'કટોકટી માટે આજ સુધી કોંગ્રેસે માફી નથી માંગી'

ઇંદિરા ગાંધી Image copyright Getty Images

1975માં અલાહાબાદ હાઈકોર્ટે એક અરજીની સુનાવણી કરતાં શ્રીમતી ઇંદિરા ગાંધીને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

ઇંદિરા ગાંધી પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ હતો. ઇંદિરા ગાંધીને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

એ સમયે ઇંદિરા ગાંધીએ તેમના પદ પરથી રાજીનામું આપવાના બદલે દેશમાં કટોકટી લાગુ કરી દીધી અને તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી.

કોર્ટના કે કાયદાકીય કોઇ પણ દસ્તાવેજ વગર ગેરકાનૂની ઢબે તેમણે વિપક્ષના સભ્યોને રાજકીય કેદી બનાવી લીધાં હતાં.

એક લાખથી વધારે લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યાં. ઇંદિરા ગાંધી પોતે જ કાયદો બની ગયાં હતાં.


રાજીનામું આપવા વિચાર કરેલો

Image copyright Getty Images
ફોટો લાઈન સંજય ગાંધી, ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધી

શરૂઆતમાં ઇંદિરા ગાંધીએ પદ છોડવા વિચાર્યું હતું, પરંતુ જગજીવન રામે એનો સખ્ત વિરોધ કર્યો. એમને લાગતું હતું કે જો ઇંદિરા ગાંધી લોકો સમક્ષ જશે અને માફી માંગી લેશે તો સત્તામાં પાછી આવી જશે.

લોકો ગુસ્સામાં એટલે હતા કારણ કે કટોકટીમાં ખૂબ જ અત્યાચાર થયા હતા. ઇંદિરા ગાંધી એક સરમુખત્યારની જેમ રાજનીતિ કરી રહ્યાં હતાં.

બીજી તરફ, ઇંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી અને સંરક્ષણ મંત્રી બંસીલાલ સરકારને તેમની વ્યક્તિગત મિલકત માનીને ચલાવી રહ્યાં હતાં. તેમને નિંદા સહેજ પણ સહન નહોતી થતી.

શું તમે આ વાંચ્યું?

ઇંદિરા ગાંધી એવું દેખાડતાં હતાં જાણે કે તેઓ ખૂબ જ ભોળી વ્યક્તિ છે અને જે કંઇ પણ થઈ રહ્યું છે તેની તેમને જાણ જ નથી.

હાલત એટલી ખરાબ હતી કે લોકોની ધરપકડ કરવા માટે બ્લેક વૉરંટનો ઉપયોગ કરવામાં આવતો હતો.


વેરની ભાવના

Image copyright Getty Images
ફોટો લાઈન અમેરિકાના રાષ્ટ્રપતિ જે.એફ. કેનેડી સાથે જવાહરલાલ નહેરુ અને ઇંદિરા ગાંધી

ઇંદિરા ગાંધીમાં વેરની ભાવના સીમા વટાવી ચૂકી હતી.

વિરોધીઓના ઘરો અને વ્યસાયિક સ્થાનો પર દરોડા પાડવામાં આવતા હતા. જેમાં રાજકીય દળના નેતાઓનો પણ સમાવેશ થતો હતો.

એટલે સુધી કે જે ફિલ્મોથી એમને નુકસાન પણ નહોતું થતું એ ફિલ્મો પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

'આંધી' ફિલ્મમાં એક સરમુખત્યાર શાસકનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. તેના પર પણ પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો.

આજની પેઢીને કટોકટી વિશે કહીશ કે આઝાદીની રક્ષા માટે આંતરિક સતર્કતા ખૂબ જ જરૂરી છે.

જ્યારે ભારતને આઝાદ થયે 70 વર્ષ થઇ ગયા છે, ત્યારે આ સતર્કતા વધારે જરૂરી છે.


અસમાનતા અને નિરાશા

Image copyright Getty Images

કોઇને એવો અંદેશો પણ નહોતો કે એક વડાપ્રધાન હાઈકોર્ટનો આદેશ માનવાના બદલે બંધારણને જ રદ્દ કરી દેશે.

પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ઘણીવાર કહેતા હતા કે 'સીટ લાઇટ, નોટ ટાઇટ' મતલબ ખુરશીનો બહુ મોહ ના રાખવો.

આજ કારણે તમિલનાડુના અરિયાલુરમાં એક મોટા રેલ અકસ્માત પછી તેમણે નૈતિકતાના આધારે રેલમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આજની તારીખમાં આવા ઉદાહરણો બહુ ઓછાં છે.

આજે પણે ભારતને દુનિયામાં એ નજરથી જોવાય છે જ્યાં મૂલ્યોની કિંમત છે.

ગાંધીજીએ જે કહ્યું હતું એ દેશે સમજવું જોઇએ. એમણે કહ્યું હતું કે અસમાનતા લોકોને નિરાશા તરફ ધકેલે છે.


પૈસાવાળા વર્ગ માટે આઝાદી?

Image copyright Getty Images

હવે આઝાદીના સંઘર્ષના દિવસોમાં જવાનો કોઇ મતલબ નથી. અંગ્રેજોની સામે બધાએ લડાઈ લડી.

હું આશા રાખું છું કે દેશમાંથી ગરીબીને દૂર કરવામાં આવશે.

જો એવું ન થઈ શકે તો એનો મતલબ એ છે કે આઝાદી માત્ર સુખી અને સંપન્ન લોકો માટે જ હતી.

જો કેટલાક સમય પહેલા ઇંદિરા ગાંધી હતા તો આજના સમયમાં નરેન્દ્ર મોદી છે.

મોટાભાગના સમાચાર પત્રો અને ટીવી ચેનલોએ મોદી સાથે સહમતીનો રસ્તો અપનાવી લીધો છે.

આવું જ ચાલતું રહ્યું તો એ દિવસ દૂર નથી કે ફરી ગાંધી યુગનો સામનો કરવો પડે.

નરેન્દ્ર મોદીનું 'એકચક્રી' શાસન ભવિષ્ય માટે ખતરો છે. ભાજપની સરકારમાં કેબિનેટ મંત્રી કે કેબિનેટમાં સંયુક્ત ચર્ચા વિચારણા માત્ર કાગળ પરની વાતો છે.


ઇમરજન્સી અત્યારે ના લાગી શકે

Image copyright Getty Images

મને લાગે છે કે ઇમરજન્સી આજની તારીખમાં દેશમાં લાગી શકે તેમ નથી, કારણ કે જનતા પાર્ટીની સરકારે બંધારણમાં ફેરફાર કર્યા હતા.

અત્યારે એવી સ્થિતિ પેદા થઈ શકે છે, જ્યાં કહેવામાં આવે કે કાયદાની મંજૂરી વગર કટોકટીની સ્થિતિ લાગુ કરવામાં આવે.

જોકે, એમાં લોકો સામે પડી શકે છે એટલે કટોકટી ફરીથી લાગુ કરવી સંભવ નથી.


કોંગ્રેસે આજ સુધી માફી નથી માંગી

Image copyright Getty Images
ફોટો લાઈન બ્રિટિશ પીએમ થૅચર સાથે ઇંદિરા ગાંધી

યુદ્ધ પછી જર્મનીએ હિટલરના અત્યાચારો માટે માફી માંગી હતી, એટલે સુધી કે જર્મનીએ દંડ પણ ભર્યો હતો.

આવા અત્યાચાર માટે કોઈ માફી નથી હોતી, પરંતુ લોકોને સામાન્ય રીતે લાગતું હોય છે કે આગળની પેઢીને અહેસાસ થશે કે એમના પૂર્વજોએ ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો હતો.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અમૃતસરમાં સુવર્ણ મંદિર ગયા હતા. ત્યાં તેમણે ઑપરેશન બ્લૂ સ્ટાર માટે માફી માંગી હતી.

આ ઑપરેશનમાં ભારતની સેનાએ સુવર્ણ મંદિરમાં ઘૂસીને શીખ ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા.

કટોકટી અપરાધ જ હતી. આમ છતાં કોંગ્રેસ પાર્ટીએ એના માટે આજ સુધી માફી નથી માંગી.

ખાસ કરીને નહેરુ-ગાંધી પરિવાર તરફથી અફસોસનો એક શબ્દ નથી નીકળ્યો.

બીજી પાર્ટીઓએ આનો વિરોધ કર્યો છે પરંતુ કોંગ્રેસ આજે પણ ચૂપ છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો