દોઢ લાખ બાળકીઓનાં જીવનમાં પરિવર્તન

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ત્રીસ લાખ બાળકીઓને ભણાવી છે ‘એજ્યુકેટ ગર્લ્સ’એ

તમે નજરે જુઓ નહિ ત્યાં સુધી માનો નહીં કે એક રાજસ્થાની છોકરીએ શાળાએ જતાં પહેલાં કેટલું કામ કરવું પડે છે. ઘરનાં કામ કરવામાં સ્કૂલ તેની પ્રાથમિકતામાં નથી આવતી.

ભારતનાં એક શિક્ષિકાના પ્રયત્ન અને પ્રેરણાથી ત્રીસ લાખ બાળકીઓને ભણવા માટે પ્રોત્સાહન આપે છે અને તેમનાં જીવનને બદલી રહી છે.

ભાગવંતી લસી રામ દિવસની શરૂઆત રોટલી બનાવવાથી કરે છે. તે તવા પર ધ્યાનથી રોટલી શેકે છે, પછી મરઘીને ચણ નાખે છે. વાળ ધુએ છે. એક કામ પતે ન પતે ત્યાં પિતા તેને બીજું કામ યાદ કરાવે છે.

તેણે બકરીઓને પણ ચારવા લઈ જવાની હોય છે, બકરી રાહ નથી જોતી. અંતે તે વાળ ઓળી, દુપટ્ટો નાખીને ચાર કિમી દૂર આવેલી સ્કૂલે જવા નીકળે છે.

ભાગવંતી કહે છે, "મારા ગામની ઘણી છોકરીઓ સ્કૂલે જતી નથી, કેમ કે શાળા બહુ દૂર છે. જો અમારા જ ગામમાં સ્કૂલ હોત, જે 15 વર્ષના વિદ્યાર્થીઓને ભણાવતી હોત તો ગામની છોકરીઓ પણ ભણી હોત.

"છોકરીઓ સ્કૂલે જતાં ડરે છે, કેમ કે હાઈવે પાર કરવાનો હોય છે, તે હાઈવે પર ઘણા દારૂડિયા ડ્રાઇવરો હોય છે."

'એજ્યુકેટ ગર્લ્સ' સ્વયંસેવકોની ટીમથી ચાલે છે. જે ઘરેઘરે જઈને શાળાએ ન જતી છોકરીઓને શોધે છે.

તેઓ તેમના પરિવાર સાથે ભણતરના મહત્ત્વની વાત કરે છે અને સમજાવે છે કે છોકરીઓને શાળાએ મોકલવી જરૂરી છે.

પછી તેઓ સમુદાય સાથે બેસીને આ છોકરીઓને સ્કૂલમાં ફરીથી એડમીશન મળે તે માટે સમુદાય આધારિત પ્રયત્નો હાથ ધરે છે.

સમુદાયના સ્વયંસેવકો ગામડાંની સ્કૂલો સાથે કામ કરે છે. તેઓ નિશ્ચિત કરે છે કે છોકરીઓ સુરક્ષિત રહે અને તેમને શૌચાલયની અલાયદી સુવિધા મળે.

ટીમના સ્વયંસેવકો સરકારી શાળાઓમાં જઈને અંગ્રેજી, ગણિત અને હિંદી ભણાવે છે.

છેલ્લાં દસ વર્ષમાં તેમણે ભણતર અધવચ્ચેથી છોડીને જતી રહેલી દોઢ લાખ (150000) બાળકીઓને શોધી કાઢી છે ને ફરીથી સ્કૂલમાં મૂકી છે.

'એજ્યુકેટ ગર્લ્સ'નાં મીના ભાટી આપણને એવા ઘરે લઈ જાય છે, જ્યાં એક જ ઘરની 14 છોકરીઓનાં લગ્ન સગીર વયે કરી દેવામાં આવ્યાં હતા. હવે પાંચમી છોકરી પણ 14 વર્ષની ઉંમરે સ્કૂલમાંથી ઊઠી ગઈ છે.

મીના કહે છે, "મારાં માતા-પિતાને લાગે છે કે છોકરીઓ માટે ભણતરનો કોઈ અર્થ નથી. તેઓ ઘરનાં કામ કરવા માટે છે.

"જ્યારે માતા-પિતા ખેતમજૂરીએ જાય ત્યારે ઢોરનું ધ્યાન રાખવા અને ઘરનાં નાનાં છોકરાંઓની ધ્યાન રાખવા માટે છોકરીઓ હોય છે. છોકરી માટે ભણતર એ સમય બગાડવાની વાત છે."

સફીના હુસેન, જેમણે 'એજ્યુકેટ ગર્લ્સ'ની સ્થાપના કરી તે માને છે કે આજે તેઓ જે કંઈ પણ છે તે પોતાના ભણતરના કારણે છે.

એક અંદાજ મુજબ, ભારતમાં 10 થી 14ની વયની ત્રીસ લાખ બાળકીઓ છે જે સ્કૂલે નથી જતી.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
BBC INNOVATORS: ભણવા માગતી બાળકીઓ માટે વરદાન છે 'એજ્યુકેટ ગર્લ્સ' સંસ્થા

છોકરીઓ માટે અધવચ્ચે શિક્ષણ છોડી દેવાનું કારણ તેમનાં વહેલાં લગ્ન કરી દેવાય તે છે. રાજસ્થાનમાં લગભગ 50થી 60 ટકા છોકરીઓનાં લગ્ન 18 વર્ષથી ઓછી વયે થઈ જાય છે.

આશરે 10-15 ટકા જેટલાં બાળકોનાં લગ્ન દસ વર્ષની વયે થઈ જાય છે.

યુનિસેફના આંકડા પ્રમાણે, અન્ય કોઈ દેશની સરખામણીએ ભારતમાં સૌથી વધારે બાળકીઓનાં લગ્ન થાય છે. લગભગ અડધોઅડધ ભારતીય મહિલાઓનાં લગ્ન 18 વર્ષથી ઓછી ઉંમરે થઇ ગયાં હોય છે.

'એજ્યુકેટ ગર્લ્સ'ની ટીમનાં એક સભ્ય નીલમ વૈષ્ણવ પોતે પણ આ અનુભવમાંથી પસાર થઈ ચૂક્યાં છે. નીલમનાં લગ્ન 14 વર્ષની વયે તેમનાં ભાભીના ભાઈ સાથે થયાં હતાં.

નીલમ તેમનાં પતિને ઘરે રહેવા જતાં રહ્યાં. તેમને ભરોસો અપાયો હતો કે તેમનું ભણતર નહિ અટકે. પરંતુ નીલમનાં સાસરિયાંઓએ કર્યો, ત્યારે નિલમે લગ્ન તોડવાનો નિર્ણય કર્યો.

નીલમ કહે છે, "જ્યારે મેં લગ્નનો અંત આણવાનો નિર્ણય કર્યો, ત્યારે મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ગામના લોકોએ મને ટોણા માર્યા, હજી પણ મારે છે. મારાં સાસરિયાંઓએ મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યા."

ભાગવંતીએ કહ્યું, "ભણવાનું પૂરું કરીને મારે શિક્ષક થવું છે અને બીજી છોકરીઓને ભણાવવી છે, કેમ કે ભણતરથી આત્મવિશ્વાસ વધે છે.

"જો મારામાં પગભર થવાની તાકાત હોય તો હું નોકરી કરીને મારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થઈ શકું છું."

આ સાંભળીને સફીનાને ઘણી ખુશી થાય છે, કેમ કે તેઓ માને છે કે સ્ત્રી જ્યારે પરિવારમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય ત્યારે તેનું શિક્ષણ ઘણી સમસ્યાઓને ઉકેલી શકે છે.

યુનેસ્કોના આંકડા પ્રમાણે સ્કૂલનું દરેક વર્ષ એક મહિલાની આવકમાં વીસ ટકા વૃદ્ધિ કરે છે. તેમજ બાળમૃત્યુના આંકડામાં પણ 5થી 10 ટકા ઘટાડો થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો