અમદાવાદના નારાજ મુસલમાનો શું NOTAનો ઉપયોગ કરશે?

હિજાબ પહેરેલી બાળકીની તસવીર

અમદાવાદના સીમાડે પહોંચીએ ત્યારે એક ટેકરી જેવું કંઈક દેખાય છે. આ ટેકરી નથી, પરંતુ કચરાનો મોટો ઢગ છે.

સમગ્ર અમદાવાદમાંથી એકઠો કરવામાં આવેલો કચરો અહીં ઠાલવવામાં આવે છે.

અહીં ચારેકોર ગેસ, ધુમાડો અને દુર્ગંધનું વાતાવરણ છે, આ ઢગની બાજુમાં જ રેશમા આપા રહે છે.

કોમી રમખાણોના કારણે વિસ્થાપિત થયેલા 100થી પણ વધુ પરિવારોને અહીં 'સિટીઝન નગર'માં વિસ્થાપિત કરવામાં આવ્યા છે.

મુખ્યમાર્ગથી ખૂબ દૂર, ગલીઓની ભૂલભૂલામણી પાર કરીને આ ઘરો સુધી પહોંચી શકાય છે.

હું 'સિટીઝન નગર'ના 'રાહત ક્લિનીક' સામે સાંજના છ વાગ્યે અહીંના લોકોને મળી હતી.

સ્થાનિકોનું કહેવું છે કે, જેવી રીતે સમાજે 'સિટીઝન નગર'નું નિર્માણ થયું તેવી રીતે આ વિસ્તારનું એકમાત્ર ક્લિનિક પણ સામાજિક કાર્યકરોની મદદથી જ શરૂ કરવામાં આવ્યું છે. સરકારનું તેમાં કોઈ યોગદાન નથી.

તમને આ પણ વાંચવું ગમશે


ઘર છોડવા પડ્યા

ફોટો લાઈન સ્થાનિક લોકોના સહયોગથી ચાલતું 'રાહત ક્લિનીક'

રેશમા આપા નરોડા-પાટિયા વિસ્તારમાં આવેલું ઘર છોડીને હીં રહેવા માટે મજબૂર બન્યાં હતાં.

તેઓ કહે છે, "કોમી રમખાણો પછી સરકારે કે વિપક્ષે અમને કંઈ નહોતું આપ્યું.

"ઘર, શાળા, દવાખાનું કે રોજગારી કંઈ જ નહોતું મળ્યું. 15 વર્ષથી મત આપીએ છીએ, પરંતુ આ વર્ષે મત નહીં આપીએ."

એક માળના અને બે રૂમ ધરાવતા કતારબંધ મકાનો આ વિસ્તારમાં આવેલા છે. ઘરની બહાર વીજપુરવઠાના મીટર ગોઠવવામાં આવ્યા છે.

પરંતુ ગંદા પાણીના નિકાલ માટે ગટરની કોઈ વ્યવસ્થા નથી. ઘરો વચ્ચેની ગલીઓ પણ કાચા રસ્તાવાળી છે.

એક સરકારી શાળા અહીંથી ત્રણ કિલોમીટર દૂર છે પરંતુ આ સોસાયટીથી શાળાએ પહોંચવા માટે રિક્ષા કે બસ જેવી વ્યવસ્થા નથી અને દરરોજ ત્યાં સુધી જવાનો ખર્ચ પણ કોઈને પરવડે તેમ નથી.

'રાહત ક્લિનિક' જેવી સુવિધાનો વિચાર કરનારા અને તેના માટે પૈસા તેમજ ડૉક્ટર્સની વ્યવસ્થા કરનારા અબરાર અલી સૈયદની ઉંમર 2002ના કોમી રમખાણો વખતે 22 વર્ષ હતી.

રમાખાણો સમયે અને રમાખાણો બાદના કેટલાંક મહિનાઓ સુધી અમદાવાદમાં શાહ આલમ વિસ્તારમાં આવેલા તેમના ઘરેથી ભાગી સુરક્ષિત જગ્યાએ આશરો લેવો પડ્યો હતો.


સપના પણ ડરાવતા હતા

કેટલાંય વર્ષો સુધી રાત્રે તેમને ભયાનક સપનાં આવતા હતા. ફરી રમખાણ થવાનો ભય અને 'મુલ્લાહ-મિંયા'ના ટોણાનો તેઓ સતત સામનો કરતા રહ્યા હતા.

અબરાર અલી હાલ 'અમદાવાદ યુનિવર્સિટી'માં અધ્યાપક છે. તેમનું માનવું છે કે ગત પંદર વર્ષના અનુભવે તેમને એ જ વાત શિખવાડી છે કે કોઈપણ રાજકીય પક્ષ પાસે આશા ન રાખવી અને લોકો પર વિશ્વાસ રાખવો જોઈએ.

તેઓ કહે છે, "વર્ષ 2002ના રમખાણો બાદ ભાજપ સરકારે હિંદુ અને મુસ્લિમો વચ્ચે ભેદભાવ રાખ્યો તે વાત સ્પષ્ટ છે.

"એંશીના દાયકામાં કોંગ્રેસે જ સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપ્યું હતું અને આજે પણ રાહુલ ગાંધી મુસ્લિમ નેતાઓને ક્યાં મળી રહ્યા છે?"

15 વર્ષમાં આવેલું પરિવર્તન કદાચ ખૂબ સ્પષ્ટતાપૂર્વક પૂછવામાં આવેલા આ સવાલોમાં છે.

અમદાવાદથી લગભગ ચાર કલાકના અંતરે આવેલા ગોધરામાં રમાખાણગ્રસ્ત છત્રીસ પરિવારોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.


વર્ષો પછી પણ સ્થિતિ બદલાઈ નથી

બિલ્કીસનગરમાં વસેલા આ ઘરોને સરકારે નહીં, પરંતુ તે સમુદાયના લોકોએ બનાવ્યા છે. અહીં પણ રસ્તાઓની દશા સારી નથી અને ગંદકીનું પ્રમાણ પણ વધારે છે.

ગેસની લાઈન ન હોવાના કારણે આજે પણ ત્યાં ચૂલા પર રસોઈ કરવામાં આવે છે.

17 વર્ષની ઈકરા અસ્લમ શિકારીએ શાળાનું ભણતર પૂર્ણ કર્યું છે. મુસ્લિમ સમાજ દ્વારા ચાલતી 'ગ્રાન્ટ ઇન એઇડ' પ્રકારની શાળામાં તેણે અભ્યાસ કર્યો છે.

તેણે મને પૂછ્યું, "પાંચ વર્ષ પહેલાં પણ નેતાઓ અને મીડિયાકર્મીઓ આવ્યા હતા, પરંતુ આજ સુધી અહીં કોઈ પરિવર્તન નથી આવ્યું."

"તમારી સાથે શા માટે વાત કરીએ? તેનાથી શું પરિવર્તન આવશે?"

અહીં વસેલા પરિવારમાંથી મોટાભાગના પરિવારો વડોદરાથી હિજરત કરી અહીં આવ્યા છે. તેઓ હવે સિલાઈનું કામ અથવા અગરબત્તીની ફૅક્ટરીમાં મજૂરી કરે છે.

અહીંના મકાનો સિટીઝન નગરના મકાનોથી પણ નાના છે. 34 વર્ષના સમીરા હુસૈન કહે છે કે ઘરો એટલા નાના છે કે ક્યારેક ઘરના પુરુષો સૂવા માટે આસપાસના ખેતરોમાં જતા રહે છે.

સમીરાના લગ્ન અહીંના વિસ્થાપિત પરિવારો પૈકીના એક પરિવારમાં જ થયા છે, કારણ કે તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ જ નહોતો.

સમીરાએ આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે કોમી રમખાણો પહેલાંના સમયમાં મુસ્લિમ કિશોરીઓ આટલાં ધોરણ સુધી જ અભ્યાસ કરતી હતી.

સમીરાને અત્યારે 10 વર્ષની પુત્રી અને એક પુત્ર છે, જે હાલ અભ્યાસ કરે છે.

સમીરા કહે છે, "અમને ઘર કે વળતર કંઈ નથી મળ્યું. કોઈપણ પક્ષે અમારા માટે કંઈ નથી કર્યું."

"હવે અમારા બાળકોને કોઈ મદદ મળે તેવી આશા છે. જેથી તેમને નોકરી મળે અને તેઓ કમાણી કરી શકે."

'ઉર્જા ઘર' નામની બિનસરકારી સંસ્થા ગોધરાના આદિવાસી અને મુસ્લિમ સમાજના બાળકો અને યુવાનો માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી કામ કરી રહી છે.

આ સંસ્થા માટે કામ કરતા વકાર કાઝી માને છે કે મુસ્લિમ સમાજની મહિલાઓ વધુ સશક્ત બની છે.

તેઓ કહે છે, "રમાખાણો બાદ મુસ્લિમ સમાજના પુરુષો એટલા ભયભીત હતા કે પોલીસ, રાહત સમિતિ, કોર્ટ, નોકરી-વ્યવસાય તમામ જગ્યાએ મહિલાઓએ આગળ આવવું પડ્યું.

"આમ, સમય જતા તેમણે પોતાનું અસ્તિત્વ વધારે મજબૂત બનાવ્યું.

"લોકો હવે શિક્ષણનું મહત્વ સમજી રહ્યા છે અને છોકરીઓને પૂર્ણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. "

જોકે, આ તમામ બાબતોમાં મુસ્લિમ સમાજ અને સંગઠનોની ભૂમિકા મહત્વની રહી છે. અબરાર પણ ક્લિનિક બાદ હવે 'સિટીઝન નગર'ના બાળકોના શિક્ષણ માટે કોઈ વ્યવસ્થા કરવા માગે છે.

તેઓ કહે છે કે આ તમામ પ્રયત્નોમાં બિનમુસ્લિમ સમુદાયો પણ સામેલ છે.

એટલે જ પાછળ 15 વર્ષમાં રાજકારણમાંથી તેમનો જેટલો ભરોસો ઉઠ્યો છે તેટલો જ ભરોસો માનવતા પર વધુ મજબૂત થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો