બીબીસી પૉપઅપ સફરની ખાટી-મીઠી વાતો

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ગુજરાત ચૂંટણી : બીબીસીની ટીમ પહોંચી ગુજરાત, તેમને જણાવો તમારા આઇડિયા

ગુજરાતમાં બીબીસી પૉપઅપનો કન્સેપ્ટ થોડો નવો હતો. લોકોને નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, નોટબંદી કે જીએસટીના વિચારોમાંથી દૂર લઈ જઈ કંઇક નવા આઇડિયાઝ પર બોલવા માટે સમજાવવાના હતા.

આ માટે બીબીસી ન્યૂઝ ગુજરાતી અને બીબીસી હિંદીની ટીમ અમદાવાદ પહોંચી હતી.

અમારા શૂટ એડિટર, પ્રોડ્યુસર, સોશિઅલ મીડિયા પર્સન, પ્રેઝન્ટર અને ડ્રાઇવર મળીને અમારી કુલ નવ લોકોની ટીમ હતી.

બીબીસી હિન્દીના વિનીત ખરે, પ્રોડ્યુસર વિકાસ પાંડે, શૂટ એડિટ કાસિફ સિદ્દીકી, સોશિઅલ મીડિયાના અમારા સાથી સાગર પટેલ અને કુલદીપ મિશ્રા પહેલા દિવસે ગુજરાત યુનિવર્સિટીના જર્નલિઝમ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓને મળ્યાં.

તમને આ પણ વાંચવું ગમશે

ફોટો લાઈન સોશિઅલ મીડિયા પર્સન સાગર પટેલ (ડાબે) તથા બીબીસી હિંદીના કુલદીપ મિશ્રા

પહેલા દિવસનો પૉપઅપનો અનુભવ અમારા માટે પણ નવો હતો. પૉપઅપ વિશે અમારા પ્રોડ્યુસર વિકાસ પાંડેએ અમને સમજાવ્યું.

મારે અને વિનીતે સૌ પ્રથમ પૉપઅપ માટે એક પ્રારંભિક પરિચય (ઇન્ટ્રોડક્શન, પૉપઅપ વિશેની જાણકારી) આપવાની હતી.

એક તરફ વિદ્યાર્થીઓ માટે ખુરસીઓ ગોઠવાઈ હતી. તો બીજી બાજુ પૉપઅપ, બીબીસી ગુજરાતી અને હિન્દીની સ્ટેન્ડિઝ મુકવામાં આવી હતી.

અમારા સોશિઅલ મીડિયાના સાથી સાગર પટેલે પડદા પાછળ રહીને આ તૈયારીઓ માટે ખૂબ જ મહેનત કરી હતી. અમે સવારે નવ વાગ્યે ગુજરાત યુનિવર્સિટી પહોંચી ગયા હતા.


પૉપઅપ એટલે શું?

મેં અને વિનીતે શરૂઆત કરી. પહેલા પૉપઅપ વિશેની જાણકારી આપી.

પૉપઅપ એટલે કે તમારી સ્ટોરી, તમારા આઇડિયાઝ અને તમારા મુદ્દા. પૉપઅપ દ્વારા બીબીસી લોકોની પાસેથી આઇડિયા માંગે છે.

વાચકો - દશકોને ગુજરાતના કોઈ પણ ખૂણેથી આઇડિયા મોકલવાનું ઇજન છે.

અમે વિદ્યાર્થીઓ પાસે જઈને તેમના સ્ટોરી આઇડિયા પૂછ્યા. વિદ્યાર્થીઓ પાસેથી અમને ગ્રામીણ ગુજરાતની ઘણી રસપ્રદ વાતો જાણવા મળી.


પૉપઅપ ઑટો

એટલામાં અમારો પૉપઅપ ઑટો આવી પહોંચ્યો. મારે એ ઑટોમાં બેસી વિનીત ખરેને અમદાવાદ બતાવવાનું હતું.

અમે પૉપઅપ માટે ઑટો રિક્ષા એટલા માટે પણ પસંદ કરી કેમ કે ઑટોમાં ગરીબથી લઈને અમીર, એટલે કે બધા જ સ્તરના લોકો મુસાફરી કરતા હોય છે.

અમદાવાદીઓ શહેરની જૂની પોળો અને લાલદરવાજાથી લઈને ઑટોવાળા બોપલથી એસ જી હાઈવે સુધી મુસાફરી કરતા - કરાવતા હોય છે.

એટલે અમદાવાદને આપણા કરતા ઑટો-રિક્શાવાળા વધારે જાણે છે, સમજે છે એવું અમને લાગ્યુ.


ઑટો-રિક્ષાની સવારી

પૉપઅપ ઑટોમાં બેસી અમે સીદી સૈયદની જાળી પહોંચ્યા. લકીના મસ્કા બન અને ચાની મજા લઈ હોટેલ અગાશીયેમાં લંચ કર્યું.

સાથે જ વિનીત અને મેં ઑટોમાં બેસી રિલિફ રોડની સવારી કરી. રિલિફ રોડના ટ્રાફિક અને પ્રદૂષણે અમને મારી - અમારી કર્મભૂમિ દિલ્હીની યાદ અપાવી દીધી.

ઑટોમાં ફેસબુક લાઇવ કરવું થોડું મુશ્કેલ હતું. અમારા શૂટ એડિટ કાશિફે કેમેરા પકડી રાખ્યો હતો. હું અને વિનીત પાછળની સીટ પર બેઠા હતા.


શૂટ કરતા કરતા બેલેન્સ બગડ્યું

અમારું લાઇવ ખૂબ જ સારું જઈ રહ્યું હતું પણ એક ક્ષણ એવી આવી કે જ્યારે કાસિફે સંતુલન ગુમાવ્યું અને તે રીક્ષામાંથી પડવા જેવી સ્થિતિમાં આવી ગયા.

છેવટે અમારે અધવચ્ચે જ લાઇવ બંધ કરવું પડ્યું હતું.

ત્યાંથી અમારી સવારી ઉપડી કૉમર્સ છ રસ્તા. ત્યાં પ્રોજેક્ટ ઓટેન્ગા કૅફેમાં અમે સોશિઅલ મીડિયામાં લોકપ્રિય લોકોને મળ્યા.


ટ્વિટરાર્ટીઝ સાથે પૉપઅપ

ફોટો લાઈન સોશિઅલ મીડિયા પર પ્રભાવશાળી લોકો સાથે બીબીસીની પૉપઅપ ટીમ

ટ્વિટર આર્ટીઝ એટલે કે એવા લોકો જેમના ટ્વિટર પણ ઘણા બધા ફૉલોઅર્સ છે.

જેમાં આર.જે. (રેડિયો જોકી) ધ્વનિત, કુમાર મનીષ, કાનન ધ્રૂ, ઇમરાન, પ્રણવ મોદી, સ્નેહ ભાવસાર, અંકિત વગેરે સાથે ચર્ચા કરી.

એમની સાથે ફેસબુક લાઇવ કર્યું એ સાથે અમારી ઇલેક્શન ટ્રીપનો પહેલો દિવસ પૂરો થયો.


સ્કુટરની સવારી

ફોટો લાઈન બીબીસી હિંદીના વિનીત ખરે (ડાબે) વચ્ચે અર્ચના પુષ્પેન્દ્ર અને જમણે પ્રોડ્યુસર વિકાસ પાંડે

રવિવારના દિવસે અમે મણિનગર પહોંચ્યા. ત્યાંનાં ક્રિકેટ મેદાનમાં લોકોની રાહ જોતા જોતા અમે સ્કૂટરની સવારી પણ કરી.

સ્કૂટર સાથે સાઇડકાર હતી. અમે ત્રણેએ ત્યાં ફોટો પડાવ્યો હતો.

એટલું જ નહીં મેં સ્કૂટર પણ ચલાવ્યું. કબૂલ કરવું રહ્યું કે સાઇડકાર સાથે સ્કૂટર ચલાવવું એ તાલીમ માંગી લેતું કામ છે.

કૉલેજના દિવસોમાં હું સૌથી પહેલા બજાજ સ્કૂટર ચલાવતા જ શીખી હતી. પરંતુ સાઇડકાર સાથે સ્કૂટર ચલાવવામાં મારું બેલેન્સ ઘણીવાર બગડ્યું હતું.


લોકોના મુદ્દા

આ દરમિયાન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આસપાસમાં રહેતાં કેટલાક લોકો એકઠાં થઈ ગયાં.

પૉપઅપમાં ટ્રાફિક, પ્રદૂષણ, ગંદકી જેવા ઘણા મુદ્દાઓ બહાર આવ્યા. આ સાથે જ ઘણી પોઝિટિવ અને પ્રેરણા દાયક સ્ટોરીઝ પણ સાંભળવા મળી.

ક્રિકેટ ગ્રાઉન્ડથી નીકળતા પહેલા વિનીત, વિકાસ, કુલદીપ અને કાસિફ ક્રિકેટ પણ રમ્યા.


બે દિવસ પહેર્યા એક જ કપડાં

થેન્ક્સ ટૂ અવર પ્રોડ્યુસર. વિકાસે મને અને વિનીતને બે દિવસ એક જ કપડાં પહેરાવ્યાં.

કારણ કે શનિવારે જ્યારે અમે પૉપઅપની શરૂઆત કરી હતી, ત્યારે શરૂઆતની સિકવન્સ શૂટ કરવાની રહી ગઈ હતી.

જેથી અમારે બે દિવસ એક જ કપડાં પહેરવાં પડ્યાં.

અમે એ રહી ગયેલું શૂટ પૂરું કરવા પાછા ગુજરાત યુનિવર્સિટી આવ્યા.

ત્યાં અધૂરું શૂટ પૂરું કર્યું અને બધાએ સેવ-પૂરીનો સ્વાદ માણ્યો. બીબીસી હિન્દીની ટીમને વડાપાઉં અને દાબેલીનો સ્વાદ પણ ચખાડ્યો.

અમારી સફર આગળ વધી અમદાવાદની બીજી એક ચાની દુકાન પર. બપોરે ખેતલાઆપા ટી સ્ટોલ પર ફેસબુક લાઇવ કર્યું.

જ્યાં દિવસની 800 લિટર ચા બને છે. એકવારમાં 40 કપ ચા લોકોને પીવડાવવામાં આવે છે.

ચાની દુકાને લાઇવ કરી અમે બધા બે દિવસમાં કરેલા કામનું એડિટિંગ કરવા બેઠા.

તો પૉપઅપ દ્વારા આવેલા આઇડિયાઝનું લિસ્ટ બનાવી અમે તૈયાર છીએ તમારા વિસ્તારની મુલાકાત લેવા માટે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો