મીરાં પોતાને અવિવાહિત સાબિત કરવા સાત વર્ષથી કેસ લડી રહ્યાં છે

પાકિસ્તાની અભિનેત્રી મીરાંની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પોતાને અવિવાહિત સાબિત કરવા માટે અભિનેત્રી મીરાં કોર્ટના ધક્કા ખાઇ રહ્યા છે

પાકિસ્તાનનાં એક અભિનેત્રી ગત સાત વર્ષથી પોતાને અવિવાહિત સાબિત કરવા માટે કોર્ટનાં ધક્કા ખાઇ રહ્યાં છે.

'મીરાં' નામે ઓળખાતા ઈર્તિઝા રુબાબે પાકિસ્તાનની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

જોકે, આ વખતે મીરાં તેની ફિલ્મોના કારણે નહીં, પરંતુ તેમનાં લગ્નના સમાચારોના કારણે ચર્ચામાં છે.

મીરાં છેલ્લાં ઘણાં વર્ષોથી એક પુરુષ વિરુદ્ધ કેસ લડી રહ્યાં છે. આ પુરુષનું કહેવું છે કે તેઓ મીરાંના પતિ છે.

તમને આ પણ વાંચવું ગમશે


કોણ છે મીરાં?

Image copyright Getty Images
ફોટો લાઈન મીરાંએ કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

મીરાં લોલીવૂડ(લાહોર સ્થિત પાકિસ્તાનનો ફિલ્મ ઉદ્યોગ)નાં પ્રખ્યાત અભિનેત્રી છે. હાલ મીરાંની ઉંમર 40 વર્ષ છે અને તેમણે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

મીરાં સોશિઅલ મીડિયા પર ઘણાં સક્રિય છે અને તેમનાં વીડિયોનાં કારણે પણ ચર્ચામાં હોય છે. તેમનાં પ્રશંસકોને તેની વાતચીત કરવાની ઢબ ખૂબ પસંદ છે.

મીરાં જે અંદાજમાં અંગ્રેજી બોલે છે તેને પાકિસ્તાનના લોકો મનોરંજક માને છે તો કેટલાંક લોકો તેમની મજાક પણ ઉડાવે છે.

'ટાઇટેનિક' ફિલ્મનું પ્રસિદ્ધ ગીત 'માય હાર્ટ વિલ ગૉ ઑન' ગીત તેમણે થોડાં સમય પહેલાં તેમનાં અલગ અંદાજમાં ગાયું હતું. જે ખૂબ વાયરલ થયું હતું.


શું છે વિવાદનું મૂળ?

Image copyright AFP
ફોટો લાઈન અતીક-ઉર-રહેમાન નામના વ્યક્તિનો દાવો છે કે તેઓ મીરાંના પતિ છે

વર્ષ 2009માં ફૈસલાબાદના એક બિઝનેસમેન અતીક-ઉર-રહેમાને પત્રકારો સમક્ષ દાવો કર્યો હતો કે વર્ષ 2000માં તેમણે એક ખાનગી સમારોહ યોજી મીરાં સાથે નિકાહ કર્યાં હતાં.

તેમનો દાવો હતો કે મીરાં સમાજ સમક્ષ તેમને પતિ તરીકે સ્વીકારતાં નહોતાં અને લગ્ન બાદ પણ પોતે અવિવાહિત છે તેવું લોકોને કહેતાં હતાં.

પુરાવા તરીકે લગ્નનું પ્રમાણપત્ર બતાવી અતીકે મીરાં વિરુદ્ધ કોર્ટ કેસ કર્યો હતો.

કોર્ટને આપેલી અરજીમાં તેમણે લખ્યું હતું કે મીરાં વિવાહિત છે કે નહીં તે જાણવા તેમનો મેડિકલ ટેસ્ટ થવો જોઈએ.

એવી અપીલ પણ કરવામાં આવી હતી કે મીરાં તેમની પાસેથી તલાક લીધા વિના અન્ય કોઈ સાથે લગ્ન ન કરી શકે અને તેઓ વિદેશ પણ ન જઈ શકે.

Image copyright Getty Images
ફોટો લાઈન 'મીરાંનો વર્જિનિટી ટેસ્ટ કરાવવાની અપીલ કોર્ટે રદ્દ કરી હતી'

મીરાં જે ઘરમાં રહે છે તે ઘરમાં હિસ્સો પણ આ અપીલમાં માગવામાં આવ્યો હતો.

મીરાંના વકીલ બલ્ખ શેર ખોસાએ બીબીસીને જણાવ્યું છે કે મીરાંનો વર્જિનિટી ટેસ્ટ(કુંવારાપણું સાબિત કરતું પરીક્ષણ) કરવાની રહેમાનની અપીલને લાહોર હાઈકોર્ટે રદ કરી છે.

બલ્ખ શેર ખોસાએ કહ્યું હતું, "લાહોર હાઈકોર્ટનું મંતવ્ય છે કે કોઈ મહિલા સાથે દુષ્કર્મ થયું હોય તેવા કિસ્સામાં જ મોટાભાગના વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવે છે."

"કોઈને પોતાની પત્ની અથવા પતિ સાબિત કરવાના મામલામાં મહિલાની પરવાનગી બાદ જ તેનો વર્જિનિટી ટેસ્ટ થઈ શકે છે."

મીરાંએ અતીકના તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવી પોતે અવિવાહિત છે તેવું જણાવ્યું છે.

મીરાં કહે છે કે તેમણે ક્યારેય લગ્ન નથી કર્યા અને અતીકે કોર્ટમાં દર્શાવેલા પ્રમાણપત્ર વિરુદ્ધ પણ તેમણે કોર્ટમાં અપીલ કરી છે.


કોણ સાચું, કોણ ખોટું?

Image copyright Getty Images
ફોટો લાઈન મીરાં કહે છે કે તે ક્યારેય આવી રીતે ચોરીછૂપીથી લગ્ન નહીં કરે

આ મામલો જ્યારે પ્રકાશમાં આવ્યો, ત્યારે લોકોમાં પણ આ મુદ્દે મતમતાંતરની પરિસ્થિતિ હતી.

મીરાંએ બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું, "અતીક એક પ્રમોટર તરીકે કામ કરતા હતા."

"એક મિત્રના માધ્યમથી અમે મળ્યાં હતાં અને બાદમાં કેટલાંક કાર્યક્રમ અને પ્રવાસ દરમિયાન અમે સાથે હતાં."

"અચાનક એક દિવસ તેમણે નકલી ફોટોગ્રાફ દર્શાવી હું તેમની પત્ની છું તેવો દાવો કર્યો."

મીરાં કહે છે કે તેઓ ક્યારેય આવી રીતે ચોરીછૂપીથી લગ્ન નહીં કરે. તેઓ સેલિબ્રિટી છે, શું તે આટલા નાના સમારોહમાં એક રૂમમાં લગ્ન કરી શકે?

અતીક-ઉર-રહેમાનના વકીલ અલી બુખારીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મીરાંએ તેમની મા અને કાકાની હાજરીમાં અતીક સાથે નિકાહ કર્યાં હતાં. મીરાંએ તેવું સ્વીકારી લેવું જોઈએ કે તેઓ અતીકનાં પત્ની છે."


લગ્ન સાબિત કરવા કોર્ટમાં જઈ શકાય?

Image copyright Getty Images
ફોટો લાઈન બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર સાથે મીરાં

આ સવાલનો જવાબ હા છે. લોકો તેમના લગ્ન સાબિત કરવા કોર્ટના શરણે જતા હોય છે. જો કે કોઈ સેલિબ્રિટીના કિસ્સામાં આવું બન્યું હોય તેવો પાકિસ્તાનનો આ પહેલો કિસ્સો છે.

ઉપરાંત આ મામલામાં પુરુષ દાવો કરી રહ્યો છે કે તે મહિલાને અન્ય કોઈ સાથે લગ્ન કરવાની પરવાનગી ન હોવી જોઈએ. સેલિબ્રિટી હોવા છતાં મીરાં છેલ્લાં સાત વર્ષથી આ કેસ લડી રહ્યાં છે.

જે દર્શાવે છે કે પાકિસ્તાનમાં ન્યાયવ્યવસ્થા કેટલી ધીમી છે.

તમને આ પણ વાંચવું ગમશે

મીરાં કહે છે, "હું લગ્ન કરવા માંગું છું અને પરિવાર વસાવવા માગું છું. આ કેસથી મારી માનસિક સ્થિતિ અને વ્યવસ્થા બન્ને પ્રભાવિત થયા છે. જોકે, હું નિરંતર રીતે મારું કામ કરતી રહું છું."

ગત અઠવાડિયા લાહોરની સિવિલ અદાલતે અતીકની એ અરજી રદ્દ કરી છે જેમાં એવી અરજી કરવામાં આવી હતી કે જ્યાં સુધી બન્નેનાં તલાક ન થાય ત્યાં સુધી મીરાં લગ્ન નહીં કરી શકે.

જોકે, આ મામલાનું હજુ સંપૂર્ણ સમાધાન નથી આવ્યું.


હવે શું થશે?

Image copyright Getty Images
ફોટો લાઈન 30મી ડિસેમ્બરે કોર્ટ આ કેસમાં અંતિમ નિર્ણય આપશે

જજ બાબર નદીમનું કહેવું છે કે હજુ સુધી કોર્ટે એ મુદ્દે કોઈ નિર્ણય નથી લીધો કે લગ્નનું પ્રમાણપત્ર અસલી છે કે નકલી.

પરંતુ ફેમિલી કોર્ટ એક્ટ 1964 મુજબ મીરાંને અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે.

જોકે, જજ નદીન બાબર એમ પણ ઠેરવ્યું છે કે જો અતીક મીરાં સાથેનાં નિકાહ પુરવાર કરી શકશે તો મીરાંએ તેના કાયદાકીય પરિણામોનો સામનો કરવો પડશે.

ફેમિલી કોર્ટના આ નિર્ણયને મીરાં પોતાના વિજય સ્વરૂપે જોઈ રહી છે. તેમનું કહેવું છે કે અંતે ન્યાય મળ્યો છે.

જજ નદીમ બાબરે આ કેસનો ચુકાદો સત્વરે આપવાનો આદેશ કર્યો છે. 30મી ડિસેમ્બરે કોર્ટ આ કેસમાં અંતિમ નિર્ણય આપશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો