ગુજરાતમાં અહીં યુવકોએ પરણવા માટે કેમ અન્ય રાજ્યમાં જવું પડે છે?

ગામ લોકો સાથે ચા પી રહેલી બાઇકર્સ
ફોટો લાઈન ગામ લોકો સાથે બેસી તેમની સમસ્યાઓ સાંભળતી બીબીસીની બાઇકર્સ

#BBCGujaratOnWheels ની ટીમ પોતાની સફરમાં નવાં નવાં સોપાનો સર કરી રહી છે.

અંતરિયાળ ગામોની મહિલાઓને મળી રહી છે. એમની સમસ્યાઓ સમજી રહી છે અને આપની સમક્ષ એ વ્યથાને વાચા આપી રહી છે.

લોકોની વ્યથાને વાચા આપવાના આ પ્રયાસમાં બનાસકાંઠા બાદ અમારો નવો પડાવ હતો મહેસાણા.

આર્થિક અને રાજકીય રીતે સક્ષમ ગણાતો ઉત્તર ગુજરાતનો આ જિલ્લો લિંગ અનુપાતની સમસ્યાથી પીડાઈ રહ્યો છે.

તમને આ પણ વાંચવું પણ ગમશે

વર્ષ 2001માં અહીં દેશમાં સૌથી ઓછો સ્ત્રી-પુરુષનું વસતી પ્રમાણ હતું.


ચાઇલ્ડ સેક્સ રેશિયો

ચાઈલ્ડ સેક્સ રેશિયો એટલે કે બાળ જાતિપ્રમાણની દૃષ્ટિએ મહેસાણા રાજ્યમાં તળિયેથી બીજા ક્રમાંકે છે.

અહીં ચાઈલ્ડ સેક્સ રેશિયો 842 છે એટલે કે 1000 બાળકોની સરખામણીએ 842 બાળકીઓ જ.

આખા જિલ્લામાં જે ત્રણ ગામોમાં આ પ્રમાણ સૌથી વધુ ચિંતાજનક છે એમાનું એક ગામ એટલે કકાસણા.

કકાસણામાં ૦થી ૬ વર્ષ વચ્ચેના બાળકોમાં ૧૦૦૦ છોકરાઓની સામે છોકરીઓનું પ્રમાણ માત્ર ૩૯૮ છે.

કકાસણામાં અમે જ્યારે પ્રવેશ્યા ત્યારે જે ઉડીને આંખે વળગી એ વાત હતી છોકરીઓનું નહિવત્ત પ્રમાણ.

ગામમાં કેટલાય નાના બાળકો રમી રહ્યા હતા અને એમાં કોઈ છોકરી જ નહોતી.

ગામના લોકોને જ્યારે આ અંગે પૂછ્યું તો એમણે આ ચિંતાજનક બાબતને 'ભગવાનની દયા' ગણાવી.


શૌચાલયની સમસ્યા

ગામની અન્ય સમસ્યાઓ જાણવા માટે હું મહિલાઓને મળવા લાગ્યો. મોટાભાગની મહિલાઓએ શૌચાલયની સમસ્યા અંગે વાત કરી.

શૌચાલય ન હોવાથી તેમને ખુલ્લામાં જાજરૂ જવું પડે છે. જેના કારણે તેમને ડર પણ લાગે છે.

માત્ર કકાસણા જ નહીં #BBCGujaratOnWheelsની ટીમે જે અન્ય ગામોની મુલાકાત લીધી, એ બધા જ ગામોમાં મોટાભાગનાં ઘરોમાં શૌચાલય નથી.

આ ગામમાં પણ માધીબહેન, ચંદ્રીકાબહેન, નિશાબહેન, રેખાબહેન, રેશમબહેન એમ મોટાભાગની મહિલાઓએ કહ્યું કે તેઓ ઇચ્છે છે કે તેમના ઘરે એક એક શૌચાલય બને.

શૌચાલય બનાવવાના સરકારી દાવા સામે આ સચ્ચાઈ જાણીને મને દુઃખ થયું.

ગામમાં લિંગ અનુપાતનો જે દર હતો એના વિશે સૌ લોકો જાણતા હતા. પરંતુ તેના અંગે બોલવા વિશે ભાગ્યે જ કોઈ તૈયાર થતું.

કેટલાક લોકો તો ગામમાં છોકરીઓની ઓછી સંખ્યાને લઈને ખુશ પણ હતા.

જો કે કેટલાક એવા લોકોને પણ હું મળ્યો જે છોકરીઓની ઘટતી સંખ્યાને લઈને દુઃખી હતા.


લગ્ન માટે અન્ય રાજ્યમાં જવું પડે?

મહેસાણામાં છોકરાઓની સરખામણીએ છોકરીઓના ઓછા પ્રમાણને કારણે યુવકો અન્ય રાજ્યની યુવતીઓ સાથે લગ્ન કરી રહ્યા છે.

કથિત રીતે તેઓ આ યુવતીઓને અન્ય રાજ્યોમાંથી પૈસા આપીને ખરીદી રહ્યા છે.

કથિત રીતે આ બહુ ચર્ચિત મુદ્દો છે તો પણ અમારી સાથે આ મામલે કોઈ વ્યક્તિ બોલવા તૈયાર થઈ ન હતી.

મહેસાણાની આ સમસ્યા માટે માત્ર અ્હીંના લોકો જ નહીં, પુત્ર મોહની આપણા સમાજની આખી માનસિક્તા જવાબદાર છે.

જ્યાં સુધી આ માનસિક્તા નહીં બદલાય ત્યાં સુધી આ મામલે કોઈ જ પરિવર્તન આવે એવું દેખાઈ નથી રહ્યું.

ગામમાં મહિલાઓની સમસ્યા જાણવા માટે અહીં-તહીં આંટા મારી રહ્યો હતો. ત્યારે જ ખબર નહીં ક્યાંથી એક મધમાખી ઉડતી આવી અને મારી આંખે કરડી.

લોકોના દુઃખો સમજવામાં મારી આંખનું દર્દ કઇ રીતે દૂર કરવું એ હવે મારી સમસ્યા બની ગઈ.

મારી આ હાલત જોઇને પારસ નામનો એક છોકરો દોડતો આવ્યો અને મને કોઈ ગોળી આપી.

દુખાવો એટલો થતો હતો કે કઈ ગોળી છે એ સમજ્યાં વગર જ હું એને ગળી ગયો.


સર્વાંગી વિકાસનું ચિત્ર

એનાથી પણ કોઈ રાહત ના થઈ એટલે પારસ ફરી દોડ્યો અને ઘરેથી મારા માટે લોખંડનો એક બોલ્ટ લઈ આવ્યો.

પારસના કહેવા પ્રમાણે મેં એ બોલ્ટને આંખ પર ઘસ્યો પણ ખાસ રાહત ના જણાઈ.

આખરે મેં આંખના દુઃખાવા પર ગમે રીતે કાબુ કરીને લોકોના દુઃખો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું.

પાકા ઘર, પાકા રસ્તા, શૌચાલય, પીવાનું પાણી, રોજગારી. મને લાગ્યું કે ગામો બદલાઈ રહ્યાં છે.

લોકોના નામો બદલાઈ રહ્યાં છે. પણ લોકોની સમસ્યાઓ એક સમાન જણાઈ રહી છે.

કાં તો હું જે સમજી રહ્યો છું એ કંઇક જુદું છે. કાં તો આપણી સમક્ષ રજૂ કરાયેલું સર્વાંગી વિકાસનું ચિત્ર કંઇક જુદું છે.

આ લખી રહ્યો છું ત્યારે ભરત વિંઝુડાનો શેર યાદ આવી રહ્યો છે.

હું જે સમજું છું તે અલગ છે ને

તું કહે એનો સાર જુદો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો