પાલડીમાં રાતોરાત લાલ ચોકડીઓ કોણે લગાવી?

પાલડીની એક સોસાયટીની દિવાલ પર ચિતરવામાં આવેલી ચોકડીનો ફોટોગ્રાફ
ફોટો લાઈન પાલડીની એક સોસાયટીની દિવાલ પર ચિતરવામાં આવેલી લાલ ચોકડી

અમદાવાદના પાલડી વિસ્તારની કેટલીક ઈમારતો પર કથિત રીતે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (AMC) દ્વારા રાતોરાત લાલ ચોકડી ચિતરવામાં આવી હતી.

જે ઇમારતોમાં લાલ ચોકડી ચિતરવામાં આવી હતી તેમાં મુસ્લિમ સમાજના લોકો જ રહે છે. એ માટે પોલીસે સ્થાનિકોને કારણ પણ આપ્યું છે, પણ એ કારણ રહીશોના ગળે ઊતરતું નથી.

પોલીસ કમિશનર એ.કે. સિંઘે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું. ''આ લાલ ચોકડીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ બનાવી હતી.

કચરો લેવા માટે કોર્પોરેશનનાં વાહનોએ ક્યાં ઉભા રહેવું એ સમજાવવાના હેતુસર આ નિશાનીઓ કરવામાં આવી હતી.''

એ.કે. સિંઘે ઉમેર્યું હતું કે ''આવી લાલ ચોકડીઓ માત્ર લઘુમતી કોમની સોસાયટીઓની દિવાલો પર જ નહીં, અન્ય સોસાયટીઓની દિવાલો પર પણ કરવામાં આવી હતી.''


લાલ ચોકડી પર ચૂનો લગાવી દેવાયો

ફોટો લાઈન આ પ્રકારનાં ઉશ્કેરણીજનક પોસ્ટર્સ પણ જોવા મળ્યાં હતાં

એટલું જ નહીં, અહીં જે લાલ ચોકડી બનાવવામાં આવી હતી, તેનાપર સફેદ ચૂનો લગાવીને હવે તે છુપાવી દેવામાં આવી છે.

સફેદ રંગથી લાલ ચોકડીઓ છુપાવી દેવાથી વાત પૂરી નથી થતી, કારણ કે આ ઘટનાથી સ્થાનિક લોકો વિચલિત થઈ ગયા છે.


લાલ ચોકડીનો ડર

ફોટો લાઈન સાહિલ સોસાયટીના દરવાજા પરની લાલ ચોકડી

આ વિસ્તારના ડિલાઇટ ફ્લેટ્સમાં લાલ ચોકડી કરવામાં આવી છે. ડિલાઈટ ફ્લેટ્સમાં રહેતા ઉવેશ સરેશવાલા કહ્યું હતું, ''ક્રોસ અને એ પણ લાલ કલરનો. તેથી બધાને ડર લાગે તે સ્વાભાવિક છે.

લાલ ક્રોસનો મતલબ અટૅક એવો થાય છે. અમને એ ડર લાગી રહ્યો છે. અમે કોના નિશાન પર છીએ?''

સરેશવાલાએ ઉમેર્યું હતું, ''જોકે, અમે આ ઘટનાથી ભયભીત થવા ઈચ્છતા ન હતાં. અમને ક્રોસ વિશે જાણકારી મળી કે તરત જ અમે પોલીસને પત્ર લખીને મદદ માગી હતી.''


પોલીસ કરશે તપાસ

ફોટો લાઈન એક અન્ય સોસાયટીની દિવાલ પર ચિતરવામાં આવેલી લાલ ચોકડી

તેમણે કહ્યું હતું, ''પોલીસે અમારા પત્રની નોંધ તરત જ લીધી અને અહીં આવીને અમને મળી એ વાતનો અમને આનંદ છે.

આ ઘટનાની સઘન તપાસનું આશ્વાસન પણ પોલીસે આપ્યું છે.''


સ્થાનિક લોકો ભયભીત

ફોટો લાઈન એક સોસાયટીના દરવાજા પર ચિતરવામાં આવેલી લાલ ચોકડી

પાલડીની અમન કૉલોનીના બંગલો નંબર ત્રણમાં રહેતા મુબીન લાકડીયાએ જણાવ્યું હતું આ લાલ ચોકડી રાત્રે બનાવવામાં આવી હતી. તેથી મૂંઝવણ થઈ રહી છે.

તેમણે કહ્યું હતું, ''લાલ ચોકડી પાછળ કોનો હાથ છે એ ખબર નથી, પરંતુ આ ઘટના પછી અમને ડર જરૂર લાગે છે. અમારા બાળકો અને ઘરની મહિલાઓ હવે બેધડક બહાર નહીં નીકળી શકે.''

પાલડીની એલીટ કૉલોનીના ચોકીદારે જણાવ્યું હતું, ''લાલ ચોકડીનું નિશાન જોઈને બધાને નવાઈ લાગી હતી.

લઘુમતી કોમના અમુક અપાર્ટમેન્ટ પર જ આ નિશાન લાગ્યા હોવાની ખબર પડી ત્યારે લોકો ભયભીત થયા હતા.''


અગાઉ પણ આવું થયું હતું

ફોટો લાઈન ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ્સના દરવાજા પર ચિતરવામાં આવેલી લાલ ચોકડી

પાલડી વિસ્તારની અમન કૉલોની, એલિટ ફ્લેટ્સ, ડિલાઇટ ફ્લેટ્સ, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ અને સાહિલ ફ્લેટ્સ જેવી લગભગ ૧૦ થી ૧૨ ઇમારતો પર આ અગાઉ પણ લાલ કલરની ચોકડી લગાવવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા