ઇંદિરા ગાંધી ‘ગૂંગી ગુડિયા’માંથી કઈ રીતે બન્યાં લોખંડી મહિલા?

ઇંદિરા ગાંધીનો ફોટોગ્રાફ Image copyright Getty Images
ફોટો લાઈન ઇંદિરા ગાંધી

ઇંદિરા ગાંધી પહેલાં મેં ફિરોઝ ગાંધીને નજીકથી નિહાળ્યા હતા. તેનું કારણ એ હતું કે, મારા કાકા સૈયદ વસી નકવીનો રાયબરેલી વિધાનસભા મતવિસ્તાર પણ ફિરોઝના સંસદીય મતવિસ્તાર હેઠળ જ હતો.

મારા કાકાનું ઘર જ ચૂંટણીનું વડુંમથક હતું. સામંતવાદી અવધની વચ્ચે લોકો નેહરુ પરિવાર માટે બહુ આદર ધરાવતા હતા. તેથી બિનજરૂરી ટિપ્પણી કરતા ન હતા.

જોકે, ફિરોઝના મૂળ બાબતે દબાતા અવાજે વાતો જરૂર કરવામાં આવતી હતી. ખાસ કરીને કૃષ્ણ હોટેલમાં એવી વાતો થતી હતી.

કૃષ્ણ હોટેલના બારી વિનાના ઠંડા ઓરડામાં ફિરોઝ ગાંધી ચૂંટણી અભિયાન દરમિયાન રોકાયા હતા. એક વખત ઇંદિરા ગાંધી પણ ત્યાં રોકાયાં હોવાનું મને યાદ છે.

દેશના એક મોટા બ્રાહ્મણ પરિવારની દીકરી એક 'વાણિયા' સાથે લગ્ન કઈ રીતે કરી શકે? 'ઘાંદી' સ્પષ્ટ રીતે વાણિયાની એક અવટંક છે. એવી અંતિમ દલીલ તેઓ કરતા હતા.


ફિરોઝ જહાંગીર 'ઘાંદી'

Image copyright KEYSTONE/HULTON ARCHIVE/Getty Images
ફોટો લાઈન ફિરોઝ અને ઇંદિરા ગાંધી તેમનાં લગ્ન સમયે

ફિરોઝનું વાસ્તવિક નામ ફિરોઝ જહાંગીર 'ઘાંદી' હતું, જે ધાનશાક નામની સ્વાદિષ્ટ પારસી વાનગીની સરખામણીએ વધારે પારસી હતું.

ઇંદિરા ગાંધીની મદદ વડે 'ઘાંદી'માં થોડો ફેરફાર કરીને તેને 'ગાંધી' બનાવી દેવામાં આવ્યું હતું. કૉંગ્રેસના નેટવર્કે તેનો નેહરુ-ગાંધી પરિવારના સ્વરૂપમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો.

એ સાથે જ આ પરિવાર જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધીના અતૂટ સંયોજનનું પ્રતિનિધત્વ કરવા માંડ્યો હતો. 1966માં તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં આકસ્મિક મૃત્યુ થયું હતું.

એ પછી ઇંદિરા ગાંધી પક્ષના રૂઢીવાદી જૂથના ઉમેદવાર મોરારજી દેસાઈને હરાવીને વડાં પ્રધાન બન્યાં હતાં. ઇંદિરા ગાંધીએ જે પહેલી સામાન્ય ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ કર્યું હતું, તેમાં કૉંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો હતો.

કૉંગ્રેસ આઠ રાજ્યોમાં હારી ગયો હતો, સંસદમાં તેની સભ્યસંખ્યા ઘટી ગઈ હતી. તેના કારણે ડૉ. રામ મનોહર લોહિયાને ઇંદિરા પર કટાક્ષ કરવાની તક મળી હતી.


'ગૂંગી ગુડિયા'

Image copyright LOHIA TRUST
ફોટો લાઈન સમાજવાદી નેતા ડૉ. રામ મનોહર લોહિયા

સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાએ ઇંદિરા ગાંધીને સંસદમાં ઘણીવાર 'ગૂંગી ગુડિયા' (મૂંગી ઢીંગલી) કહ્યાં હતાં.

એચ. વી. કામથ ભારતીય સિવિલ સર્વિસ(આઈપીએસ)ના ભૂતપૂર્વ અધિકારી તથા ફોર્વર્ડ બ્લોકના નેતા હતા.

તેમણે રાજા દિનેશ સિંહને જુનિયર સંસદ સભ્યમાંથી નાયબ પ્રધાન અને પછી પ્રધાન બનાવવામાં ઇંદિરા ગાંધી પાસેથી ખાસ પરવાનગી લીધી હતી.

''એ બઢતી સ્પષ્ટ રીતે તેમનામાં છૂપાયેલી પ્રતિભા માટે હતી અને તેની ખબર માત્ર વડાંપ્રધાનને જ હતી.''

એ બાબતે થોડી કાનભંભેરણી પણ થઈ હતી. વાસ્તવમાં વડાં પ્રધાનના ઘરના ડ્રોઇંગ રૂમમાં ઍથલેટિક સાધુ ધીરેન્દ્ર બ્રહ્મચારી હાજરી બાબતે પણ નારાજગી હતી.

અલબત, એ વ્યવસ્થામાં બ્રાહ્મણ અને સામંતી એટલા પ્રબળ હતા કે તે વિશે ગૉસિપની શક્યતા હતી જ.


ઈએમએસ સરકારની બરતરફી

Image copyright COURTESY SHANTI BHUSHAN
ફોટો લાઈન ઇંદિરા ગાંધી

ઇંદિરા ગાંધી નેહરુનાં પુત્રી હતાં અને 1959માં તેઓ કૉંગ્રેસનાં અધ્યક્ષ બન્યાં તેનું મુખ્ય કારણ પણ એ જ હતું.

એ કારણે જ કૉંગ્રેસના જમણેરી જૂથમાં તેમની સામે થોડો વિરોધ ઉઠ્યો હતો. એ જૂથને શાંત કરવા માટે તેમણે એક નિર્ણય કર્યો હતો.

કેરળમાં અઢી વર્ષ પહેલાં જ ચૂંટાઈને સત્તારૂઢ થયેલી પહેલી સામ્યવાદી સરકારને બરતરફ કરીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

વિધિની વક્રતા એ હતી કે એ જ વર્ષે ખુદ ઇંદિરાને કૉંગ્રેસનાં અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં.

તેમણે વિખ્યાત સામ્યવાદી નેતા અને કેરળના પહેલા મુખ્ય પ્રધાન ઈ. એમ. એસ. નંબૂદરીપાદની સરકારને બરતરફ કરી હતી.

કાયદો તથા વ્યવસ્થાના ઉલ્લંઘનને રાષ્ટ્રપતિ શાસન લાદવાનું કારણ ગણાવવામાં આવ્યું હતું.

ઇંદિરા ગાંધીએ 1969માં કૉંગ્રેસના વિભાજન, બૅન્કોના રાષ્ટ્રીયકરણ અને રાજા-મહારાજાઓના સાલિયાણાં બંધ કરીને જમણેરી વિચારધારા તરફના ઝુકાવને સંતુલિત કરી દીધો હતો.

જોકે, લંડન સ્થિત 'ટાઇમ્સ'ના પત્રકાર પીટર હેઝલહર્સ્ટ તેમને 'સ્વાર્થ તરફી' ગણાવે છે.


જ્યારે વાજપેયીએ ઇંદિરાને 'દુર્ગા' કહ્યાં હતાં

Image copyright Getty Images
ફોટો લાઈન અટલ બિહારી વાજપેયી

ઇંદિરાના મુખ્ય સચિવ પી.એન. હસ્કર સ્પષ્ટ રીતે ડાબેરી હતા, પણ મોહન કુમારમંગલમ્ ઇંદિરાના કેબિનેટ પ્રધાન તથા સલાહકાર હતા.

કુમારમંગલમે્ ભારતીય સામ્યવાદી પક્ષ સાથે રહેવાનો આગ્રહ રાખ્યો હતો. ભારતીય સામ્યવાદી પક્ષના મહાસચિવ શ્રીપાદ ડાંગે તેને એકતા અને સંઘર્ષની નીતિ કહેતા હતા.

તેનો અર્થ, કૉંગ્રેસ સમર્થિત નીતિઓ બાબતે એક થવું અને તેની લોકવિરોધી નીતિઓ સામે સંઘર્ષ કરવો, એવો થતો હતો.

સોવિયેટ સંઘની મદદથી ઇંદિરા ગાંધીએ બાંગ્લાદેશની રચનામાં દરમિયાનગીરી કરી, ત્યારે ડાબેરીઓ તરફી ઝુકાવ તેના ચરમ શિખર પર હતો. તેમની પ્રસિદ્ધિ પણ ચરમ શિખર પર હતી.

તેઓ એટલાં પ્રસિદ્ધ હતાં કે અટલ બિહારી વાજપેયીએ પણ તેમને 'દુર્ગા' કહ્યાં હતાં. સામ્યવાદીઓ સાથેની એ સુખદ મોજમસ્તીએ ભારતમાં તથા વિશ્વ વ્યવસ્થામાં કોલાહલ સર્જ્યો હતો.

ખાસ કરીને બીજા દેશો સાથેના સંબંધ સુધારવાનું પશ્ચિમી દેશો માટે આસાન ન હતું એ સમયે.

આ ખતરનાક પરિવર્તનને કારણે કૉંગ્રેસની અંદર-બહારના સમાજવાદીઓ, અમેરિકન કૉંગ્રેસના રૂઢમતવાદીઓ, જન સંઘ (આજની ભારતીય જનતા પાર્ટી), એ બધા ઇંદિરા ગાંધી સામે એક થયા હતા.

તેઓ ઇંદિરા ગાંધીના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં ગાંધીવાદી વિચારધારાના પ્રખર ટેકેદાર અને ભૂતપૂર્વ સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ એકઠા થયા હતા.

એ અભિયાન જેપી આંદોલન કે બિહાર આંદોલનના નામે ઓળખાય છે.


જેપી આંદોલનનું દબાણ

Image copyright SHANTI BHUSHAN
ફોટો લાઈન જયપ્રકાશ નારાયણ

જેપી આંદોલનને કારણે ઇંદિરા ગાંધી સખત દબાણમાં આવી ગયાં હતાં. જેપીએ આંદોલન દરમિયાન મને કદમ કુંઆસ્થિત ઘરે રહેવા માટે બોલાવ્યો હતો.

એ કારણે ઇંદિરા ગાંધીએ પણ મને નેહરુ પરિવારના જૂના દોસ્ત મોહમ્મદ યુનુસ મારફત બોલાવ્યો હતો. મોહમ્મદ યુનુસ મને ઓળખતા હતા.

તેમણે મુખ્યત્વે રાજકીય મુદ્દાઓ વિશે મારી સાથે વાત કરી હતી. તેમણે પૂછેલું કે શ્યામ નંદન મિશ્રા પર જેપી ભરોસો કરે છે? દિનેશ સિંહ ખરેખર જેપીની નજીક છે?

આ બન્ને નેતાઓએ જેપી અને ઇંદિરા ગાંધી વચ્ચે સંદેશા-વ્યવહારના પ્રયાસ કર્યા હતા.

જવાહરલાલ નેહરુએ વિશ્વના દેશો વચ્ચે જે રીતે ભારતની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, એ રીતે ઇંદિરાએ ભારતની તાકાત દેખાડી હતી.

જોકે, જેપી આંદોલન વિસ્તરવાને કારણે તેઓ ખરેખર પરેશાન હતાં.


કટોકટી પછી ઇંદિરા ગાંધીનો પહેલોન્ટરવ્યૂ

Image copyright Getty Images
ફોટો લાઈન ઇંદિરા ગાંધી

અલાહાબાદ હાઈકોર્ટે એક નાની ભૂલને કારણે ઇંદિરા ગાંધીનું સંસદસભ્યપદ રદ કર્યું, ત્યારે તેઓ અસ્વસ્થ થઈ ગયાં હતાં.

25, જુન 1975ના રોજ જેણે કટોકટીની જાહેરાત કરી હતી એ ઇંદિરા ગાંધીના નાના પુત્ર હતા.

તેમણે ઇંદિરાના મુખ્ય અધિકારીઓ પી. એન. હક્સર અને મીડિયા પ્રભારી શારદા પ્રસાદને પણ હટાવી દીધાં હતાં.

યુનુસભાઈ (મોહમ્મદ યુનુસ)ને ઇંદિરા ઉપરાંત સંજય ગાંધી સાથે પણ ગાઢ સંબંધ હતો. તેમણે ખુદને વિશેષ પ્રતિનિધિ બનાવવાની તક ઝડપી લીધી હતી.

તેમના કાર્યક્ષેત્રના વ્યાપને કારણે તેમને મીડિયામાં રસ લેવાની તક પણ મળી હતી.

તેમણે મને એક કામ સોંપ્યું હતું. તેને કારણે મને ઇંદિરા ગાંધીના વ્યક્તિત્વનું એક પાસું નિહાળવાની તક મળી હતી.

બીજા કોઈએ ઇંદિરા ગાંધીનું એ પાસું જોયું હોય એવું હું નથી માનતો.

હું 'સન્ડે ટાઇમ્સ', લંડન માટે ઇન્ટરવ્યૂ કરવા તેમને મળ્યો હતો. હું ભારતમાં 'સન્ડે ટાઇમ્સ'ના સ્ટ્રિંગર તરીકે કામ કરતો હતો.

એ ઇન્ટરવ્યૂ એકદમ સનસનાટીભર્યો સાબિત થવાનો હતો, કારણ કે કટોકટી જાહેર કર્યા પછીનો ઇંદિરા ગાંધીનો એ પહેલો ઇન્ટરવ્યૂ હતો.

ઇંદિરા ગાંધી સંપૂર્ણ ખામોશ રહ્યાં હતાં. તેમણે મારા એકેય સવાલનો જવાબ આપ્યો ન હતો.

તેઓ ચહેરા પર કોઈ હાવભાવ દેખાડ્યા વિના દિવાલ તરફ એકીટશે તાકીને બેઠાં રહ્યાં હતાં અને એક કાગળ પર, નજર કર્યા વિના રેખાઓ તાણતા રહ્યાં હતાં.


લોખંડી મહિલા

Image copyright Getty Images
ફોટો લાઈન જવાહરલાલ નેહરુ સાથે ઇંદિરા ગાંધી

જોકે, માત્ર એ જ ઇંદિરા ગાંધીના વ્યક્તિત્વનું એક પાસું ન હતું. બાંગ્લાદેશ સાથેના યુદ્ધે તેમને લોખંડી મહિલા તરીકે પ્રતિષ્ઠા અપાવી હતી. એ તેમનાં વ્યક્તિત્વનું એક અન્ય પાસું હતું.

અલબત, તેમની ધર્મનિરપેક્ષ ઇમેજ એકદમ સ્વચ્છ રહી નથી. ખાસ કરીને 1982ની જમ્મુની ચૂંટણીમાં તેમના વ્યક્તિત્વનો સાંપ્રદાયિક રંગ જોવા મળ્યો હતો.

જમ્મુમાં કૉંગ્રેસની ચૂંટણી ઝુંબેશમાં ભળેલા સાંપ્રદાયિકતાના રંગના પશ્ચાદભૂમાં પંજાબનું ખાલિસ્તાની આંદોલન છે.

જોકે, 1984માં ઇંદિરા ગાંધીની હત્યા પછી પણ એ પ્રવૃત્તિ ચાલુ રહી હતી. સહાનુભૂતિની લહેરને કારણે રાજીવ ગાંધીને સંસદમાં કુલ 514માંથી 404 બેઠકો પર અભૂતપૂર્વ જીત મળી હતી.

આવું આપણે માનીએ છીએ, પણ કૉંગ્રેસના સીનિયર નેતાઓ માને છે કે એ વિજય અલ્પસંખ્યક સાંપ્રદાયિકતા સામે હિંદુત્વના એકીકરણને આભારી હતો.

એ ઘટનાના સંદર્ભમાં સિખો શંકાના દાયરામાં હોઈ શકે છે, પણ હિંદુઓના એકીકરણને કૉંગ્રેસે એક સૂત્રના સ્વરૂપમાં અપનાવ્યું હતું. એ સૂત્રનો ઉપયોગ બધી લઘુમતી વિરુદ્ધ સમાન રીતે કરવામાં આવ્યો હતો.


મુસ્લિમ તુષ્ટિકરણ વિરુદ્ધ હિંદુ એકતા

Image copyright PTI
ફોટો લાઈન ચૂંટણીપ્રચાર દરમ્યાન મંદિરમાં પહોંચેલા રાહુલ ગાંધી

1989માં રાજીવ ગાંધીએ રામરાજ્યની સ્થાપનાના વચન સાથે પોતાનું ચૂંટણી અભિયાન શરૂ કર્યું, ત્યારે બહુ ઓછા લોકોને આશ્ચર્ય થયું હતું.

વિશ્વ હિંદુ પરિષદ ઇચ્છતી હતી એ સ્થળે જ રામ મંદિરનું નિર્માણ કરવા રાજીવ ગાંધી તૈયાર થઈ ગયા હતા. જે અલાહાબાદ હાઈકોર્ટના પ્રતિબંધનું ઉલ્લંઘન હતું.

એ ટ્રેન્ડ આજે પણ યથાવત્ રહ્યો છે. કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત મંદિરોમાં જઈને કરી હતી. એક હિંદુ દેશમાં નેતાઓ મંદિરમાં જાય એ સામાન્ય રીતે અસ્વાભાવિક નથી.

અલબત, ચૂંટણીની મોસમમાં કૉંગ્રેસી નેતા આવું કરે ત્યારે બીજેપી કૉંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આક્ષેપ ન કરે એ સુનિશ્ચિત થઈ જાય છે.

કૉંગ્રેસના 60 વર્ષના શાસનમાં મુસ્લિમોનું તુષ્ટિકરણ કઈ રીતે કરવામાં આવ્યું હતું, તે 2005ના સચ્ચર સમિતિના અહેવાલમાં સ્પષ્ટ થઈ ગયું હતું. તેથી હવે તુષ્ટિકરણના આક્ષેપનો ડર શા માટે રાખવો?

બીજેપી અને કૉંગ્રેસ વચ્ચે હકીકતમાં કોઈ ફરક ન હોવાનું હવે મોટાભાગના ઉદારમતવાદીઓ માનતા થઈ ગયા છે.

એ મત બળવતર બની રહ્યો છે, ત્યારે તેની જવાબદારીમાંથી ઇંદિરા ગાંધી પણ બચી શકે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો