ડૉક્ટર્સ ડે : દેશના પ્રથમ મહિલા તબીબ રુકમણીબાઈ વિશે જાણો છો?

  • અનઘા પાઠક
  • બીબીસી સંવાદદાતા
ઇમેજ કૅપ્શન,

રુકમણી (સાવે) રાઉતની 153મી જન્મ જયંતિ પર આ ડૂડલ તૈયાર કરવામાં આવ્યું હતું

પહેલી જુલાઈને દેશમાં 'રાષ્ટ્રીય તબીબી દિવસ' તરીકે ઊજવવામાં આવે છે. પશ્ચિમ બંગાળના બીજા મુખ્ય મંત્રી બિધાન ચંદ્ર રૉયની સ્મૃતિમાં આ દિવસ ઊજવવામાં આવે છે.

ત્યારે આપ જાણો છો કે દેશના પ્રથમ મહિલા તબીબ કોણ હતા?

દેશના પ્રથમ મહિલા તબીબ રુકમણીબાઈ (સાવે) રાઉત હતા, જેમણે બ્રિટિશકાળ દરમિયાન ભારતમાં મહિલાઓના સમાન અધિકારો માટે ચળવળ શરૂ કરી હતી.

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 22મી તારીખે રુકમણી (સાવે) રાઉતની 153મી જન્મ જયંતી નિમિત્તે ગૂગલે ડૂડલ તૈયાર કર્યું હતું.

1864માં મુંબઈ ખાતે રુકમણીબાઈનો જન્મ થયો હતો. તેઓ માત્ર 11 વર્ષનાં હતાં, ત્યારે વિધવા માતાએ તેમનું લગ્નકરાવી આપ્યું. રુકમણીબાઈ ક્યારેય પતિ સાથે રહેવા ન ગયાં અને માતા સાથે જ રહ્યાં.

માતાએ સખારામ અર્જુન સાથે પુનઃવિવાહ કર્યાં, ત્યાર પછી ઓરમાન પિતાનો રુકમણીબાઈ પર ભારે પ્રભાવ રહ્યો.

તમને આ પણ વાંચવું ગમશે

ઇતિહાસના અભ્યાસુ ચિન્મય દામલેના કહેવા પ્રમાણે, "સહમતીથી લગ્ન ન થયા હોવાથી રુકમણીબાઈએ પતિનાં ઘરે જવાનો ઇન્કાર કર્યો હતો. તેમના નિર્ણયને કારણે એ સમયે ભારે ચર્ચા થઈ હતી.

"પિતાએ જ રુકમણીબાઈને તબીબી અભ્યાસ કરવાની પ્રેરણા આપી હશે. ગર્ભાવસ્થા માટે નાની ઉંમર હોવાને કારણે તેમણે આગ્રહ કર્યો હતો કે રુકમણીબાઈ પતિનાં ઘરે ન જાય."

મહિલાઓના આરોગ્ય માટે પુસ્તક લખ્યું

ઇમેજ કૅપ્શન,

રુકમણીબાઈનાં જીવન પર 'ડૉક્ટર રુકમણીબાઈ' નામની ફિલ્મ બની છે

બાદમાં રુકમણીબાઈએ લંડન સ્કૂલ ઑફ મેડિસિનમાંથી ડિગ્રી મેળવી.

સખારામે મહિલાઓનાં આરોગ્ય, માસિકચક્ર, ગુપ્તભાગોની સ્વચ્છતા અને માતૃત્વને લગતું પુસ્તક લખ્યું હતું. એ સમયમાં આ શબ્દોનું ઉચ્ચારણ પણ વર્જિત મનાતું હતું.

એવું માનવામાં આવે છે કે, આનંદીબાઈ જોશી ભારતના પ્રથમ મહિલા તબીબ હતાં, વાસ્તવમાં રુકમણીબાઈ પ્રથમ મહિલા તબીબ હતાં, જેઓ પ્રૅક્ટિસ કરતાં હતાં.

ચિન્મય ઉમેરે છે કે રુકમણીબાઈએ સુરત, રાજકોટ અને મુંબઈમાં તબીબી સેવાઓ આપી હતી.

વૈવાહિક અધિકારો માટે રુકમણીબાઈના પતિ દાદાજી ભીખાજીએ કોર્ટ કેસ કર્યો હતો. રુકમણીબાઈએ આ કેસ લડ્યો હતો. 'દાદાજી ભીખાજી વિ.રુકમણીબાઈ કેસ'ને કારણે ભારતમાં 'સહમતી માટેની ઉંમર' નક્કી થઈ.

ચિન્મય કહે છે, "તેમણે અને સમાજિક સુધારક બહેરામજી મલબારીએ મહારાષ્ટ્રમાં બાળવિવાહ અને સહમતી માટેની ઉંમર અંગે ચર્ચા જગાડી. આ માટે રુકમણીબાઈએ ક્વીન વિક્ટોરિયાને પણ પત્રો લખ્યાં હતાં."

જસ્ટિસ રોબર્ટ હીલ પિન્ગે રુકમણીબાઈની તરફેણમાં ચુકાદો આપ્યો. સામાજિક સુધારકો અને કાર્યકરોએ આ ચુકાદાને આવકાર્યો. જોકે, કેટલાક રાજનેતાઓએ તેની ટીકા પણ કરી હતી. બાળ ગંગાધર ટીળકે પણ આ ચુકાદાની ટીકા કરી હતી.

'સહમતી માટેની ઉંમર' અને સામાજિક સુધારમાં રુકમણીબાઈનાં પ્રદાનને અવગણી શકાય તેમ નથી. તેઓ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં 'ધ હિંદુ લેડી' એવાં બનાવટી નામથી લખતાં.

ચિન્મયના કહેવા પ્રમાણે, "રુકમણીબાઈ કદાચ ભારતનાં પ્રથમ મહિલા હતાં, જેમણે MDની ડિગ્રી મેળવી હતી. આ અંગે 'રુકમણીબાઇચ આરત' નામે તેમની આત્મકથા લખનાર માધવી વારડીએ આ અંગે ઉલ્લેખ કર્યો છે.

"એમને 'લંડન સ્કૂલ ઑફ મેડિસિન'એ અભ્યાસ કરવાની મંજૂરી આપી ન હતી. કારણ કે, ત્યારે મહિલાઓને આ અભ્યાસ કરવાની છૂટ ન હતી. એટલે રુકમણીબાઈ બ્રસેલ્સ ગયાં અને ત્યાં એમડી (ડૉક્ટર ઑફ મેડિસિન)નો અભ્યાસ પૂર્ણ કર્યો.''

એ સમયના અન્ય મહિલા સુધારકો સાવિત્રીબાઈ ફૂલે, પંડિત રમાબાઈ અને આનંદીબાઈ જોશીની સરખામણીએ રુકમણીબાઈનું નામ શા માટે ઓછું પ્રચલીત છે?

શા માટે અવગણના?

ઇમેજ કૅપ્શન,

'રુકમણીબાઈ કદાચ ભારતનાં પ્રથમ મહિલા હતાં, જેમણે MDની ડિગ્રી મેળવી હતી'

ચિન્મયના કહેવા પ્રમાણે, "આ અંગે કોઈ ચોક્કસ જવાબ નથી. એ સમયે ઘણુંબધું એકસાથે ચાલી રહ્યું હતું. સામાજિક સુધારણા અને સ્વતંત્રતા એવી બે ચળવળો એકસાથે ચાલી રહી હતી.

"બંને વર્ગ એકબીજાનાં કામને પ્રોત્સાહન આપતાં હતાં. જોકે, આઝાદી બાદ ઇતિહાસ લખાયો, ત્યારે સામજિક સુધારણા સાથે જોડાયેલાં કાર્યકરોનાં પ્રદાનને અવગણવામાં આવ્યું હતું."

અભિનેતા-દિગ્દર્શન અનંત મહાદેવને રુકમણીબાઈનાં જીવન પર 'ડૉક્ટર રુકમણીબાઈ' નામની ફિલ્મ બનાવી છે.

તેઓ કહે છે, "ફિલ્મોમાં હંમેશા પુરુષ જ પરિવર્તનનો નાયક હોય. સમાજ ઇચ્છે છે કે પુરુષો પરિવર્તનનું નેતૃત્વ લે અને તેમની જ વાતો સાંભળવા માંગે છે.

"જેના કારણે આપણે ઘણી વખત પરિવર્તન માટે જવાબદાર મહિલાઓને ભૂલી જઇએ છીએ."

મહાદેવન માને છે કે, તેઓ કદાચ ભારતના પ્રથમ મહિલા બળવાખોર હતા. તેમનો છૂટાછેડાનો કિસ્સો કદાચ ભારતનો પહેલો હશે.

જેમાં મહિલાએ સહમતી વગરનાં લગ્નનો સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમનો સમગ્ર કિસ્સો પ્રેરણાત્મક છે.

મહાદેવન ઉમેરે છે, "મેં ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું, ત્યારે અનેક લોકોને પૂછ્યું કે ભારતનાં પ્રથમ મહિલા તબીબ કોણ હતાં? મોટાભાગનાં લોકોએ કહ્યું કે આનંદીબાઈ જોશી.

"તબીબક્ષેત્રે ડિગ્રી મેળવનારાં તેઓ પ્રથમ મહિલા હતાં, તેમનું પ્રદાન અજોડ છે.

"જોકે, નાની ઉંમરે નિધનને કારણે તેઓ તબીબી પ્રેક્ટિસ કરી શક્યાં ન હતાં. આ શ્રેય રુકમણીબાઈને જાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો