ગુજરાતના આ ખેડૂત દાડમ વાવી બન્યા લખપતિ
- વિનીત ખરે
- બીબીસી સંવાદદાતા, બનાસકાંઠા
ગુજરાત : બનાસકાંઠાના એક પોલીયોગ્રસ્ત ખેડૂતની પ્રેરણાદાયી કહાણી
આજથી 13 વર્ષ પહેલાં બનાસકાંઠામાં કોઈએ દાડમની ખેતી વિશે વિચાર્યું ન હતું.
પરંતુ આજે આ વિસ્તાર દાડમની ખેતી માટે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે.
આજે અહીં ચારે બાજુ દાડમથી લદાયેલી વાડીઓ જોવા મળે છે.
વાડીઓની ઉપર લાંબી ચમકવાળી પટ્ટીઓ લગાડવામાં આવી છે જેથી પક્ષીઓ તેનાથી દૂર રહે.
જમીનને વધારે ઊપજ આપતી બનાવનારા હીરો છે પોલિયોગ્રસ્ત ખેડૂત ગેનાભાઈ પટેલ.
વિદેશમાં થાય છે નિકાસ
આજે બનાસકાંઠાનાં દાડમની શ્રીલંકા, મલેશિયા, દુબઈ અને યુએઈ જેવા દેશોમાં નિકાસ થાય છે.
છેલ્લાં 12 વર્ષોમાં અંદાજે 35 હજાર હેક્ટરમાં ત્રણ કરોડ દાડમના છોડ ઉછેરવામાં આવ્યા છે.
અહીંનાં દાડમ ખરીદવા માટે દિલ્લી, મુંબઈ, કોલકતા જેવા શહેરોમાંથી ખરીદાનાર આવે છે.
એસડી એગ્રિકલ્ચર યુનિવર્સિટીના ડૉક્ટર કે એ ઠક્કર કહે છે, "ગેનાભાઈએ વૈજ્ઞાનિકોની મદદથી પહેલાં પોતે દાડમની ખેતી શરૂ કરી."
"એ પછી તેમણે આજુબાજુનાં ગામોના ખેડૂતોને આ ખેતી વિશે સમજાવ્યું."
ખેડૂતોની મદદ માટે હંમેશાં તૈયાર
જો કોઈ ખેડૂત દાડમની ખેતી કરવામાં મદદ માંગે તો ગેનાભાઈ તરત જ પોતાની ગાડી લઈને મદદ કરવા પહોંચી જાય છે.
બનાસકાંઠામાં 'સરકારી ગોડિયા' ગામમાં માટીથી લિપાયેલું ગેનાભાઈનું ઘર દાડમના છોડથી ઘેરાયેલું છે.
ઘરની ઓસરીમાં ચારે તરફ દિવાલો પર અલગ અલગ કાર્યક્રમોમાં લીધેલા તેમના ફોટા લગાડેલા છે.
વાંસના ટેકે ઊભેલા છોડ પર દરેક સાઈઝનાં દાડમ લટકેલાં છે અને ઝાંકળથી બચાવવા માટે તેના પર કપડું વીંટવામાં આવ્યું છે.
ઝાંકળ દાડમને કાળાં કરી દે છે
દેશી ઘીમાં ડૂબેલો બાજરાનો રોટલો, બટાકાનું શાક, કઢી અને શીરાનું ભોજન જમતા તેમણે પોતાની વાતની શરૂઆત કરી.
નાનપણમાં તેમના ભાઈઓ તેમને ખભા પર બેસાડી સ્કૂલે લેવા મૂકવા જતા હતા.
માતાપિતા ઇચ્છતા હતા કે તેઓ સારો અભ્યાસ કરે કારણ કે તેમને લાગતું હતું કે બીમારીના કારણે ખેતરમાં કામ નહીં કરી શકે.
સ્કૂલમાં બાર ધોરણ સુધી ભણ્યા, પરંતુ આગળનું ભણતર ક્યાં અને કેવી રીતે કરવું એ જાણકારી ન હતી.
એક દિવસ ભાઈને ટ્રેક્ટર ચલાવતા જોઈને તેમને ટ્રેક્ટર ચલાવવાનું મન થયું.
હાથથી ક્લચનો ઉપયોગ કરી શકે તેવું હૅન્ડલ બનાવવામાં આવ્યું અને ટ્રેક્ટરનું કામ તેઓ કરવા લાગ્યા.
એ કહે છે, "હું હંમેશાં સકારાત્મક વિચારો રાખું છું. આ કામ ના થઈ શકે એવું હું ક્યારેય વિચારતો નથી."
"મારાથી આ નહીં થઈ શકે એવું મેં ક્યારેય વિચાર્યું નથી. હું બીજા લોકોને જોઈને વિચારતો કે હું આ કામ કરી શકું કે નહીં."
સ્થાનિક બજારમાં ભાવ ના મળ્યો
પરંપરાગત ખેતીથી ઘર ચલાવવું અઘરું પડતું હતું. એ કંઈક નવું કરવા માંગતા હતા.
વર્ષ 2004માં ગેનાભાઈ મહારાષ્ટ્રથી દાડમના છોડ લઈને આવ્યા.
એ કહે છે, "હું એવો પાક ઇચ્છતો હતો જે ચાર, છ કે આઠ મહિનામાં જ ફળ આપવા લાગે અને જેની વર્ષો સુધી આવક મળતી રહે."
"બટાકા, ઘઉંનો પાક લેતા આજુબાજુના બીજા ખેડૂતોએ માન્યું કે ગેનાભાઈ ગાંડા થઈ ગયા છે. એ તેમને કહેતા કે એ મોટી ભૂલ કરી રહ્યા છે."
"સમય વીતતો ગયો અને દાડમનો પાક તૈયાર થઈ ગયો. હવે તેને વેચવા કેવી રીતે એ મોટો પડકાર હતો. આજુબાજુનાં બજારોમાં લોકો કોડીઓનો ભાવ આપી રહ્યા હતા."
"જ્યારે એક સ્થાનિક કંપની ગેનાભાઈને 42 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ આપવા તૈયાર થઈ ત્યારે તેમના ચહેરા પર સ્મિત આવ્યું. આ ભાવથી તેમને લાખોનો નફો થયો."
ટપક પદ્ધતિથી મળી મદદ
દાડમના વધારે સારા ભાવ માટે ગેનાભાઈએ તેમના ભત્રીજા સાથે મળીને ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો અને તેમના ઘરની બહાર દાડમ ખરીદનારાઓની લાઇન લાગી ગઈ.
વર્ષ 2010 સુધી એમના 80 ટન દાડમ 55 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યાં હતાં. જેનાથી એમનો 40 લાખથી વધારેનો માલ વેચાયો.
ત્યારબાદ આજુબાજુના ખેડૂતોએ પણ ઉત્સુકતા દેખાડી અને ચારે બાજુ દાડમની વાડીઓ દેખાવા લાગી.
ટપક સિંચાઈ પદ્ધતિની મદદથી ખેતી કરવાથી પાકને ફાયદો થયો.
પોતાની કારમાં સવાર થઈ ગેનાભાઈ જ્યાં પણ જાય છે લોકો તેમને માનથી 'રામ-રામ' કહે છે.
આ વર્ષે 26 જાન્યુઆરીની પરોઢે ગેનાભાઈના મોબાઈલની રીંગ વાગી.
ફોનની બીજી તરફ કોઈએ તેમને સભ્ય ભાષામાં એમનું નામ પૂછ્યું, પછી તેમને પદ્મશ્રી માટે અભિનંદન પાઠવ્યાં.
ગેનાભાઈને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે. પરંતુ જ્યારે પત્રકારોના ફોન આવવા લાગ્યા તો એમનો હરખ ના સમાયો.
તેમનું કહેવું છે કે વડા પ્રધાનને મળીને વાઘા બૉર્ડરની જેમ અહીંથી 100 કિમી દૂર બનાસકાંઠાની સરહદે આવેલા પાકિસ્તાનના એન્ટ્રી પોઇન્ટ પર એક ગેટ બનાવવા માટે કહીશ જેથી વેપાર વધી શકે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો