ભરી શકે અને કોઈ મસ્જિદની સીડીઓ પર ઊભા રહી સંકોચ વગર કહી શકે, "મુસ્લિમો, મારા કાશ્મીરી ભાઈઓ..."
( આ સ્ટોરી સૌપ્રથમવાર 2017માં બીબીસી ગુજરાતીમાં પ્રકાશિત થઈ હતી)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો