શું ભાજપ અધ્યક્ષની ચૂંટણી વધુ લોકતાંત્રિક હોય છે?

રાહુલ ગાંધી અને અમિત શાહ Image copyright Getty Images
ફોટો લાઈન ભાજપ-કોંગ્રેસમાંથી કઈ પાર્ટીમાં અધ્યક્ષ પદની પસંદગી વધુ લોકતાંત્રિક રીતે થાય છે?

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદ માટે પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની ઉમેદવાદી નોંધાવી દીધી છે.

ગત દિવસોમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના સચિવ શહેઝાદ પૂનાવાલાએ પાર્ટીનાં શીર્ષ પદની ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે એક વ્યક્તિની પસંદગી માટે 'ચૂંટણીનું નાટક' કરવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધી નેહરુ-ગાંધી પરિવારની પાંચમી પેઢીના સભ્ય અને છઠ્ઠા વ્યક્તિ છે, જેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે.

સોનિયા ગાંધી 1998થી કોંગ્રેસના અધ્યક્ષ છે જ્યારે આ દરમિયાન ભાજપમાં આઠ અધ્યક્ષ બની ચૂક્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

તેમાં કુશાભાઊ ઠાકરે, બંગારુ લક્ષ્મણ, જના કૃષ્ણમૂર્તિ, વૈંકેયા નાયડૂ, લાલ કૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને અમિત શાહનો સમાવેશ થાય છે.

તેવામાં સવાલ ઊઠે છે કે આખરે ભાજપ અને કોંગ્રેસમાંથી કઈ પાર્ટીમાંથી અધ્યક્ષ પદની પસંદગી વધુ લોકતાંત્રિક રીતે કરાય છે?


કોંગ્રેસમાં કેવી રીતે થાય છે અધ્યક્ષ પદની ચૂંટણી

Image copyright Getty Images
ફોટો લાઈન રાહુલ ગાંધી નેહરુ-ગાંધી પરિવારના છઠ્ઠા વ્યક્તિ છે કે જેઓ પાર્ટીના અધ્યક્ષનું પદ સંભાળશે

કોંગ્રેસના સભ્ય શહેઝાદ પૂનાવાલા આરોપ લગાવી ચૂક્યા છે કે કોંગ્રેસનાં બંધારણ અનુસાર અધ્યક્ષ પદ માટે પસંદગી નહીં, ચૂંટણી થાય છે.

કોંગ્રેસનાં બંધારણ અનુસાર અધ્યક્ષ પદની ચૂંટણી માટે સૌથી પહેલા એક રિટર્નિંગ અધિકારીની નિમણૂક થાય છે.

પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્ય અધ્યક્ષ પદના ઉમેદવાર માટે પ્રસ્તાવક બની શકે છે.

કોઈ પણ દસ સભ્યો અધ્યક્ષ પદ માટે કોઈ પણ ઉમેદવારનું નામ આગળ કરી શકે છે.

કોંગ્રેસનાં અધ્યક્ષ પદની ચૂંટણી એ બધા જ લોકો માટે ખુલ્લી હોય છે જેમની પાસે પ્રદેશ કોંગ્રેસ કમિટીના 10 સભ્યોનું સમર્થન હોય.


પસંદગીની પ્રક્રિયા

Image copyright INC TWITTER
ફોટો લાઈન કોંગ્રેસમાં કોઈ પણ દસ સભ્ય અધ્યક્ષ પદ માટે કોઈ પણ ઉમેદવારનું નામ આગળ કરી શકે છે

તેમાંથી કોઈ પણ વ્યક્તિ સાત દિવસની અંદર પોતાનું નામ પરત ખેંચી શકે છે.

ત્યારબાદ રિટર્નિંગ અધિકારી એ નામોને પ્રદેશ કોંગ્રેસ કમિટી પાસે મોકલે છે.

જો નામ પરત લીધા બાદ અધ્યક્ષ પદ માટે માત્ર એક જ ઉમેદવાર રહે તો તેને અધ્યક્ષ માનવામાં આવે.

પરંતુ જો બે કરતાં વધારે લોકો હોય છે તો કોંગ્રેસ વર્કિંગ કમિટી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના બધા સભ્યો ભાગ લે છે.

તેની પ્રક્રિયા ખૂબ જટિલ છે અને આજ દિન સુધી કોંગ્રેસના ઇતિહાસમાં આ પ્રકારની પરિસ્થિતિ ક્યારેય ઊભી નથી થઈ.

વરિષ્ઠ પત્રકાર રાશીદ કિદવઈના જણાવ્યા અનુસાર એક વખત જિતેન્દ્ર પ્રસાદે પણ સોનિયા ગાંધી વિરૂદ્ધ અધ્યક્ષ પદની ચૂંટણી લડવા પ્રયાસ કર્યો હતો.

પરંતુ પ્રદેશ કોંગ્રેસ કમિટીના દરવાજા બંધ મળ્યા હતા.

રાશીદ કિદવઈની માહિતી અનુસાર તે જ સમયે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે પસંદગીની પ્રક્રિયાને ચૂંટણીમાં ફેરવવાના પ્રયાસમાં કોંગ્રેસના શું હાલ થાય છે.


કોંગ્રેસમાં બળવો

Image copyright Getty Images
ફોટો લાઈન અમિત શાહ પહેલા ચૂંટાયા હતા, ત્યારબાદ રાષ્ટ્રીય કાર્યકારિણીએ અધ્યક્ષપદે તેમના નામ પર મહોર લગાવી હતી

વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્માના જણાવ્યા અનુસાર યુવા કોંગ્રેસમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી કરાવાનો પ્રયાસ રાહુલ ગાંધીએ પણ કર્યો હતો.

પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ. ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં બળવો શરૂ થઈ ગયો.

વિનોદ શર્માના આધારે કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણીની પ્રક્રિયા શું હોય છે, તેનું કોઈ મહત્વ નથી.

કોંગ્રેસ વર્કિંગ કમિટી પાસે અધિકાર હોય છે કે તે કોઈને પણ અધ્યક્ષ પદ માટે પસંદ કરી શકે છે. જો કે ત્યારબાદ AICCએ તેના પર મહોર લગાવવી પડે છે.

વિનોદ શર્મા કહે છે કે આ માત્ર કોંગ્રેસમાં જ નહીં પરંતુ ભાજપમાં પણ થાય છે.

તેમના મતે અમિત શાહ પહેલા ચૂંટાયા હતા અને ત્યારબાદ રાષ્ટ્રીય કાર્યકારિણીએ તેમના નામ પર મહોર લગાવી હતી.


કેવી રીતે થાય છે ભાજપ અધ્યક્ષની પસંદગી?

Image copyright INDRANIL MUKHERJEE/ GETTY IMAGE
ફોટો લાઈન ભાજપમાં પંદર વર્ષ સુધી પાર્ટીના સભ્ય રહી ચૂકેલા વ્યક્તિ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે

ભાજપના બંધારણ અનુસાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એ જ વ્યક્તિ બની શકે છે કે જેઓ ઓછામાં ઓછા પંદર વર્ષ સુધી પાર્ટીની સભ્ય રહી હોય.

ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે.

તેમાં રાષ્ટ્રીય પરિષદના સભ્યો અને પ્રદેશ પરિષદોના સભ્યો સામેલ હોય છે.

ભાજપના બંધારણમાં એ પણ લખવામાં આવ્યું છે પસંદગી મંડળમાંથી કોઈ પણ વીસ સભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી લડનારા વ્યક્તિના નામ અંગે સંયુક્ત રૂપે પ્રસ્તાવ મૂકી શકે છે.

આ સંયુક્ત પ્રસ્તાવ ઓછામાં ઓછા એવા પાંચ પ્રદેશોમાંથી આવવો જરૂરી છે જ્યાં રાષ્ટ્રીય પરિષદની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી હોય.

સાથે જ નૉમિનેશન પત્ર પર ઉમેદવારની સ્વીકૃતિ ચોક્કસપણે હોવી જોઈએ.

એનડીટીવીના રાજકીય બાબતોના તંત્રી અખિલેશ શર્માના જણાવ્યા અનુસાર, "ભાજપમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણી સામાન્ય અભિપ્રાયથી થાય છે."

"તેમાં RSSની મહત્વની ભૂમિકા હોય છે. ભાજપના નેતા એક નામ નક્કી કરે છે જેના અંતે RSS મહોર લગાવે છે."

Image copyright Getty Images
ફોટો લાઈન યુવા કોંગ્રેસમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી કરાવાનો પ્રયાસ રાહુલ ગાંધીએ પણ અગાઉ કર્યો હતો

ભાજપના ઇતિહાસમાં આજ દિન સુધી ચૂંટણીની નોબત નથી આવી. તેને જ ભાજપ આતંરિક લોકતંત્રનું નામ આપે છે.

અખિલેશ શર્મા જણાવે છે, "રાજનાથ સિંહ જ્યારે ભાજપના અધ્યક્ષ બન્યા હતા, તે સમયે માનવામાં આવતું હતું કે નીતિન ગડકરીને બીજી વખત અધ્યક્ષ પદ મળવાનું છે."

"તેના માટે ભાજપે પોતાનાં બંધારણમાં સંશોધન પણ કર્યું હતું. તે સમયે ભાજપ નેતા યશવંત સિંહા પણ અધ્યક્ષ પદ માટે નૉમિનેશન દાખલ કરવાના હતા.

"પરંતુ અંતે તેમને મનાવી લેવાયા હતા અને ચૂંટણીની નોબત આવી નહોતી."

અખિલેશ માને છે કે આંતરિક લોકતંત્રની પરિભાષા દરેક પાર્ટીની અલગ અલગ હોય છે.

પરંતુ વંશવાદ ધરાવતી પાર્ટીની સરખામણીએ ભાજપ તેમજ ડાબેરી પક્ષોમાં આંતરિક લોકતંત્ર થોડું વધારે છે.

ભાજપ અને લેફ્ટ જેવી પાર્ટીઓમાં સામાન્ય અભિપ્રાયનો નિર્ણય ખરેખર બહુમતનો નિર્ણય હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો