શાહે 'મન કી બાત' દરિયાપુરમાં કેમ સાંભળી?

મન કી બાતના સંબોધન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી Image copyright narendramodi.in
ફોટો લાઈન ફાઇલ

મોદીની 'મન કી બાત' કાર્યક્રમ સાથે ભાજપે ચાય પે ચર્ચાનું આયોજન કર્યું હતું.

કેબિનેટ મંત્રીઓ સાથે ભાજપના અનેક નેતાઓએ વિવિધ બૂથ પર જઈને લોકોની સાથે 'મન કી બાત' સાંભળી હતી અને લોકો સાથે ચર્ચા કરી હતી.

અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દરિયાપુરમાં જઈને મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું પસંદ કર્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

શહેરમાં અમિત શાહે દરિયાપુરને જ કેમ પસંદ કર્યું? આ સંદર્ભે બીબીસીએ રાજકીય વિશ્લેષકો, વરિષ્ઠ પત્રકારો અને પક્ષના પ્રવક્તાઓ સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો.

Image copyright Getty Images
ફોટો લાઈન ફાઇલ તસવીર

બીબીસી સાથેની વાતચીતમાં મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીના ચાન્સેલર ઝફર સરેશવાલા કહે છે, "2012ની ચૂંટણીઓમાં અમદાવાદમાં 80 ટકા મુસ્લિમ મતદારોને આવરી લેતા વિસ્તારોમાં ભાજપ અને નરેન્દ્ર મોદીએ આઠ સભાઓ યોજી હતી."

સરેશવાલા ઉમેરે છે, "એક તરફ રાહુલ ગાંધી છે જેમણે તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન મંદિરોમાં મુલાકાત લીધી પણ એક પણ મસ્જિદની મુલાકાત નથી લીધી.

એટલે ક્યાંક ને ક્યાંક એ વાત ફલિત થાય છે કે, કોંગ્રેસ તેની મુસ્લિમ વોટબેંક ખોઈ રહી છે. મુસ્લિમોનો ભાજપ પ્રત્યેનો અભિગમ બદલાયો છે."

Image copyright Twitter/Amit Shah

બીબીસી સાથેની વાતચીતમાં વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખે કહ્યું, "જેમ સદભાવના યાત્રાથી મોદીએ મુસ્લિમ મતદારોને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો, તે રીતે પક્ષે એ દિશામાં સક્રિય રહેવાનું પસંદ કર્યું છે."

"એક તરફ જ્યાં કોંગ્રેસ સોફ્ટ-હિંદુત્વ અપનાવી રહ્યું છે અને મુસ્લિમો એક પ્રકારે અસલામતીની ભાવનાથી પીડાઈ રહયા હોય, તેવા સંજોગોમાં ભાજપ આ પરિસ્થિતિનો લાભ લઈને મુસ્લિમ મતદારોને તેની તરફ રિઝવવા માગતું હોય તેવું લાગે છે."

પરીખ કહે છે, "મોટાભાગના શહેરી મતક્ષેત્રોમાં જ્યાં મુસ્લિમ મતદારોના મતો નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે."

"તેવા વિસ્તારોમાં ભાજપ એટલે સક્રિય છે, કારણ કે એક કે બે ટકા વોટ-સ્વિંગ તેમની તરફેણમાં આવે, તો હાલની પરિસ્થિતિમાં એ ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે."

પરીખ ઉમેરે છે કે, હાલની રાજકીય પરિસ્થિતિમાં જ્યા ગુજરાતમાં શાસક પક્ષ ભાજપની સામે પાટીદાર, દલિતો અને અન્ય જ્ઞાતિઓના સરકાર વિરુદ્ધના આંદોલનો સક્રિય રીતે ચલાવી રહી છે.

આવા સંજોગોમાં મુસ્લિમ મતોને પણ ભાજપ એટલે મહત્વ આપી રહ્યું છે, કારણ કે આ મતો નિર્ણાયક સાબિત થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો