સુષ્મિતા અને લારા બાદ શું શ્રદ્ધા લાવી શકશે મિસ યુનિવર્સનો તાજ?

લારા દત્તા અને સુષ્મિતા સેન Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન 66 વર્ષોમાં અત્યાર સુધી ભારતની બે જ સુંદરીઓ મિસ યુનિવર્સ બની શકી છે

અમેરિકાના લાસ વેગાસમાં રવિવારે 66મી મિસ યુનિવર્સનું આયોજન કરાયું છે. આ વર્ષે આ બ્યુટી કૉન્ટેસ્ટમાં ભારત તરફથી શ્રદ્ધા શશિધર ભાગ લઈ રહ્યાં છે.

આ સ્પર્ધાનું આયોજન કરનારી સંસ્થાની વેબસાઇટ પર મૂકાયેલી માહિતી અનુસાર 21 વર્ષીય શ્રદ્ધા ચેન્નઇનાં રહેવાસી છે.

છેલ્લાં 66 વર્ષમાં અત્યાર સુધી ભારતની બે સુંદરીઓએ જ આ ખિતાબ જીત્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

વર્ષ 1994માં 18 વર્ષની ઉંમરે સુષ્મિતા સેને અને વર્ષ 2000માં 22 વર્ષની ઉંમરે લારા દત્તાએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો.

શ્રદ્ધા આ કૉન્ટેસ્ટ જીતશે તો મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારાં ત્રીજા ભારતીય બનશે.

આર્મી પબ્લિક સ્કૂલ દેવલાલી, મહારાષ્ટ્રથી શિક્ષણ મેળવી ચૂકેલાં શ્રદ્ધા અગાઉ ‘મિસ દિવા - મિસ યુનિવર્સ ઇન્ડિયા‘નો તાજ જીતી ચૂક્યાં છે.


92 દેશોની સુંદરીઓ વચ્ચે મુકાબલો

શ્રદ્ધાનાં પિતા આર્મીમાં છે. શ્રદ્ધા ભારતનાં ઘણા પ્રદેશોમાં ફરી ચૂક્યાં છે. હવે તે દુનિયા ફરવા માગે છે અને ત્યારબાદ તે એક સફળ ટેલીવિઝન હોસ્ટ બનવા ઇચ્છે છે.

તેમનું માનવું છે કે લોકોની રહેણીકરણી, તેમની પરંપરાઓ અને તેમની સમસ્યાઓને સમજવા માટે જરૂરી છે કે તમે તેમની વચ્ચે જાઓ.

વેબસાઇટ પરની માહિતી અનુસાર શ્રદ્ધા હિંદી, અંગ્રેજી અને તમિલ ભાષા જાણે છે. તે પત્રકારત્વનું શિક્ષણ પણ મેળવી રહ્યાં છે. તેમને શાસ્ત્રીય નૃત્યનું પણ જ્ઞાન છે, તો રમતગમતમાં પણ રસ ધરાવે છે.

વેબસાઇટના આધારે આ વર્ષે યોજાનારી પ્રતિયોગિતામાં કુલ 92 દેશ અને પ્રદેશોની સુંદરીઓ ભાગ લઈ રહી છે.

આ સ્પર્ધાને પાંચ વખત ઍમી એવોર્ડ જીતી ચૂકેલા અમેરિકી કૉમેડિયન સ્ટીવ હાર્વી હોસ્ટ કરશે.

આ સ્પર્ધામાં ગત વર્ષે મિસ યુનિવર્સનો તાજ જીતી ચૂકેલાં ફ્રાંસની આઇરિસ મિટનેયર આ વર્ષનાં વિજેતાને તાજ પહેરાવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો