આનંદીબહેન પટેલ ગુજરાતનાં રાજકારણમાં ક્યાં છે?

આનંદીબહેનનો ફોટો Image copyright PIB

ગુજરાતના રાજકારણમાં એક વખતે સૌથી શક્તિશાળી ગણાતાં મહિલા નેતા આનંદીબહેન પટેલ આવનારી વિધાનસભા ચૂંટણીમાં કેટલું મહત્વ ધરાવે છે?

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો આજે 76મો જન્મદિવસ છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદીબહેનને ટ્વિટર પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

ટ્વીટમાં મોદીએ આનંદીબહેનની કાર્યકુશળતાનાં વખાણ કર્યાં છે.

પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલાં આનંદીબહેન હાલ ગુજરાતના રાજકારણમાં ક્યાં છે?

તમને આ વાંચવું પણ ગમશે :


આનંદીબહેન પટેલ કોણ છે?

Image copyright Getty Images

જ્યારે ગુજરાતના રાજકારણમાંથી પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિદાય લઈ રહ્યા હતા ત્યારે 'આયર્ન લેડી'ના નામથી પ્રખ્યાત આનંદીબહેને ગુજરાતની કમાન સંભાળી હતી.

આનંદીબહેન પટેલ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા.

એક ગાંધીવાદી પરિવારમાં જન્મેલાં આનંદીબહેને શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓ રાજકારણમાં આવ્યાં હતાં.

શાળાના પ્રવાસ દરમિયાન થયેલી દુર્ધટનાના કારણે આનંદીબહેને 1987 દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

વાત એમ છે કે શાળાના પ્રવાસ દરમિયાન બે વિદ્યાર્થિની નર્મદા નદીમાં પડી ગઈ હતી.

તે દરમિયાન તેમને ડૂબતી જોઈ નદીનાં ઝડપી વહેણમાં આનંદીબહેન કૂદી પડ્યાં અને બંને વિદ્યાર્થિનીઓનાં જીવ બચાવ્યા હતા.

જેના માટે આનંદીબહેનને વીરતાનો પુરસ્કાર પણ મળ્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન તેઓ ભાજપના સંપર્કમાં આવ્યાં હતાં.


'હું ચૂંટણી લડીશ નહીં'

Image copyright AP AFP

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેને બીજેપી અધ્યક્ષ અમીત શાહને ચૂંટણીમાં ભાગ ન લેવા અંગેનો પત્ર 4 ઓક્ટોબર 2017ના રોજ મોકલ્યો હતો.

તેમણે પોતાના પત્રમાં ઉંમરના મુદ્દાને મુખ્યત્વે ધ્યાનમાં રાખી બીજા યોગ્ય ઉમેદવારને પસંદ કરવાની વાત જણાવી હતી.

તેમણે આ પત્રમાં પોતાની ઉંમર અંગે જણાવ્યું હતું ,'અગાઉ મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારે 75 વર્ષ પછી પદ કે હોદ્દા પર ન રહેવાની ભાજપની નિતિનો ઉલ્લેખ કર્યો હતો."

"આજે હું પાર્ટીની એ જ નિતિના આધારે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી હું લડવા માંગતી નથી."

હાલની વિધાનસભાની ચૂંટણીમાં આનંદીબહેનના ખાસ ગણાતા અને જામનગરથી ચૂંટાઈને આવતાં વસુબહેન ત્રિવેદીને પણ ટિકિટ આપવામાં આવી નથી.


જ્યારે આનંદીબહેને રાજીનામું આપ્યું

Image copyright OTHER

વર્ષ 2015ના અંતમાં પટેલ આંદોલન દરમિયાન અરાજકતા સર્જાતા આનંદીબહેન પટેલે અચાનક જ ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું.

નવાઈની વાત તો એ છે કે આ રાજીનામું તેમણે ફેસબુક મારફતે આપ્યું હતું.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પૂર્વ પોલિટિકલ એડિટર રાજીવ શાહ કહે છે, 'આનંદીબહેન પટેલે ખુદે જ પોતાને રાજકારણમાંથી બહાર કરી દીધાં છે. તેઓ જાણે છે કે હવેના સમયમાં ભાજપમાં અમિતશાહનું જ ચાલશે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો