CBI જજ લોયાના મૃત્યુ પર તપાસની માંગ

જજ લોયા Image copyright CARAVAN MAGAZINE
ફોટો લાઈન જજ લોયાના મૃત્યુ મામલે તપાસ માટે લાતૂરના બાર એસોસિએશને ન્યાયિક કમિટીના ગઠનની માંગ કરી છે

અંગ્રેજી પત્રિકા 'ધ કૅરવૅન'માં એક સમાચાર પ્રકાશિત થયા હતા કે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલે સુનાવણી કરી રહેલા સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના જજ બૃજગોપાલ હરકિશન લોયાના પરિજનોએ તેમના મૃત્યુની પરિસ્થિતિઓ પર શંકા વ્યક્ત કરી છે.

આ મામલે ભાજપના હાલના અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ આરોપી હતા. તેમને લોયાના મૃત્યુ બાદ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના નવા જજે નિર્દોષ મુક્ત કર્યા હતા.

મહારાષ્ટ્રના લાતૂર શહેરના બાર એસોસિયેશને લોયાના મૃત્યુની તપાસને લઇને એક ન્યાયિક કમિટીના ગઠનની માંગ કરી છે, જેથી દરેક તથ્યો સ્પષ્ટ થઈ શકે.

લાતૂર બાર એસોસિયેશનએ બીબીસીને જણાવ્યું છે કે સોમવારના રોજ લાતૂરમાં જિલ્લા કોર્ટથી ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓફિસ સુધી માર્ચ કાઢીને તેઓ પોતાનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સોંપશે.

લાતૂર બાર એસોસિએશનના અધ્યક્ષ અન્નારાવ પાટિલે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે, સીબીઆઈ જજના મૃત્યુની તપાસ મામલે મુંબઈ હાઇકોર્ટ અને ભારતના મુખ્ય ન્યાયાધીશને પણ પત્ર મોકલવામાં આવશે.

પત્રમાં હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ કમિટી બનાવવાની માંગ કરાશે.

અન્નારાવ કહે છે, "આ મૃત્યુની તપાસ થવી જરૂરી છે કેમ કે ન્યાયપાલિકાની સુરક્ષા પર જોખમ તોળાઈ રહ્યું છે."

તમને આ પણ વાંચવું ગમશે

ફોટો લાઈન સોહરાબુદ્દીન શેખનું વર્ષ 2005માં એન્કાઉન્ટર થયું હતું

બૃજગોપાલનું મૃત્યુ 30 નવેમ્બર અને પહેલી ડિસેમ્બર 2014ની મધરાતે નાગપુરમાં થયું હતું. તેઓ તેમના એક સાથી જજની દીકરીનાં લગ્નમાં સામેલ થવા માટે નાગપુર ગયા હતા.

તેમના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો જણાવવામાં આવ્યું છે.

'ધ કૅરવૅન' પત્રિકાને બૃજગોપાલના પરિવારજનોએ જણાવ્યું હતું કે ત્યારબાદ કેટલીક એવી ઘટનાઓ બની છે કે, જેના કારણે લોયાનું મૃત્યુ અસામાન્ય લાગી રહ્યું છે.

પરિવારજનોનું કહેવું છે કે, તેમણે ડરના કારણે આ મુદ્દા પર કંઈ કહ્યું નહીં.

જ્યારે બીબીસીએ જજ લોયાના પૂર્વ સહપાઠી લાતૂર બાર એસોસિએશનના સભ્ય વકીલ ઉદય ગવારેને પૂછ્યું કે, અત્યાર સુધી તેઓ કેમ કંઈ ન બોલ્યા?

તો તેમણે કહ્યું, "એ વાત પર શંકા હતી કેમ કે લોયા જ્યારથી એન્કાઉન્ટર મામલે સુનાવણી કરી રહ્યા હતા, ત્યારથી તેઓ દબાવમાં હતા.

"તેમના અંતિમ સંસ્કારમાં અમે ગયા હતા અને ત્યારે જ ચર્ચા કરી કે આ પ્રાકૃતિક મૃત્યુ નથી. તેમાં ચોક્કસથી કંઈક ગડબડ છે.

"તેમના પરિવારજનો દબાવમાં હતા અને તેઓ વાત કરી રહ્યાં ન હતા.

"પત્રિકાની ખબરમાં જે સવાલ ઉઠાવાયા છે તેનાથી આ મૃત્યુ પર શંકા થવી સ્વાભાવિક છે. ત્રણ વર્ષ બાદ પણ આ મામલે કેમ વાત ન થવી જોઈએ?"

Image copyright Getty Images
ફોટો લાઈન એન્કાઉન્ટર મામલાને સુપ્રીમ કોર્ટે ગુજરાતથી મહારાષ્ટ્ર ટ્રાન્સફર કર્યો હતો

લોયા લાતૂર બાર એસોસિયેશનના સભ્ય પણ રહી ચૂક્યા છે અને તે તેમનું ગૃહનગર પણ છે.

તેઓ મુંબઈમાં રહેતા હતા, પરંતુ લાતૂર અવરજવર કરતા હતા. ગવારે કહે છે કે, વર્ષ 2014માં લોયા દિવાળી પર ઘરે આવ્યા હતા.

તેમનું કહેવું છે, "લોયાજી ખૂબ જ હસમુખ વ્યક્તિ હતા, પરંતુ દિવાળી પર ઘરે આવ્યા હતા તો તેઓ દબાવમાં હતા.

લોયાજીએ કહ્યું હતું કે તેમને ફોન ન કરવામાં આવે, કેમ કે એક સંવેદનશીલ મામલાની સુનાવણી કરી રહ્યા છે."

સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલાની સુનાવણી કરી રહેલા જજની વર્ષ 2014માં બદલી કરી દેવાઈ હતી, ત્યારબાદ લોયાને તેમના સ્થાને જજ બનાવાયા હતા.

ગવારે કહે છે કે લોયા કહેતા હતા કે એન્કાઉન્ટર મામલે મોટી ચાર્જશીટ તેમની પાસે આવી છે જે તેમણે જોવાની છે.

અન્નારાવ અને ગવારે બન્ને કહે છે કે જજ લોયા એક યોગ્ય અને ઈમાનદાર વ્યક્તિ હતા. તેમના મૃત્યુની પરિસ્થિતિઓ શંકાસ્પદ છે તે માટે તપાસ થવી જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો