દૃષ્ટિકોણઃ ભારતમાં ભયનું વાર્ષિક બજાર કેટલાં કરોડનું છે?

સિક્યુરિટી ગાર્ડની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન 'શાળાઓમાં સુરક્ષા વધુને વધુ સઘન બનાવાઈ રહી છે'

દેશના મહાનગરની શાળાઓમાં એક નવો ચીલો શરૂ થયો છે. જોકે, તેમાં કંઈ નવું નથી. થોડાં સમય પછી આ પરિવર્તન રાજ્યોના પાટનગરો અને અન્ય શહેરોમાં પણ પહોંચશે.

શાળાઓના વર્ગખંડોમાં સીસીટીવી કૅમેરા લગાવવામાં આવ્યા છે. આ કૅમેરા શાળાની સેન્ટ્રલ સર્વર સાથે જોડાયેલા હોય છે, જેથી વાલીઓ શાળાના ફૂટેજનું જીવંત પ્રસારણ તેમના મોબાઇલ ફોન પર જોઈ શકે.

તમને આ પણ વાંચવું ગમશે

માતા-પિતા તેમના બાળકોને જોઈ શકે છે અને તેમની વાતો પણ સાંભળી શકે છે. શાળાના દરેક ખૂણામાં આ કૅમેરા લગાવવામાં આવ્યા છે.


કોણ જાણે ક્યા વેશમાં શેતાન આવે

Image copyright Getty Images
ફોટો લાઈન 'શાળાની બસોમાં સીસીટીવી લાગી ચૂક્યા છે અને સિક્યુરિટી ગાર્ડ પણ બસમાં હાજર હોય છે' (પ્રતીકાત્મક તસવીર)

શાળાની બસોમાં સીસીટીવી લાગી ચૂક્યા છે અને સિક્યુરિટી ગાર્ડ પણ બસમાં હાજર હોય છે. શાળામાં બાળકો બસમાંથી ઉતરે ત્યારે પણ કોઈ શિક્ષક કે કર્મચારી હાજર હોય છે.

તે કોઈપણ હોઈ શકે છે. શિક્ષક, ડ્રાઇવર, કંડકટર, સિનિયર વિદ્યાર્થી, માળી, કૅન્ટીનનો કર્મચારી, સિક્યુરિટી ગાર્ડ કે પછી પ્રિન્સિપાલ.

ગુરુગ્રામની એક શાળાના માસૂમ વિદ્યાર્થી પ્રદ્યુમ્ન ઠાકુરની નિર્મમ હત્યા બાદ આ ચલણ વધુ વેગ પકડશે. માતા-પિતાઓની શંકા હવે વધુ ઊંડી બનશે.

ભારતમાં વ્યક્તિગત સુરક્ષાનું દૃશ્ય બદલાઈ રહ્યું છે. જંગલો અને પહાડોમાં રહેનારા ડાકુઓ લોકોને લૂંટીને જતાં રહેતા, એ દિવસો હવે ઇતિહાસના પન્નામાં જ રહી ગયા છે.

હવે અપરાધીઓ ઘોડા પર નથી આવતા. તેઓ મોટાભાગે આપણી વચ્ચે હોય છે. કેટલીકવાર આપણાં ઓળખીતા કે સંબંધીઓ જ અપરાધી હોય છે.


લોકોને બધાથી ડર લાગે

Image copyright Getty Images
ફોટો લાઈન 'લોકોને હવે તેમની આસપાસ ભય પ્રવર્તી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે'

લોકોન હવે તેમની આસપાસ ભય પ્રવર્તી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેઓ લગભગ તમામ લોકોથી ડરેલા છે. લોકો ઘરમાં એવો ડર લઈને જીવે છે કે ક્યાંક ઘરઘાટી તેમના માતા-પિતાને લૂંટીને ન જતો રહે!

લોકો ફેરિયાઓથી ડરેલા છે. તેમને ડર છે કે શાળામાં કોઈ સિનિયર વિદ્યાર્થી કે સ્કૂલના કર્મચારીઓ તેમના બાળક સાથે કંઈક અણછાજતું ન કરી બેસે,

તેમને ડ્રાઇવર ભયાનક લાગે છે. સોસાયટીનો માળી તેમને સંભવિત હત્યારો લાગે છે. પેઇન્ટર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, લિફ્ટમેન તમામથી લોકો ડરતા રહે છે.

ત્યાં સુધી કે લોકો તેમના પરિવારજનોથી પણ ડરે છે. તેમને ડર છે છે કે તેમની બાળકી સાથે કોઈ દુષ્કર્મ ન કરે. આ પરિવારજન કોઈપણ હોઈ શકે છે.


કોઈપણ હોઈ શકે છે અપરાધી

Image copyright Getty Images
ફોટો લાઈન 'સુરક્ષાનું બદલી રહેલું આ દૃશ્ય સિનેમાના પડદા પર પણ દેખાય છે'

આ સમય બધા લોકોથી બચીને રહેવાનો સમય છે. ફિલ્મોને જો સમાજનું દર્પણ માનવામાં આવે તો જોઈ શકાય છે કે સુરક્ષાનું બદલાઈ રહેલું આ દૃશ્ય સિનેમાના પડદા પર પણ દેખાય છે.

ડાકુઓ પર બનેલી છેલ્લી ફિલ્મ રિલીઝ થયાને ઘણાં વર્ષો વીતી ચૂક્યા છે. 'ચાઇનાગેઈટ' કદાચ એવી છેલ્લી હિન્દી ફિલ્મ હતી જેમાં વિલન શહેરની બહારના જંગલોમાં રહેતો હતો.

હવે અપરાધીઓ સમાજ અને પરિવારની અંદર રહે છે. તે આપણાં ઍપાર્ટમૅન્ટમાં કે પાડોશમાં રહે છે.

સંભવિત છે કે તે દરરોજ હસીને તમને 'ગુડ મૉર્નિંગ' બોલતો હોય. તે ભણેલો-ગણેલો અને વ્યાવસાયિક હોઈ શકે છે. ટૂંકમાં તે કોઈપણ હોઈ શકે છે. આસપાસ પ્રવર્તી રહેલા આ ભયે સુરક્ષાના સૂચિતાર્થો પણ બદલ્યા છે.

હવે ગામ, વિસ્તાર કે શહેરને સુરક્ષિત બનાવવાની બાબતને વધુ પ્રાધાન્ય નથી આપવામાં આવતું. હવે સુરક્ષાના ઘેરાને ઘરની આસપાસ અને ઘરની અંદર લાવવાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.


રોજગારીનું મોટું ક્ષેત્ર

Image copyright Getty Images
ફોટો લાઈન 'દરેક જગ્યા પર સીસીટીવીની દેખરેખ હોય છે અને તેનું રેકર્ડિંગ રાખવામાં આવે છે'

મહાનગરોના દરેક પૉશ વિસ્તારોમાં કાંટાળા તારથી દિવાલોને સુરક્ષિત કરી દેવામાં આવી છે. સોસાયટીના દરવાજાઓ પર સિક્યુરિટી ગાર્ડ ફરજ પર હાજર હોય છે.

જેઓ અવરજવર કરનારા દરેક વ્યક્તિ અને વાહનની વિગત રાખે છે.

ઍપાર્ટમૅન્ટના દરવાજામાં પ્રવેશનારી દરેક વ્યક્તિની માહિતી સંબંધિત ફ્લેટમાં આપવામાં આવે છે અને પરવાનગી મળ્યા બાદ જ તે આગંતુકને પ્રવેશ આપવામાં આવે છે.

દરેક બંગલા અને અને ફ્લેટની બહાર પણ સિક્યુરિટી સિસ્ટમ જોવા મળે છે. બહારથી આવનારા વ્યક્તિનો ચહેરો જોઈ તેમજ અવાજ સાંભળ્યા બાદ જ તેને પ્રવેશ આપવામાં આવે છે.

દરેક જગ્યા પર સંભવિતપણે સીસીટીવીની દેખરેખ હોય છે અને તેનું રેકૉર્ડિંગ રાખવામાં આવે છે.

કેટલાંક સ્થળો પર બાયોમેટ્રિક એક્સેસ આપવામાં આવે છે એટલે કે આંગળીઓની છાપ અને આંખની કીકીની ઓળખ દ્વારા જે-તે વ્યક્તિને પ્રવેશ આપવામાં આવે છે.

આ તમામ બંદોબસ્ત કોઈ ગબ્બરસિંઘ, સુલતાના ડાકૂ કે જગીરા ડાકૂને રોકવા માટે નથી. આપણી વચ્ચે રહેતા લોકોથી સુરક્ષિત થવા આ તમામ વ્યવસ્થા છે. તેઓ આપણાં કામના અને આપણાં લોકો છે.

ભારતમાં સુરક્ષા વ્યવસ્થાના ખાનગી વ્યવસાય પર વર્ષ 2014માં તૈયાર કરવામાં આવેલા 'ગૈંટ થૉમસન- ફિક્કી રિપોર્ટ' અનુસાર આ વ્યવસાય વર્ષ 2014માં 40,000 કરોડ રૂપિયાનો હતો.

વાર્ષિક વધારાનું ગણિત લાગુ કરવામાં આવે તો આ વેપાર હાલ 50,000 કરોડ રૂપિયાને પણ પાર કરી ચૂક્યો છે.

રિપોર્ટમાં જાહેર કરાયું છે કે જો આ વેપારનો વર્તમાન વધારો સતત રહ્યો તો વર્ષ 2020 સુધીમાં સુરક્ષાનો આ વ્યવસાય 80,000 કરોડ રૂપિયાને પાર પહોંચી જશે. ઉપરાંત તેમાંથી 50થી 70 લાખ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે.


બમણી ઝડપે વધી રહ્યો છે વેપાર

Image copyright Getty Images
ફોટો લાઈન 'ગુનો કરવાની પદ્ધતિઓ હવે બદલાઈ રહી છે'

અન્ય એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2017માં ભારતમાં સુરક્ષા ઉપકરણોનો વાર્ષિક વેપાર 8000 કરોડ રૂપિયાનો હતો. 2020માં આ આંકડો 18,000 કરોડ રૂપિયાને પાર પહોંચવાનો અંદાજ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યસાયમાં દરેક ચાર વર્ષમાં બમણો વિકાસ થાય છે. આ વ્યવસાયને દેશના તેજીથી વધી રહેલા વ્યવસાયો પૈકીનો એક ગણવામાં આવે છે.

બાયોમેટ્રિક સિક્યુરિટીના ઉપકરણોનું બજાર સૌથી વધુ ઝડપથી વધી રહ્યું છે.

સવાલ એ છે કે ભારતના લોકો શા માટે અને કોનાથી આટલું ડરી રહ્યા છે? શું તેમને પોલીસ અને સરકાર તરફથી મળનારી સુરક્ષા વ્યવસ્થાઓ પર ભરોસો નથી?

જાહેર છે કે લોકોને આ બાબતે સરકાર પર ભરોસો નથી. તેમણે સ્વીકારી લીધું છે કે સુરક્ષાની કેટલીક જરૂરિયાતો માટે સરકાર પર નિર્ભર નથી રહી શકાતું.

કદાચ આ જ વિચારના કારણે એપાર્ટમેન્ટ કે સોસાયટીના દરવાજા બહાર સિક્યુરિટી ગાર્ડ જોવા મળે છે.

જો કોઈ ગુનો થશે તો પોલીસ તેની તપાસ કરશે પરંતુ ગુનાહિત ઘટના ન બને તેની જવાબદારી માત્ર પોલીસ પર જ નથી છોડી શકાતી.

ગુનાની પ્રકૃતિમાં આવેલું પરિવર્તન કદાચ આ બાબતનું સૌથી મોટું કારણ છે.

મહિલાઓ વિરૂદ્ધ થતા ગુનાઓનું ઉદાહરણ લઈએ તો નેશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે આ પ્રકારના મોટાભાગના કેસોમાં કોઈ સંબંધી અથવા કોઈ ઓળખીતું જ દોષિત નીકળે છે.


ગુનો આચરવાની પદ્ધતિમાં પરિવર્તન

Image copyright Getty Images
ફોટો લાઈન 'હવે ગુનાની ઘટનાની મુખ્ય જગ્યા ઑફિસ કે ઘર હોય છે'

વર્ષ 2015ના આંકડાઓ પ્રમાણે દુષ્કર્મના 95 ટકા કિસ્સાઓમાં ગુનેગાર પરિચિત જ હોય છે. દુષ્કર્મના 27 ટકા કિસ્સાઓમાં પાડોશી ગુનેગાર હોય છે. 22 ટકા દુષ્કર્મ લગ્નનો વાયદો આપીને કરવામાં આવે છે.

આ આંકડાઓ પરથી સાબિત થાય છે કે દુષ્કર્મથી બચવા માટે આસપાસના લોકોથી સચેત રહેવાની જરૂર વધારે છે.

સમયની સાથે ઘણી ચીજોમાં પરિવર્તન આવ્યું છે. જેના કારણે ગુનાની ઘટનાની મુખ્ય જગ્યા ઑફિસ કે ઘર હોય છે.

તમને આ પણ વાંચવું ગમશે

ડેબિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની સુવિધાઓના કારણે લોકો ઓછી રોકડ લઈને બહાર નીકળે છે. તેથી કોઈ ગુનેગાર માટે આવા લોકોને લૂંટવા હવે વધુ ફાયદાકારક નથી.

લોકો ઈમિટેશન ઘરેણાંઓ વધુ પહેરતા હોવાથી ચેઈન સ્નેચિંગ પણ ઓછું થાય છે. સાર્વજનિક સ્થળો તેમજ પ્રવાસનના સાધનો વધુ સુરક્ષિત બનવાના કારણે ગુનાઓની પેટર્નમાં પરિવર્તન આવ્યું છે.


સફળ માણસોનો અલગાવવાદ

Image copyright Getty Images
ફોટો લાઈન 'ઉચ્ચ વર્ગના લોકોની જીવન પદ્ધતિ વિશે હવે વંચિત વર્ગના લોકોને પહેલાં કરતા વધુ જાણકારી છે'

એક એવી બાબત છે જેમાં પરિવર્તન આવ્યું છે. ઉચ્ચ વર્ગના લોકોની જીવન પદ્ધતિ વિશે હવે વંચિત વર્ગના લોકોને પહેલાં કરતા વધુ જાણકારી છે.

ટી.વી. સીરિયલ અને સોશિઅલ મીડિયાના કારણે ઉચ્ચ વર્ગના ઘણાં રહસ્યો હવે સાર્વજનિક છે. આ વર્ગના જે ઠાઠમાઠ અત્યાર સુધી સામાન્ય લોકોએ નહોતા જોયા તેના વિશે હવે સૌ કોઈ જાણે છે.

આ વાત સમાજમાં મોટા સ્તરે અસંતોષ જન્માવી રહી છે. ઉચ્ચ વર્ગના લોકોને સૌથી મોટો ડર આ તરફથી સતાવી રહ્યો છે. તેનાથી બચવા માટે તેઓ પોતાની અલગ અને સુરક્ષિત દુનિયા સજાવી રહ્યા છે.

જેને પ્રૉફેસર રણધિરસિંહ 'સસેશન ઑફ ધ સક્સેસફુલ' એટલે કે 'સફળ લોકોનો અલગાવવાદ' કહે છે.

જોકે, ભારતમાં ક્રાંતિની કોઈ પરંપરા નથી એટલે શક્ય છે કે આ રીતે ઉપજેલો અસંતોષ ગુનાનું સ્વરૂપ લઈ બહાર આવી રહ્યો છે.

તેનાથી બચવું જરૂરી છે. ભારતમાં ખાનગી સુરક્ષાના વિકસી રહેલા બજારનું પાછળ અન્ય એક કારણ આ પણ છે.

(ગીતા યાદવ ઇન્ડિયન ઈમફૉર્મેશન સર્વિસના અધિકારી છે અને દિલીપ મંડલ સમાજશાસ્ત્રના સંશોધક છે. અહીં પ્રસ્તુત કરવામાં આવેલા વિચારો લેખકોના અંગત વિચારો છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો