ગુજરાતમાં માત્ર ભાજપનાં શાસનમાં મોટા થયેલા યુવાનો કોની સાથે?

કાજલ

18 વર્ષની કાજલને જ્યારે હું રાહુલ ગાંધીનો ફોટો બતાવું છું તો એ તેમને હાર્દિક પટેલ તરીકે ઓળખે છે. પછી ગામ લોકો તેને સાચી ઓળખ આપે છે તો એ ચોંકી જાય છે.

કાજલ કહે છે, "અમે હંમેશા ભાજપને જ જોયો છે. નાનપણથી જ અમે ભાજપને જ ઓળખીએ છીએ. બધા એમને જ વોટ આપે છે, કોંગ્રેસને કોઈ ઓળખતું નથી."

કાજલનું તેબલી-કાઠવાડા ગામ બહું અંતરિયાળ નથી. અમદાવાદ જિલ્લામાં જ છે અને શહેરથી માત્ર 20 કિમી દૂર.

તમને આ પણ વાંચવું ગમશે

પરંતુ ગામમાં એક પણ શૌચાલય નથી. પાકા રોડ કે પાકા મકાન નથી અને 100માંથી 80 ઘરોમાં વીજળીનું કનેક્શન પણ નથી.

આમ છતાં ગામના લોકો કહે છે કે તેમણે હંમેશા ભાજપને જ વોટ આપ્યો છે.


ભાજપના શાસન કાળમાં જ જન્મ થયો

1995થી ગુજરાતમાં ભાજપે જ સરકાર બનાવી છે. આ 22 વર્ષોમાં 13 વર્ષ નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે.

કાજલની જ ઉંમરના વિષ્ણુ પણ ભાજપના શાસન કાળમાં ગુજરાતમાં જ મોટા થયા.

એમણે પણ એક જ સરકાર જોઈ છે. તેમને પણ કોંગ્રેસ કે એમના નેતાઓ વિશે વધારે સમજ નથી.

ઘરમાં પૈસાની તંગી અને ગામની સ્કૂલ દૂર હોવાથી કાજલ અને વિષ્ણુ બંને આઠમાં ધોરણ સુધી જ ભણ્યા છે.

વિષ્ણુ મજૂરી કામ કરે છે અને કાજલ સિલાઈ શીખીને પગભર થવા માંગે છે.


આ વર્ષે પહેલીવાર વોટ કરશે

કાજલ ઇચ્છે છે કે એના ગામમાં વિકાસ થાય. વીજળી આવે અને શૌચાલય બને જેથી તેમને ખુલ્લામાં જાજરૂ ના જવું પડે. એ માને છે કે એમની આ મુશ્કેલીઓથી સરકારને કોઈ લેવા દેવા નથી.

તે કહે છે, "મોદીજી ક્યારેય અહીં નહીં આવે. એ તો ઉપરથી જ ઉડી જાય છે. નીચે આવે ત્યારે તો અમને જોઈ શકશે." પરંતુ સાથે એમ પણ કહે છે કે બીજો કોઈ વિકલ્પ નથી.

એ જ્યારે એની માસીના ઘરે જાય છે ત્યારે તેણે નરેન્દ્ર મોદીનાં ભાષણ સાંભળ્યા છે. 'મન કી બાત' કાર્યક્રમ પણ સાંભળ્યો છે. એમના માટે એ જ જાણીતા નેતા છે.


રામ મંદિરનો મુદ્દો

અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં જાણીતા નેતા હોવા કરતા બીજું પણ એક કારણ છે જે લોકોને ભાજપ સાથે જોડે છે.

કેટલાક યુવકો સાથે મુલાકાત થઈ તો અંદરની વાતો પણ છતી થઈ.

સુભાષ ગઢવી સરકારી નોકરી માટે પરીક્ષા આપી રહ્યા છે. તેઓ કહે છે, "તમે જ કહો જો કોઈ તમને કહે કે રામ મંદિર બનાવડાવીશું તો એને વોટ નહીં આપું ?"

એમનું કહેવું છે કે મુસલમાનોના વિસ્તારમાં પસાર થઈએ તો સંભાળીને નિકળવું પડે છે. 2002ને ભલે 15 વર્ષ થઈ ગયાં હોય પણ ઝઘડો ગમે ત્યારે થઈ શકે છે અને સુરક્ષાનો મુદ્દો રાજનીતિમાં મુખ્ય છે.

પરંતુ જ્યારે હું પૂછું છું કે સુરક્ષિત ગુજરાતમાં વિતાવેલી અત્યાર સુધીની જિંદગી સારી છે? તો બધા એક સાથે ના કહી દે છે.


બેરોજગારી મોટી સમસ્યા

રોજગારની અછત એમની સૌથી મોટી મુશ્કેલી છે. લોકો કહે છે કે સરકાર 'એમઓયૂ' પર સહી તો કરે છે, પણ ખરેખર કંપનીઓ અને ઉદ્યોગો અમારા સુધી આવતા નથી. અમને કામ મળતું નથી.

જો કંપનીઓ આવે પણ છે, તો કામ અમારા યુવકોને નથી મળતું. સરકારી નોકરીઓ સ્વપ્ન સમાન છે.

ધર્મરાજ જાડેજા બી.કોમ. ભણી રહ્યા છે. તેમણે વીસ વર્ષની તેમની ઉંમરમાં કચ્છનાં ગામડાંનું અને શહેરનું એમ બંને પ્રકારનું જીવન જોયું છે.

ગામમાં પવન ચક્કી લગાડવા માટે એમની જૂની જમીન પર સંપાદન થઈ ગયું. પછી ત્યાં ઉદ્યોગ વિકસાવવામાં આવ્યો પણ બે જ વર્ષમાં બંધ થઈ ગયો. ત્યાનાં યુવકોને રોજગાર ના મળ્યો.

પાણીની નહેર અને નળ લગાડવાનું કામ પણ પુરુ ના થયું. એમના ગામમાં અઠવાડિયામાં એક જ વાર પાણી આવે છે.

આ બધું હોવા છતાં નિચોડ તો એ જ છે. સિક્કાની બંને બાજુ થોડી અટપટી છે. એક તરફ સરકારથી નારાજી અને બીજી તરફ સત્તાધીશ પાર્ટી જાણીતી અને તેના પર સુરક્ષાનો ભરોસો.


દલિતોની સ્થિતિ એવીને એવી

ધર્મરાજ કહે છે કે, "મોદીજીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે વગર ઇંટર્વ્યૂએ નોકરી મળશે. પરંતુ અહીં તો ત્રણ-ત્રણ ઇન્ટરવ્યૂ પછી પણ નોકરી નથી મળતી. પણ શું થાય..."

અમદાવાદની જ એક દલિત વસતીમાં રહેતા જિગ્નેશ ચંદ્રપાલ અને તેમના મિત્ર કહે છે કે એમના સમુદાયના ગરીબ લોકોનો વિકાસ નથી થયો.

એમનું કહેવું છે કે ભાજપ શાસિત ગુજરાતમાં દલિતોની સ્થિતિ એવી જ છે, જેવી બીજા રાજ્યોનાં દલીતોની છે.

જિગ્નેશ કહે છે, "ભાજપ અમને હિંદુનો દરજ્જો ત્યારે આપે છે જ્યારે ચૂંટણી નજીક હોય છે. બાકીનો સમય અમે દલિત જ હોઈએ છીએ. સ્કૂલ કૉલેજમાં દાખલો પણ મુશ્કેલીથી મળે છે. "

અમે અત્યારે શાળાની પરસાળમાં બેસીને વાત કરી રહ્યા છીએ. સ્કૂલ સુધી આવતો રસ્તો કાચો છે અને વીજળી પણ નથી.

વર્ગોના ઓરડાની હાલત ખરાબ છે. અહીંના લોકોની ફરિયાદ છે કે શિક્ષકો ક્યારેક જ આવે છે અને ક્યારેક જ ભણાવે છે.

પણ એને મતલબ એ નથી કે લોકો સરકાર બદલવા માંગે છે. રાજનીતિમાં વિશ્વાસ ઓછો છે. બધી પાર્ટીઓ એક જેવી જ હોય છે તેવું માને છે. તેમનામાં આ નિરાશા છે.


ગોધરાની મુલાકાત

અમદાવાદથી ત્રણ કલાક દૂર ગોધરામાં રહેતા 21 વર્ષના ખંડવાતિક સુહૈલે એંજિનિયરિંગનું ભણતર પૂરું કરી દીધું છે અને નોકરી શોધી રહ્યા છે.

ગોધરા શહેર સુધી આવતો રોડ તો પાકો બનાવેલો છે, પરંતુ અંદરના રોડ તૂટેલી ફૂટેલી હાલતમાં છે.

એમનો વિસ્તાર પણ અમદાવાદની દલિત વસ્તી જેવો લાગે છે. બેરોજગારી અહીંની પણ મોટી સમસ્યા છે.

પાસે ઊભેલા મિત્ર ગોરા સુહેલના કહેવા પ્રમાણે ગોધરામાં એંજિનિયરિંગ ભણેલા ત્રણમાંથી બે યુવાનો રોજગાર વગરના છે.

આ વિસ્તારમાં કોઈ મોટી ફેક્ટરી પણ નથી. મોટાભાગના યુવાનો નાનો-મોટો વ્યવસાય કરીને ગુજારો કરી લે છે.

ગોરાને હવે યુવા નેતા રાહુલ ગાંધીથી આશા છે. તે કહે છે, "આટલા વર્ષો એક પાર્ટીથી આશા રાખી હતી પણ કંઈ ના થયું. રાહુલ ગાંધીએ કહ્યું છે કે રોજગારી અપાવશે, તો એમને પણ મોકો આપવો જોઈએ."

અને આ ચુંટણી પછી પણ કોઈ ફર્ક ના પડ્યો તો?

તો હસીને કહે છે, "પછી જોઈશું, વિકાસ તો ગાંડો થઈ જ ગયો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ