પ્રેસ રિવ્યૂ : દિલ્હીથી ખેડૂતોને પરત લઈ જતી ટ્રેન ખોટા રૂટ પર દોડી?

દિલ્હીથી નીકળેળી ખેડૂતોની સ્પેશિયલ ટ્રેન સુરત થઈને કોલ્હાપુર પહોંચવાને બદલે સીધી મહારાષ્ટ્ર પહોંચી જવાની ઘટના પ્રકાશમાં આવી છે.
'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ અનુસાર દિલ્હીના જંતર-મંતર ગયેલા ખેડૂતો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી હતી.
આ ટ્રેન ઉત્તરપ્રદેશથી મથુરા, કોટા, સુરત, મુંબઈ, પૂણે થઈને કોલ્હાપુર જવાની જગ્યાએ મધ્યપ્રદેશના રૂટ પર જતાં ખેડૂતોએ આ ટ્રેન ખોટા રૂટ પર દોડી હોવાની રજૂઆત કરતાં વિવાદ સર્જાયો હતો.
2500 જેટલા ખેડૂતો દિલ્હી જંતર-મંતર ખાતે ખેડૂતોની યાત્રામાં ભાગ લેવા ગયા હતા. જ્યાંથી આ ખેડૂતો પરત ફરી રહ્યા હતા.
જેમના સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે ટ્રેનને મથુરા સ્ટેશનના અધિકારીઓએ ખોટું સિગ્નલ આપ્યું હતું.
બીજી તરફ રેલવે બોર્ડના પ્રવક્તા અનિલ સક્સેનાએ કહ્યું હતું કે આ ટ્રેન મથુરા, ગ્વાલિયર, ઝાંસી અને ભોપાલના માર્ગથી કોલ્હાપુર લઈ જવાઈ હતી.
તેમણે વધુમાં કહ્યું કે આ ટ્રેન કોઈ ખોટા માર્ગ પર દોડી નથી.
સુખોઈ દ્વારા બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ
'સંદેશ'માં પ્રકાશિત અહેવાલ અનુસાર ભારતીય વાયુસેના દ્વારા વિશ્વના સૌથી ઝડપી સુરરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું એટલી જ ઝડપ ધરાવતાં સુખોઈ-30 MKI યુદ્ધ વિમાન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું.
આમ ભારત હવે વિશ્વમાં જમીન, હવા અને સમુદ્રમાંથી છોડી શકાય તેવાં સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ્સ ધરાવતો પ્રથમ દેશ બન્યો છે અને નવો વિક્રમ બનાવ્યો છે.
બ્રહ્મોસનું વજન 2.9 ટન છે અને તે સૌથી વધુ વજન ધરાવતું હથિયાર છે. ઓછી ઊંચાઈએ ઉડી શક્તું હોવાને કારણે તે રડારમાં પકડાતું નથી.
બ્રહ્મપુત્રા અને રશિયાની મસ્કવા નદીનું મિશ્રણ કરીને તેનું નામ રાખવામાં આવ્યું છે.
ફ્લાઇટ મોડી પડતાં કેન્દ્રીય મંત્રી પર મહિલાનું હલ્લાબોલ!
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ઇમ્ફાલ એરપોર્ટ પર એક મહિલા યાત્રીએ કેન્દ્રીય મંત્રી કે.જે અલ્ફોંસને ખૂબ જ ઠપકો આપ્યો હતો.
તેનો વીડિયો પણ વાઇરલ થઈ ગયો હતો. મહિલા આ મંત્રીને ફ્લાઇટ વિલંબિત થતા ઠપકો આપી રહી હતી.
ખરેખર બન્યું એવું હતું કે જે મહિલા યાત્રી મંત્રી સાથે લડી રહ્યા હતા તે એક તબીબ હતા અને તેમને ફ્લાઇટમાં પટના જવાનું હતું.
પરંતુ વીવીઆઈપી કાર્યવાહીને લીધે વિમાનને ઉડાણ ભરવામાં વિલંબ થયો હતો.
આથી મહિલા યાત્રી રોષે ભરાઈ હતી અને મંત્રીને ખૂબ જ ઠપકો આપી દીધો હતો.
વીડિયોમાં મહિલા એવું કહેતી જોવાય છે કે તેમને કોઈ સ્વજનના નિધન બાદ અચાનક પટના જવાનું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો