ઓસ્ટ્રેલિયાની ઘટના: બેંકની ભૂલથી મહિલા બની કરોડપતિ!

વેસ્ટપેક બૅંક Image copyright Getty Images
ફોટો લાઈન વેસ્ટપેક બૅંકની ભૂલના કારણે એક મહિલાએ 30 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા

બેંકની એક ભૂલ કોઈને કરોડપતિ બનાવી શકે? તો જવાબ છે હા, ઓસ્ટ્રેલિયાની એક બેંકની ભૂલના કારણે એક મહિલા રાતોરાત કરોડપતિ બની ગઈ.

સિડની વિશ્વવિદ્યાલયની પૂર્વ વિદ્યાર્થિનીએ વર્ષ 2012માં એક બૅંક ખાતું ખોલાવ્યું હતું.

વેસ્ટપૅક બેંકની ભૂલના કારણે ક્રિસ્ટીન લી નામની વિદ્યાર્થિનીને અસીમિત ઑવરડ્રાફ્ટની સુવિધા આપી દેવાઈ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

આ ઑવરડ્રાફ્ટની સુવિધાને કારણે તેમણે સમયાંતરે 30 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.

22 વર્ષીય ક્રિસ્ટીન લીએ આ રકમનો મોટો ભાગ જ્વેલરી અને હેન્ડબેગની ખરીદી પર ખર્ચી નાખ્યો હતો.

2015માં બૅંકને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યાં સુધી 11 મહિના વીતી ચૂક્યા હતા. ત્યાં સુધી લી રકમ કાઢી રહ્યાં હતાં.


Image copyright Getty Images
ફોટો લાઈન લીને મળેલી રકમથી તેમણે લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કર્યો હતો

લીએ ઓસ્ટ્રેલિયામાં પાંચ વર્ષ સુધી કેમિકલ એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો હતો. હાલ તેમને દેવાળિયાં ઘોષિત કરી દેવાયાં છે.

લીની વર્ષ 2016માં સિડની એરપોર્ટથી ધરપકડ કરાઈ હતી. તેમનાં પર છેતરપીંડી કરી નાણાંકીય લાભ ઉઠાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

તેમના વકીલે સિડનીની કોર્ટમાં જણાવ્યું કે લી ભલે ઇમાનદાર નથી, પણ તેમણે કોઈ છેતરપીંડી નથી કરી કેમ કે તે બૅંકની ભૂલ હતી.

ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો અને તેનો કેસ ચાલી રહ્યો હતો.

વેસ્ટપેકના એક પ્રવક્તાએ કહ્યું છે કે બૅંકે પૈસાની વસૂલી માટે દરેક શક્ય પગલાં ભર્યા છે.

સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ પ્રમાણે, ગત વર્ષે એક મેજીસ્ટ્રેટે ફરિયાદીઓને કહ્યું હતું કે આ ખર્ચ ગેરકાયદેસર સાબિત નથી થતો.

મેજીસ્ટ્રેટ લિસા સ્ટેપલેટને કહ્યું, "આ અપરાધની કમાણી નથી. આટલી રકમ મેળવવી બધાનું સ્વપ્ન હોય છે."

હાલ ફરિયાદી પક્ષે આ મહિલા પરના આરોપો પરત ખેંચી લીધા છે.

લીના વકીલ હ્યૂગો એસ્ટને કહ્યું છે કે ફરિયાદી પક્ષના આ પગલાંથી તેમને રાહત મળી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો