હું મરાઠી છું... કદાચ મારા ડીએનએમાં જ વેપાર નહોતો

Image copyright Getty Images

પ્રિય રાજ ઠાકરે,

તમે મને પસંદ છો, કારણ તમે લડાયક છો, પણ મને લાગે છે કે તમારી અંદર સિસ્ટમ સામે જે ગુસ્સો છે, તે તમે ખોટી રીતે અને ખોટી જગ્યાએ વ્યક્ત કરી રહ્યા છો.

એક મરાઠી માણુસ લડાયક હોય તે મને ગમે છે, કારણ હું પણ જન્મે મરાઠી છું. જોકે, હું ગુજરાતમાં રહું છું, જન્મે મરાઠી અને કર્મે ગુજરાતી છું.

મરાઠી ભાષી હોવા છતાં હું ગુજરાતમાં આઠમી પેઢી છું. મારા દાદા અને મારા પિતાનું શિક્ષણ ગુજરાતી ભાષામાં થયું અને હું પણ ગુજરાતી માધ્યમમાં જ ભણ્યો છું.

મને મારી બન્ને ભાષાનું ગૌરવ છે. એટલે જ તો હું મારા પાળતુ કૂતરા સાથે પહેલા મરાઠીમાં અને પછી ગુજરાતીમાં વાત કરું છું.

તમને આ પણ વાંચવું ગમશે

મને ક્યારેય કૂતરા સાથે અંગ્રેજી ભાષામાં વાત કરવાની જરૂરી પડી નથી અને મને તે પસંદ પણ નથી.


કદાચ, મારા ડીએનએમાં વેપાર નહોતો

Image copyright Getty Images

હવે મૂળ વાત ઉપર આવું 1960 સુધી તો તમે અને હું એક જ રાજ્યમાં રહેતા હતા. તમારા પૂર્વજોએ મહારાષ્ટ્રમાં રહેવાનું પસંદ કર્યું અને મારા પૂર્વજો ગુજરાતમાં રહ્યા.

તેના કારણે આપણે બન્ને એક હોવા છતાંય ભૌગોલિક રીતે અલગ રાજ્યના રહીશ થઈ ગયા.

હું ગુજરાતમાં જન્મ્યો અને અહીં જ મોટો થયો, એટલે મને ખબર છે કે એક એક ગુજરાતીના લોહીમાં વેપાર છે. ગુજરાતી શ્રીનગરમાં પણ બરફ વેચવાની ક્ષમતા ધરાવે છે.

મને પોતાનો પણ અનેક વખત વેપાર કરવાનો વિચાર આવ્યો, પણ સાચું કહું તો હું તેમાં ક્યારેય સફળ થયો જ નથી, કદાચ મારા ડીએનએમાં જ વેપાર નહોતો.


આર્થિક રાજધાનીના વિકાસમાં ગુજરાતીઓનો ફાળો

Image copyright Getty Images

મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, તેની પાછળ ગુજરાતીઓનો ફાળો નકારી શકાય તેમ નથી. તમારી પહેલાં બાલાસાહેબની નારાજગી ગુજરાતીઓ સામે હતી અને તે હવે તમારી છે.

તમને લાગે છે કે ગુજરાતીઓને કારણે મરાઠીઓના ધંધા ચાલતા નથી, પણ મને ખબર છે કે તમે ઇશ્વરમાં ભરોસો કરનાર વ્યકિત છો.

ઇશ્વર દરેકને પોતાની ક્ષમતા પ્રમાણે કામ આપે છે, મરાઠી માણુસ મહેનતકશ ઇન્સાન છે.

તે પહાડમાં માથું પછાડી પાણી કાઢી શકે છે, જયારે ગુજરાતી માણસ ટકલાંઓના શહેરમાં કાંસકા વેચી શકે છે.

ઇશ્વરને તમામ માટે નિયતી નક્કી કરી છે તે પ્રમાણે કામ કરે છે.

આપણે જયારે પાકિસ્તાન સામે લડીએ છીએ, ત્યારે આપણે ભારતીય થઈ જઈએ છે, પણ વાત જયારે ભારતની આવે ત્યારે તમે મરાઠી અને હું ગુજરાતી થઈ જઈએ તે ક્યાં સુધી વાજબી છે?

અમારી વ્યવસ્થા મુંબઈમાં કરશો?

Image copyright Getty Images

મુંબઈમાં ગુજરાતી વેપાર કરે છે, તેના કારણે તમે ગુસ્સે છો. તો ચાલો આપણે નક્કી કરીએ કે એક મહિના સુધી મુંબઈમાં રહેનાર ગુજરાતીઓ કોઈ પણ પ્રકારનો વેપાર કરશે નહીં.

પછી આપણે જોઈએ કે દેશની આર્થિક રાજધાની કઈ રીતે ટકી રહે છે.

દેશના નેતાઓએ પોતાની સમજ અને સમયની માંગ પ્રમાણે ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કર્યા, પણ મને લાગે છે, આપણે એક જ માતાનાં સંતાન છીએ.

એક જ ધરતીમાં મારો અને તમારો ઉછેર થયો છે. તમારા અને તમારા જેવી વિચારધારા ધરાવતા લોકો ક્યારેય ગુજરાતી અને મરાઠીને અલગ કરી શકે તેમ નથી.


તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
#BBCShe : દિલ્હી, પટણા, વિશાખાપટ્ટનમ, કોઈમ્બતૂર, નાગપુર, રાજકોટ અને જલંધરની મુલાકાત લેશે.

જો ગુજરાતીઓ મુંબઈ છોડી દેશે તો તમારે મારા જેવા મરાઠી ભાષીઓ જે ગુજરાતમાં રહે છે, તેની વ્યવસ્થા મુંબઈમાં કરવી પડશે. અમે ત્યાં આવી જઇશું, પણ અમને વેપાર આવડતો નથી.

હું મરાઠી હોવા છતાં મારી જિંદગીમાં એક જ વખત મુંબઈ આવ્યો છું. મને મુંબઈ આવવાની અનેક વખત ઇચ્છા થઈ હોવા છતાં મેં મુંબઈ આવવાનું ટાળ્યું છે.

કારણ જ્યાં તમારા જેવા માણસો પ્રેમને બદલે ધિક્કારની ભાષા બોલતા હોય, તેવી મુંબઈમાં સમુદ્ર હોય, સમૃદ્ધિ હોય, પણ શાંતિનો અભાવ હોય અને મન બેચેન હોય, ત્યાં રહેવું કોઈ પણ સુસંસ્કૃત માણસને પાલવે તેમ નથી.

મરાઠી હોવા છતાં એક ગુજરાતી પત્રકાર છું

Image copyright Vivek Desai
ફોટો લાઈન પત્રકાર પ્રશાંત દયાળ જન્મે મરાઠી પણ કર્મે ગુજરાતી છે અને પોતાને સવાયા ગુજરાતી તરીકે ઓળખાવે છે

હું મરાઠી હોવા છતાં એક ગુજરાતી પત્રકાર છું. જયારે પણ મને પ્રેમ કરનાર વાચક અથવા મિત્રોને ખબર પડે છે કે, મારી માતૃભાષા મરાઠી નથી ત્યારે તેમને બહુ આશ્ચર્ય થાય છે.

તેઓ મને પહેલો પ્રશ્ન પૂછે કે મહારાષ્ટ્રમાં તમારું વતન કયું છે. ત્યારે હું જવાબ આપું છું, મારું વતન અમરેલી છે. અમરેલી ગુજરાતના સૌરાષ્ટ્રનો એક જિલ્લો છે.

મારી ઉંમર 51 વર્ષ છે, પણ મને યાદ નથી કે મને 51 વ્યકિતએ પણ મને હું કઈ જાતનો છું તેવો પ્રશ્ન પૂછ્યો હોય.

મારો જવાબ સાંભળી મને અનેક ગુજરાતીઓએ પૂછ્યું કે અમરેલીમાં મરાઠી કયાંથી હોય.

ગુજરાતમાં મોટા ભાગના લોકોને ખબર નથી કે ગુજરાતના નવસારીથી લઈ વડોદરા, અમરેલી અને મહેસાણામાં ગાયકવાડ રાજ્યનું શાસન હતું.

આજે પણ આ વિસ્તારમાં અનેક મરાઠી પરિવાર રહે છે.

હું સવાયો ગુજરાતી છું

Image copyright Getty Images

હું નાનો હતો ત્યારે અમરેલીની સ્કૂલમાં ભણતો અને હાલમાં અમદાવાદમાં પત્રકારત્વ કરું છું, પણ મને કયારેય મરાઠી ભાષી હોવાને કારણે કોઈ ગુજરાતીએ પરેશાન કર્યો હોય તેવું બન્યું નથી.

હું ગુજરાતી પત્રકાર છું, એક ગુજરાતી કરતા વધુ સારી ગુજરાતી બોલું છું અને લખું છું.

તેના પાછળનું કારણ એ છે કે જેમ મરાઠી ભાષા મને પોતાની લાગી તેના કરતા ગુજરાતી ભાષા મને પોતાની સગી લાગી છે.

તેના કારણે કોઈ મને પૂછે કે તમે મરાઠી છો કે ગુજરાતી ત્યારે હું એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર કહું છું કે હું સવાયો ગુજરાતી છું.

કારણ મને વિચાર અને સ્વપ્ન ગુજરાતીમાંથી જ આવે છે. મારે મન ગુજરાતી અને મરાઠી ભાષા મારી બે આંખ સમાન છે.

માણસ એક આંખ વગર અધૂરો છે, તેમ હું મારી મરાઠી અને ગુજરાતી ભાષા વિના અધૂરો છું.

ગુજરાતી કોઈના ધર્મ અને પ્રદેશને પૂછીને પ્રેમ કરતો નથી

Image copyright Getty Images

તમે રાજનેતા છો, અને હું એક સામાન્ય ગુજરાતી પત્રકાર છું. હું મરાઠી છું, તેમ મારી જેમ ગુજરાતમાં હજારો મરાઠીઓ ગુજરાતમાં રહે છે.

પણ મારી માતૃભાષા મરાઠી હોવાને કારણે મને અથવા મારા જેવા મરાઠીઓને કોઈ ગુજરાતીએ કયારેય અપમાનિત કર્યાં નથી અથવા તમે મહારાષ્ટ્ર જતા રહો તેવું કોઈ ગુજરાતીએ કહ્યું નથી.

જો તેવું ગુજરાતમાં થયું હોત તો ગુજરાતને કયારેય કાકા સાહેબ કાલેલકર જેવા જન્મે મરાઠી અને ગુજરાતીના શ્રેષ્ઠ સાહિત્યકાર મળ્યા ના હોત.

દેશની પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ માળવણંકર પણ અમદાવાદના ભદ્રમાં રહેતા હતા, પણ તેમને કોઈ ગુજરાતીએ કયારેય મરાઠીભાષી કહી ટોણો માર્યો નહોતો.

ગણેશ માવણંકરના પુત્ર પુરુષોત્તમ ગણેશ માવણંકર પણ ગુજરાતમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા.

ગુજરાતી જયારે કોઈને પ્રેમ કરે છે ત્યારે તેના ધર્મ અને પ્રદેશને પૂછીને પ્રેમ કરતો નથી.

મારી વાતનો એક વખત વિચાર કરજો, તમે બદલાઈ શકો તો બદલાવાનો પ્રયત્ન કરજો, નહીંતર સમય સમયનું કામ કરે છે.

તમારી ગેહહાજરીમાં પણ તમને માણસો પ્રેમ કરે તેવું કંઇક કરો તેવી જ અભ્યર્થના છે.

મરાઠી ભાષા બોલતો એક સવાયો ગુજરાતી

પ્રશાંત દયાળ

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ