કોંગ્રેસના ટ્વીટ પર પરેશ રાવલના જવાબથી સોશિઅલ મીડિયા પર વિવાદ

નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરનો ફોટોગ્રાફ Image copyright AFP
ફોટો લાઈન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર

મજાક, ટોણા, અપમાન કે રાજકીય ભૂલ એ બધાની વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. એ ભેદરેખા દેખાતી નથી, પણ જરાક ભૂલ થાય તો તેને કારણે મોટા નુકસાનનો પાયો નંખાઈ જતો હોય છે.

નેતાઓ કે રાજકીય વર્તુળોમાં ભદ્દી ભાષાનો ઉપયોગ ન કરવામાં આવતો હોય એવું નથી.

અત્યારે તો એવું વારંવાર થતું રહે છે, પણ ટોણો પોતાને બદલે બીજાનો ફાયદો ક્યારે બની જશે તેનો ખ્યાલ રાખવો બહુ જરૂરી હોય છે.

કોંગ્રેસ આ વાત જેટલી જલદી સમજી લેશે એટલો તેને ફાયદો થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના એક એકમે ટોણો મારવાના ચક્કરમાં ગંભીર ભૂલ કરી નાખી છે.


બ્લ્યૂ ટિક ટ્વિટર હેન્ડલ

Image copyright Twitter
ફોટો લાઈન વિવાદનું કેન્દ્ર બનેલું મીમ

ભારતીય યુવા કોંગ્રેસના ઓનલાઇન મેગેઝિન 'યુવા દેશ'ના બ્લ્યૂ ટિક ટ્વિટર હેન્ડલે મંગળવારે સાંજે એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો.

એ ફોટોગ્રાફમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને બ્રિટનનાં વડાંપ્રધાન થેરેસા મે જોવા મળે છે.

એ ફોટોગ્રાફમાં ત્રણ ડાયલૉગ બોક્સ છે. તેમાં નરેન્દ્ર મોદીના ડાયલૉગ બોક્સમાં લખવામાં આવ્યું હતું, ''તમે જોયું, વિરોધપક્ષ મારા કેવા-કેવા મેમે બનાવે છે?''

ડોનલ્ડ ટ્રમ્પના ડાયલૉગ બોક્સમાં લખવામાં આવ્યું હતું, ''તેને મેમે નહીં, મીમ કહેવાય.''

થેરેસા મેના ડાયલૉગ બોક્સમાં લખ્યું હતું, ''તું ચા વેચ.''


ચા વેચવાનો ટોણો

Image copyright Twitter
ફોટો લાઈન હાલના વિવાદ વિશેની નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાની ટ્વીટ

આ મુદ્દે વિવાદ સર્જાયો હતો. ચા વેચવાના ટોણાથી ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ને ખરાબ લાગ્યું હતું. એ પછી પહેલો રાજકીય હુમલો કરવામાં આવ્યો હતો.

બીજેપીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે આવું કહીને આખા ગુજરાતનું, આખા દેશનું અપમાન કર્યું છે.

વાતને વણસી રહી હોવાનું સમજાતાં 'યુવા દેશે'એ થોડા સમયમાં જ એ ટ્વીટ ડિલીટ કરી નાખી હતી.

કેન્દ્રના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે લખ્યું હતું, ''મેડમ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, આપને ભારત પર રાજ કરવાનો દૈવી અધિકાર મળ્યો હોવાનું તમે હજુ પણ માનો છો?

''યુવા કોંગ્રેસે કરેલી ટ્વીટ વિશે દેશ આપનો પ્રતિભાવ જાણવા ઇચ્છે છે.

''એ ટ્વીટ શરમજનક અને ગરીબોનું અપમાન છે.

તમે ટ્વીટ ડિલીટ કરી શકો, પણ ગરીબો પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ તેમાં સ્પષ્ટ દેખાય છે.''


'નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં બને'

Image copyright Getty Images
ફોટો લાઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઝડપભેર ટ્વીટ ડિલીટ કરી નાખવાનું કોંગ્રેસ પાસે એક મોટું કારણ છે. તેને ભૂતકાળ યાદ છે.

2014માં દિલ્હીમાં કોંગ્રેસનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું.

તેમાં કોંગ્રેસના એ સમયના એક મોટા નેતાએ આવી જ ભૂલ કરી હતી, જેને બીજેપીએ પોતાનું સૌથી મોટું હથિયાર બનાવ્યું હતું.

મણિશંકર ઐયરે કહ્યું હતું, ''એકવીસમી સદીમાં નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન ક્યારેય નહીં બની શકે એની ખાતરી હું તમને આપું છું. તેઓ અહીં આવીને ચા વેચવા ઇચ્છતા હોય તો એ માટે અમે તેમના માટે જગ્યાની વ્યવસ્થા કરી શકીએ.''

નરેન્દ્ર મોદી બાળપણમાં ચા વેચતા હતા તેવું તેઓ પોતે અને બીજેપી વારંવાર કહે છે. જોકે, મણિશંકર ઐયરે મારેલા ટોણાની અસર ઊંધી થઈ હતી.


'ચાય પે ચર્ચા'

Image copyright Twitter
ફોટો લાઈન કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા અને બીજેપીના સંસદસભ્ય પરેશ રાવલની ટ્વીટ

બીજેપીના સોશિઅલ મીડિયા કૅમ્પેન અને પ્રચાર તંત્રએ તે તકને તરત જ ઝડપી લીધી હતી.

બીજેપીએ જણાવ્યું હતું કે ''ગરીબ પરિવારની અને બાળપણમાં ચા વેચતી વ્યક્તિને દેશના વડાપ્રધાન બનાવવાનું સપનું કોંગ્રેસ ક્યારેય ન જોઈ શકે.''

બીજા સ્તરે 'ચાય પે ચર્ચા' શરૂ થઈ ગઈ હતી. ચાય પે ચર્ચામાં નરેન્દ્ર મોદી સામાન્ય લોકો સાથે વાતો કરતા હતા અને મીડિયા તેનું જીવંત પ્રસારણ કરતું હતું.

એ ઉપરાંત સોનિયા ગાંધીના ભાથાંમાથી આવો જ એક શબ્દ તીરની જેમ નિકળ્યો હતો અને એ તીર કોંગ્રેસને જ લાગ્યું હતું.

એ ઘટના 2007ની છે. વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વખતે સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને ''મોતના સોદાગર'' કહ્યા હતા.


'નરેન્દ્ર મોદી હતા કૅન્ટીન કોન્ટ્રેક્ટર'

Image copyright Getty Images
ફોટો લાઈન કોંગ્રેસના ઉપ-પ્રમુખ રાહુલ ગાંધી

નરેન્દ્ર મોદી મતદારો સાથે જોડાવા માટે ખુદને વારંવાર ચાવાળા કહેતા હતા.

કોંગ્રેસે તેમના એ આઇડિયાનો પ્રતિકાર કરવા પ્રયાસ પણ કર્યા હતા.

2014ના ફેબ્રુઆરીમાં કોંગ્રેસે ત્યાં સુધી જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ચાવાળા નહીં, કેન્ટીન કોન્ટ્રેક્ટર હતા.

કોંગ્રેસની સીનિઅર નેતા અહમદ પટેલે 'ચાય પે ચર્ચા'ને ચૂંટણીનો દાવ ગણાવી હતી.

અહમદ પટેલે કહ્યું હતું, ''આ ચાય પર ચર્ચાનું નાટક છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવી રહ્યું છે.

ચાવાળાઓના અસોસિયેશને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ક્યારેય ચા વેચી નથી, તેઓ કેન્ટીન કોન્ટ્રેક્ટર હતા.''


મણિશંકર ઐયરે શું કહ્યું હતું?

Image copyright PMO
ફોટો લાઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ પ્રકરણની શરૂઆત મણિશંકર ઐયરથી શરૂ થયું હતું.

આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું, ''તમે મને ખોટી રીતે ટાંકી રહ્યા છો. નરેન્દ્ર મોદીએ ખુદને એકવાર નહીં અનેકવાર ચાવાળા કહ્યા હોવાનું રેકોર્ડ દર્શાવે છે.

''નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન શા માટે ન બનવા જોઈએ એવું મને 2014ની 17 જાન્યુઆરીએ પૂછવામાં આવ્યું હતું.

''નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ જેવી લાયકાત શા માટે નથી ધરાવતા તેના અનેક કારણ મેં આપ્યાં હતાં.

''મેં એમ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ચૂંટણી હારી જાય અને ફરી ચા વેચવા ઇચ્છે તો અમે એ માટેની વ્યવસ્થા કરી શકીએ.

''મારી એક મજાક આખા કોંગ્રેસ પક્ષને હરાવી શકે એટલો બધો પ્રભાવશાળી હું છું એ વાત માની શકતો નથી. નરેન્દ્ર મોદીની જીતનાં અબજો કારણ હતાં.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો