GST, નોટબંધી અને પાટીદાર આંદોલનની અસર ભાજપના આ ગઢમાં ગાબડું પાડી શકે છે

કોંગ્રેસને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલો પાટીદાર મતદારોનો ટેકો હજી પણ અકબંધ છે એમ અહીંના નેતાઓ માને છે Image copyright Getty Images
ફોટો લાઈન કોંગ્રેસને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલો પાટીદાર મતદારોનો ટેકો હજી પણ અકબંધ છે એમ અહીંના નેતાઓ માને છે

આ ચૂંટણીમાં કોંગ્રેસનો સુરતમાં અલગ મિજાજ જોવા મળી રહ્યો છે.

એક સમયે પટેલ મતદારોનું પ્રભુત્વ ધરાવતાં વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષને ચૂંટણી લડવાનો પણ રસ નહોતો ત્યાં હવે કોંગ્રેસ ચૂંટણી જીતવાનું આયોજન કરી રહ્યો છે.

સુરતમાં કોંગ્રેસ પક્ષ હરખાઈ રહ્યો છે અને તેનું કારણ છે, પાટીદાર અનામત આંદોલન, નોટબંધી અને ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નું અમલીકરણ.

આ ત્રણેય પરિબળોએ શહેરનાં કેટલાંક વિસ્તારોમાં સત્તાધારી પક્ષ સામેનો અસંતોષ વધુ મજબૂત કર્યો છે.

તમને આ વાંચવું પણ ગમશે:

વિરોધ પ્રદર્શનો સુરતમાં કોંગ્રેસ માટે સંજીવની બૂટી સાબિત થયાં છે. કોંગ્રેસ પક્ષ સુરતમાં સક્રિય થવા ઉપરાંત હવે આ ચૂંટણીમાં અહીં જીતનું ખાતું ખોલવાની પણ આશા રાખી રહ્યો છે.

છેલ્લાં 20 વર્ષથી અહીં કોંગ્રેસ અહીંથી એકપણ બેઠક જીતી શક્યો નથી.


25 વર્ષ બાદ સુરત મહાનગરપાલિકામાં વધારે બેઠકો મળી

Image copyright AFP
ફોટો લાઈન કોંગ્રેસ પક્ષ સુરતમાં સક્રિય થવા ઉપરાંત હવે આ ચૂંટણીમાં અહીં જીતનું ખાતું ખોલવાની પણ આશા રાખી રહ્યો છે

સાતમી નવેમ્બરે યોજાયેલી કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જાહેર રેલીમાં ઊમટી પડેલી જનસંખ્યાને જોઈને કોંગ્રેસની નેતાગીરીને હૈયે હાશ થઈ છે.

વર્ષ 2015માં સુરત મ્યુનિસિપલ કૉર્પરેશનની ચૂંટણીમાં 25 વર્ષના અંતરાલ બાદ કોંગ્રેસે પહેલી વખત સફળતાનો સ્વાદ ચાખ્યો.

પક્ષના નેતાઓ માને છે કે કોંગ્રેસને ત્યારે મળેલો પાટીદાર મતદારોનો ટેકો હજી પણ અકબંધ છે.

સુરત મહાનગરપાલિકાની એ ચૂંટણીમાં કોંગ્રેસને વરાછા રોડ, કામરેજ, સુરત ઉત્તર, અને કતારગામ જેવા પાટીદાર મતદારોની બહુમતી ધરાવતા વિસ્તારોમાં વિજય મળ્યો હતો.

વર્ષ 2010ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 14 બેઠકો મળી હતી, જે 2015માં વધીને 36 થઈ ગઈ હતી.


'નોટબંધી અને GSTએ બળતામાં ઘી હોમ્યું'

Image copyright Getty Images
ફોટો લાઈન વર્ષ 2015માં સુરત મ્યુનિસિપલ કૉર્પરેશનની ચૂંટણીમાં 25 વર્ષના અંતરાલ બાદ કોંગ્રેસને સફળતા મળી હતી

પાટીદારો અને સ્થાનિક નેતાઓ માને છે કે સુરત શહેરની કુલ 12 વિધાનસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી સાત બેઠકો એવી છે જ્યાં જીતવું ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને ભારે પડશે.

બીબીસી સાથેની વાતચીતમાં સુરતના વરિષ્ઠ પત્રકાર મનોજ ગાંધીએ કહ્યું કે છેલ્લાં 20 વર્ષોમાં કોંગ્રેસ પક્ષ તેની જાહેર સભાઓ સફળ થાય તે માટે પૂરતી સંખ્યામાં લોકોની ભીડ પણ એકઠી નહોતો કરી શકતો.

તેમણે કહ્યું, "સાતમી નવેમ્બરની રાહુલ ગાંધીની રેલીથી જોવા મળ્યું કે કોંગ્રેસે સુરતમાં જનસમૂહનો ટેકો મળ્યો છે."

મનોજ ગાંધી દશકોથી સુરતની ચૂંટણીનું અવલોકન કરી રહ્યા છે.

તેમના જણાવ્યા પ્રમાણે સુરત પૂર્વ, લિંબાયત અને કતારગામ જેવાં વિધાનસભા મત વિસ્તારો કે જ્યાં ચૂંટણી મોટા ભાગે એકતરફી જ રહેતી હતી ત્યાં આ વખતે ખરાખરીની બાજી રમાશે.

તેમણે કહ્યું, "નોટબંધી, GST એ પાટીદારોના અસંતોષમાં બળતામાં ઘી હોમવા જેવું કામ કર્યું છે. જે ભાજપ માટે વધુ પડકારજનક છે."

Image copyright Getty Images

વરાછા રોડ, કારંજ, કતારગામ, કામરેજ અને સુરત ઉત્તર વિધાનસભા મત વિસ્તારોમાં પાટીદાર મતદારોની બહુમતી છે.

કોંગ્રેસે 2015ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં જે બાવીસ વૉર્ડ્સમાં વિજય મેળવ્યો હતો, તેમાંથી મોટાભાગના વૉર્ડ્સ આ વિધાનસભા મત વિસ્તારોમાં આવે છે.

સુરત મહાનગરપાલિકાનાં પરિણામોનું પુનરાવર્તન વિધાનસભા ચૂંટણીમાં થાય એવી અપેક્ષા કોંગ્રેસ રાખે છે.

વરાછા રોડ વિસ્તારનાં કોંગ્રેસના નેતા અશોક જીરાવાલાએ બીબીસી ગુજરાતીને કહ્યું, "અહીંના લોકો હવે ભાજપથી ધરાઈ ગયા છે. પાટીદારો આ વખતે કોંગ્રેસ ઇચ્છે છે. સુરતમાં પાટીદારો ધીમે ધીમે ભાજપથી કોંગ્રેસ તરફ વળી રહ્યા છે."

ફોટો લાઈન રસિક કથિરિયા કહે છે કે ભાજપ પહેલાં અમારા માટે સારો હતો, પણ હવે એ અમારી વિરુદ્ધ છે

વરાછા રોડ મત વિસ્તારથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સુરતમાં લોકપ્રિય નેતા રહ્યા છે, પરંતુ આ વખતે તેમણે પાટીદારોના વિરોધનો સામનો કરવો પડશે. ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીમાં તેમનું નામ છે.

તેમણે કહ્યું, "ચૂંટણી હું જ જીતવાનો છું. વર્ષ 2015ની વાત જુદી હતી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી વખતે વિરોધ પ્રારંભિક તબક્કામાં હતો, પરંતુ હવે પાટીદારો ભાજપ પાસે પરત આવી ગયા છે."

જોકે, ભાજપના ઘણા કાર્યકર્તા કાનાણીનો આ દાવો સ્વીકારતા નથી.

જેમ કે, ભાજપ સાથે છેલ્લાં 30 વર્ષથી જોડાયેલા નવીન રામાણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ભાજપના કાર્યકર તરીકે એ પાટીદારોની બહુમતી ધરાવતી કોઈ પણ સોસાયટીમાં ભાજપના પ્રચાર માટે નથી ગયા.

તેમણે કહ્યું, "પાટીદારો અમને સાંભળવા જ તૈયાર નથી. મને લાગે છે કે અમે આ સમાજ સાથે સંવાદ કરી શકાય તેવી શક્યતા પણ ગુમાવી દીધી છે.

તમને આ પણ વાંચવું ગમશે

અહીંના રહીશ રસિક કથિરિયા કહે છે કે ભાજપ પહેલાં અમારા માટે સારો હતો, પણ હવે એ અમારી વિરુદ્ધ છે. તેમણે કહ્યું, "અમને ખબર નથી કે શું કરવું, પણ એક વાત નક્કી છે."

"અમારામાંથી ઘણાં લોકો ભાજપ સાથે નહીં હોય. હજી પણ મોટી સંખ્યામાં પાટીદારો ભાજપ વિરુદ્ધ છે."

Image copyright Getty Images
ફોટો લાઈન સુરતના ઘણાં વિસ્તારોમાં પાટીદાર સમાજની બહુમતી છે

ભાજપના સુરત એકમના પ્રમુખ નિતિત ઠાકર કહે છે કે પાટીદારો હંમેશાથી ભાજપ સાથે રહ્યા છે અને રહેશે.

તેમણે પાટીદારોના વિરોધ પ્રદર્શનને કોંગ્રેસ આયોજિત આંદોલન ગણાવીને કહ્યું કે સુરતમાં એ આંદોલન નથી રહ્યું. તેમણે કહ્યું, "અમે વિધાનસભાની તમામ 12 બેઠકો જીતીશું."

સુરત વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. જોકે, રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ માને છે કે, રાજ્યના અન્ય વિસ્તારોમાં જોવા મળતો હિંદુ-મુસ્લિમ વચ્ચેનો વિવાદ સુરતમાં જોવા નથી મળતો.

તેમણે કહ્યું કે સુરતમાં મોટા ભાગે એવા લોકો રહે છે, જે આર્થિક વ્યવહારોને વધુ પ્રાધાન્ય આપે છે, અને ધાર્મિક માન્યતાઓ અહીં નૈપથ્યમાં રહે છે.

પાટીદારોની નવી પેઢીને તેમની વફાદારી બદલવામાં કોઈ ખાસ મુશ્કેલી પડે તેમ નથી લાગતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ