સીડી બનાવનારાઓને સજાની વાત ક્યારેય કેમ કોઈ નથી કરતું?

પાટીદાર નેતા હાર્દિક પટેલનો ફોટોગ્રાફ Image copyright Getty Images
ફોટો લાઈન પાટીદાર નેતા હાર્દિક પટેલ

પાટીદાર નેતા હાર્દિક પટેલની કથિત સીડી સોમવારે મોડી સાંજે મીડિયા સમક્ષ આવી હતી.

હાર્દિક પટેલે ટ્વીટ કરીને પોતાની બાજુ પણ જણાવી દીધી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે.

એ સમયે સીડી બહાર પડ્યા પછી તેને લીધે હાર્દિકના વિરોધીઓને ફાયદો થશે કે નુકસાન તેની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે.

જોકે, ઘણા એવા મુદ્દા છે જેના વિશે ચર્ચા કરવામાં નથી થઈ.

  • આ સીડી કોણે બનાવી?
  • સીડી બનાવવાનો હેતુ શું હતો?
  • આ રીતે સીડી બનાવવા વિશે કાયદો શું કહે છે?
  • જે લોકોની સીડી બનાવવામાં આવી છે તેમને કોઈ અધિકાર હોય છે?
  • આવી સીડીની નેતાઓની ઈમેજ પર કોઈ અસર થાય છે?
  • સીડી વિશે કાયદો શું કહે છે?

તમને આ પણ વાંચવું ગમશે


કાયદાની વાત

Image copyright I STOCK
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

આ બધા સવાલોને જવાબ મેળવવા અમે સુપ્રીમ કોર્ટનાં વકીલ રેખા અગ્રવાલ સાથે વાત કરી હતી.

•રેખા અગ્રવાલના જણાવ્યા અનુસાર, સીડી બહાર આવ્યા પછી એ અસલી છે કે નકલી તેની ચકાસણી માટે સીડીને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવી જોઈએ.

•સીડી બનાવટી હોય તો એ સાઇબર ક્રાઇમનો ગણાય અને કેસ દાખલ થઈ શકે. તેમાં આઈટી એક્ટની કલમ 66 અને 67 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.

•જેમની સીડી ઉતારવામાં આવી છે એ લોકો વયસ્ક હોય અને તેમની જાણબહાર સીડી ઉતારવામાં આવી હોય તો બન્નેમાંથી કોઈ પણ કોર્ટમાં ફરિયાદ કરી શકે છે.

•આ પ્રકારના કિસ્સાઓમાં પ્રાઇવસીના અધિકારના ઉલ્લંઘનની ફરિયાદ કરી શકાય.

•બદનક્ષીનો દાવો પણ દાખલ કરી શકાય.

•આ પ્રકરણની ત્રીજી બાજુ પણ છે. જેમની સીડી ઉતારવામાં આવી છે એ બે વ્યક્તિ કોઈ ફરિયાદ ન કરે તો ત્રીજી વ્યક્તિ પણ આ બાબતે ફરિયાદ કરી શકે છે.

•પછી એ પ્રકરણ અશ્લીલતાનું બની જાય છે, જેમાં આઈપીસી (ભારતીય દંડ સંહિતા)ની કલમ 599 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.


સીડી બનાવનારને પકડવાનું કેમ મુશ્કેલ?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

આઈટી એક્ટ હેઠળ આવાં સીડી પ્રકરણમાં અનેક પ્રકારની કાર્યવાહી થઈ શકે છે.

•સાઇબર કાયદાના નિષ્ણાત પવન દુગ્ગલના જણાવ્યા અનુસાર, આવાં પ્રકરણોમાં સીડી બનાવનારને શોધવાનું મુશ્કેલ હોય છે.

•સીડી બનાવનારા હંમેશા છટકી જાય છે, કારણ કે સીડી પર ડિજિટલ ડેટા હોય છે, કોઈનું નામ નથી હોતું.

•સીડી કોણે બનાવી તેના પુરાવાનો નાશ અનેક રીતે કરી શકાય છે, જેને માસ્કિંગ ટેક્નોલૉજી કહેવામાં આવે છે. ગુગલ પર એ ઉપલબ્ધ છે.

•સેક્સ સીડી નિહાળવાને આઈટી એક્ટમાં ગુનો ગણવામાં આવ્યું નથી. હા, એવી સીડી બહાર પાડવી કે એ સીડી બનાવવામાં મદદ કરવી એ ગુનો છે.

•પોલીસ ઇચ્છે તો સ્રોત પાસેથી મળેલી માહિતીને આધારે કેસ નોંધી શકે છે.

•આઈટી એક્ટની જોગવાઈ અનુસાર, આ પ્રકારના વીડિયો કોઈ પણ સ્વરૂપે સેવ કરીને રાખવાની બાબતને ગુનો ગણવામાં આવે છે.

•આ પ્રકારના કેસમાં દોષી પુરવાર થનારને મહત્તમ પાંચ વર્ષની સજા થઈ શકે છે.


જેમની સીડી ઉતારવામાં આવી હોય તેમની મેજ ખરડાય?

Image copyright Getty Images
ફોટો લાઈન 2005માં સંજય જોશી (ડાબે)ની કથિત સેક્સ સીડી બહાર આવી હતી, જે બનાવટી હોવાનું બહાર આવેલું

લોકો આવી સીડી બનાવતા શા માટે હોય છે?

આ સવાલના જવાબમાં સમાજશાસ્ત્રી આશિષ નંદીએ કહ્યું હતું, ''આ બાબતે કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી, પણ લોકો કેટલાક મત મેળવવા આવું કરતા હોય છે.''

જેમની સીડી ઉતારવામાં આવી હોય એવા લોકોની ઇમેજ ખરડાય કે નહીં, એવા સવાલના જવાબમાં આશિષ નંદીએ કહ્યું હતું, ''આજકાલ ઘણા નેતાઓની સીડી બજારમાં આવી ગઈ છે

તેથી થોડા દિવસ પછી લોકોને તેમનાં નામ પણ યાદ રહેતાં નથી.

ચૂંટણી આવે ત્યાં સુધીમાં આ બધી વાતો લોકો ભૂલી જતા હોય છે.

તેમ છતાં યોગ્ય સમયે સીડી બહાર પાડવામાં આવે એવા પ્રયાસ જરૂર કરવામાં આવે છે.

આ કારણે વિરોધીઓને પાંચેક મત મળી જાય તો પણ બહુ મોટી વાત ગણાય છે.''


ભૂતકાળનાં સીડી પ્રકરણો

Image copyright VINOD VERMA FACEBOOK
ફોટો લાઈન પત્રકાર વિનોદ વર્મા

કોઈ નેતાની સીડી બહાર પાડવામાં આવી હોય એવી આ પહેલી ઘટના નથી.

સીડીને કારણે કરિયર ખરાબ થઈ ગઈ હોય એવા ઘણા નેતાઓ દેશમાં છે.

બીજી તરફ આવી સીડીથી જેમને કોઈ જ અસર ન થઈ હોય એવા નેતાઓ પણ છે.

સૌથી તાજો કિસ્સો છત્તીસગઢના લોકનિર્માણ પ્રધાન રાજેશ મૂણતને કથિત સેક્સ સીડીનો છે.

રાજેશ મૂણતની કથિત સેક્સ સીડી આ વર્ષે ઓક્ટોબરમાં લીક થઈ હતી.

આ પ્રકરણમાં પત્રકાર વિનોદ વર્મા હાલ જેલમાં છે. તેમના પર નકલી સીડી બનાવડાવવાનો આરોપ છે.


Image copyright Getty Images
ફોટો લાઈન સંદીપ કુમાર

છત્તીસગઢ સરકારે આ પ્રકરણની તપાસ સીબીઆઈ મારફત કરાવવાનો આદેશ આપ્યો છે.

સીડી બહાર આવ્યા પછી રાજેશ મૂણતે પત્રકાર પરિષદ યોજી હતી અને સીડીને બનાવટી ગણાવી હતી.

દિલ્હી સરકારના ભૂતપૂર્વ મહિલા કલ્યાણ પ્રધાન સંદીપ કુમારની કથિત સેક્સ સીડી પણ ગયા વર્ષે બહાર આવી હતી.

સીડી બહાર આવ્યા પછી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સંદીપ કુમારને પ્રધાનમંડળમાંથી પડતા મૂક્યા હતા.

એ પછી સંદીપ કુમારની ધરપકડ કરવામાં આવી હતી, પણ બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

આ પ્રકરણ બહાર આવ્યું પછી આમ આદમી પાર્ટીએ પણ સંદીપ કુમારને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા.

મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ નાણા પ્રધાન રાઘવજીભાઈની એક સીડી 2013માં બહાર આવી પછી રાજ્યના રાજકારણમાં ધરતીકંપ થયો હતો.

એ પછી રાઘવજીભાઈએ નાણા પ્રધાનપદ છોડવું પડ્યું હતું.

કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીની આવી જ એક સીડી 2012માં બહાર આવી હતી.

તેના થોડા દિવસો પછી તેમણે પક્ષના પ્રવક્તાપદેથી અને કાયદા તથા ન્યાય સંબંધી કોંગ્રેસની સ્થાયી સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું.

જોકે, થોડાં વર્ષો પછી તેઓ ફરી કોંગ્રેસના પ્રવક્તા બન્યા હતા.


Image copyright PTI
ફોટો લાઈન કોંગ્રેસી નેતા નારાયણ દત્ત તિવારી

2009માં આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ નારાયણ દત્ત તિવારીનો એક કથિત વીડિયો પણ એક ટેલિવિઝન ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

આંધ્ર જ્યોતિ નામના અખબાર સાથે જોડાયેલી ચેનલે એ વીડિયો પ્રસારિત કર્યો હતો.

એ પછી નારાયણ દત્ત તિવારીએ રાજીનામું આપવું પડ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય જોશીની સેક્સ સીડી 2005માં બહાર આવી હતી.

જોકે, મધ્ય પ્રદેશ પોલીસે બાદમાં તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો