યુપીમાં ‘પ્રચંડ જીત’ છતાં ભાજપ માટે ચેતવણીની ઘંટડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ Image copyright PTI
ફોટો લાઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ

આઠ મહિના પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનેલા યોગી આદિત્યનાથ માટે રાજ્યની પાલિકાઓની ચૂંટણીને એક મોટી પરીક્ષા ગણવામાં આવતી હતી.

યોગી આદિત્યનાથ એ પરીક્ષામાં માત્ર પાસ નથી થયા. તેમણે વિશેષ યોગ્યતા સાથે એ પરીક્ષા પાસ કરી છે એમ કહેવું ખોટું નહીં ગણાય.

ભારતીય જનતા પાર્ટી(બીજેપી)એ 16 પૈકીનાં 14 નગર નિગમોમાં વિજય મેળવ્યો છે. એ ઉપરાંત નગરપાલિકાઓ અને નગર પંચાયતોમાં પણ કેસરિયો લહેરાયો છે.

અલબત, પરિણામનું વિશ્લેષણ કર્યા બાદ અને હાર-જીતના અંતરને ધ્યાનમાં લીધા બાદ નિરિક્ષકોનું કહેવું છે કે ભાજપને જીત ભલે મળી હોય, પણ તેને વિરોધ પક્ષની હાર કે ભાજપની 'મોટી' જીત ગણવી ન જોઈએ.

તેનું કારણ એ છે કે પાલિકાઓની ચૂંટણીમાં ભાજપની સ્થિતી એ કેન્દ્ર કે રાજ્યમાં સત્તા પર ન હતી ત્યારે પણ ઘણી મજબૂત ગણાતી હતી.


આ ખરેખર 'મોટી' જીત છે?

Image copyright Getty Images
ફોટો લાઈન લોકોના મનની મૂંઝવણને સમજવામાં વિરોધ પક્ષો નિષ્ફળ રહ્યા હોવાનું વિશ્લેષકો કહે છે

2012માં પાલિકાઓની ચૂંટણી પહેલાં જ યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવીને સમાજવાદી પાર્ટીએ પૂર્ણ બહુમત સરકારની રચના કરી હતી.

બીજી તરફ પાલિકાઓની ચૂંટણીમાં ભાજપે નગર નિગમની બારમાંથી દસ બેઠકો જીતી હતી.

બીજું કારણ એ છે કે વિરોધ પક્ષ એક થઈને લડ્યો ન હોવા છતાં બીજેપી 2014ની લોકસભા તથા વિધાનસભા ચૂંટણીની માફક સંપૂર્ણ વિજય મેળવી શકી નથી.

નગર નિગમમાં પણ બીજેપી ત્રણ-ચાર જગ્યાએ મામૂલી સરસાઈથી જીતી છે, જ્યારે નગર પંચાયતો અને નગર પાલિકાઓમાં સમાજવાદી પાર્ટી તથા બીએસપીએ ભાજપને સારી ટક્કર આપી છે.

ભાજપે ઘણી જગ્યાએ કોંગ્રેસના આકરા પડકારનો સામનો પણ કરવો પડ્યો છે.


વિરોધ પક્ષનો દેખાવ ચેતવણી સમાન

Image copyright Getty Images
ફોટો લાઈન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને કોંગ્રેસના ઉપ-પ્રમુખ રાહુલ ગાંધી

સીનિઅર પત્રકાર યોગેશ મિશ્રએ જણાવ્યું હતું કે લોકોના મનમાંની મૂંઝવણને પામવામાં વિરોધ પક્ષ આ ચૂંટણીમાં નિષ્ફળ રહ્યો હતો એ હકીકત છે.

યોગેશ મિશ્રએ કહ્યું હતું, ''અખિલેશ યાદવ અને માયાવતી પ્રચાર માટે નીકળ્યાં જ ન હતાં, જ્યારે યોગી આદિત્યનાથ તથા બીજેપીના સમગ્ર સંગઠને રાત-દિવસ એક કર્યા હતા."

"લોકો રાહ જોતા હતા, પણ ભાજપની તરફેણમાં મજબૂત વલણ વાસ્તવમાં છે કે નહીં એ વિરોધ પક્ષો સમજી શક્યા ન હતા.''

યોગેશ મિશ્રના જણાવ્યા મુજબ, સમાજવાદી પાર્ટીએ નગર પાલિકાઓ અને નગર પંચાયતોની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો છે.

બીજી બાજુ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીનો દમદાર દેખાવ ભાજપ માટે ચેતવણીની ઘંટડી સમાન છે.

યોગેશ મિશ્રએ કહ્યું હતું, ''સંદેશો સ્પષ્ટ છે - દલિત મતદારો માયાવતી પાસે પાછા ફર્યા છે. આવું ચાલુ રહેશે તો મુસ્લિમ મતદારો પણ બહુજન સમાજ પાર્ટી પાસે પાછા ફરશે.

એ ધ્રુવિકરણનો લાભ બીજેપી, તેણે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વખતે લીધો હતો એવી રીતે, નહીં લઈ શકે.''


શરમજનક પરિણામ

Image copyright Getty Images
ફોટો લાઈન એસપી અને બીએપી તેમનો ગઢ ગણાતી ઘણી બેઠકો પર હાર્યાં છે.

એ ઉપરાંત કેટલાંક પરિણામ અત્યંત ચોંકાવનારા અને ભાજપના નેતાઓ માટે શરમજનક છે.

યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુરમાં બીજેપી મેયરપદ જીતી છે, પણ જે વોર્ડમાં યોગી ખુદ મતદાતા છે ત્યાં ભાજપની કારમી હાર થઈ છે.

નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યના મતવિસ્તાર કૌશાંબીમાં નગર પંચાયતની છમાંથી એકેય બેઠક ભાજપ જીતી શક્યો નથી.

એ રીતે તો રાહુલ ગાંધીના ગઢ અમેઠીમાં કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી તેમનો ગઢ ગણાતી ઘણી બેઠકો પર હાર્યાં છે.

તેમ છતાં જાણકારો માને છે કે સૌથી વધુ વિચાર ભાજપે કરવો પડશે.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં અંદાજે 43 ટકા મતદારોનું સમર્થન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્ય ભાજપને સોંપી ગયા હતા.

એ લોકસમર્થન જાળવી રાખવામાં નિષ્ફળતા કેમ મળી એ ભાજપે વિચારવું પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો