પ્રેસ રિવ્યૂ: મુખ્યમંત્રી રૂપાણી પસાર થયા પણ લાશ લટકતી રહી

મુખ્યમંત્રી વિજય રૂપાણી Image copyright Getty Images

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરા નજીક સોખડાની મુલાકાતે ગયા હતા.

અહેવાલ મજબ જ્યારે સીએમનો કાફલો આ રૂટ પરથી પસાર થયો, ત્યારે નજીકના ઝાડ પર યુવાનની લાશ લટકતી જોવા મળી હતી.

આ અહેવાલ મુજબ સીએમનો કાફલો પસાર થયા બાદ છાણી પોલીસે તપાસ શરૂ કરી હતી. પત્નીના સંબંધોને કારણે યુવાને આત્મહત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

સીએમના રૂટ પર વિશેષ ચેકિંગ અને રિહર્સલ થતું હોય છે. ત્યારે સીએમ પસાર થયા તેમ છતાં લાશ તેમ જ લટકતી રહી હતી, તેવો સવાલ પણ અહેવાલમાં ઉઠાવવામાં આવ્યો છે.


'પદ્માવતી' ફિલ્મનો ઉગ્ર વિરોધ

Image copyright Getty Images

સંદેશના અહેવાલ પમાણે, રાજપૂત સમુદાય, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને કરણી સેનાએ 'પદ્માવતી' ફિલ્મના વિરોધમાં રવિવારે ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યાં હતાં.

આ અહેવાલ મુજબ જો ફિલ્મની રિલીઝને અટકાવવામાં નહીં આવે તો પહેલી ડિસેમ્બરે અમદાવાદમાં વિરાટ સંમેલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

નવગુજરાત સમચારમાં પ્રકાશિત અહેવાલ મુજબ, સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી'ને કોઈપણ સંજોગોમાં રિલીઝ નહીં થવા દેવાનું એલાન સમસ્ત રાજપૂત સમાજે કર્યું હતું.

આ અહેવાલ મુજબ આ કાર્યક્રમમાં રાજપૂત સમાજે અનામત વ્યવસ્થાની પુન:સમીક્ષા કરવા અને રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માગણી કરી હતી.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, ફિલ્મ રિલીઝ થશે તો દિલ્હીમાં ૨૦ લાખ લોકો એકઠા થઈને વિરોધ કરશે.


26 વર્ષમાં 51મી વખત બદલી

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પોતાની બદલીના સમાચાર મળતા હરિયાણાના IAS ઑફિસરે ટ્વીટ કર્યું હતું.

અશોક ખેમકાએ ટ્વીટમાં લખ્યું, 'ઘણાં કામ કરવાનાં હતા. ફરી બદલીના સમાચાર. દેજા વુ. આ હંગામી છે.'

(દેજા વુ એ અગાઉ પણ અનુભવી ચૂક્યા હોય તેવી લાગણી સૂચવતો શબ્દ છે.)

અમર ઉજાલામાં પ્રકાશિત અહેવાલ મુજબ, 52 વર્ષના અશોક ખેમકાની 26 વર્ષની નોકરીમાં 51મી વખત બદલી થઈ છે.

આ અહેવાલ મુજબ ખેમકાની જ્યાંજ્યાં બદલી કરવામાં આવી ત્યાંત્યાં તેમણે ગોટાળા બહાર પાડ્યા છે, એટલે તેમની બદલી કરવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 2012માં ડીએલએફ-રોબર્ટ વાડ્રા ડીલને રદ કરવામાં તેમની ભૂમિકા હતી.

આ સિવાય હરિયાણામાં બીજા એક ઑફિસર પ્રદીપ કાસનીની સૌથી વધુ 68 વખત બદલી થઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો