ઓસ્ટ્રેલિયાઃ બે પુરુષો મગરથી બચવા કારની છત પર પાંચ દિવસ રહ્યા

કાદવમાં ફસાયેલી કારની તસવીર Image copyright WA POLICE
ફોટો લાઈન ઓસ્ટ્રેલિયામાં બે પુરુષોને મગર અને ભરતીથી બચવા પાંચ દિવસ સુધી કારની છત પર રહેવું પડ્યું હતું

ઓસ્ટ્રેલિયામાં બે પુરુષોને કારની છત પર પાંચ દિવસ રહેવું પડ્યું. પોલીસનું કહેવું છે દરિયાની વધી રહેલી ભરતી અને મગરોથી બચવા તેમણે આમ કર્યું હતું.

19 વર્ષના ચાર્લી વિલિયમ્સ અને 37 વર્ષના બ્યુ બ્રિસમોરિસ ફિશિંગ ટ્રિપ (માછીમારી માટે થતા પ્રવાસ) માટે ઓસ્ટ્રેલિયાના પશ્ચિમી વિસ્તારમાં ગયા હતા.

તેઓ આ પ્રવાસે 17મી નવેમ્બરે ગયા હતા અને તેમનો પાલતૂ શ્વાન પણ સાથે હતો. અહીં અંતરિયાળ રસ્તામાં તેમની કાર કાદવમાં ફસાઈ હતી.

સંકટમાં ફસાયા બાદ બન્નેએ પુરાવા તરીકે એક વીડિયો પણ શૂટ કર્યો હતો. બચાવટુકડીએ 21મી નવેમ્બરે તેમનો બચાવ કર્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે


મગરોને કારણે ભયભીત

Image copyright WA POLICE
ફોટો લાઈન પોલીસે બચાવ કામગીરી હાથ ધરી બન્નેને શોધ્યા હતા

બચાવ કામગીરીમાં સામેલ પોલીસ સાર્જન્ટ માર્ક બેલફોરે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "અમે તેમને ઉગાર્યા ત્યારે તેઓ ખૂબ બીમાર હતા અને ગરમીના કારણે ડિહાઇડ્રેશનની અસર પણ હતી.

"અમને જોઈને તેઓ આનંદિત થયા હતા અને થોડાં ભાવુક પણ થયા હતા.

"કારમાં રહેલી ખાદ્યસામગ્રી અને પાણીના કારણે તેમને શરૂઆતમાં રાહત મળી હતી, પરંતુ અમે જ્યારે તેમની પાસે પહોંચ્યા, ત્યારે તેમનો પુરવઠો ખૂટી ગયો હતો."

બ્રૂમ નામના શહેરથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલા ડેમ્પિટર દ્વીપ પર તેઓ ફસાયા હતા. પોલીસ સાર્જન્ટ બેલફોરે કહ્યું કે તેમણે ત્યાંના પાણીમાં મગર જોયો હતો, જેના કારણે તેઓ ડરી ગયા હતા.

સ્થાનિક સમાચાર સંસ્થાઓએ પ્રસારિત કરેલા વીડિયોમાં બ્યુ બ્રિસમોરિસ કહે છે, "ગત રાત્રિએ મગરો અમને ઘેરી વળી હતી. મગરોએ મારા શ્વાન પર હુમલો કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો."

તમને આ પણ વાંચવું ગમશે

બ્યુ બ્રિસમોરિસ કહે છે કે તેઓ બન્ને સકારત્મકતા સાથે મદદની રાહ જોઈ હતી.

તેઓ કહે છે, "અમને કોઈ જોઈ શકે તેમ નહોતું. આકાશમાં અવરજવર કરી રહેલા વિમાનોને અમે જોતા હતા, પરંતુ તેના દ્વારા કોઈ મદદ ન મળતા નિરાશા થતી હતી. છતાંય આશા હતી કે કોઈ આવીને અમને બચાવશે."

બન્ને પુરુષ ઘરે પરત ન આવતા પોલીસે 21મી નવેમ્બરે શોધખોળ હાથ ધરી હતી. દિવસના અંત સુધીમાં તેમને શોધી લેવામાં આવ્યા હતા.

પોલીસ સાર્જન્ટ બેલફોર કહે છે કે આ વિસ્તાર ખૂબ અંતરિયાળ અને દુર્ગમ છે તેમજ દરિયામાં મોટી ભરતી માટે જાણીતો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો