પ્રેસ રિવ્યૂ : ગુજરાત ચૂંટણીમાં 150 બેઠકો જીતવાનો અમિત શાહનો દાવો

અમિત શાહની તસવીર Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ને આપેલા એક ઇન્ટરવ્યુમાં, ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું કે ગુજરાત આ વખતે જાતિવાદ પર નહીં, પરંતુ વિકાસવાદ પર મત આપશે.

શાહે જણાવ્યું હતું કે, લોકો ભલે કંઈ કહે પણ ગુજરાતમાં 'વાઇબ્રન્ટ ગુજરાત'ને કારણે ઔદ્યોગિક વિકાસ થયો જ છે.

શાહે વધુમાં જણાવ્યું હતું કે મીડિયામાં આવતા અહેવાલોથી તેમને ફરક નથી પડતો અને ભાજપ ગુજરાતની ચૂંટણીમાં 150 બેઠકો જીતશે.

અમિત શાહને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પક્ષ ગુજરાતમાં વિરોધી પ્રવાહનો સામનો કરી રહ્યો છે કે કેમ? તે અંગે જવાબ આપતા તેમણે કહ્યું કે, વિરોધ એમનો થાય છે જે જમીન પર કામ કરતા નથી.

'જૈન-જનોઈ'ના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે તેની ચર્ચા માત્ર મીડિયા કરી રહ્યું છે, જનતા નહીં.

તમને આ પણ વાંચવું ગમશે

દરમિયાન 'ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' સાથેની વાતચીતમાં અમિત શાહે સવાલ ઉઠાલ્યો કે રાહુલ ગાંધી દિલ્હીનાં મંદિરોમાં કેમ નથી જતાં?

અમિત શાહે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીના ધર્મ પરના વિવાદ પાછળ તેમની પાર્ટીનો હાથ નથી. વધુમાં અમિત શાહે કહ્યું કે તેમનો પરિવાર છ પેઢીથી હિંદુ છે.

તેમણે ઉમેર્યું, "રાહુલ ગાંધીએ અચાનક જેનોઈની વાત છેડી છે તેનાથી કોઈ સમસ્યા નથી, અમને આશા છે કે તેમની માતાને પણ આ મામલે કોઈ સમસ્યા નહીં હશે."


રાહુલની મંદિર મુલાકાત

Image copyright Getty Images

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વાર પાંચમી ડિસેમ્બરથી ગુજરાત પ્રવાસ કરશે.

'સંદેશ'ના અહેવાલ અનુસાર, રાહુલ ગાંધી કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રવાસ ખેડવાના છે.

બીજા દિવસે તેઓ તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં, જ્યારે સાતમી ડિસેમ્બરે મધ્ય ગુજરાતમાં પ્રચાર કરશે. આ ગાળામાં તેઓ અમુક મંદિરોની પણ મુલાકાત લેશે.

અહેવાલ અનુસાર, કોંગ્રેસે સોફ્ટ હિંદુત્વનું વલણ અખ્તિયાર કર્યું છે, જેના ભાગરૂપે રાહુલ ગાંધી અવારનવાર મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે.

તેઓ મધ્ય ગુજરાતમાં આદિવાસીઓના મુદ્દાઓ પર પણ પ્રચાર કરવાના છે.


'PMની વાત સહાનુભૂતિ સ્ટન્ટ'

Image copyright Getty Images

'સંદેશ'માં પ્રકાશિત અહેવાલ મુજબ, ભાજપના વરિષ્ઠ નેતા યશવત સિંહાએ અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે લેખ લખી વડા પ્રધાન મોદીની ટીકા કરી હતી.

મોદીએ એક કાર્યક્રમમાં સરકારનાં ક્રાંતિકારી નિર્ણયોની રાજકીય કિંમત ચૂકવવા તેઓ તૈયાર હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2017-18ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી 5.7 ટકાથી વધીને 6.3 ટકા થયાના સમાચાર આવ્યા હતા.

સિંહાએ આ સંદર્ભમાં સવાલો ઉઠાવતા લખ્યું હતું કે, જો અર્થવ્યવસ્થાની હાલત સારી હોય તો વડાપ્રધાને રાજકીય કિંમત શા માટે ચૂકવવી પડે?

શું આ ગુજરાતની ચૂંટણીનાં સંદર્ભમાં લોકોની સહાનુભૂતિ મેળવવા માટે વડાપ્રધાનની કોશીશ તો નથીને?


મોદી સરકારમાં બેરોજગારી અને ટેક્સ ટેરરિઝમ

Image copyright Getty Images

'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ મુજબ, માજી વડાપ્રધાન અને નાણા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે સુરતની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે મોદી સરકારની નીતિઓની ભારે ટીકા કરી હતી.

મનમોહનસિંઘે જીએસટી, નોટબંધી અને અન્ય આર્થિક નીતિઓ પર મોદી સરકારની ટીકા કરી.

તેમણે સુરત અંગે કહ્યું કે શહેરે મોદી સરકારના અન્યાયનો સારો એવો વિરોધ કર્યો છે.

સિંઘે કહ્યું કે, વધુ રોકાણ એ વિકાસનો માપદંડ નથી અને દેશમાં બેરોજગારી અને ટેક્સ ટેરરિઝમ આવ્યાં છે.

મનમોહન સિંઘને ટાંકીને અહેવાલમાં વધુમાં લખ્યું છે કે, ખેડૂતોની આવક બમણી કરવાનું મોદીનું વચન પોકળ સાબિત થયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો