ખિલજીએ ગુજરાતના રાણી અને રાજકુમારીનું અપહરણ કરાવ્યું

બે પુરુષની તસવીર Image copyright REVOLTPRESS.COM
ફોટો લાઈન ખિલજી અંતિમ દિવસોમાં સમગ્ર રીતે મલિક કાફૂર પર આધારિત હતા

'પદ્માવતી' ફિલ્મના કારણે અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ફરી ચર્ચામાં આવ્યું છે. ખિલજીએ સુલતાન બન્યા બાદ ગુજરાતનાં એક રાણી સાથે નિકાહ કર્યા હતા અને તેમની રાજકુમારીનું અપહરણ કર્યું હતું.

ગુજરાતના રાજા કર્ણરાયના રાણી અને રાજકુમારીનું અપહરણ અલાઉદ્દીન ખિલજીએ કરાવ્યું હોવાનો ઉલ્લેખ ઇતિહાસના કેટલાંક સંદર્ભોમાં છે.

ઇતિહાસની આ ભૂલાયેલી, પરંતુ મહત્વની ઘટના વિશે ઇતિહાસ સંશોધક અને ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના ટૂરિઝમ એડમીનિસ્ટ્રેશન વિભાગના પૂર્વ સંચાલક ડૉ. દુલારી કુરેશીએ આ લેખ લખ્યો છે.


ગુજરાતનાં રાણીનું અપહરણ

Image copyright KISHOR NIKAM/ART WORK - NIKITA DESHPANDE
ફોટો લાઈન અલાઉદ્દીન ખિલજી દિલ્હીના સુલતાન જલાલુદ્દીન ફિરોઝના જમાઈ હતા'

ખિલજી એક સમયે દિલ્હીના સુલતાન જલાલુદ્દીન ફિરોઝના જમાઈ હતા. ખિલજીએ કપટથી સુલતાન જલાલુદ્દીનનું સ્થાન લઈ લીધું હતું અને 1296ની 19 જુલાઈએ દિલ્હીની રાજગાદી સંભાળી હતી.

સુલતાનપદ પર સંભાળ્યા બાદ ખિલજીએ સલ્તનતનો વિસ્તાર કરવાનું વિચાર્યું, ત્યારે તેમનું પહેલું નિશાન ગુજરાત હતું.

ગુજરાત જેવા શ્રીમંત પ્રાંતના રાજા કર્ણરાયની સંપત્તિ હસ્તગત કરવા ખિલજી લલચાયા હતા. ખિલજીએ તેના સેનાપતિ ઉલુગખાન અને નુસરતખાનને ગુજરાત પર હુમલા માટે મોકલ્યા હતા.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
#BBCShe : દિલ્હી, પટણા, વિશાખાપટ્ટનમ, કોઈમ્બતૂર, નાગપુર. રાજકોટ. જલંધરની લેશે મુલાકાત

ઈ.સ. 1297માં કરવામાં આવેલા એ હુમલામાં કર્ણરાયનો પરાજય થયો હતો. કર્ણરાયે તેમની પુત્રી રાજકુમારી દેબાલાદેવીને લઈને ભાગવું પડ્યું હતું.

દેવગિરિ (આજના મહારાષ્ટ્રમાં આવેલા એક વિસ્તાર)ના રાજા રામચંદ્ર યાદવે પિતા-પુત્રીને આશરો આપ્યો હતો.

ઉલુગખાન અને નુસરતખાને કર્ણરાયનો ખજાનો લૂંટવા ઉપરાંત કર્ણરાયનાં પત્ની રાણી કમલાદેવીને બંદી પણ બનાવ્યાં હતાં.

કમલાદેવીને દિલ્હી લઈ જવામાં આવ્યાં હતાં અને અલાઉદ્દીન ના જનાનખાનામાં રાખવામાં આવ્યાં હતાં. અલાઉદ્દીન કમલાદેવીની સુંદરતા પર એટલા મોહિત થયા હતા કે તેમની સાથે નિકાહ કર્યાં હતાં.


ગુજરાતનાં રાજકુમારીનું પણ અપહરણ

Image copyright KISHOR NIKAM
ફોટો લાઈન 'ઇતિહાસકારોએ લખ્યું છે કે ખિલજી કમલાદેવીને ખૂબ પ્રેમ કરતા હતા'

ઇતિહાસકારોએ નોંધ્યું છે કે ખિલજી કમલાદેવીને ખૂબ પ્રેમ કરતા હતા. કમલાદેવીને પુત્રીની યાદ આવવા લાગી, ત્યારે તેમણે ખિલજીને એ વાત કહી હતી.

ખિલજીએ દેબાલાદેવીને તાબડતોબ શોધવાનો આદેશ તેમના સેનાપતિઓ ઉલુગખાન અને મલિક કાફૂરને આપ્યો હતો

આ સમય દરમિયાન રાજા કર્ણરાયે 'બગલાન' (આજના ગુજરાતનો કોઈ વિસ્તાર)માં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું હતું. બીજી તરફ રામચંદ્ર યાદવના પુત્ર રાજકુમાર સંકરા દેબાલા દેવીના પ્રેમમાં પડ્યા હતા.

તેમણે પિતા રામચંદ્ર પાસે દેબાલાદેવી સાથે લગ્ન કરવાની પરવાનગી માગી હતી, પરંતુ દેબાલાદેવી રાજપૂત કન્યા હોવાના કારણે રામચંદ્રએ લગ્ન કરવાની ના કહી હતી.

અંતે સંકરાએ રાજા કર્ણરાયની સંમતિ લઈને પોતાના ભાઈ ભીમદેવને દેબાલાદેવીને લાવવા માટે મોકલ્યાં હતાં.

એ સમયે ઉલુગખાન અને મલિક કાફૂર રાજકુમારીને શોધી રહ્યા હતા, પરંતુ તેમને રાજકુમારીની ભાળ નહોતી મળતી.


કેવી રીતે મળ્યાં દેબાલાદેવી?

Image copyright KISHOR NIKAM
ફોટો લાઈન 'ખિલજીના પુત્ર ખિજર ખાન દેબાલાદેવીને જોઈને તેમના પ્રેમમાં પડ્યા હતા'

દેબાલાદેવી ન મળે તો અલાઉદ્દીન ખિલજી સમક્ષ કેવી રીતે જવું, એ સવાલ ઉલુગખાનને મૂંઝવતો હતો.

દેબાલાદેવીને લીધા વિના પાછા જવાની કલ્પના પણ તેઓ કરી શકતા નહોતા, કારણ કે ખિલજીના ક્રૂર સ્વભાવની તેમને ખબર હતી.

ઉલુગખાન અને તેમનું સૈન્ય વેરુળ (મહારાષ્ટ્રના દેવગિરિ નજીકની ઇલોરાની ગુફાઓ) નજીક હતું, ત્યારે તેમને દક્ષિણ તરફથી આવતી એક સૈન્ય ટુકડી દૂર દેખાઈ હતી.

તેમને એવું લાગ્યું કે એ રાજા રામચંદ્ર તથા કર્ણદેવનું સૈન્ય છે અને હુમલો કરવા આવી રહ્યું છે. જોકે, એ સૈન્ય તો દેબાલાદેવીને લગ્ન માટે દેવગિરિ લાવી રહ્યું હતું.

બન્ને સૈન્ય સામસામે ગોઠવાઈ ગયા હતાં અને ગુફાઓ નજીકના મેદાનમાં લડાઈ શરૂ થઈ હતી. એ લડાઈમાં દેબાલાદેવીના ઘોડાના પગમાં બાણ વાગતાં તેમની દાસીઓ ચીસો પાડવા લાગી હતી.

એ કારણે ઉલુગખાનના સૈન્યનું ધ્યાન તેમની તરફ ગયું હતું. દેબાલાદેવીને જોઈને ઉલુગખાનની ખુશીનો પાર રહ્યો ન હતો.

ઉલુગખાને દેબાલાદેવીને લઈને દિલ્હીની વાટ પકડી હતી. દેબાલાદેવીને અલાઉદ્દીન ખિલજીના દરબારમાં હાજર કરવામાં આવ્યાં હતાં.

કમલાદેવી પુત્રીને જોઈને બહુ રાજી થયાં હતાં. ખિલજીના પુત્ર ખિજર ખાન દેબાલાદેવીને જોઈને તેમના પ્રેમમાં પડી ગયા હતા.

ખિજરખાને દેબાલાદેવી સાથે લગ્ન કરવાની ઇચ્છા ખિલજી સમક્ષ વ્યક્ત કરી હતી અને ખિલજીએ તેમનાં લગ્ન કરાવી આપ્યાં હતાં.

પ્રખ્યાત કવિ અમીર ખુશરોએ આ ઘટના વિશે એક કવિતા લખી હતી. એ કવિતા કેટલી કાલ્પનિક છે અને કેટલી વાસ્તવિક છે તે મુદ્દે કંઈ કહી શકાય તેમ નથી.


સુલતાન બનતા પહેલા મેળવ્યો મબલખ ખજાનો

Image copyright KISHOR NIKAM
ફોટો લાઈન 'યાદવ રાજાઓએ દેવગિરિમાં રાજધાની સ્થાપી હતી'

મહારાષ્ટ્રના જાણીતા સંત જ્ઞાનેશ્વર જ્યારે પૈઠણ શહેરમાં હતા, એ અરસામાં અલાઉદ્દીન ખિલજીએ ત્યાંથી 65 કિલોમીટર દૂર આવેલા દેવગિરિ કિલ્લા પર આક્રમણ કર્યું હતું.

દેવગિરિના યાદવ રાજવીઓ અને અલાઉદ્દીન ખિલજીનો ઇતિહાસ ઘણો રોમાંચક છે. યાદવ રાજકુળનું સાચું નામ 'સેઉન' હતું. સેઉન કુળના મૂળ ગુજરાતના દ્વારકામાં હતું.

તેમણે ચંદ્રાદિત્યાપુરમાં એટલે કે આજના નાશિક જિલ્લામાં લગભગ નવમી સદીમાં તેમની રાજધાની સ્થાપિત કરી હતી.

પાડોશી રાજ્યોમાંથી વારંવાર આક્રમણને કારણે યાદવોને તેમના રાજ્યની સલામતીની ચિંતા થવા લાગી હતી.

તેથી તેમણે વધુ સુરક્ષિત જગ્યા શોધી અને દેવગિરિમાં રાજધાની સ્થાપી હતી. રાજા રામચંદ્ર યાદવ વર્ષ 1271માં રાજગાદી પર હતા.

પરંપરા મુજબ, તેમણે પણ વાઘેલા, કાકતિયા અને હોયસાલા શાસિત પાડોશી રાજ્યો સાથે લડતા રહેવાનું ચાલુ રાખ્યું હતું.

લડાઈમાં વિજયી થવાથી મળેલી મબલખ સંપત્તિ તેમણે એકઠી કરી હતી. 'યુદ્ધ, લડાઈ અને વિજય' એવું તેમનું જીવનચક્ર ચાલતું રહ્યું હતું.

તેમના આ વિજયરથને કોઈકની નજર લાગી ગઈ હતી અને અલાઉદ્દીન ખિલજી છેક દિલ્હીથી અહીં આવી ચડ્યા હતા.


સંધિમાં મેળવી મબલખ સંપત્તિ

Image copyright TWITTER
ફોટો લાઈન 'પદ્માવતી' ફિલ્મમાં રણવીર સિંહે અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવ્યું છે

દિલ્હીના સુલતાન જલાલુદ્દીન ફિરોઝના જમાઈ અલાઉદ્દીન ખિલજી ખૂબ મહત્વાકાંક્ષી હતા. અલાઉદ્દીનને સુલતાન બનવાની ઉતાવળ હતી.

તેમણે 1296માં જલાલુદ્દીનની જાણ બહાર વિશ્વાસુ સેનાપતિ અને 8000 સૈનિકો સાથે દેવગિરિ તરફ ગુપ્ત રીતે કૂચ શરૂ કરી હતી.

રામચંદ્ર યાદવનું સંપૂર્ણ ધ્યાન દક્ષિણ ભારતના રાજ્યો પર હુમલો કરવા પર કેન્દ્રીત હતું, ત્યારે ખિલજીએ તેમના પર હુમલો કર્યો હતો.

હુમલાના સમયે રામચંદ્ર યાદવ હાલના ઔરંગાબાદ જિલ્લાના લાસુર નજીક હતા. ઉત્તર ભારતની રાજકીય પરિસ્થિતિ વિશે તેમને કોઈ માહિતી નહોતી.

અચાનક થયેલા આક્રમણના કારણે રામચંદ્ર યાદવ ભયભીત થયા હતા અને જેમતેમ જીવ બચાવી દેવગિરિ કિલ્લામાં પહોંચ્યા હતા.

બરાબર એ સમયે અલાઉદ્દીને અફવા ફેલાવી હતી કે વધુ 20,000 સૈનિકો તેમની મદદ માટે ઉત્તર તરફથી આવી રહ્યા છે.

આખરે રામચંદ્રએ મજબૂરીવશ અલાઉદ્દીન સાથે સંધિ કરવી પડી હતી. એ સંધિ રામચંદ્ર યાદવને ખૂબ મોંઘી પડી હતી.

Image copyright KISHOR NIKAM
ફોટો લાઈન દેવગિરિ કિલ્લાની મધ્યમાં આવેલા બાંધકામની તસવીર

એ સંધિ હેઠળ ખિલજીને છ મણ સોનું, સાત મણ મોતી, બે મણ હીરા-માણેક અને મૂલ્યાવાન રત્નો, એક હજાર મણ ચાંદી અને 4000 ગજ રેશમી કાપડ મળ્યાં હતાં.

ઇતિહાસમાં સંધિ હેઠળ આટલા મોટા પ્રમાણમાં સંપત્તિ મેળવાનારા તેઓ એકલા સુબેદાર હોવાનું કહેવાય છે. એ સંપત્તિમાં અન્ય વસ્તુઓનો ઉમેરો પણ થયો.

અલાઉદ્દીન આ તમામ સંપત્તિ લઈને જવાની તૈયારીમાં હતો, ત્યારે રામચંદ્ર યાદવના પુત્ર સંકરા એક લડાઈમાંથી પરત આવ્યા હતા.

સંકરાને એ લડાઈના વિજયને કારણે મોટો ખજાનો મળ્યો હતો.

અલાઉદ્દીન ખિલજીના હુમલા વિશે જાણીને સંકરા ગુસ્સે થયા હતા અને ખિલજીને પાઠ ભણાવવા તેઓ સૈન્ય લઈને આવ્યા હતા.

પિતા રામચંદ્રએ સંકરાને ખૂબ સમજાવ્યા હતા, પણ તેઓ પાછા વળ્યા ન હતા. લડાઈમાં ખિલજીએ તેમને હરાવ્યા હતા.

સંકરાએ આગલી લડાઈમાંથી જે સંપત્તિ મેળવી હતી તે પણ ખિલજીએ લઈ લીધી હતી. એ સંપત્તિમાં મોટા પ્રમાણમાં સોનું, ચાંદી, કિંમતી રત્નો, હાથી, ઘોડા હતાં.

એ ઉપરાંત ઇલિચપુર(હાલના વિદર્ભનું અચલપુર) વિસ્તારનું વાર્ષિક મહેસૂલ પણ તેમને મળતું હતું.

Image copyright TWITTER
ફોટો લાઈન 'ખિલજીએ એક સમયે મહારાષ્ટ્રના એક રાજવાડાંને પણ લૂંટ્યું હતું'

એ લડાઈમાં મોટા પ્રમાણમાં સંપત્તિ મળવાને લીધે અલાઉદ્દીન ખિલજીને એકદમ ઉત્સાહિત થઈ ગયા હતા. તેમને સુલતાન બનવાની મહેચ્છા જાગી હતી

ખિલજીની સત્તાના શરુઆતના દિવસો બહુ સુખદ હતા, પણ તેમના અંતિમ દિવસો ખુબ દુઃખમાં વીત્યા હોવાનું ઇતિહાસકારો કહે છે.

પત્નીઓ અને સંતાનો પણ ખિલજીથી અળગાં રહેતાં હતાં. ખિલજી અંતિમ દિવસોમાં સંપૂર્ણપણે સેનાપતિ મલિક કાફૂર પર આધારિત હતા. માંદગીને કારણે ખિલજીનું મૃત્યુ થયું હતું.

(ઇતિહાસકાર મોહમ્મદ કાસીમ ફરિશ્તાએ તેમના પુસ્તક 'તારીખ-એ-ફરિશ્તા'માં એ કાળખંડનું સવિસ્તર વર્ણન કર્યું છે. આ પુસ્તકમાં અલાઉદ્દીન ખિલજી અને રામચંદ્ર યાદવ સાથે જોડાયેલી ઘટનાઓનું જે વર્ણન છે તે અન્ય કોઈ પુસ્તકમાં નથી જોવા મળતું. શ્રીનિવાસ રિત્તીના 'ધ સેઉનાસઃ ધ યાદવ ઑફ દેવગિરિ' અને એ. શ્રીવાસ્તાવના 'ધ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા'માં યાદવ વંશ અને ખિલજી વિશેની માહિતી વાંચવા મળે છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ