'ગામમાં બે ટંકનું ભોજન ના મળતું હોય ત્યાં પોષણ ક્યાંથી મેળવવું?'

મહિલા બાઇકર્સ

#BBCGujaratOnWheels ની રાઇડર્સ અને બીબીસી ગુજરાતીની ટીમે ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા, મહેસાણા, આણંદ અને દાહોદનાં અંતરીયાળ ગામડાંની મુલાકાત લીધી હતી.

અમારી ટીમનો છેલ્લો પડાવ દાહોદ જિલ્લો હતો. અહીં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ મોટો પ્રશ્ન છે.

દાહોદનાં અનેક ગામોમાં કુપોષણની સ્થિતિ ચિંતાજનક છે. આવા જ એક ગામની બીબીસી ગુજરાતીની ટીમે મુલાકાત લીધી.

એ ગામ એટલે દેવગઢ બારીયા તાલુકાનું ખાંડણીયા ગામ.

તમને આ પણ વાંચવું ગમશે


ચિંતાજનક આંકડા

1530 લોકોની વસતિ ધરાવતાં આ ગામમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક છે.

ઉંમરની સરખામણીએ 78 ટકા બાળકોની ઊંચાઈ ઓછી છે, જ્યારે 44 ટકા બાળકોનું વજન ઊંચાઈ અનુસાર નથી.

અહીંના 44.2 ટકા બાળકો સરેરાશ કરતા ઓછું વજન ધરાવે છે.

'દેવગઢ મહિલા સંગઠન' સાથે જોડાયેલી વિકાસબહેન કહે છે, 'ગામમાં બે ટંકનું ભોજન ના મળતું હોય ત્યાં પોષણ ક્યાંથી મેળવવું?'

'માતાને નાના બાળકોને ઘરે મૂકી મજૂરી કરવા જવું પડે છે, જેને કારણે માતા અને બાળક બન્ને કુપોષિત રહી જાય છે.'


ગામની સ્થિતિ

ખાંડણીયા ગામ અત્યંત ગરીબીમાં જીવી રહ્યું છે. ગામમાં પાણી અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ પણ નથી.

ગામના પ્રૌઢ મહિલા રેશમબહેન કહે છે, 'મારું આખું જીવન પૂરું થઈ ગયું, પણ હજુ સુધી મારા ઘરની માથે છાપરું નથી લગાવી શકાયું.'

અન્ય એક મહિલા જણાવે છે, "પહેલી ડિલિવરી વખતે મને 2000ની સરકારી સહાયમાંથી 500 રૂપિયા માંડ મળ્યા હતા.

આ વખતે અધિકારીઓ ફોર્મ ભરવાના 600 રૂપિયા માંગે છે. બે ટંક ખાવાનાં સાંસા છે. એમને પૈસા ક્યાંથી આપવા?"


આશાનું કિરણ

આ અંતરિયાળ ગામમાં મહિલાઓનાં સશક્તિકકરણ માટે 'આનંદી' નામની સંસ્થા કામ કરે છે.

સંસ્થા ગામની મહિલાઓને સંગઠિત કરી એમના અધિકાર માટે લડત ચલાવે છે. મુખ્યત્વે સંસ્થાનું કામ કુપોષણ સામે લડવાનું છે.

સંગઠનના પ્રોજેક્ટ મેનેજર અરુંધતી માત્ર 27 વર્ષનાં છે. અમેરિકાનું જીવન અને પત્રકારત્વની નોકરી છોડી તેઓ અહીં લોકો વચ્ચે કામ કરવા માટે આવ્યાં છે.

દુનિયા ફર્યા બાદ અહીં કામ કરવાના નિર્ણય અંગે વાત કરતા અરુંધતી કહે છે, 'મને અહીંનાં લોકોનો બહુ પ્રેમ મળ્યો છે. હું બહુ સ્વાર્થી છું. આ પ્રેમને છોડી શકું એમ નથી.'

સંસ્થાના કો-ડિરેક્ટર જીવિકા જણાવે છે, 'અહીં જાગૃતિનો અભાવ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યોજનાઓને અહીં લાગુ કરાવવા માટે કામ કરવાની જરૂર છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો