પ્રેસ રિવ્યૂ: ફોર્મ પાછું ખેંચવા અપક્ષ ઉમેદવારોને લ્હાણી

ભાજપ અને કોંગ્રેસના ધ્વજ Image copyright Getty Images
ફોટો લાઈન અપક્ષ ઉમેદવારો મૂકી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ પાસે મનગમતી માગ

નવગુજરાત સમયના અહેવાલ પ્રમાણે, ચૂંટણીના પ્રથમ તબક્કાના ઉમેદવારોને ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસ પહેલાં અપક્ષ ઉમેદવારો પર ભાજપ-કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

કેટલાક અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવા 10 હજારથી રૂપિયાથી લઈ એક કરોડ રૂપિયા સુધીની રાજકીય પક્ષો પાસે માગ કરી છે.

અમદાવાદમાં એક અપક્ષ ઉમેદવારે લગ્ન પ્રસંગનો ખર્ચ માગ્યો છે. આ સિવાય કોઈએ નવી કાર તો કોઈએ ફ્લેટ માગ્યો હોવાનું અહેવાલમાં કહેવાયું છે.

અમદાવાદના એક અપક્ષ ઉમેદવારે પોલીસ રક્ષણ માગતા ગણતરીના સમયમાં જ પોલીસ રક્ષણ ફાળવી દેવાયું હતું.


રાહુલ જનોઈધારી હિંદુ: કોંગ્રેસ

Image copyright FACEBOOK/INCGujarat
ફોટો લાઈન 'રાહુલે પોતાની સાચી ઓળખ આપીને કંઈ ખોટું કર્યું નથી'

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે, રાહુલ ગાંધીએ સોમનાથની મુલાકાત વખતે બિનહિંદુ તરીકે રજિસ્ટરમાં નોંધ કરી હોવાના અહેવાલોએ વિવાદને જન્મ આપ્યો છે.

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ પ્રતિક્રિયા આપતા રાહુલે આવી કોઈ નોંધ કરી ન હોવાનો દાવો કર્યો હતો.

નવગુજરાત સમયના અહેવાલ મુજબ, આ અંગે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે રાહુલે પોતાની સાચી ઓળખ આપીને કંઈ ખોટું કર્યું નથી.

રાહુલ ગાંધીના મીડિયા કોઓર્ડિનેટર મનોજ ત્યાગીએ આ રજિસ્ટરમાં રાહુલ ગાંધી અને અહેમદ પટેલના નામની નોંધ કરી હતી.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા બે વર્ષ પહેલાં મંદિરમાં બિનહિંદુઓને પ્રવેશ પર રજિસ્ટરમાં નોંધનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો હતો.


અરુણાચલમાં સિયાંગ નદીનું પાણી થયું કાળું

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક - અરુણાચલ પ્રદેશના તવાંગની તસવીર

સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ, અરુણાચલ પ્રદેશની જીવાદોરી ગણાતી સિયાંગ (બ્રહ્મપુત્રા) નદીનું પાણી એટલું ગંદું થઇ ગયું છે કે કોઇ કામનું રહ્યું નથી.

પૂર્વ સિયાંગ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ટામ્યો ટટકે જણાવ્યું હતું કે, નદીની અંદરથી કાળી સિમેન્ટ જેવો પદાર્થ નીકળે છે. પાછલા દિવસોમાં નદીમાં માછલી પણ મોટા જથ્થામાં મૃત જોવા મળી હતી.

અહેવાલ મુજબ લોકોએ શંકા વ્યક્ત કરી છે કે ચીની સરકાર સિયાંગ નદીને વાળી રહી છે. લોકસભાના સભ્ય નોનિંગ એરિંગે વડાપ્રધાનને પત્ર લખી આ ઘટનાને અસામાન્ય ઘટના ગણાવી છે.

નવગુજરાત સમયના અહેવાલ મુજબ, ચીને આ ઘટનામાં પોતાનો હાથ હોવાની શંકાને નકારી કાઢી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો