ગુજરાત ડાયરીઃ રસ્તાની ચર્ચા 40 સેકંડમાં 'હિંદુ-મુસ્લિમ' પર આવી ગઈ!

રસ્તાની તસવીર
ફોટો લાઈન 'અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે તો ખૂબ સરસ છે પરંતુ શહેરની અંદર કેવી પરિસ્થિતિ છે?'

અમદાવાદથી નીકળીને અમે જ્યારે ભરૂચની ન્યાય મંદિર હોટેલ પર પહોંચ્યા, ત્યારે કાર પાર્ક કરાવવા માટે સિક્યુરિટી ગાર્ડે સીટી વગાડીને સંકેત આપ્યો.

લાંબી મૂછો ધરાવતા સિક્યુરિટી ગાર્ડ વિનયસિંહ રાજપૂત સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ રાજસ્થાનથી આવીને અહીં વસ્યા છે.

મેં તેમને પૂછ્યું કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે તો ખૂબ સરસ છે, પરંતુ શહેરની અંદર કેવી પરિસ્થિતિ છે?

તેઓ બોલ્યા કે તમે ભરૂચ રેલવે સ્ટેશનની આસપાસનો વિસ્તાર જોઈ આવો. દરેક જગ્યાએ રસ્તા પર ખાડાં જોવા મળશે.

તમને આ પણ વાંચવું ગમશે

તેમનો અભિપ્રાય હતો કે નેતાઓને શહેરની અંદરના રસ્તા પણ જોવા જોઇએ. તેઓ બહારના વિસ્તારોમાંથી નીકળી જાય છે, તેથી તેમને કંઈ અંદાજ નથી આવતો.


રસ્તાની ચર્ચા હિંદુ-મુસ્લિમની ચર્ચા સુધી પહોંચી

ફોટો લાઈન વિનયસિંહ રાજપૂત રાજસ્થાનથી ગુજરાત આવી વસ્યા છે

થોડાં સમય બાદ વિનયસિંહ રાજપૂતની એક વાત સાંભળી મને આશ્ચર્ય થયું.

તેઓ બોલ્યા કે મુસ્લિમ વિસ્તારોમાં તમને સારાં રસ્તાઓ જોવા મળશે કારણ કે અહેમદ પટેલ પાસે ઘણાં પૈસા હતા. ગુજરાતમાં હિંદુ સરકાર છે, પરંતુ હિંદુઓ માટે કંઈ નથી થઈ રહ્યું.

હું તે સિક્યુરિટી ગાર્ડને રસ્તાઓની પરિસ્થિતિ પૂછી રહ્યો હતો અને થોડી વારમાં વાત હિંદુ-મુસ્લિમ મુદ્દા પર આવી ગઈ હતી. ચૂંટણીના વાતાવરણમાં આ વાત અવગણી શકાય તેવી નથી.

શાયર મુનવ્વર રાણાએ પતંગોના હિંદુ-મુસ્લિમ થવા પર અગાશી આશ્ચર્ય પામે છે તેવા સંદર્ભમાં એક રચના લખી હતી, પરંતુ રસ્તાઓના આવા કોમી સંદર્ભ મુદ્દે કોઈ રચના લખાઈ હોવાનું મને યાદ નથી.

વિનયસિંહ રાજપૂતને સરકારી યોજના હેઠળ ભગવા રંગની સાયકલ મળી છે. જેના પર લખ્યું છે, 'ગરીબ કલ્યાણ મેળો, વર્ષ 2010-11'


રસ્તા ખરેખર સારા

ફોટો લાઈન 'રસ્તાની વાત થોડી વારમાં વાત હિંદુ-મુસ્લિમ મુદ્દા પર આવી ચૂકી હતી'

જે રીતે વિકાસની વ્યાખ્યા કરવામાં આવે છે, તે મુજબ રસ્તાઓની સ્થિતિને તેનું પ્રત્યક્ષ પરિમાણ માનવામાં આવે છે.

બહારથી આવનારાઓએ પાણી કે વીજળીની સ્થિતિ અંગે સ્થાનિકોને પૂછવું પડે, પરંતુ રસ્તા તો દેખાય જ જાય.

ઘણાં લોકોની દલીલ હોય છે કે માણસ પહોંચી શકે તો જ વિકાસ કોઈપણ સ્થળે પહોંચી શકે. આથી નેતાઓ રસ્તાઓને માખણ અને મલાઈથી લઈને ફિલ્મી વિશ્લેષણ આપતાં હોય છે.

એ વાત સાથે કોઈ ઇન્કાર ન કરી શકે કે રસ્તા સારા હોય તે જરૂરી છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન હું ઉત્તર, મધ્ય અને પછી દક્ષિણ ગુજરાતમાં જ્યાં જ્યાં ગયો છું. એ વાત કહી શકું કે શહેરો વચ્ચેના રસ્તા ખરેખર સારા છે.

ગામડાં અને તાલુકા તથા ગામડાંઓનાં આંતરિક રસ્તાઓની સ્થિતિ કેવી છે, તે હું નથી જાણતો.

બનાસકાંઠાના કેટલાક ગામડાંઓમાં ગયો હતો, જ્યાં રસ્તા છે, તેની સ્થિતિ સારી છે. જ્યાં રસ્તા નથી, ત્યાં રેતાળ રસ્તા છે, પરંતુ તે ખાસ લાંબા નથી.

હવે ઉત્તર પ્રદેશમાં સ્થિતિ થોડી બદલી છે, નહીંતર અમારા જેવા યુપીવાસીઓએ ખરાબ અને ખતરનાક રસ્તા જોયા છે.


આદિવાસીઓને હટાવીને હિલ સ્ટેશન બનાવ્યું

ફોટો લાઈન દક્ષિણ ગુજરાતમાં આવેલું હિલ સ્ટેશન સાપુતારા. મહારાષ્ટ્ર રાજ્યની એકદમ લગોલગ છે

ભરૂચથી આગળ વધો તો ગુજરાતના દક્ષિણમાં હિલ સ્ટેશન છે - સાપુતારા. મહારાષ્ટ્રની એકદમ લગોલગ છે.

અહીં સુરતથી આવેલા ધીરેશભાઈ મળ્યા. બહુ પૂછ્યું તો તેમણે એટલું કહ્યું કે સરકારે રસ્તા તો બનાવી નાખ્યા, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે.

આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પત્રકારોના એક સમૂહને સાપુતારાની મુલાકાત કરાવી હતી. સરકાર એ વાતનો પ્રચાર કરવા માંગતી હતી કે હિલ સ્ટેશન તરીકે સાપુતારાનો વિકાસ કેવી રીતે થયો છે.

પરંતુ હોટલબાજી તથા નક્કાશી માટે મૂળ સ્થાનિક આદિવાસીઓને અહીંથી હટાવીને નવાગામમાં વસાવવામાં આવ્યા છે.

નવાગામના આદિવાસીઓ અગાઉ ખેતી કરીને આજીવિકા રળતાં હતાં. હવે તેઓ ગુજરાન માટે પર્યટકો પર આશ્રિત છે.

કોઈ ઈંડાં વેચે છે તો કોઈ બટાટાવડાંની રેકડી કાઢે છે. હું જ્યાં ઉતર્યો છું, તે હોટલમાં નવાગામના કેટલાંક લોકો પરંપરાગત નૃત્ય કરીને આદિવાસીઓનું મનોરંજન કરી રહ્યાં છે.

ફોટો લાઈન 'રસ્તા સારા છે, પરંતુ કેટલાક લોકોનાં જીવનસ્તરના રસ્તા બંધ થઈ ગયા છે'

અઠવાડિયામાં બે દિવસ અહીં મોટા પ્રમાણમાં પર્યટકો આવે છે. બાકીના પાંચ દિવસ ધંધો મંદ રહે છે.

વરસાદની સિઝનમાં ટુરિસ્ટ્સ ન આવે, ત્યારે મજૂરી કરવી પડે છે. સાપુતારાની જમીન પર એક સમયે તેઓ અહીં ખેતી કરતાં હતાં.

મનમાં સવાલ ઊભો થયો કે રોજગાર સર્જન માટેનું આ મોડલ વિકાસની વ્યાખ્યામાં આવે? નવાગામને જ્યાં વસાવવામાં આવ્યું છે, ત્યાં ઘણાં આદિવાસીઓ પાસે ઘરોની માલિકીનાં દસ્તાવેજ નથી.

આ અંગે નવાગામ સમિતિએ જૂન મહિનામાં મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે જમીનના હક બહાલ નહીં થાય તો મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે.

રસ્તા સારા છે, પરંતુ કેટલાક લોકોનાં જીવનસ્તરના રસ્તા બંધ થઈ ગયા છે. રાજમાર્ગો પર ગાબડાં નથી, પરંતુ રાજ્યમાં ઘણું એવું છે, જેમાં ગડબડ છે.

વિસ્થાપિતોની તેમની વિટંબણાઓ છે. રસ્તાઓની ચર્ચામાં પણ કોમવાદ છે. બાકી નવાગામમાં ગોવિંદભાઈ પવારની પાઉં ભાજી જમજો, સારી બનાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો