ફરી એકવખત શા માટે ભાવો વધ્યા? ડુંગળી વિશે આ બધું જાણો છો તમે?

ડુંગળીની ગુણ ઉંચકી રહેલા મજૂરનો ફોટોગ્રાફ Image copyright AFP
ફોટો લાઈન ડુંગળી મૂળ ભારતની પેદાશ નથી

રાજધાની દિલ્હીમાં એક કિલો ડુંગળીનો ભાવ 50 રૂપિયાના આંકને પાર કરી ગયો છે, જ્યારે દેશના અન્ય શહેરોમાં પણ ડુંગળીનો ભાવ 50થી 60 રૂપિયાની વચ્ચે જ છે.

ડુંગળી એક એવી ખાદ્યસામગ્રી છે જે સરકારોને હચમચાવવાની તાકાત ધરાવે છે.

સતત વધી રહેલા ભાવને કારણે દેશનાં રસોડાંઓમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ છે.

શું તમે એ જાણો છો કે જે ડુંગળી પર ભારતીયો ફિદા છે એ મૂળ ભારતની પેદાશ નથી.

તમને આ પણ વાંચવું ગમશે


ડુંગળીનો તિહાસ

Image copyright ASHWIN AGHOR
ફોટો લાઈન વિશ્વના ડુંગળીના કુલ ઉત્પાદન પૈકીનું 45 ટકા ચીન અને ભારતમાં થાય છે

4,000 વર્ષ પહેલાંથી ડુંગળીનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં કરવામાં આવતો રહ્યો છે. તેનું મુખ્ય કારણ ડુંગળીની પૌષ્ટિકતા છે.

મેસોપોટેમિયા કાળના એક લેખમાંથી આ વાત જાણવા મળી હતી. એ લેખ ફ્રેન્ચ પુરાતત્વ નિષ્ણાતે 1985માં સૌથી પહેલાં વાંચ્યો હતો.

આજે દુનિયાના લગભગ દરેક દેશમાં ડુંગળીની ખેતી કરવામાં આવે છે.

વિશ્વના કુલ સાત કરોડ ટનના ઉત્પાદન પૈકીની 45 ટકા ડુંગળીનું ઉત્પાદન ચીન અને ભારતમાં જ થાય છે.

જોકે, ડુંગળી ખાવાની બાબતમાં આ બન્ને દેશ મોખરે નથી.

સંયુક્ત રાષ્ટ્રએ 2011માં કરેલા એક અભ્યાસના તારણ અનુસાર, લીબિયામાં દરેક વ્યક્તિ વર્ષમાં સરેરાશ 33.6 કિલો ડુંગળી ખાય છે.


કેટલી પૌષ્ટિક હોય છે ડુંગળી?

Image copyright AFP
ફોટો લાઈન ડુંગળીમાં મોટા પ્રમાણમાં પૌષ્ટિક તત્વો હોય છે

ડાયટિશન ડો. અર્ચના ગુપ્તાના જણાવ્યા અનુસાર, ''ડુંગળી લો કેલેરી ફૂડ છે."

"તેમાં નહીંવત ચરબી હોય છે, પણ વિટામીન-સી ભરપૂર માત્રામાં મળે છે.''

ડો. અર્ચના ગુપ્તાએ કહ્યું હતું, ''100 ગ્રામ ડુંગળીમાં ચાર મિલિગ્રામ સોડિયમ, એક મિલિગ્રામ પ્રોટીન, 9-10 મિલિગ્રામ કાર્બોહાઈડ્રેટ અને ત્રણ મિલિગ્રામ ફાઈબર જેવાં પૌષ્ટિક તત્વો હોય છે.''

આ કારણસર ડોક્ટર કાંદા ખાવાની સલાહ આપે છે.

કેન્સરના દર્દીઓએ કાંદા ખાવા વધારે જરૂરી હોય છે, કારણ કે તેમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ વધુ માત્રામાં હોય છે.


શા માટે વધ્યા ડુંગળીના ભાવ?

Image copyright AFP
ફોટો લાઈન માગ અને પૂરવઠા વચ્ચેનું અંતર વધવાને કારણે ડુંગળીના ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવે છે

દિલ્હીના આઝાદપુર મંડીમાં કાંદાનો જથ્થાબંધ વેપાર કરતા રાજેન્દ્ર શર્માના જણાવ્યા અનુસાર, ''માગ અને પૂરવઠા વચ્ચેનું અંતર વધવાને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે.''

''છેલ્લા એક-દોઢ વર્ષથી ખેડૂતોને ડુંગળીના પાકનો યોગ્ય ભાવ મળ્યો નથી.''

''તેથી ખેડૂતોએ કાંદા ઉગાડવાનું ઘટાડતાં આ વર્ષે પાક ઓછો થયો છે.''

ભારતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં થાય છે.

એ ચારેય રાજ્યોમાં આ વર્ષે પડેલા વધારે વરસાદને કારણે ડુંગળીના પાકનો સોથ વળી ગયો હતો.

રાજેન્દ્ર શર્માએ કહ્યું હતું, ''દિલ્હીમાં ડુંગળીના ભાવ વધવા પાછળ મધ્ય પ્રદેશ સરકારનો હાથ પણ છે.''

''ખેડૂતોને યોગ્ય ભાવ આપવા માટે મધ્ય પ્રદેશ સરકારે મોટા પ્રમાણમાં ડુંગળીની ખરીદી કરી હતી.''

''જોકે, તેના સ્ટોરેજ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે મોટાભાગની ડુંગળી ખરાબ થઈ ગઈ હતી.''


સસ્તા ભાવે ખરીદી, ઊંચા ભાવે વેચાણ

Image copyright iStock
ફોટો લાઈન જથ્થાબંધ માર્કેટથી ઘર સુધી પહોંચતાં ડુંગળીનો ભાવ લગભગ બમણો થઈ જાય છે

મહારાષ્ટ્રની જથ્થાબંધ માર્કેટમાં ડુંગળી આજે પણ પ્રતિ કિલો 26 રૂપિયાના ભાવે વેચવામાં આવી રહી છે.

જોકે, જથ્થાબંધ માર્કેટથી ઘર સુધી પહોંચતાં એ ડુંગળીનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.

તેનું કારણ મહારાષ્ટ્રની લાસલગાંવ માર્કેટના ડુંગળીના જથ્થાબંધ વેપારી જયદત્ત હોલકરે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું ''દિલ્હીના જથ્થાબંધ વેપારીઓ મહારાષ્ટ્રમાંથી 26 રૂપિયા કિલોના ભાવે જે ડુંગળી ખરીદે છે તે છૂટક વેપારીઓને 30-32 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે.''

જથ્થાબંધ હોય કે છૂટક, દરેક વેપારી ખરીદ કિંમત પર પેકિંગ, ટ્રાન્સપોર્ટેશન અને નફો ઉમેરીને દરેક ચીજનો ભાવ નક્કી કરતો હોય છે.

જોકે પૂરવઠો ઓછો હોય ત્યારે વેપારીઓ મનફાવે તેમ નફો રળતા હોય છે.

મહારાષ્ટ્રમાં 26 રૂપિયા કિલોના ભાવે મળતી ડુંગળી દિલ્હીમાં 50-60 રૂપિયા કિલોના વેચાતી હોવાનું એક કારણ આ પણ છે.


Image copyright Getty Images
ફોટો લાઈન પૂરવઠો ઓછો હોય ત્યારે વેપારીઓ મનફાવે તેમ નફો રળે છે

ડુંગળી વિનાનું ભોજન

દિલ્હીનાં ઈંદિરાપુરમમાં રહેતાં કમલા રસ્તા પરની લારીઓમાંથી હમણાં ડુંગળી નથી ખરીદતાં.

પ્રતિ કિલોએ પાંચ રૂપિયાની બચત કરવા માટે કમલા શનિવારના સાપ્તાહિક બજારમાંથી ડુંગળી ખરીદવાનું યોગ્ય ગણે છે.

તેનું કારણ બીબીસીએ પૂછ્યું ત્યારે કમલાએ કહ્યું હતું, ''મારા ઘરમાં કાંદા વિનાનું એક પણ શાક બનતું નથી."

"દાળના વઘારથી માંડીને દરેક પ્રકારના પરોઠામાં હું ડુંગળીનો ઉપયોગ કરું છું.''

મૂળ ઉત્તર પ્રદેશનાં રહેવાસી કમલાના જણાવ્યા અનુસાર, તેમના પિયર કે સાસરામાં ડુંગળી વિનાનું ભોજન બનાવવાનું ચલણ જ નથી.

જોકે, તહેવારો વખતે કે વ્રત દરમ્યાન ભોજનમાં ડુંગળીનો ઉપયોગ કરવામાં આવતો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો