#BBCGujaratOnWheelsના બનાસકાંઠામાં બીજા દિવસે લોકોએ 'વિકાસ' વિશે શું કહ્યું?

બાઇકર્સનો ફોટો

#BBCGujaratOnWheels એ આરંભેલો પ્રવાસ બનાસકાંઠામાં પોતાના બીજા દિવસનો પડાવ સમેટવાની તૈયારી કરી રહ્યો છે.

અમદાવાદથી શરૂ થયેલી આ મુસાફરી બનાસકાંઠાના મુકામે પહોંચી છે અને અહીંના અંતરિયાળ ગામોમાં મહિલાઓની સમસ્યાને ઉજાગર કરી રહી છે.

બનાસકાંઠાના દૂર્ગમ ગામોની મુલાકાત લેતાં લેતાં મહિલા બાઇકર્સ સાથેની અમારી ટીમ આજે ઉપલાઘોડા નામના ગામમાં જઈ પહોંચી હતી.

અરવલ્લીની પર્વતમાળામાં વસેલું અત્યંત સુંદર પણ એટલું દૂર્ગમ ઉપલાઘોડા આદિવાસીઓનું ગામ છે. છૂટી છવાયેલી વસ્તી ધરાવતું આ ગામ 'ગીચ મુશ્કેલીઓ' ધરાવે છે.

તમને આ વાંચવું પણ ગમશે :

વિકાસનો રસ્તો ગામ સુધી પહોંચતા પહોંચતા પર્વતોમાં જ ક્યાંક અટવાઇ જાય છે. ગૂંચવાઈ જાય છે. સુવિધા નામનો શબ્દ ગામમાં પહોંચે એ પહેલા ડુંગરોમાં ક્યાંક ખોવાઇ જાય છે. ક્યાંક શોષાઈ જાય છે.

ફોટો લાઈન બીબીસીની મદદ કરનાર ગોવિંદનો ફોટો

આ વાસ્તવિક્તા ત્યારે વધુ વરવી બને છે જ્યારે આ અભાવ, આ અછતનું ઉદાહરણ સામે ચાલીને અમારી સામે આવીને ઊભું રહી જાય છે.

ઉપલાઘોડાની મુલાકાત દરમિયાન ગોવિંદ નામનો એક છોકરો અમને મળ્યો. ફાંટેલા લઘર-વઘર કપડાં અને ચહેરા પર ઉપસી આવેલી કારમી ગરીબી.

વગર કહ્યે અહીંની દુર્દશાનું પ્રતિનિધિત્વ કરતો ગોવિંદ અમારું ખોવાયેલું ઇન્ટરનેટ રાઉટર અમને આપવા આવ્યો હતો.

વાત એમ હતી કે ગઇ કાલે નજીકના ઘોડા-ગાંજી ગામની મુલાકાત દરમિયાન અમારું ઇન્ટનેટ રાઉટર ખોવાઈ ગયું હતું.

એ રાઉટર આ ગોવિંદને મળ્યું હતું. એને ખબર પડી કે અમે ઉપલાઘોડા આવ્યા છે તો એ પોતાની ચકરડી ફેરવતો ફેરવતો રાઉટર લઇ અમારી પાસે દોડી આવ્યો.

આભાર વ્યક્ત કરવા ગોવિંદને થોડાક બિસ્કિટ્સ આપ્યા. પણ એણે ઇન્કાર કરી દીધો. માંડ માંડ મનાવીને બિસ્કિટ આપ્યા અને હું એની સાથે વાતે વળગ્યો.

ગોવિંદ શાળાએ નથી જતો. એને એની ઉંમર કેટલી છે એ પણ ખબર નથી. પિતા થોડી એવી જમીનમાં કારમી મજૂરી કરે છે અને મકાઇ પકવે છે.

ચાર ભાંડરડા સાથેનો ગોવિંદનો પરિવાર કેટલાય દિવસો સુધી મકાઈનો રોટલો અને મકાઈનું જ શાક ખાઈને દિવસો કાઢી નાખે છે.

બીજા છોકરાઓની જેમ ભણવાનું મન નથી થતું? એવું પૂછ્યું તો જવાબ મળ્યો કે 'બાપા પાસે એટલા પૈસા નથી કે ભણાવી શકે!'

ગુજરાત અને ભારતના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખતો એનો જવાબ હતો! ના કહેતો હોવા છતાં ગોવિંદને થોડા બિસ્કિટ્સ આપ્યા. અને છાતી પરથી એના જવાબનો ભાર હળવો કરવા આગળ વધવા પ્રયાસ કર્યો.

થોડો આગળ વધ્યો તો મિતાબહેન મળ્યા. અકાળે વૃદ્ધ લાગતી એ મહિલા સાત બાળકોની મા છે. એક દીકરો દસમું નાપાસ થઇને ભણવાનું છોડી ચૂક્યો છે.

બે દીકરી અને બીજા બે દીકરાઓ ઓ શાળાએ જાય છે. બાકીના બે બાળકોને હજુ એટલા મોટા નથી થયા કે શાળાએ જઈ શકે.

મિતાબહેનને દિવસ આખો ખેતરમાં તનતોડ મજૂરી કરે છે. મજૂરીની સાથોસાથ બાળકોનો ઉછેર કરે છે અને એ બધા વચ્ચે ઘર પણ સંભાળે છે.

ગામમાં ના તો દવાખાનું છે કે ના કોઈ પ્રાથમિક સુવિધા. મિતાબહેનનું કહેવું છે, “દર વખતે ચૂંટણીમાં મત આપીએ છીએ. પણ સરકારે અમારા માટે કંઈ કર્યું નથી.”

મિતાબહેન સાથેની વાત પૂરી થાય એ પહેલા જ રુપલબહેન આવી ચડે છે અને મને જણાવે છે, “લગ્ન કરીને ગામમાં આવ્યે દોઢ વર્ષ થઇ ગયાં પણ હજુ સુધી વિકાસનું મો નથી જોયું.”

એ સાથે જ મારા કાનમાં વિકાસની હરણફાળના દાવા ગૂંજવા લાગ્યાં.

આખા દિવસની રઝળપાટ દરમિયાન એના પડઘા પડતાં રહ્યાં. સાંજે જ્યારે બનાસકાંઠામાંથી મહેસાણા જતાં વચ્ચે પાલનપુર આવ્યું ત્યારે એ શમ્યા અને શુન્ય પાલનપુરીનો શેર યાદ આવી ગયો.

દર્દની લાગણીના ઘણા રૂપ છે. માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,

સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઈ ના શકે એવા ગમ કેટલા?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો