#BBCGujaratOnWheels દ્વારા ‘અસલી ગુજરાત’ દેખાડનારી ચાર મહિલાઓ વિશે જાણો

#BBCGujaratOnWheelsમાં સામેલ થયેલી બાઇકર્સ શ્લોકા દોશી, ટ્વિંકલ કાપડી, લિંસી માઇકલ,અને મોનિકા અસવાનીનો ફોટોગ્રાફ
ફોટો લાઈન #BBCGujaratOnWheelsમાં સામેલ થયેલી બાઇકર્સ શ્લોકા દોશી, ટ્વિંકલ કાપડી, લિંસી માઇકલઅને મોનિકા અસવાની

ગુજરાતમાં ચૂંટણી પહેલાં મહિલાઓના મુદ્દાઓનું કવરેજ ચાર મહિલા બાઇકર્સ દ્વારા કરાવવું જોઇએ એવી ચર્ચા બીબીસી ન્યૂઝરૂમમાં થઈ હતી.

એ આઇડિયા સાંભળીને અમારી પ્રોડક્શન ટીમ એકદમ ઉત્સાહમાં આવી ગઈ હતી.

#BBCGujaratOnWheels નામની આ સીરિઝમાં અમે ચાર મહિલા બાઇકર્સ સાથે ગુજરાતના ચાર જિલ્લાઓમાં સવાર થઈને નીકળી પડ્યાં હતાં. આજે તેનો ચોથો દિવસ છે.

એ બાઇકર્સ સાથે મેં પહેલીવાર વાત કરી ત્યારે મને એક જ વિચાર આવ્યો હતો.

એ વિચાર હતો- આ છે ગુજરાત. પ્રગતિશીલ અને મહત્વાકાંક્ષી. એ ગુજરાત જે પોતાની શરતે ખુદનો નકશો ઘડી રહ્યું છે.


જોકે, બીબીસીની આ શ્રેણીનો હેતુ આ ગુજરાતનો પરિચય એક એવા ગુજરાત સાથે કરાવવાનો હતો, જેની સચ્ચાઈ મીડિયામાં રજૂ કરવામાં આવતી નથી.

આ પ્રવાસ દરમ્યાન અમે એ ગુજરાતની કથાઓ રોજ રજૂ કરતા રહ્યા છીએ.

હવે એ રોકસ્ટાર મહિલાઓને મળો, જે અમારી સાથે દરરોજ કલાકો સુધી બુલેટ ચલાવીને એક ગામથી બીજા ગામનો પ્રવાસ ખેડે છે.

એ મહિલાઓ જે ગ્રામીણ સ્ત્રીઓનો અવાજ તમારા સુધી પહોંચાડે છે.


ટ્વિંકલ કાપડી

ફોટો લાઈન ટ્વિંકલ કાપડી

32 વર્ષની ટ્વિંકલ બાઇકર અને સોલો ટ્રાવેલર હોવા ઉપરાંત એક ઉદ્યોગસાહસિક પણ છે.

ટ્વિંકલ 15 વર્ષનાં હતાં ત્યારથી પોતાનો સામાન લઈને એકલાં દુનિયાના અલગ-અલગ ખૂણાનો પ્રવાસ ખેડતાં રહ્યાં છે.

ટ્વિંકલ બુલેટ પર 65,000 કિલોમીટરનો પ્રવાસ કરી ચૂક્યા છે.

ટ્વિંકલને બુલેટ એટલું પ્રિય છે કે તેમણે તેમના બુલેટનું નામ 'બેંજીન' પાડ્યું છે.

ટ્વિંકલ કહે છે, એ એક એવી રખડુ વ્યક્તિ છે જેના માટે મંઝિલ કરતાં પ્રવાસ વધારે સુંદર હોય છે.

ટ્વિંકલે છેલ્લા પાંચ વર્ષમાં આખા ભારતનો પ્રવાસ તેની બુલેટ પર બેસીને ખેડ્યો છે.

હિમાલયથી માંડીને પશ્ચિમી ઘાટ અને ગુજરાતથી માંડીને પૂર્વોત્તર સુધી તેમનું જીવન બુલેટની આસપાસ ફરતું રહ્યું છે.

તેઓ બુલેટ લઈને એકલાં નીકળી પડે છે અને અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સંસ્કૃતિના લોકોનો પરિચય કેળવે છે.

ટ્વિંકલ જ્યાં જાય છે ત્યાં નવા દોસ્તો બનાવી લે છે. એ લોકોની હજ્જારો કથાઓનો ખજાનો છે ટ્વિંકલ પાસે.

મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓમાં ટ્વિંકલને ખાસ રસ છે.

ટ્વિંકલ માને છે કે છોકરીઓ શિક્ષણથી વંચિત રહેતી હોવાથી પોતાના અધિકારોથી વાકેફ હોતી નથી.


લિંસી માકલ

ફોટો લાઈન લિંસી માઇકલ

લિંસી 41 વર્ષના છે અને યામાહા FZ 16 બાઇક પર ભારતના માર્ગો પર પ્રવાસ કરતાં રહે છે.

બાઇક પર પ્રવાસ કરવાનું તેને બહુ પસંદ છે, કારણ કે તેમને દુનિયાના દરેક રંગરૂપને ઊંડાણપૂર્વક સમજવાની જિજ્ઞાસા છે.

ઓછામાં ઓછા શબ્દોમાં પોતાની વાત કહેવાની આવડત લિંસી ધરાવે છે.

લોકો સાથે હળવા-ભળવામાં પણ તેને બહુ વાર નથી લાગતી.

કોર્પોરેટ વિશ્વની માયાજાળમાંથી બહાર નીકળવા માટે લિંસીએ બાઇક પર પ્રવાસ શરૂ કર્યો હતો.

લિંસી જણાવે છે કે નોકરીમાં તેને ઘણી સફળતા મળી હતી, પણ તેને જેની તલાશ હતી એ તૃપ્તિ મળી ન હતી.

તેથી એક દિવસ તેણે નક્કી કર્યું હતું કે સપનાંને પાંખો ન મળતી હોય શું થયું, પૈડાં તો મળી જ શકે. બસ એ જ દિવસથી લિંસીએ પાછું વળીને જોયું નથી.

પોતાના સપનાંનો પ્રવાસ ખેડતાં-ખેડતાં લિંસી અત્યાર સુધીમાં 30,000 કિલોમીટર પોતાની બાઇક ચલાવી ચૂક્યાં છે.

ખુદને મોર્ડન વણજારો ગણાવતા લિંસી જ્યારે બાઇક પર પ્રવાસ ન કરતી હોય, ત્યારે પ્રોસેસ મેનેજમેન્ટના પ્રોજેક્ટમાં કન્સલ્ટન્ટનું કામ કરતાં હોય છે.

બાઇકિંગ મારફત લિંસીએ પોતાનું સ્વાભિમાન પાછું મેળવ્યું છે અને તેનો સંતોષ લિંસીના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે.


શ્લોકા દોશી

ફોટો લાઈન શ્લોકા દોશી

શ્લોકા #BBCGujaratOnWheels સીરિઝની સૌથી નાની વયનાં મહિલા છે.

શ્લોકા સાથે વાત કરીએ તો એ 22 વર્ષની સામાન્ય યુવતી જેવાં લાગે.

જોકે, બુલેટ પર કંટ્રોલ જમાવીને તેને પૂરપાટ વેગે દોડાવે ત્યારે શ્લોકાની ઇમેજ બદલાઈ જાય છે.

શ્લોકાએ જણાવ્યું હતું કે તેનો ઉછેર સામાન્ય છોકરીઓની જેમ સલામતીભર્યા વાતાવરણમાં કરવામાં આવ્યો નથી.

શ્લોકાને ખુદના હૈયાની વાત સાંભળવાની સંપૂર્ણ આઝાદી તેમનાં મમ્મી-પપ્પાએ આપી છે.

શ્લોકાએ 16 વર્ષની વયે પહેલીવાર બુલેટ ચલાવ્યું હતું અને ત્યારથી તેને બુલેટ ચલાવવાનો ચસકો લાગી ગયો છે.

આ વાતની ખબર શ્લોકાના ડેડીને પડી ત્યારે તેમણે શ્લોકાના અઢારમા જન્મદિવસે તેને બુલેટ ખરીદી આપ્યું હતું.

એ દિવસને યાદ કરે છે ત્યારે શ્લોકાના ચહેરા પરની પ્રસન્નતા બમણી થઈ જાય છે.

શ્લોકા તેની બુલેટ પર અત્યાર સુધીમાં સુરત, મુંબઈ, ગોવા, સિલ્વાસા અને વડોદરામાં 16,000 કિલોમીટરનો પ્રવાસ ખેડી ચૂક્યાં છે.

લદ્દાખને દુનિયાની સૌથી ખતરનાક રાઇડ્સ પૈકીની એક ગણવામાં આવે છે અને બુલેટ લઈને લદ્દાખ પહોંચવાનું શ્લોકાનું સપનું છે.

લદ્દાખ વિશે વાત કરતાં શ્લોકાની આંખોમાં ચમક આવી જાય છે.

શ્લોકા કહે છે, ''હું લદ્દાખ પહોંચીશ એ દિવસે મારી જિંદગી કદાચ એક દિવસ માટે થંભી જશે.''


મોનિકા અસ્વાની

ફોટો લાઈન મોનિકા અસવાની

42 વર્ષનાં મોનિકા અસવાની કચ્છમાં એક શિક્ષક તરીકે કાર્યરત છે.

મોનિકા 29 વર્ષથી બુલેટ પર સવારી કરે છે અને તેમની રાઇડિંગમાં એ અનુભવ સ્પષ્ટ રીતે જોવા મળે છે.

વ્યવસાયે ટીચર મોનિકા પાસે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી પણ છે.

ઘરેલું હિંસાનો શિકાર બનતી મહિલાઓનું કાઉન્સિલિંગ પણ મોનિકા કરે છે.

મોનિકા તેમની જોબની જવાબદારીને રાઇડિંગના શોખ આડે આવવાં દેતાં નથી.

ઇચ્છા થાય ત્યારે બુલેટ લઈને નીકળી પડે છે.

મોનિકા બિનધાસ્ત હોવાને કારણે દરેક વ્યક્તિ તેની પ્રશંસક બની જાય છે.

#BBCGujaratOnWheels ના પ્રવાસ દરમ્યાન આ મહિલાઓએ અનેક લોકોનાં દિલ જીત્યાં હતાં.

તેમણે અનેક સ્ત્રીઓના મનની વાત તમારા સુધી પહોંચાડી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો