ભારતના આ શહેરમાં ભિખારીઓને ભેગા કરવાના પૈસા મળે છે

હૈદરાબાદના ચાર મિનારની પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન હૈદરાબાદમાં શહેરના પોલીસ કમીશનરે ભીખ માંગવા પર પણ બે મહિનાનો પ્રતિબંધ લાદયો છે

શહેરને ભિક્ષુકમુક્ત બનાવવાના હેતુથી હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની સંયુક્ત રાજધાની) શહેરનું સ્થાનિક વહીવટીતંત્ર અને અધિકારીઓ ભિખારીઓને ઓળખી કાઢવા નાગરિકોને 500 રૂપિયા આપે છે.

શહેરના પોલીસ કમિશનરે ભીખ માંગવા પર પણ બે મહિનાનો પ્રતિબંધ લાદયો છે.

સમીક્ષકોના કહેવા પ્રમાણે આ પગલું આગામી દિવસોમાં અમેરિકી પ્રમુખની પુત્રી ઇવાન્કા ટ્રમ્પના પ્રવાસને ધ્યાનમાં લઈને રાખવામાં આવ્યું છે.

તમને આ પણ વાંચવું ગમશે

અધિકારીઓ સમીક્ષકોના મંતવ્ય સાથે સંમત નથી.

છેલ્લા એક સપ્તાહમાં પોલીસે શહેરના ધાર્મિક સ્થળો, બસ અને રેલ્વે સ્ટેશનની બહાર બેસતા ભિખારીઓની અટકાયત કરી છે.


Image copyright T S SUDHIR
ફોટો લાઈન બિલ ક્લિન્ટન હૈદરાબાદ શહેરની મુલાકાતે આવ્યા ત્યારે આવી રીતે અસ્થાઈ રૂપે ભિખારીઓની આજની જેમ જ અટકાયત કરવામાં આવી હતી

ઇવાન્કા ટ્રમ્પ આગામી 28-29 નવેમ્બર એમ બે દિવસ માટે હૈદરાબાદ ખાતે યોજાનારી ગ્લોબલ ઑન્ટ્રપ્રનિયરશીપ સમિટમાં ભાગ લેવા આવી રહ્યાં છે.

માર્ચ 2000માં તત્કાલીન અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટન હૈદરાબાદ શહેરની મુલાકાતે આવ્યા ત્યારે આવી રીતે અસ્થાઈ રૂપે ભિખારીઓની આજની જેમ જ અટકાયત કરવામાં આવી હતી.

એમ. સંપત, પુનર્વસન કેન્દ્રના વડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ભિખારીઓને ઓળખી કાઢવા માટે 500 રૂપિયાનું ઇનામ જેલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે."

જેલ વિભાગે શહેરને ભિક્ષુકમુક્ત બનાવવા ઝુંબેશ આદરી છે.

સંપતે ઉમેર્યું કે ઉપરોક્ત ઝુંબેશમાં શહેરના નાગરિકોને સામેલ કરીને શહેરને ભિક્ષુકમુક્ત બનાવવાની ઝુંબેશમાં નાગરિકોને હિસ્સેદાર બનાવવાનો આ એક પ્રયાસ છે.

સંપતે જણાવ્યું કે જેલ વિભાગ ભિખારીઓને પ્રશિક્ષિત કરીને તેઓને પેટ્રોલ પંપ પર કાર્યરત કરવા માટે વિચારી રહ્યું છે. રાજ્ય સરકારે અત્યાર સુધી 366 ભિખારીઓની અટકાયત કરી હતી.

Image copyright T S SUDHIR
ફોટો લાઈન અટકાયત કરાયેલા 366 ભિખારીઓમાંથી 128 ભિખારીઓએ પુનર્વસન કેન્દ્રમાં રહેવા માટે તૈયારી દાખવી હતી

અટકાયત કરાયેલા 366 ભિખારીઓમાંથી 128 એ પુનર્વસન કેન્દ્રમાં રહેવાની તૈયારી દાખવી હતી. બાકીના 238 ભિખારીઓએ ઘરે જવાનું પસંદ કર્યું હતું અને કોઈ દિવસ ભીખ ન માંગવાનો સંકલ્પ કર્યો હતો.

હૈદરાબાદ સ્થિત સ્વયંસેવી સંસ્થા જે સમાજને ભિક્ષુકમુક્ત બનાવવા કાર્યરત છે તે સંસ્થાના કાર્યકર ડૉ. જી. રામૈયાએ બીબીસી સાથે આ સંદર્ભે વાતચીત કરી.

ડૉ. જી. રામૈયાએ કહ્યું, "આપણે એક તરફ આપણા શહેરને સ્માર્ટ સીટી તરીકે ઓળખીએ છીએ અને બીજી તરફ એવી માફિયા ગેંગ સક્રિય છે, જે સ્ત્રીઓને નાના બાળકો સાથે નશાયુક્ત દવા પીવડાવી બેભાન અવસ્થામાં ભીખ માંગવા માટે રસ્તા પર ધકેલી દે છે."

તેલંગાણા જેલના ડિરેક્ટર જનરલ વી.કે. સિંઘે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "જ્યારે આ ભિખારીઓને અહીં લાવવામાં આવે છે ત્યારે આમાંથી મોટાભાગના એમ કહે છે કે તેઓ ભિખારી નથી."

સિંઘે ઉમેર્યું, "એવા ભિખારીઓને જેમના અંગ સહીસલામત હોય છે તેઓ ફરીથી ભીખ ન માંગવાની બાંયધરી આપે એટલે અમે તેમને મુક્ત કરી દઈએ છીએ."

સિંઘે કહ્યું, "અમે તેમની બાયોમેટ્રિક વિગતોનું પૂર્વવૃતાંત તૈયાર કરીને તેમના આધાર કાર્ડ બનાવી લઈએ છીએ જેથી કરીને ભવિષ્યમાં ભીખ માંગતા નજરે ચઢે તો તેમને ઓળખી શકાય."

અધિકારીઓ કહે છે કે આ ઝુંબેશને કારણે અંદાજે 5,000 ભિખારીઓ હૈદરાબાદ બહાર બીજા અન્ય શહેરોમાં જતા રહ્યા છે.

સૌથી મોટો પડકાર એ છે કે શહેર બહાર ગયેલા ભિખારીઓ પ્રતિબંધ પૂર્ણ થયે 7 જાન્યુઆરી 2018ના દિવસે ફરી પાછા શહેરમાં ન આવી જાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો