મોદીની આમોદ સભા : બુલેટ ટ્રેનમાં બેસી 'વિકાસ' ભરૂચમાં હુલ્લડોને મળ્યો

બુલેટ ટ્રેન પાસે મોદી અને શિંજો એબેની પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચના આમોદમાં જાહેરસભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે ગુજરાતમાં વિકાસ, બુલેટ ટ્રેન અંગે વાત કરી હતી. સાથે જ તેમણે આમોદમાં થયેલા કોમી રમખાણોની પણ યાદ અપાવી હતી.

વડા પ્રધાને નામ લીધા વગર રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.

રવિવારે મોદીની સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ જાહેરસભાઓ યોજાવાની છે.

તમને આ પણ વાંચવું ગમશે

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન તા. 9મી ડિસેમ્બરે યોજાશે. આ તબક્કા માટે તા. 7મી ડિસેમ્બરે ચૂંટણી પ્રચાર અભિયાન સમાપ્ત થશે.


ભાઈ ભાઈને લડાવ્યા

Image copyright Getty Images

મોદીએ કહ્યું, "કોંગ્રેસે શહેર સાથે ગામડાંને, શિક્ષિત સાથે અશિક્ષિતને, અમીર ને ગરીબ સાથે, એક જાતિના લોકોને બીજી જાતિના લોકો સાથે, એક સમુદાયના લોકોને બીજા સમુદાયના લોકો સાથે અને ભાઈ ભાઈને લડાવ્યા છે.

"ભરૂચ અને આમોદમાં છાશવારે હુલ્લડ થતાં. મહિનાઓ સુધી કર્ફ્યુ રહેતો. બહેન અને દીકરીની સલામતીની ચિંતા રહેતી. સ્કૂટર પર મેં આમોદની સ્થિતિ જોઈ છે.

"ગુજરાતમાં કચ્છ અને ભરૂચ એવા જિલ્લા છે, જ્યાં મુસ્લિમોની સૌથી વધુ વસતિ છે અને મારા મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળમાં સૌથી વધુ ઝડપે આ બે જિલ્લાઓએ જ પ્રગતિ કરી છે."

મોદીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં શાંતિ અને સલામતિ સાથેનું શાસન ભાજપ સરકારે આપ્યું છે.


બુલેટ ટ્રેન દ્વારા ભરૂચનો વિકાસ

Image copyright Getty Images

મોદીએ કહ્યું, "જેમને બુલેટ ટ્રેન સામે વાંધો હોય તેઓ બળદગાડામાં ફરે. બુલેટ ટ્રેન ભરૂચમાંથી પસાર થશે એટલે સ્થાનિકોનો વિકાસ થશે અને તેમને કામ મળશે.

કોંગ્રેસે પણ 2012ની ચૂંટણીઓ પહેલા બુલેટ ટ્રેનની જાહેરાત કરી હતી, પરંતુ તેઓ જાપાન પાસેથી નાણા મેળવી શક્યા ન હતા.દહેજ પીસીપીઆર કરતા ચાર ગણું રોકાણ બુલેટ ટ્રેન માટે થવાનું છે."

કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની પ્રતિમા જોવા જનારા પર્યટકોને કારણે ભરૂચને વિકાસનો લાભ મળશે, તેમ પણ વડાપ્રધાને ઉમેર્યું હતું.


અહેમદ પટેલ પર પ્રહાર

Image copyright Getty Images
ફોટો લાઈન ફાઇલ તસવીર

વડાપ્રધાને નામ લીધા વગર રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

મોદીએ કહ્યું, "કોંગ્રેસના સર્વોચ્ચ નેતા તેમને પૂછ્યા વિના પાણી ન પીવે, વડા પ્રધાનના ઘરના દરવાજા હંમેશા માટે તેમના માટે ખુલ્લા રહેતા, છતાંય તેઓ ભરૂચ જિલ્લાની પ્રગતિ વિશે વિચારી શક્યા?"

"જ્યારે ઉત્તર ગુજરાતમાં પૂર આવ્યું, ત્યારે ધારાસભ્યો એ નેતાને બચાવવા બેંગલૂરુમાં જઈને બેઠા હતા."

"તેઓ નર્મદા પર બ્રિજ બનાવી શક્યા? ઘોઘા-દહેજ ફેરી સર્વિસનો વિચાર કરી શક્યા? એમણે જે કર્યું તે આખો ભરૂચ જિલ્લો જાણે છે."


નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરમાં આપેલાભાષણના મુખ્ય મુદ્દા

Image copyright AFP
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર
  • ગુજરાતના ઇતિહાસમાં કોંગ્રેસને પડેલા મરણતોલ ફટકા કરતા પણ મોટો ફટકો કોંગ્રેસને આ ચૂંટણીમાં મળશે.
  • કોંગ્રેસમાં અધ્યક્ષની ચૂંટણી થશે અને તેનું પરિણામ નિશ્ચિત છે કે તેમાં એક પરિવારનો ગજ વાગશે.
  • લોકશાહીની વાત કરી રહેલી પાર્ટીમાં જ આંતરિક લોકશાહી માટે અવાજ ઊઠી રહ્યા છે.
  • કોંગ્રેસે સરદાર પટેલને અન્યાય કરી નહેરુને વડાપ્રધાન બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસની સરકારમાં મોરારજીભાઈ બહુમતીથી ચૂંટાઈને વડાપ્રધાન બનવા માટે સક્ષમ હોવા છતાં તેમને વડાપ્રધાન નહોતા બનાવવામાં આવ્યા.
  • અલાહાબાદની કોર્ટે ઇન્દિરા ગાંધીને ચૂંટણી લડવા માટે અમાન્ય ગણાવ્યા હતા. પોતાની ખુરશી બચાવવા દેશ પર કટોકટી લાદવામાં આવી અને દેશને 19 મહિના માટે જેલ બનાવી દેવાયો હતો.
  • મોરારજી દેસાઈ, જયપ્રકાશ, જ્યૉર્ડ ફર્નાન્ડીસ. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓને જેલમાં ધકેલવામાં આવ્યા હતા.
  • ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં બે યુવાનોએ સભામાં ગુજરાતનાં ગધેડાં એવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. એ લોકો અમને ગધેડાં કહે તેનો અમને ગર્વ છે. ગધેડો ભેદભાવ ન કરે.
  • તેની પીઠ પર જે પણ રાખો તેનું વહન કરે છે. આવા શબ્દો બોલનારા ગુજરાતના મિજાજને જાણતા નથી. કોઈ ગુજરાતની અસ્મિતાને છેડે તો અમે તેમને છોડતા નથી.
  • પંડિત નહેરુના સ્વર્ગવાસ પછી ગુજરાતમાં સ્વતંત્ર પક્ષ ઉભો થયો. દિગ્વિજયસિંહ, ફતેસિંહજી ગાયકવાડ અને ભાઈકાકાએ સ્વતંત્ર પક્ષ સ્થાપ્યો હતો. ત્યારે પાટીદારો અને ક્ષત્રિયોની એકતાના કારણે 1967ની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા મેળવવામાં ખૂબ મુશ્કેલીઓ આવી હતી. ત્યાર સુધી ગુજરાતમાં જાતિવાદનું ઝેર નહોતું. બાદમાં કોંગ્રેસે જ્ઞાતિવાદનાં બીજ રોપ્યા, જેમાંથી બહાર આવતા ગુજરાતને બે દાયકા લાગ્યા.
  • એક પટેલના કહેવાથી ક્ષત્રિયોએ તેમનાં રજવાડાં ભારતીય સંઘરાજ્યને આપ્યા હતા. કોંગ્રેસ સત્તા મેળવવા માટે હુલ્લડોને પ્રોત્સાહન આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો