નરેન્દ્ર મોદી: ઇંદિરા ગાંધીને હોનારતની દુર્ગંધ આવતી હતી

મોદીની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન વડાપ્રધાન મોદીએ આજે મોરબીમાં સભા સંબોધી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ જાહેર સભા મોરબીમાં કરી હતી.

પોતાની આગવી શૈલીમાં તેમણે મોરબીવાસીઓને મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટનાને યાદ કરવાની સાથે સાથે એ જ ઘટનાનાં સંદર્ભમાં તત્કાલીન વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ તેમની મોરબી મુલાકાત દરમિયાન મોંઢા પર રૂમાલ મૂકેલાં ચિત્રલેખા સાપ્તાહિકનાં કવર પેજનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે આ સાપ્તાહિકના કવર પેજનો ઉલ્લેખ કરીને કહ્યું, “એ વખતે શ્રીમાન રાહુલ ગાંધી આપનાં દાદીમાં મોરબી આવ્યા હતાં."

"ઇંદિરાબહેન મોરબી આવ્યાં હતાં. એ વખતે ઇંદિરા ગાંધી દુર્ગંધથી બચવા માટે મોં પર રૂમાલ રાખીને આમતેમ જવાની કોશિશ કરતાં હતાં. એ ફોટા નીચે લખ્યું હતું. માનવતાની મહેક, રાજકીય ગંદકી.”

તમને આ પણ વાંચવું ગમશે

તેમણે વધુમાં જણાવ્યું, “દુ:ખના દિવસોમાં પણ જેમને પોતાની જ પડી હોય એ લોકો ક્યારેય તમારા સુખને માટે કશું પણ નથી કરવાના એનો તમને ભરોસો હોવો જોઈએ.


મોરબી સભામાં મોદીનાં ભાષણના મુખ્ય મુદ્દા

Image copyright Chitralekha
 • હું બનારસમાં ચૂંટણી લડવા ગયો ત્યારે લોકોને સુરત, અમદાવાદ, રાજકોટ, મહેસાણા જેવો મોટા શહેરોની તો ખબર હોય પણ લોકોને મોરબીની પણ ખબર હતી. ટાઇલ્સના વેપારમાં મોરબી મારા પહેલાં બનારસ પહોંચી ગયું હતું.
 • સગો એ દુઃખમાં સાથ પૂરાવતો હોય. બાકી મલાઈ ખાવાવાળા તો વાર તહેવારે નીકળી પડતા હોય છે.
 • કોંગ્રેસનું વિકાસનું મૉડલ એટલે હેન્ડપંપ.
 • ગુજરાતના વિકાસનું મૉડલ એટલે નર્મદાનાં પાણીના પાઈપલાઇનની પાણીની સૌની યોજના.
 • કોંગ્રેસવાળા એક હેન્ડપંપ પર ત્રણ ત્રણ ચૂંટણીમાં વોટ પડાવી જતા હતા.
 • અમારાથી જીએસટીમાં જે કંઈ ચૂક રહી ગઈ હોય અને જનતા જનાર્દનનો ફિડબેક આવે તો સુધારો કરવાનો તૈયાર છીએ.
 • નવા બુદ્ધિમાન લોકો, નવા અર્થશાસ્ત્રીઓ, ગ્રાન્ડ સ્ટુપીડ થોટ એટલે જીએસટી કરવા માગે છે. કહે છે, એ બધું જ 18 ટકા કરી દેશે. મીઠું અને સીગારેટ બધું 18 ટકાએ કેવી રીતે મૂકાય.
 • મોરબી અને સમગ્ર ગુજરાત વિકાસની વાત બરાબર સમજે. નર્મદા પહેલાંનું કચ્છ સૌરાષ્ટ્ર, અને નર્મદા પછીનું કચ્છ સૌરાષ્ટ્ર, ભાજપ પહેલાંનું કચ્છ સૌરાષ્ટ્ર અને ભાજપ પછીનું કચ્છ સૌરાષ્ટ્ર જુઓ ત્રાજવે તોલી જુઓ. જો જરા પણ ચૂક મળે તો અમને લાત મારીને કાઢી મૂકજો.

પ્રાચીમાં નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય મુદ્દા

 • સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો સોમનાથનું ભવ્ય મંદિર બન્યું હોત? આજે જે લોકોને સોમનાથદાદા યાદ આવે છે એમને મારે પૂછવું છે કે તેમને ઇતિહાસ ખબર છે? સરદાર વલ્લભભાઈ પટેલે મંદિરનો પુનરોદ્ધાર કરી જ્યારે ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોમનાથ મંદિર આવવાનું આમંત્રણ આપ્યું હતું ત્યારે જવાહરલાલ નહેરુએ તેમને પત્ર લખી સોમનાથ મુલાકાત મુદ્દે નારાજગી વ્યકત કરી હતી.
 • ઓબીસીના હકને રોકવાનું કામ કોંગ્રેસે કર્યું છે. ઓબીસીના હક માટે અમે બંધારણીય કાયદો લાવીશું.
 • કોંગ્રેસને દેશના સૈનિકો સામે શું વાંધો છે? તેમણે 'વન રેન્ક વન પેન્શન'નો કાયદો લાવવામાં અડચણો ઊભી કરી.
 • દિલ્હીમાં પહેલીવાર ગરીબો માટે કામ કરતી સરકાર છે. દિલ્હીની તિજોરી દેશના ગરીબો માટે છે.
 • અમે સમુદ્રતટીય વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડ્યું અને માળખાકીય સુવિધાઓ ઊભી કરી.માછીમારો માટે કામ કર્યું.
 • સમુદ્રની તાકાતનો ઉપયોગ કરી બ્લૂ રિવોલ્યુશન માટે અભિયાન હાથ ધર્યું છે. કેરી ઊગાડનારા લોકોના લાભ માટે આ સરકારે કામ કર્યું.
 • જુઠ્ઠાણું ફેલાવવામાં કોંગ્રેસીઓએ પીએચ.ડી. કરી છે.
 • આ વિસ્તારમાં ખાંડની ફેક્ટરીઓના ઘણાં પ્રશ્નો હતા. જેના માટે અમે મહત્વની નીતિઓ બનાવી છે.
 • દિલ્હીમાં હું છું, હવે અહીં મારા સાથીઓને તક આપો. કોંગ્રેસને હવે ધરતી કે જનતા સાથે કોઈ નાતો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો