ન્યૂઝ રાઉન્ડ-અપઃ ભાજપના કાર્યકરો કોંગ્રેસના કાર્યાલયે ચા પીવડાવવા પહોંચ્યા!

નરેન્દ્ર મોદીની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન યુથ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને ચા સંદર્ભે ટ્વીટ કર્યું હતું

યુવા કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચા વિશે ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેનો ભાજપ ઠેરઠેર વિરોધ કરી રહ્યો છે.

બાદમાં આ ટ્વીટ હટાવી લેવામાં આવ્યું હતું, પરંતુ મીડિયા અને સોશિઅલ મીડિયામાં ટ્વિટે ભારે ગરમાવો સર્જ્યો છે.

સુરતમાં ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને ભાજપના અન્ય કાર્યકરોએ સુરત કોંગ્રેસ કાર્યાલય બહાર આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે કોંગ્રેસ કાર્યાલયની બહાર ચા વહેંચી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

જ્યારે ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરોને ચા આપવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. હર્ષ સંઘવી સુરતની મજૂરા વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર છે.


ગુજરાતમાં 'પદ્માવતી' પર પ્રતિંબધ

Image copyright Getty Images
ફોટો લાઈન 'પદ્માવતી' ફિલ્મને ગુજરાતમાં રિલીઝ નહીં કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે

સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત 'પદ્માવતી' ફિલ્મની રિલીઝની તારીખ પાછી ઠેલવાાં આવી છે. આમ છતાંય તેની સાથે સંકળાયેલો વિવાદ વધુ ઉગ્ર બનતો જાય છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ હોવાથી સરકારે ગુજરાતમાં આ ફિલ્મની રિલીઝ રોકવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 22મી નવેમ્બરે પત્રકાર પરિષદ યોજી આ નિર્ણય જાહેર કર્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં હાલ ચૂંટણીનું વાતાવરણ છે અને આ ફિલ્મના નિર્માણના કારણે સામાજિક તેમજ વ્યક્તિગત લાગણીઓ દુભાઈ છે.

રિલીઝની વિપરિત અસર રાજ્યના કાયદો-વ્યવસ્થા પર ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ ફિલ્મને લગતા અમુક વિવાદો મુદ્દે જ્યાં સુધી સમાધાન નહીં આવે ત્યાં સુધી ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ નહીં કરવામાં આવે.

ગુજરાતનો ગૃહ વિભાગ અને અન્ય ખાતાઓ આ ફિલ્મની રિલીઝ રોકવા માટે કામગીરી કરશે.

ગુજરાતમાં રાજપૂત અને ક્ષત્રિય સંગઠનો છેલ્લાં કેટલાંક સમયથી આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે અને સરકારને માગણી કરી રહ્યા હતા કે આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ ન થવી જોઈએ.

ફિલ્મમાં ઇતિહાસ અને સત્ય સાથે ચેડાં થયા હોવાનો આરોપ આ સંગઠનોએ મૂક્યો છે.


ન્દ્રનીલ રાજ્યગુરુનું ફૉર્મ માન્ય રહ્યું

Image copyright SAM PANTHAKY
ફોટો લાઈન ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર છે

રાજકોટ પશ્ચિમની વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુનું ઉમેદવારી ફૉર્મ રદ્દ થયું હોવાની અફવાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા શરુ કરી હતી.

આ બેઠક માટે ભાજપના ઉમેદવાર વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી છે. ભાજપના નેતા નીતિન ભારદ્વાજે ઈન્દ્રનીલ રાજ્યગુરુના ફૉર્મ સામે વાંધો ઉઠાવી તેને રદ્દ કરવાની અરજી કરી હતી.

અરજીના પગલે આ ફૉર્મ રદ્દ થયું હોવાની અફવાએ જોર પકડ્યું હતું. આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ રાજકોટ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે 22મી નવેમ્બરે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જોકે, ચૂંટણી અધિકારીએ ઈન્દ્રનીલ રાજ્યગુરુનું ફૉર્મ માન્ય ઠેરવ્યું હતું.

ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યો હતો કે ભાજપે ચૂંટણીપંચ પર દબાણ કરી તેમનું મેન્ડેટ જોયું હતું, જો કોંગ્રેસને તેમના મેન્ડેટ વિશે કોઈ વાંધો ન હોય તો ભાજપે તેમાં હસ્તક્ષેપ કરવાની શું જરુર છે?

તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભયભીત હોવાથી ભાજપ આવાં પ્રકારના પ્રયત્નો કરી રહ્યો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ એ વાત પણ ઉમેરી હતી કે ભાજપની પ્રેશર ટેક્નિક રાજકોટમાં નહીં ચાલે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો