'રાહુલ ગાંધીને હિંદુ ન ગણનારા વરુણ ગાંધીને શા માટે હિંદુ ગણે છે?'

ઇમેજ સ્રોત, FACEBOOK/RAHUL GANDHI
રાહુલ ગાંધીએ તાજેતરમાં સોમનાથ મંદિરની મુલાકાત લીધી અને વિવાદ સર્જાયો હતો. જે અનુસાર રાહુલે મંદિરના રજિસ્ટરમાં કથિત રીતે 'બિનહિંદુ' તરીકે એન્ટ્રી કરી હતી
સોશિઅલ મીડિયામાં પણ આ વિવાદ વકરાવવા એ રજિસ્ટરની તસવીર ફરવા લાગી. જેમાં રાહુલ ગાંધીએ કથિત રીતે બિનહિંદુ તરીકે નોંધ કરી હતી.
જેને પગલે કોંગ્રેસે બચાવની સ્થિતિમાં આવી જવું પડ્યું હતું. કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી રાહુલે મંદિરના રજિસ્ટરમાં કરાયેલી એન્ટ્રીની તસવીર પોસ્ટ કરવામાં આવી હતી.
આ સાથે જ કોંગ્રેસ દ્વારા સોશિઅલ મીડિયા પર ફરી રહેલી સંબંધીત તસવીરને બનાવટી પણ ગણાવાઈ હતી.
તમને આ વાંચવું પણ ગમશે:
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરીષદ સંબોધીને જણાવ્યું હતું,
'રાહુલ ગાંધી જનોઈધારી હિંદુ છે.’
'અમિત શાહ તો જૈન છે'
ઇમેજ સ્રોત, Getty Images
અને ભાજપ સાચા મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.'
કોંગ્રેસના અન્ય એક નેતા રાજ બબ્બર પણ રાહુલના બચાવમાં ઊતરી આવ્યા હતા.
બબ્બરે રાહુલનો બચાવ કરીને અમિત શાહ પર નિશાન તાક્યું અને કહ્યું, 'અમિત શાહ હિંદુ નહીં જૈન છે. જે સંપૂર્ણ રીતે જુદો ધર્મ છે.'
'વિવાદમાં ભાજપ ક્યાંય નથી'
ઇમેજ સ્રોત, TWITTER/AMIT SHAH
આ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના પરિવારને શિવભક્ત ગણાવી વિવાદનો અંત લાવવા પ્રયાસ કર્યો હતો.
વિવાદના આ વંટોળ વચ્ચે એક ખાનગી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ વિવાદમાં ભાજપ ક્યાંય ન હોવાનું જણાવ્યું છે.
શાહે એવી પણ આશા વ્યક્ત કરી કે રાહુલ ગાંધી ચૂંટણી બાદ પણ મંદિરમાં જવાનું ચાલુ રાખશે.
આપને આ વાંચવું પણ ગમશે :
'વરુણ હિંદુ તો રાહુલ બિનહિંદુ કઈ રીતે?'
ઇમેજ સ્રોત, Getty Images
આ સમગ્ર વિવાદને બીબીસીએ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરી હતી.
દયાળે કહ્યું, 'કોંગ્રેસની છાપ મુસલમાન તરફી પક્ષ હોવાની છે. જેનો સીધો જ ફાયદો હિંદુ મતદારોનાં રૂપે ભાજપને મળે છે.
પણ હવે કોંગ્રેસ પણ સોફ્ટ હિંદુત્વ તરફ વળી છે. ત્યારે ભાજપના હિંદુ મતો કોંગ્રેસ તરફ ના વળે એ માટે આવા વિવાદોને હવા આપવામાં આવે છે.'
રાહુલ ગાંધીના ધર્મને લઈને ઊભા થયેલા વિવાદ અંગે વાત કરતા દયાળ પૂછે છે, ''વરુણ ગાંધીને હિંદુ તરીકે સ્વીકારનારા લોકો રાહુલના ધર્મ પર કેમ સવાલ કરે છે.
વરુણ અને રાહુલના દાદા એક જ હતા અને જો વરુણ હિંદુ હોય તો રાહુલ બિનહિંદુ કઈ રીતે બની જાય?''
'સોફ્ટ હિંદુત્વ સારી બાબત'
ઇમેજ સ્રોત, INC TWITTER
વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્માએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાહુલ ગાંધીએ જે રીતે કહ્યું એ રીતે ધર્મ વ્યક્તિગત બાબત છે.
'કોંગ્રેસ એ દર્શાવવા પ્રયાસ કરી રહી છે કે તે મુસ્લિમોનું તુષ્ટીકરણ નથી કરતી. કોંગ્રેસ હિંદુઓની વિરુદ્ધમાં પણ નથી.'
શર્માના મતે 'સોફ્ટ હિંદુત્વ' તરફ વળવું એ કોંગ્રેસ માટે એક સારી બાબત છે.
તેમણે કહ્યું, “સંઘનાં આંતરિક સૂત્રોએ મને જણાવ્યું કે રાહુલની ભરૂચની સભામાં હિંદુઓ પણ મોટી સંખ્યામાં ભેગાં થયાં હતાં.
“ભરૂચમાં સામાન્ય રીતે કોંગ્રેસની છાપ મુસ્લિમ તરફી પાર્ટીની છે. અહીં રાહુલની સભામાં હિંદુઓની સંખ્યા વધવા પાછળ 'સોફ્ટ હિંદુત્વ'નું કાર્ડ કામ કરી રહ્યું હોવાનું પણ સંઘના સુત્રોનું માનવું છે.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો