મુંબઈ હુમલો : કસાબ વિરુદ્ધ જુબાની આપનારાં સૌથી નાની ઉંમરનાં સાક્ષી

દેવિકાની તસવીર Image copyright Sharad Badhe/BBC
ફોટો લાઈન દેવિકા રોટાવન 26/11 હુમલાની સૌથી નાની વયનાં સાક્ષી છે

18 વર્ષની દેવિકા રોટાવન અન્ય કિશોરીઓની જેમ જ ચંચળ છે, પરંતુ તેના હાસ્ય પાછળ એક દર્દભરી કહાણી પણ છે.

26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં દેવિકાનાં પગમાં ગોળી વાગી હતી. દેવિકા કહે છે કે તે જખમ આજે પણ દેખાય છે અને તેને અનુભવી પણ શકે છે.

દેવિકા કહે છે, "મને આજે પણ તે દિવસ યાદ છે અને આ ઘટના હું ક્યારેય નહીં ભૂલું. ભૂલીશ તો એનો મતલબ થશે કે મેં આતંકવાદીઓને માફ કરી દીધા. હું તેમને માફ કરવા નથી માંગતી."

તમને આ પણ વાંચવું ગમશે

નવ વર્ષ પહેલાં દસ હુમલાખોરો સમુદ્રના માર્ગે મુંબઈ પહોચ્યા હતા. મુંબઈમાં બે ફાઇવસ્ટાર હોટેલ, નરિમાન હાઉસ, સીએસટી સ્ટેશન, અને યહૂદી સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો.

60 કલાક સુધી ચાલેલા આ સંઘર્ષમાં 174 લોકોનાં મૃત્યુ થયાં હતાં. સમગ્ર દુનિયા આ હુમલાના કારણે સ્તબ્ધ થઈ હતી.


'શું થયું હતું તે દિવસે?'

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
26/11ના કેસમાં સૌથી યુવાન વયે જુબાની આપનારાં દેવિકાની જુબાને એ દિવસ.

દેવિકા તે સમયે ફક્ત નવ વર્ષનાં હતાં. પિતા નટવરલાલ રોટાવન અને ભાઈ જયેશ સાથે પુના જવા માટે નીકળ્યાં હતાં.

સીએસટી(છત્રપતિ શિવાજી ટર્મિનસ) સ્ટેશન પર થયેલા હુમલાના કારણે તેમનાં જીવનમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે.

તે રાત્રે સાડા નવ વાગ્યે અજમલ કસાબ અને ઇસ્માઇલ ખાને સીએસટી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

ત્યારે કસાબની બંદૂકમાંથી છૂટેલી ગોળી દેવિકાનાં જમણાં પગે વાગી હતી. તે ક્ષણને દેવિકા હજુ સુધી નથી ભૂલી શક્યાં.

દેવિકા કહે છે, "ગોળીબારનો અવાજ આવ્યો. બધાં લોકો નાસભાગ કરવા લાગ્યાં. ઘણાં બધાં લોકો આ નાસભાગમાં એકબીજા પર પડી રહ્યાં હતાં.

"અમે પણ ત્યાંથી નાસવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કસાબની બંદૂકમાંથી છૂટેલી ગોળી મારા પગમાં વાગી. હું બેભાન થઈને નીચે પડી ગઈ."

આ જખમોમાંથી રાહત મેળવવામાં દેવિકાને ઘણો સમય લાગ્યો. ત્રણ મહિનાની સઘન સારવાર અને કેટલાંક ઓપરેશન બાદ તેઓ સ્વસ્થ થયાં.

એટલું જ નહીં, દેવિકાએ અજમલ કસાબ વિરુદ્ધ કોર્ટમાં જુબાની પણ આપી હતી.


હિંમત બતાવી આપી જુબાની

Image copyright Sharad Badhe/BBC
ફોટો લાઈન દેવિકાએ કોર્ટમાં હુમલાની જુબાની આપ્યાં બાદ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો

26/11ના હુમલામાં સંડોવાયેલા ઉગ્રવાદીઓ પૈકી અજમલ કસાબ જ જીવિત હાલતમાં પકડાયો હતો. કોર્ટમાં તેમની ઓળખ કરનારા લોકો પૈકી દેવિકા સૌથી નાની ઉંમરનાં સાક્ષી હતાં.

કોર્ટમાં સાક્ષી બનવા મુદ્દે દેવિકા અને તેમનાં પિતા મક્કમ હતાં. આ વાતનો તેમને જરાંપણ અફસોસ નથી.

દેવિકા "જ્યારે ગોળી વાગી તે સમયે જ મારું નાનપણ છિનવાઈ ગયું હતું, પરંતુ એક સમય બાદ એવું લાગ્યું કે હું મારા દેશ માટે કંઇક કરી રહી છું."

દેવિકાએ તે સમયે દર્શાવેલા ધૈર્ય અને હિંમતની મીડિયા અને જનતાએ સરાહના કરી હતી. બાદમાં આ કેસનો ચુકાદો આપવામાં આવ્યો અને કસાબને ફાંસીની સજા પણ આપવામાં આવી.

જોકે, સાક્ષી બન્યા બાદ દેવિકા માટે જીવવું વધુ કઠિન બની ગયું હતું. ઉગ્રવાદીઓ રોટાવન પરિવારને શોધતા હશે તે ડરથી સમાજના ઘણાં લોકો દેવિકા અને તેના પરિવારથી દૂર રહે છે.

દેવિકા કહે છે, "મેં આતંકવાદીઓ વિરુદ્ધ કોર્ટમાં નિવેદન આપ્યું એટલે કોઇએ મને કસાબની પુત્રી પણ કહી. લોકોએ મને કેટલાંક નામોથી બોલાવવાનું પણ શરૂ કર્યું."

દેવિકાના પરિવારે આ મુશ્કેલીઓના કારણે ઘર પણ બદલવું પડ્યું, અત્યારે તે પિતા અને ભાઈ સાથે બાન્દ્રાના સુભાષનગરમાં એક નાનકડાં ઘરમાં રહે છે.


સંબંધીઓએ સંબંધ તોડ્યા

Image copyright AFP/Getty Images
ફોટો લાઈન મુંબઈમાં બે ફાઇવસ્ટાર હોટેલ, નરિમાન હાઉસ, સીએસટી સ્ટેશન અને યહૂદી સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો

રોટાવન પરિવાર રાજસ્થાનના પાલી જિલ્લાના સુમૈરપુરનો વતની છે. વતનના સંબંધીઓએ દેવિકાનાં પરિવાર સાથેના સંબંધો તોડી નાંખ્યા છે.

દેવિકા કહે છે, "લગ્ન કે અન્ય કોઈ પ્રસંગમાં અમને આમંત્રણ નથી મળતું. લોકોને ડર છે કે અમારી પાછળ આતંકવાદીઓ પણ આવશે અને લોકોની હત્યા કરશે."

"અમે વતનમાં જઈએ, ત્યારે અમારે હોટેલમાં રોકાવું પડે છે. ઘરમાં અમે રોકાઇ નથી શકતાં."

દેવિકાના પિતા નટવરલાલ પણ આ બાબતથી દુખી છે. તેઓ કહે છે કે મારા માતાનું મૃત્યુ થયું, ત્યારે પણ અમને પહેલાં કોઇએ જાણ નહોતી કરી, બાદમાં અમે ત્યાં ગયાં હતાં."

"તો પણ ત્રણ દિવસથી વધારે અમને ત્યાં નહોતા રહેવા દેવામાં આવ્યા."

નટવરલાલને તેમની પુત્રીના ભવિષ્ય અને લગ્ન વિશે ચિંતા સતાવે છે, તેમને ફોન પર ધમકીઓ પણ મળતી રહેતી તેવું તેઓ કહી રહ્યા છે. નટવરલાલનો સૂકામેવાનો વેપાર પણ આવી મુશ્કેલીઓના કારણે બંધ થયો છે.

કેટલાંક પરિવારજનો અને મિત્રોની મદદથી રોટાવન પરિવાર તેનું ગુજરાન ચલાવી રહ્યો છે. દેવિકાને તો અભ્યાસમાં પણ ઘણી અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે.

26/11ના આતંકવાદી હુમલા પહેલાં દેવિકાને માતાનાં મૃત્યુનો આઘાત સહન કરવો પડ્યો હતો. આ કેસમાં સાક્ષી હોવાના કારણે શાળામાં પ્રવેશ મેળવવો તેના માટે મુશ્કેલ બન્યો હતો.

પરંતુ દેવિકાનો અભ્યાસ ચાલુ છે તેઓ આઈપીએસ અધિકારી બનવાનું સપનું જુએ છે.


'આઈપીએસ અધિકારી બનવું છે'

Image copyright Sharad Badhe/BBC
ફોટો લાઈન દેવિકા આઈપીએસ અધિકારી બનવાનું સપનું સેવી રહી છે

પોલીસ અધિકારી બનવાનો નિશ્ચય દેવિકાએ કર્યો છે. દેવિકા કહે છે, "મારે અભ્યાસ કરી આઈપીએસ અધિકારી બનવું છે અને કસાબ જેવા આતંકવાદીઓ વિરુદ્ધ લડવું છે."

26/11ના હુમલામાં દોષિત તમામ લોકોને સજા મળશે તેવી તેને આશા છે એટલે જ તેઓ પોતાનાં જખમ ભૂલવા નથી માંગતાં.

દેવિકા કહે છે, "જો અમે આ ઘટના ભૂલી ગયા તો તેનો અર્થ એવો થશે કે અમે આતંકવાદીઓને માફ કરી દીધા છે, પરંતુ હું તેમને માફ નથી કરવા માગતી, હું જીવિત છું ત્યાં સુધી તો નહીં જ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો