દૃષ્ટિકોણ: સોનિયા ગાંધીને પણ ધર્મનો સવાલ પૂછાયો હતો?

મંદિરમાં રાહુલ ગાંધી Image copyright INC TWITTER
ફોટો લાઈન બિનહિંદુઓના રજિસ્ટરમાં રાહુલ ગાંધીએ નામ નોંધાવતા વિવાદ સર્જાયો છે

રાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાતનો મુદ્દો દેશમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાત બાદ તેમના ધર્મને લઈને સવાલો ઉઠ્યા છે.

રાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાત દરમિયાન તેમણે પોતાનું નામ એ રજિસ્ટરમાં નોંધાવ્યું હતું કે જેમાં બિનહિંદુઓનાં નામ લખવામાં આવે છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ વિવાદ થયા બાદ ભાજપ અને કોંગ્રેસે તુરંત જ પ્રતિક્રિયાઓ આપી હતી.

રાહુલ ગાંધીના ધર્મ પર વિવાદ

Image copyright INC TWITTER
ફોટો લાઈન રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા

મોટા પાયે આખી વાત રાહુલ ગાંધીના ધર્મ પર આવીને અટકી છે. ચર્ચા એ વાત પર જામી છે કે રાહુલ ગાંધીનો ધર્મ શું છે?

આવી જ પરિસ્થિતિ વર્ષો પહેલાં પણ ઊભી થઈ હતી જ્યારે રાજીવ ગાંધી રાજકારણમાં પ્રવેશ્યા હતા.

તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ધર્મની જાળમાં ફસાયાં હતાં.

1998માં જ્યારે સોનિયા ગાંધી ઔપચારિક રૂપે કોંગ્રેસમાં જોડાયાં, ત્યારે સોનિયા ગાંધીએ કોઈ પણ પ્રકારના ધર્મને લગતા વિવાદથી પોતાની જાતને દૂર રાખી હતી.

સમીક્ષકોને પણ લાગ્યું કે રાજકીય દબાણમાં આવીને સોનિયા ગાંધી હિંદુત્વની વધુ નજીક આવી ગયા છે.


મંદિરોમાં સોનિયા ગાંધી

Image copyright Getty Images
ફોટો લાઈન સોનિયા ગાંધી પણ મંદિરોની મુલાકાતને લઇને જાળમાં ફસાઈ ચૂક્યાં છે

મૂળ વિદેશી અને ખ્રિસ્તી ધર્મ સાથે સંબંધ ધરાવતાં સોનિયા ગાંધી વિરૂદ્ધ વર્ષ 1999માં લોકસભા ચૂંટણી દરમિયાન સંઘ પરિવારે દેશભરમાં રામ રાજ્ય વિરૂદ્ધ રોમ રાજ્ય નામના અભિયાનની શરૂઆત કરી હતી.

આ મામલે રોમન કેથલિક એસોસિએશન ઑફ ઇન્ડિયાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સોનિયા ગાંધી કેથલિક ધર્મનું પાલન નથી કરી રહ્યાં.

સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીનાં લગ્ન બાદ સોનિયા ગાંધી ઘણી વખત રાજીવ ગાંધી સાથે મંદિરોની મુલાકાત લેતાં હતાં.

તેમનું માથું હંમેશા ઢંકાયેલુ જોવા મળતું હતું. તેઓ ભગવાનની પ્રતિમા સામે ઝૂકીને આશીર્વાદ લેતાં પણ જોવા મળતાં હતાં.

વર્ષ 1989માં પણ ચૂંટણી સમયે સોનિયા ગાંધી રાજીવ ગાંધી સાથે દેવરાહી બાબાના દર્શનાર્થે ગયાં હતાં.

આ બાબા એક લાકડાનાં પાટીયા પર બેસતાં હતાં જે જમીનથી 6 ફૂટ ઊંચે હતું.

આ બાબા આશીર્વાદ પણ કંઈક અલગ જ રીતે આપતા હતા. તેઓ ભક્તોને લાત મારીને આશીર્વાદ આપતા હતા.


બે વખત લીધી અંબાજીની મુલાકાત

Image copyright Getty Images
ફોટો લાઈન સોનિયા ગાંધી બે વખત અંબાજી મંદિરની મુલાકાત પણ લઈ ચૂક્યાં છે

સોનિયા અને રાજીવ ગાંધી ગુજરાતનાં અંબાજી મંદિરની મુલાકાતે પણ આવ્યાં હતાં.

આ પહેલાં વર્ષ 1979-80 દરમિયાન ઇંદિરા ગાંધી સોનિયા ગાંધીને લઇને અંબાજી મંદિર પહોંચ્યાં હતા.

તે સમયે ઇંદિરા ગાંધી સામે ચૂંટણીમાં કરો કે મરોની સ્થિતિ હતી. જો કે મા અંબાજીના આશીર્વાદ તેમની ઉપર વરસ્યા હતા અને તેમને ફરી સત્તા મળી હતી.

વર્ષ 1998ની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી આંધ્ર પ્રદેશ સ્થિત તિરૂપતિ મંદિરની મુલાકાતે પહોંચ્યાં હતાં.

અત્યાર સુધી તો બધું બરોબર રહ્યું, પણ જ્યારે રાજીવ ગાંધી સોનિયા ગાંધીને લઇને નેપાળ પહોંચ્યા ત્યારે મોટો વિવાદ થયો.

વિવાદ પણ એવો કે બન્ને દેશ વચ્ચે સંબંધોમાં પણ ખટાશ આવી ગઈ.


પશુપતિનાથ મંદિરમાં ન મળ્યો પ્રવેશ

Image copyright Getty Images
ફોટો લાઈન રાજીવ ગાંધી સાથે નેપાળ ગયેલા સોનિયા ગાંધીને પશુપતિનાથ મંદિરમાં પ્રવેશ મળ્યો ન હતો

વાત છે વર્ષ 1989ની, જ્યારે રાજીવ ગાંધી સોનિયા ગાંધીને લઇને નેપાળના કાઠમંડુ પહોંચ્યાં હતાં.

નેપાળની આ મુલાકાત દરમિયાન રાજીવ ગાંધી અને રાજા બિરેન્દ્ર વચ્ચે સંબંધો મજબૂત થવાની સંભાવના જોવામાં આવી રહી હતી.

પરંતુ રાજીવ ગાંધીએ સોનિયા ગાંધી સાથે જ્યારે ઐતિહાસિક પશુપતિનાથ મંદિરની મુલાકાત લેવાનો નિર્ણય લીધો, તો આ સંબંધો વણસી ગયા.

તિરૂપતિ અને પુરીની જેમ પશુપતિનાથમાં પણ બિનહિંદુઓને પ્રવેશ નથી મળતો.

રાજીવ ગાંધીએ સોનિયા ગાંધીને મંદિરમાં લઈ જવા ખૂબ ભલામણ કરી, પરંતુ મંદિરના પંડિતોએ તેમને મંદિરની અંદર જવા પરવાનગી ન આપી.

રાજા બિરેન્દ્રના પત્ની રાણી ઐશ્વર્યાએ પણ સોનિયા ગાંધીને મંદિરમાં જવા ન દેવાના નિર્ણય પર કડક વલણ અપનાવ્યું હતું.

રાજીવ ગાંધીએ આ ઘટના બાદ મંદિરમાં દર્શન કર્યા વગર જ પરત ફરવાનું પસંદ કર્યુ હતું.

ત્યારબાદ નેપાળ અને ભારતના સંબંધોમાં ખટાશ આવી. નેપાળમાં ભારત વિરૂદ્ધ પ્રદર્શન થયાં.

જો કે તત્કાલિન વિદેશ પ્રધાન કે. નટવર સિંહ અને રાજા બિરેન્દ્ર વચ્ચે વાટાઘાટો બાદ સંબંધો પૂર્વવત થયા હતા.


લાલ રંગના દોરામાં છે સોનિયા ગાંધીને વિશ્વાસ

Image copyright Getty Images
ફોટો લાઈન લાલ રંગના દોરામાં સોનિયા ગાંધી ખાસ વિશ્વાસ ધરાવે છે

જાન્યુઆરી 2001માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અલાહાબાદના કુંભ મેળામાં શાહી સ્નાન લેવાનું નક્કી કર્યું હતું.

ત્રિવેણીમાં શાહી સ્નાનનાં માધ્યમથી તેમણે સંઘના હિંદુત્વનાં અભિયાનને જવાબ આપ્યો હતો.

આ દરમિયાન સોનિયા ગાંધીની શાહી સ્નાન કરતી, ગંગા પૂજા કરતી, ગણપતિ પૂજા કરતી, કુળ દેવતા અને ત્રિવેણીની પૂજા કરતી કેટલીક તસવીરો પણ લોકો વચ્ચે ફરતી થઈ હતી.

સોનિયા ગાંધી હજુ પણ પોતાની કમર પર લાલ રંગનો દોરો બાંધે છે જે તેમને એક હિંદુ પંડિતે આપ્યો હતો.

સોનિયા ગાંધી લાલ રંગના દોરામાં ખૂબ વિશ્વાસ રાખે છે. તેઓ માને છે કે એ દોરો તેમના પરિવારની રક્ષા કરે છે.

જ્યારે પણ પરિવારમાં કોઈ પ્રસંગ હોય છે, સોનિયા ગાંધી ખાસ બનારસથી પંડિતને બોલાવે છે.

જ્યારે પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાનનો જન્મ થયો હતો ત્યારે પણ સોનિયા ગાંધીએ પૂજા અને નામકરણ માટે પંડિતને બોલાવ્યા હતા.


રાહુલના મંદિર દર્શનના વિવાદ બાદ શું થયું?

વિવાદ મીડિયા પર આવ્યાના થોડા સમયમાં જ ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ તુરંત જ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી.

તેમણે લખ્યું કે, "આખરે રાહુલ ગાંધીએ તેમના ધર્મ અંગે સ્પષ્ટતા આપી દીધી છે. તેમણે નિયમ પ્રમાણે બિનહિદુંઓનાં રજિસ્ટરમાં નામ નોંધાવ્યું છે."

અમિત માલવીયાએ સવાલ પણ કર્યો છે કે, "જો તેમનો હિંદુ ધર્મમાં વિશ્વાસ નથી, તો તેઓ મંદિરોની મુલાકાત લઇને હિંદુઓને મુર્ખ શા માટે બનાવી રહ્યા છે?"

આ ટ્વીટ બાદ તુરંત કોંગ્રેસે પોતાની સક્રિયતા બતાવી.

કોંગ્રેસના ઔપચારિક ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે, "સોમનાથ મંદિરમાં માત્ર એક જ રજિસ્ટરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હસ્તાક્ષર કર્યા છે. અન્ય કોઈ તસવીર સંપૂર્ણપણે બનાવટી અને નકલી છે."

ટેલીવિઝન પત્રકાર બ્રજેશ કુમાર સિંઘે કહ્યું છે, "રાહુલ ગાંધીની સોમનાથ મુલાકાત દરમિયાન તેમના મીડિયા સંયોજક મનોજ ત્યાગીએ બિન હિંદુઓ માટે રખાયેલા રજિસ્ટરમાં અહેમદ પટેલની સાથે રાહુલ ગાંધીનાં નામનો ઉલ્લેખ કર્યો હતો. ચૂંટણીનાં વાતાવરણમાં આ એક મોટી મૂર્ખતા છે."

મનોજ ત્યાગીએ પણ આ મુદ્દા પર નિવેદન જાહેર કરતા કહ્યું કે, "મીડિયા કર્મચારીઓને મંદિરની અંદર લઈ જવા માટે મેં માત્ર મારું નામ રજિસ્ટરમાં નોંધાવ્યું હતું."

"રજિસ્ટરમાં રાહુલ ગાંધી કે અહેમદ પટેલ, કોઈનું નામ ન હતું. એ નામ કદાચ પાછળથી ઉમેરવામાં આવ્યા હશે."

જો કે સોમનાથ મંદિરના જાહેર સંપર્ક અધિકારી ધ્રુવ જોશીએ કહ્યું છે કે, "અહેમદ પટેલ અને રાહુલ ગાંધીનાં નામ બિનહિંદુઓ માટેનાં રજીસ્ટરમાં રાહુલ ગાંધીના મીડિયા કો-ઓર્ડિનેટર મનોજ ત્યાગીએ ઉમેર્યાં હતાં. નિયમ અનુસાર દરેક બિનહિંદુએ સુરક્ષા ગેટ પર પ્રવેશ માટે નામ નોંધાવવું પડે છે."

ઉપરાંત કોંગ્રેસે એ પણ સ્પષ્ટા કરી હતી કે રાહુલ ગાંધીએ જનોઈ ધારણ કરેલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો